ફૂલ, ફૂલ અને બસ ફૂલ – શરીફા વીજળીવાળા


 

 ફૂલ, ફૂલ અને બસ ફૂલ – શરીફા વીજળીવાળા

[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2009માંથી સાભાર.]

‘પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં’ એવું ઉમાશંકર જોશીએ ભલે કહ્યું હોય પણ મને તો નાનપણથી લઈને આજ સુધી, ગમે તેટલા કામની વચ્ચે પણ ફૂલ-ઝાડ માટે વખત મળી જ રહ્યો છે. આમ તો હું ગયા કે આવતા એવા કોઈ ભવમાં નથી માનતી. મને કાયમ માત્ર ‘આજ’માં જીવવામાં જ જલસા પડે છે પણ આ ફૂલ-ઝાડ પ્રત્યેના પ્રેમે મને શંકામાં નાખી છે કે હો ન હો પણ ગયા ભવમાં હું નક્કી માળી હોઈશ ! નહીંતર ફૂલઝાડ માટે આટલું ગાંડપણ તો ન જ હોયને ? હું તો મૂળે કાઠિયાવાડના ખોબા જેવડા ગામનો જીવ…. આવળ, બાવળ, બોરડી અને ઈંગોરિયાના પ્રદેશની રહેનારીને ફૂલ પ્રત્યે આટલી માયા કેમ જાગી ? પણ ભાઈ જાગી.

ઘરના ફળિયામાં જતનથી ઉછેરેલાં લાલ-પીળા ગલગોટા, જાસૂદ કે ગુલાબથી માંડીને ઘરની બહાર ફેલાયેલા અડાબીડ વગડાના આવળ, બાવળ, ધતૂરો, કેરડો, અરણી કે આંકડો…. મને આ બધાં ફૂલ ગમે. કાઠિયાવાડની બાળી નાખતી લૂ અને કાળઝાળ તડકાનો તાપ ઝીલીને લહેરથી ડોકાં હલાવતી પીળી ધમરખ આવળના વૈભવ સામે મને કાયમ તડકો હારીને નિમાણો થઈ જતો લાગ્યો છે. કોઈના પણ હાથ-પગ મોચવાય એટલે એક જ ઉપાય. આવળના ડોડવા (કળીઓ) મીઠા સાથે વાટી ચૂલા પર ખદખદાવીને લેપ કરી દો…. ત્રણ દા’ડામાં પીડા ઊડન છૂ… ડાક્ટર કેવા ને વાત કેવી ?

સરગવાની શિંગો શાક-દાળ-કઢીમાં વાપરનારાઓ કદી ફૂલથી ફાટી જતા સરગવા હેઠે બેઠા હશે ખરા ? એની મદહોશ કરી દેતી સુગંધ લાંબો સમય વેઠી ન શકાય. વર્ષો પછી હોસ્ટેલના આંગણામાં વાવેલી રાતરાણીએ મને બરાબર આવો જ અનુભવ કરાવ્યો. માથું ભમાવી દેતી એની એકધારી સુગંધની લહેરથી થાકીને મારે એની જગ્યા બદલવી જ પડેલી. અરણીનાં (અમે કાઠિયાવાડીઓ એને ‘અયણી’ કહીએ) ફૂલ સરગવા જેવા જ ધોળા રંગનાં… પણ એની સુગંધ બહુ મંદ-મીઠી… તમે વાડ પાસેથી પસાર થાઓ અને જો તમે અરણીની સુગંધની નોંધ ના લો તો તમારા હોવા વિશે શંકા કરવી. ઘરમાં કોઈની પણ આંખ આવી હોય…. ઉપાય એક જ, અરણીનાં પાનની થેપલી…. નાનપણમાં અરણીનાં પાંદડાં તોડતી વખતે મેં એટલી તો સુગંધ ભરી લીધી છે શ્વાસમાં કે હજીયે ક્યારેક ઉચ્છવાસમાં અરણી ઠલવાતી હોય એવું લાગે છે.

