પ્રેમનું કારણ પ્રેમ !


 

उतना ही उपकार समझ कोई

जितना साथ निभा दे

जनम मरन का मेल है सपना

ये सपना बिसरा दे

कोई न संग मरे |

 

– સાહિર લુધિયાનવી.

 

અલાર્મક્લોક્માં નાનો કાંટો છને અને મોટો બારને અડકતાં જ એ રણકી ઉઠ્યો ને વનિતાની આંખ ખૂલી ગઈ. રોજની આદત પ્રમાણે જ હાથ અલાર્મક્લોકની ઉપર આવેલ બટન શોધવા લાગ્યો ને મળી જતાં જ અલાર્મ બંધ કર્યુ. અલાર્મ બંધ કરતાની સાથે જ વનિતાના મગજમાં ઝબકારો થયો,

‘અરે, આજે તો રવિવાર. આજે તો ઓફિસમાં રજા છે પણ એ કાલે અલાર્મક્લોક સેટ કરવાનું ભૂલી ગયેલી..’

માણસથી ભૂલ થાય પણ ઘડિયાળથી નહીં અને એ તો પોતાના કાર્યને નિષ્ઠાપૂર્વક વળગીને પોતાના સમયે રણકી ઉઠી. વિચારોનું ચક્કર ચાલુ થઈ જતા વનિતાની ઉંઘ ઉડી ગઈ ને પથારીમાં બેઠા થઈને બે હાથ ઉંચા કરીને આળસ મરડીને સુસ્તી દૂર કરી. ત્યાં જ એની નજર બારીમાંથી અધિકારથી પ્રવેશી રહેલ રશ્મિકિરણ પર પડી અને મનમાં અચાનક એક બાળક આળસ મરડી ગયું. જાગી ઉઠેલ બાળમનને વશ થઈ વનિતા બે હાથથી એના લાંબા લીસાવાળનો અંબોડો વાળતી ગેલેરી તરફ ગઈ અને શિયાળાની સવારનું એ રમણીય દ્રશ્ય જોઇને એ સંમોહિત થઈ ગઈ. બહાર નીલા આભમાંથી રવિ ધીમે ધીમે ઉપર ઉઠી રહ્યો હતો જાણે નીલા મસ્તક પર લાલ તિલક થઈ રહ્યું હોય એવું અનુભવાતું હતું. આજુ બાજુ લહેરમાં ટહેલતી નાની નાની વાદળીઓ શરારતી હાસ્ય ફેલાવી રહેલી. આજુ બાજુના વૃક્ષના પર્ણ પર આછી ઝાકળ બાઝેલી હતી અને ઠંડીમાં થરથરી રહેલ એ પર્ણને ઉગું ઉગું થઈ રહેલ રશ્મિકિરણ પોતાની હૂંફ આપવાના ઇરાદાથી ઝડપથી આભમાં પ્રસરી રહેલા હતાં. વનિતાનું તન, મન આનંદની છોળોમાં નહાવા લાગ્યું ને મન પ્રફુલ્લિત થઈ ગયું ત્યાં જ એના બેડરુમમાં રહેલ મોબાઈલમાં રીંગ વાગી ને એ બેડરુમમાં ગઈ જોયું તો એની પ્રિય સખી અનુમોદિતા.

‘ગુડ મોર્નિંગ અનુડી, બોલ સવાર સવારમાં કેમ યાદ કરી મને ?’

‘ફટાફટ તૈયાર થઈ જા હું તને લેવા આવું છું. આપણે બરોડાના એકસ્પ્રેસ હાઈ વે પર જવાનું છે. મારા ભાઈ ધ્વનિલની ગાડીને અકસ્માત થયો છે.’ અને ફોન કટ થઈ ગયો. મદમાતી શિયાળાની સવારનો બધો નશો એક જ ઝાટકે ચકનાચૂર થઈ ગયો અને વનિતા દસ મિનિટમાં તો અનુ સાથે એની ગાડીમાં એની બાજુની સીટ પર બિરાજમાન હતી. વનિતાનું ઘર ઘટનાસ્થળથી નજીક જ હતું. ફટાફટ એ લોકો હાઈ વે પર આવેલ ઘટનાસ્થળે પહોંચી ગયાં. આગળની ગાડીએ એકાએક બ્રેક મારતા એની પાછળ રહેલ અનુના ભાઈની ગાડી એને જઈને ટકરાઈ ગયેલ. અનુના ભાભીને સામાન્ય ઇજા જ થયેલી પણ ધ્વનિલના હાથમાં ફ્રેકચર થઈ ગયેલું. આજુ બાજુમાં જમા થઈ ગયેલ ભીડમાંથી કોઇકે ફોન કરી દેતાં ૧૦૮ આવી પહોંચેલી પણ અનુએ ધ્વનિલને પોતાના ફેમિલી ડોકટરને જ બતાવવાની જીદ કરી અને એને પોતાની ગાડીમાં બેસાડી દીધો પણ ભાભી સુચિત્રાની એણે સહેજ પણ દરકાર ના કરી..કોણ જાણે એ ત્યાં હોય જ નહીં એવું વર્તન કર્યું અને ધ્વનિલ સાથે વાતચીત કરવા લાગી. વનિતાને આ બધું થૉડું વિચિત્ર લાગ્યું. એણે સુચિત્રા સામે થોડું સ્માઈલ કરીને એને પોતાની સાથે ગાડીની પાછળની સીટમાં બેસાડી. ઘાયલ અવસ્થા હોવા છતાં ધ્વનિલની નજરે અનુનું આ વર્તન નોંધી જ લીધું અને એની પીડા વધારે વધી ગઈ અને એનું મોઢું પડી ગયું પણ એ કશું બોલ્યો નહીં. ચૂપચાપ બધાના હાવભાવ નીરખી રહેલી વનિતાએ અનુને મેસેજ કર્યો,