હાથલિયા થોરના લાલચટ્ટાક જિંડવાની શોભા પણ અનેરી અને સ્વાદ પણ મધમીઠો…. પણ જો લાળ કાઢીને ખાતાં ન આવડે તો આ જિંડવા જીભને પણ પોતાના જેવી જ લાલચટ્ટાક કરી દે. શહેરમાં કૂંડામાં એકાદ કેક્ટ્સ ઉછેરનારા જો ખેતરે ખેતરે હાથલિયા થોરનાં જિંડવાનો ઠાઠ જુએ તો ઘેલા જ થઈ જાયને ? અથાણામાં કેરડાં ખાનારાઓએ આછા ટામેટા રંગનાં ફૂલોથી લચી પડેલ કેરડાનું જાળું જોયું હોય તો કદાચ સ્વાદ બેવડાઈ જાય ! કોઈ જાતની માવજત વગર અક્કડ ડોકે જ્યાં ને ત્યાં ઊગી નીકળી સતત હાજરી નોંધાવતાં ધતૂરાનાં ધોળાં ફૂલ અને પીળી કરેણની કિંમત શ્રાવણ મહિનામાં વધી જાય, કારણ કે પેલા જોગીને એ જ ફૂલ ખપે…. આંકડાનાં જરાક જાંબલી ઝાંયવાળાં ધોળાં ફૂલ શનિવારે ચૂંટાઈ જાય હનુમાનજી વાસ્તે….

ગામડું છોડીને વડોદરા ભણવા ગઈ ત્યારે 10-12 વર્ષ ફૂલો સાથેનો સીધો નાતો તૂટી ગયો. પણ સુરતની હોસ્ટેલે મને ‘તાકાત હોય તેટલાં વાવી બતાવ’ના પડકાર સાથે વિશાળ વગડાઉ જમીન આપી. ને વિદ્યાર્થિનીઓની મદદથી બે જ વર્ષમાં તો અમે કોઈને પણ ઈર્ષા આવે એવો વિશાળ બગીચો ઉગાડી દીધો. હવે નવાં ફૂલોની ઓળખાણ થઈ. ફૂલો પ્રત્યેના લગાવમાં ઘટાડો થવાને બદલે હાથે ઉછેરેલાં ફૂલોની આસક્તિ વધી. આમ તો મને ઋતુએ ઋતુનાં ફૂલ ગમે પણ અમુક ફૂલ પ્રત્યે જરાક પહેલા ખોળાનાં હોય એવી માયા. આમ તો મારા વીઘા જેવડા ફળિયામાં મેં માત્ર ફૂલ જ ફૂલ વાવ્યાં છે ને તોય નવે-ડિસે. મને કાયમ બહુ આકરા લાગે. ગલગોટા ને બારમાસી સિવાયનાં તમામ ઝાડવાં પાણી જાણે તળમાં પેસી ગયાં હોય એવાં મરિયલ થઈ જાય. જરાક પણ તડકો ના હોય, ગમે તેટલું પાણી પીવડાવો તોય એવાં ને એવાં નિમાણાં લાગે. આખા બગીચામાં નજર નાખું ને હૈયું બેસી જાય…. રોજના પગમાં અટવાતાં દૈયડ અને ફૂલસૂંઘણી પણ ગાયબ થઈ જાય…. રહે માત્ર બુલબુલ…. આંખને કાયમ ટાઢક દેનારી તગરી પણ આ સમયગાળામાં કોણ જાણે કેમ પણ ફૂલ ચોરી લ્યે જાણે ! મને બઉ અડવું અડવું ને અણોહરું લાગે. આમેય ફૂલને બઉ ઝીણી નજરે જોવાની મારી રોજની આદત. પીળાં જાસૂદનાં ફૂલ વચ્ચેના મસૃણ રંગને આંગળીનાં ટેરવાંથી હાથ ફેરવું ત્યારે એ મસૃણતા રૂંવે રૂંવે રેલાઈ જાય…. એકઝોરાના બે ખોબામાં ન સમાય એવા ગોટાના રંગમાં જરાક અમસ્તો ફેર પણ મારી નજર પકડી પાડે. હવે આવા જીવને ફૂલ વગરનો બાગ કેવો તો આકરો લાગે ?

પણ મારી આ બે મહિનાની કસોટી કાંચનારે ઉકેલી દીધી. આમ તો કાંચનારની મોસમ પણ ફેબ્રુઆરીના અંતે બેસે પણ મારા વાવેલા ચારમાંથી બે કાંચનારે જાણે મારા હૈયાનો આ સૂનકાર સાંભળી લીધો હોય એમ ડિસેમ્બર બેસે ન બેસે ત્યાં તો એ બેઉ વારાફરતી આખ્ખેઆખ્ખા જાંબલી થઈ જાય છે. કોઈ ભલે એને ‘બોહેમિયા’ જેવા પારકા નામે બોલાવે પણ મને તો લીલીછમ ટોપી ઓઢીને બેઠેલા એ જાંબલી ફૂલોની અપાર શોભાને કારણે એનું ‘કાંચનાર’ નામ જ ઠીક લાગે છે. કાંચનારને કળીઓ બેસે એ સાથે જ બહાર જતાં-આવતાં મારી નજરની ચોકી એના પર બેસી જાય. જે દા’ડે પેલ્લું ફૂલ આવે એ દા’ડે તો હરિ મળ્યા જેવો હરખ થાય. પાંચ-સાત દા’ડામાં તે આખ્ખેઆખ્ખું લીલુંછમ ઝાડ જાંબલી રંગનાં અસંખ્ય ફૂલોથી એવું રૂપાળું થઈ જાય કે ફૂલો સાથે જેમને સ્નાન-સૂતકનોય સંબંધ નથી રહ્યો એવા બાજુના કોમર્સ કૉલેજના વિદ્યાર્થીઓ પણ ઘડીક એની સામે તાકીને ઊભા રહે ! માત્ર નજર ભરવાને બદલે એકાદ હાથ લાંબો થાય ફૂલ તોડવા ને મારી બૂમ ત્રાડમાં પલટાઈ જાય. એકાદ હાથથી હું કદાચ બચાવી શકું પણ આખ્ખો દા’ડો તો ક્યાં બેસી રહેવાની હતી ચોકી માટે ? ને કાંચનાર પણ એવો અવળચંડો છે કે જેમ ફૂલો બેસતાં જાય અને વધુ ને વધુ નમતો જાય. જાણે લલચાવતો ન હોય : ‘લ્યો તોડો મને….’ પણ તોડ્યા પછી એનું આયુષ્ય માંડ દસ મિનિટનું… તરત જ કરમાઈ જાય… કાંચનારને જોઈને મોહી ન પડનાર કાં તો યોગી હોય કાં તો સાવ શુષ્ક જડ આત્મા.

મને કાંચનાર બઉ ગમે એનાં બે કારણ…. એક તો એ મારા સૂનકારને ભર્યો ભર્યો કરી દે છે અને બીજું એ પણ ખરું કે એની મોસમ ચાલે બઉ લાંબી. વાસંતી ફૂલોની વણજાર શરૂ થાય ત્યાં સુધી છેક કાંચનાર સાચુકલા પ્રેમીની જેમ સાથ આપે. વાસંતી વાયરા સાથે મારો બાગ જાતભાતનાં ફૂલોથી મઘમધી ઊઠે ને કાંચનાર એની માયા સમેટી લે. લીલીછમ ટોપી વચ્ચે ઘટ્ટ જાંબલી રંગના કાંચનારને ડોલતો જોયા પછી આ ધરતી પર ટકવા માટેનાં કારણો શોધવા કશે જવું નહીં પડે. રોજેરોજ ડોકું નમાવતો જતો કાંચનાર ટહુકી શકતો હોત તો ચોક્કસ કહેત કે સ્વર્ગ તો અહીં જ છે ને તું ક્યાં શોધે છે ?
****