‘અનુ, માન્યું કે તારા ભાઈએ તારા પેરેન્ટસની નારમરજી છતાં પ્રેમલગ્ન કરીને પોતાનો અલગ સંસાર વસાવ્યો છે પણ તારું તારા ભાભી સાથેનું આ વર્તન સહેજ પણ યોગ્ય નથી.’

ચાલુ ગાડીએ જ અનુએ એ મેસેજ વાંચ્યો ને દુઃખની એક આછી વાદળી એના ચહેરા પર દોડી ગઈ. આ જ ભાભીના કારણે એનો ભાઈ પપ્પા સાથે ઝગડીને ઘર છોડીને જતો રહેલો અને એના દુઃખમાં એની મમ્મીને એટેક આવી ગયેલો ને એ ઇશ્વરને શરણ થઈ ગઈ હતી. આ વાત એ કેમ કરીને ભૂલે ? ભાઈ તો પોતાનું ખૂન…માફ થઈ જાય પણ સુચિત્રા..ઉફ્ફ…એને તો કેમની માફ કરાય ?

વનિતા અનુની ખાસ સખી હતી એને અનુના જીવનની, ઘરની રજે રજની માહિતી હતી. અનુના દિલની વાત એ સમજી શક્તી હતી. એણે બીજો મેસેજ કર્યો,

‘અનુ, તારા મમ્મીના મૃત્યુ પાછળ તારા પપ્પાની જીદનો હાથ હતો અને એ વાત વીતી ગઈ. આજે ધ્વનિલના એક ફોન પર તું જે રીતે દોડી એ પરથી જ તારો એના પ્રત્યેનો પ્રેમ સાફ દેખાઇ આવે છે. પણ તું ફક્ત એના પ્રત્યે જ પ્રેમભાવ રાખે અને એની પત્નીને સહેજ પણ આવકારીશ નહીં તો તારી અને તારા પપ્પાની વચ્ચે ફર્ક શું રહ્યો ? એમની ભૂલનું પરાવર્તન ના કર ડીઅર. તારે ધ્વનિલ સાથે સંબંધ જોડવો હોય તો પહેલાં એની સાથે જોડાયેલ એની બેટરહાફને સ્વીકારવાની તૈયારી રાખવી જ પડશે. એ સિવાય ધ્વનિલ પર ઓળઘોળ થવું બધું ય નિરર્થક છે. એ કદી તમારી નજીક આવી જ નહી શકે. આ માનવીય સાયકોલોજી છે. થૉડામાં બધું સમજી જા બકા.’

ગાડી હંકારતા મોબાઈલ જોવાની ટેવ ના હોવા છતાં અનુમોદિતાએ વનિતાનો બીજો અને લાંબો મેસેજ વાંચી જ લીધો. થોડા ઘણા શબ્દોમાં વનિતાએ કરેલી ગૂઢાર્થનો મર્મ અનુને બરાબર સમજાઈ ગયો. હોસ્પિટલ આવી અને ધ્વનિલને ટેકો આપીને ગાડીમાંથી ઉતારતી વખતે અચાનક જ અનુમોદિતા બોલી ઉઠી,

‘વનિ, હું ભાઈને અંદર લઈને જઉં છું તું ભાભીને સાચવીને લઈને આવજે ને. થોડું ઘણું છોલાયેલું છે એની પર ડ્રેસિંગ કરાવી દઈએ અને દેખીતી રીતે ભલે એમને કોઇ ઇજા નથી થઈ પણ એમનું ય ચેક અપ કરાવી જ લઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઇ ચિંતાનું કારણ ઉભું ના રહે.’

પોતીકાપણાના અહેસાસથી ધ્વનિલની અડધી પીડા તો એમ જ મટી ગઈ અને એના મુખ પર સંતોષનું અને રાહતનું એક સ્મિત ઝળકી ઉઠ્યું.

અનબીટેબલ : પ્રિયના નજીકનાને પણ ચાહવા – આ ક્રિયા અવર્ણનીય અનુભૂતિનો અહેસાસ કરાવે છે.

સ્નેહા પટેલ.