તમે ચકલી તો જોઈ જ હશે ને ? અને કેનાનાં ઊંચી ડોકે ડોલતાં લાલ-પીળાં ફૂલ ન જોયાં હોય એવું પણ ભાગ્યે જ બને. ને કેળાંની લટકતી લૂમ ન જોઈ હોય એવું અભાગિયું તો કોણ હોય ? હવે તમારે કુદરતની કમાલ જોવી હોય તો જરા મારા બાગમાં આવો. પાન+દાંડી, કેના+કેળાના મિશ્રણ જેવી. ફૂલોનો રંગ કેના જેવો લાલ-પીળો, પણ ફૂલ ઊગે કેળાની લટકતી લૂમની જેમ અને દેખાય અદ્દલ ચકલી જેવાં ! નવાઈ લાગે છે ને ? પણ ભાઈ એટલે જ એનું નામ છે સ્વર્ગ કી ચિડિયાં… – સ્પેરો ઑફ ધ પેરેડાઈઝ…. ઉછેરવી જરાય અઘરી નહીં. કેના જેવી જ એની ગાંઠ જમીનમાં રોપી દો અને નિયમિત એકાંતરે પાણી પાયે રાખો. એની ઊગવાની ને ફાલવાની ઝડપથી તમે અચંબામાં પડી જશો. પોતાની મસ્તીથી, મરજી પડે એ દિશામાં ફાલનારો આ છોડ…. છ-આઠ મહિનામાં તો બાથમાં ન સમાય એટલી ડાંડીઓ ફૂટી નીકળે. પાન અસલ કેળ જ જોઈ લ્યો. મારી હોસ્ટેલની છોકરીઓ તો ઘણી વાર જન્માષ્ટમીમાં કેળનાં પાંદડાંની જગ્યાએ સ્વર્ગ કી ચિડિયાંનાં પાંદડાં બાજઠ ફરતાં બાંધીને કૃષ્ણજન્મ કરી લે ! પારખુ નજર ન હોય તો પાંદડાં કેળનાં જ લાગે !

આ પાંદડાંનો લીલોછમ રંગ આંખને જકડી રાખે એવો લીલો. થોડાક મહિનામાં જ તમે ફાળવેલી જગ્યા ટૂંકી પડે છે એવું એ બીજા ક્યારામાં કોંટો કાઢીને જાહેર કરી દે ! માર્ચ બેસતાંની સાથે જ હું બાજ નજરે દરેક દાંડીની ટોચે જોયે રાખું. ને એકાદી સવાર મારા માટે લાલ-કેસરી-પીળી ઝાંયવાળી ચકલી લઈને ઊગે ! શી એની ઝડપ ! આઠેક દા’ડામાં તો સાત-આઠ રંગબેરંગી ચકલીઓ ઝુલાવતી લૂમ તૈયાર થઈ જાય. એપ્રિલ પૂરો થતામાં તો પંદરવીસ રંગીન લૂમ ઝૂલતી થઈ જાય. કેનાને તો ફૂલસૂંઘણી અંદર ઘૂસીને ચીંથરેહાલ કરી દે પણ આ રંગીન ચકલીને કદી ચાંચ પણ ન અડાડે. ચકલીનાં લીલાંછમ પાન ચકલીનો ભાર ન ઝીલી શકે એટલે વાંકાં વળી જાય. જમીનસરસાં થઈ જાય. તમારે હજી થોડા દા’ડા ચકલીઓ જોવી હોય તો પછી પાતળી લાકડીના ટેકા બાંધવા જ પડે. બે મહિના આ ચકલીઓ એવી ને એવી જ રહે પછી ઝાંખી પડવા માંડે. મેં તો એને નજર ભરીને જોઈ છે, કદી ચાખી નથી પણ લાગે છે કે એ કેળાની જેમ મીઠી જ હશે, કારણ કે મેં એના પર કાયમ મંકોડાની હાર ચડતી જોઈ જ છે. કેના અને કેળાની જેમ જ આ ચકલી સ્વર્ગની હોવા છતાં પણ છે કાકવંધ્યા. ફૂલ સુકાઈ જાય એટલે જમીન લગોલગ થડ પાસેથી એને કાપવી જ પડે. માત્ર અંગૂઠા જેવડાં ઠૂંઠાં રહેવા દેવાનાં. જેવું વરસાદનું પાણી અડે કે વળી જમીનમાંથી નવી ડાંડીએ ફૂટી નીકળશે. પછી માર્ચ સુધી એનો લહેરાતો લીલો રંગ જોયે રાખવાનો. આંખને આંજી નાખતી આ રંગીન ચકલી ફરી ક્યારે ડોકાશે એની રાહ જોવામાં મારો વખત તો પાણીના રેલાની જેમ વહ્યો જાય છે. હું એક ફૂલની રાહ થોડી જ જોઉં છું ? ચંપો કેમ મોડો ? ને આ વર્ષે હજી અબોલી કેમ બોલી નહીં ? મધુમાલતીનો વૈભવ ફાટફાટ થાય છે ને મધુકામિની કેમ ટક્કર નથી ઝીલતી ? ને સાથે બારમાસી ફૂલોનો સંગાથ તો ખરો જ ને ? લાલ અને ધોળાં અશ્વગંધા અને પાંચ-સાત રંગનાં એકઝોરા….. બારે મહિના ખીલેલાં જ…. નવાઈ લાગે એને કોઈ મોસમ કાં નહીં ? સાવ નર્યા માણસ જેવા કાં ? જોકે અશ્વગંધા કે એકઝોરા જેવાં બારમાસી ફૂલોને કારણે જ મોસમી ફૂલોની રાહ જોઈ શકાય છે એ વાત પણ એટલી જ સાચી નથી ?

માર્ચ આવે ને મારું ધ્યાન ઈંટોની પાળીની બેઉ બાજુની સૂકી ભટ જમીન પર ચોંટી જાય. જેને બધા ‘મે ફ્લાવર’ કહે છે તેવી લીલીના ડુંગળી જેવા દડા આ માટી નીચે છે એની મને પાક્કી ખબર, કારણ કે મેં જ તો એ વાવેલા ! જાન્યુ-ફેબ્રુ. સુધી તો એનાં લીલાંછમ પાંદડાં ટકે પણ પછી બધું ખરી પડે. માત્ર જમીન જેવી જમીન બાકી બચે. ભલે કંઈ ન દેખાય તોય રોજેરોજ આ માટીને પાણીથી લથપથ કરતા રહેવાનું. એપ્રિલ આવતાંમાં તો જમીનમાંથી સીધા સોટા જેવી લીલીછમ દાંડીઓ ફૂટી નીકળવાની શરૂ થઈ જાય છે. મોટા ભાગે પંદર-વીસ દાંડી લાઈનમાં ફૂટી નીકળે ને એના પર ટામેટા જેવા રંગનાં ચાર ફૂલ સમાસામાં બેસે. હું એને કાયમ બત્તીના થાંભલા કહું. લીલા રંગની દાંડી પર ચાર દિશામાં ચાર ફૂલ બેસે ને એવી અદાથી ઊભાં હોય જાણે ચાર રસ્તા પરની બત્તીનો થાંભલો !

આ વર્ષે માર્ચ પૂરો થયો, એપ્રિલ અર્ધો ગયો તોયે એકેય દાંડી બાર ન નીકળી એ જોઈને મને ધાસ્તી પડી. પાંચ પાંચ દા’ડા સુધી ઘરમાં ભરાઈ રહેલા કાળમુખા પાણીએ જિંદગીને તો પાટા પરથી ઉતારી દીધેલી પણ ઘરની સાથે બગીચાને પણ કબ્રસ્તાનમાં ફેરવી નાખેલો. કાળીમેશ લોન, મરી ગયેલી અબોલીઓ, ઝંઝેડાઈ ગયેલા પેન્થસએક્ઝોરા તો મેં ઝીરવી લીધેલાં પણ રોજ ફૂલોની પથારી પાથરતાં મારાં તોતિંગ પારિજાતોને આ કાળમુખું પાણી ઊભાં ને ઊભાં સૂકવી ગયું એ મારાથી નો’તું જીરવાયું. આમેય પારિજાત બહુ નાજુક ઝાડ. ચોમાસાનું પાણી પણ એ ન વેઠી શકે. દર ચોમાસે એ મરણતોલ થઈ જાય પણ વળી ભાદરવો આવે ને એ કોળી ઊઠે. પણ ગયા વર્ષના પાણીએ મારાં બેઉ પારિજાતને વાળી જ નાખ્યાં. નવાં વાવેલાં પારિજાત તો કોણ જાણે ક્યારે પથારી પાથરશે મારી આંખ માટે ? પારિજાતના હાલહવાલ જોઈ મારા મનમાં ફડક પેસી ગયેલી કે આ વર્ષે જમીને લીલીના દડા નહીં સાચવ્યા હોય ? એય સડી ગયા હશે ? રજનીગંધાએ દાંડીઓ કાઢી સુગંધ લહેરાવા માંડી એટલે પછી થાકીને મેં જ ટ્યુબ હાથમાં લીધી. રોજેરોજ કિચકાણ થાય એટલું પાણી એ સૂકી ભટ જમીનમાં રેડવા માંડ્યું તે જાણે જાદુ થયું ! લીલીની દાંડીઓ જાણે મારી જ રાહ જોતી હતી ! અડધા એપ્રિલે લીલા રંગની ડાંડીઓએ જમીન બહાર ડોકું કાઢ્યું એ ક્ષણના આનંદને શેં વર્ણવાય ? પંદર દા’ડામાં તો મારા 20-25 બત્તીના થાંભલા ડોકા તાણીને તૈયાર ! જતાં-આવતાં બધાને બે ઘડી એમની હાજરીની નોંધ લેવાની ફરજ પાડે એવી શોભા ! બધાં નામ પૂછે, છોડ માગે, હું કહું કે ભાઈ, આ ફૂલોનો ઠાઠ માત્ર આઠ દા’ડા પૂરતો. પછી આખ્ખું વર્ષ તમારે જતનથી એનાં લીલાં પાંદડાં જોયાં કરવાનાં…. ને તાગનારાઓનો ઉત્સાહ ટાઢો પડી જાય ! રસનાં કૂંડાં થોડાં જ હોય ! રોજેરોજ ઊગતા હોત તો આટલી આતુરતાથી એની રાહ પણ કોણ જોતું હોત !

આ ટમેટા રંગની લીલી તો આઠ-દસ દા’ડા પણ ટકે છે. મારી પાસે એક સફેદ લીલી છે જે માત્ર એક જ રાત માટે ખીલે છે. પણ એ એક રાત એની સુગંધ, એની શોભા જુઓ તો ન્યાલ થઈ જાઓ. વરસાદ શરૂ થાય, બરાબર પાણી પચે કે આ લીલીનાં પાંદડાંઓ વચ્ચેથી એકાદ-બે દાંડા ફૂટે. બીજી કે ત્રીજી સવારે એમાંથી સામસામી ચાર ને વચ્ચે એક એવી પાંચ ફૂલેલી કળીઓ દેખાય. ને રાત પડતાં સફેદ મસૃણ ફૂલ ખીલી ઊઠે. ખીલતાંની સાથે આખું મેદાન મઘમઘી ઊઠે. મોગરા, મધુમાલતી કે મધુકામિનીની સુગંધ મારી આ લીલી સામે હારી જાય. એ રાત પૂરતી રજનીગંધા પણ હરીફાઈ ન નોંધાવે. બે-ત્રણ મિત્રો દર વર્ષે આ ફૂલ જોવા એડવાન્સ બુકિંગ કરાવે. કળીઓ બેસે એ રાતે બધા મારે ત્યાં ભેગા થાય. એ બધાને જોઈને કળીઓ જાણે ફુલાઈને ફાળકો થઈ જતી હોય એમ ફટાક દઈને ખીલી જાય ને આહા ! શું એની સુગંધનો દરિયો ! એ મઘમઘાટ હૈયામાં સંઘરી લેવાનો, કારણ કે બીજી સવારે તો એ લથડિયાં ખાતી હોય ને બે દા’ડામાં તો એનો દાંડો કાપીને ફેંકી દેવાનો. આટલું સુંદર ફૂલ કેમ આટલું ક્ષણિક આયુષ્ય લઈને જન્મ્યું હશે એવો પ્રશ્ન કદીક જાત કરે. પણ ફેફસામાં એની એટલી સુગંધ ભરી હોય કે હું બીજા ચોમાસાની નિરાંતે રાહ જોઈ શકું.

-sharifa vijlivala