phoolchhab newspaper > navrash ni pal column > 29-10-2014
હું તો ધરાનું હાસ છું,હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી,જુઓ તો આસપાસ છું !
-રાજેન્દ્ર શુકલ.
‘મમ્મી, આજે મારે કોલેજ જવામાં થોડું મોડું થઈ ગયું છે તો હું જમી લઉં ત્યાં સુધીમાં મારા ડ્રેસને ઇસ્ત્રી કરી આપને.’
‘હા, તું તારે નિરાંતે જમ બેટા, ઉતાવળ કરીને જેમ તેમ કોળિયા ગળે ના ઉતારીશ.’
અને નીવાબેન ફટાફટ છેલ્લી રોટલી તવી પરથી ઉતારીને, ઘી લગાવીને ગ્રીવાની થાળીમાં પીરસીને નેપકીનથી હાથ લૂછતાં લૂછતાં એના રુમ તરફ વળ્યાં. દસ મિનીટ પછી નીવાબેન ડ્રેસને ઇસ્ત્રી કરીને એ બહાર આવ્યા ત્યાં સુધીમાં તો ગ્રીવાની કોલેજની સખી રીપલ આવીને સોફા પર બેઠી હતી અને મેગેઝિન વાંચતી હતી.
‘અરે, રીપલ…આવ આવ બેટા. ગ્રીવા તૈયાર થાય છે ત્યાં સુધીમાં આ રવાનો શીરો બનાવ્યો છે એ ખાઈ લે.’ અને નીવાબેન ફટાફટ કાચના બાઉલમાં શીરો કાઢીને લઈ આવ્યાં.
‘વાહ આંટી, તમારા હાથનો શીરો તો મને બહુ જ ભાવે છે.મજ્જા આવી ગઈ.’ શીરામાંથી દ્રાક્ષ શોધી શોધીને ખાતી રીપલ બોલી.
સંતોષસહ આનંદથી નીવાબેન રીપલને શીરો ખાતી જોઇ રહ્યાં. ગ્રીવા તૈયાર થઈને બહાર આવી અને હાથમાં ઘડિયાળનો બેલ્ટ બંધ કરતાં કરતાં નીવાબેનના ગાલ પર મીઠી પપ્પી કરીને ‘થેંક્યુ મમ્મી, લવ યુ, જે શ્રી ક્રિષ્ના’ કહેતી કહેતી બહાર ભાગી.
ગ્રીવાના ફ્લેટની બહાર પાર્ક કરેલ ગાડીના ઇગ્નીશનમાં ચાવી લગાવીને ગાડી ચાલુ કરતાં કરતાં રીપલ અચાનક હસી પડી.
‘અલી, શું થયું…એકલી એકલી કેમ હસે છે ! ક્યાંક છટકી તો નથી ગયું ને તારું ? એક કામ કર તું આ બાજુ આવી જા ગાડી મને ડ્રાઈવ કરવા દે. તારું ઠેકાણું નહી હોય તો ક્યાંક અથડાવી બેસીશ.’
‘ના બાપા ના..મારું કંઈ છટક્યું બટક્યું નથી. આ તો તમારા ઘરના ‘થેંક્યુ- રિવાજ’ પર મને હસવું આવે છે. રોજ તું ઘરની બહાર નીકળતી વેળાએ તારા મમ્મીને ‘થેંક્યુ’ કહે છે એ સાંભળીને મને બહુ જ નવાઈ લાગે છે…ભલા કોઇ પોતાની મમ્મીને ‘થેંકયુ’ થોડી કહે ?’
અને ગ્રીવા ખુલ્લા દિલથી હસી પડી.
‘અરે મારી પાગલ…ફકત હું જ નહીં મારા પપ્પા પણ મમ્મીને ‘થેંક્યુ’ કહે છે. તું જાણે છે આ ‘થેંક્યુ’ કહેવાની ટેવ કેમની પડી ? નાની હતી ત્યારથી હું મમ્મી કે પપ્પાને કોઇ પણ કામ કરી આપુ તો એ બે ય જણ મને થેંક્યુ કહીને આભાર વ્યકત કરે..ધીમે ધીમે મને પણ એ ટેવ પડી ગઈ. સમજણી થઈ ત્યારે આ ‘થેંક્યુ’ માટે મને પણ તારા જેવો જ વિચાર આવેલો ને મેં પપ્પાને આ વાત પૂછેલી, “પપ્પા, આ ઘરના સદસ્ય એકબીજાને થેંક્યુ કહે તો થોડું ઔપચારિક નથી લાગતું ? ”
ત્યારે પપ્પાએ એમનું બધું કામ બાજુમાં મૂકી લગભગ અડધો કલાક મારી સાથે વાતચીત કરેલી.
‘જો બેટા, તારી વાત ખોટી નથી પણ જે વાત સાવ મફતમાં મળે એનું મૂલ્ય માનવીને ક્યારેય નથી લાગતું. તારી મમ્મીની તબિયત સારી હોય કે ના હોય એ આપણા માટે આપણા સમયે નાસ્તો-ચા – જમવાનું બધું રેડી રાખે જ છે અને એ પણ પૂરા પ્રેમથી ! એ જ રીતે મારી તબિયત સારી હોય કે ના હોય, ગમે એવા ટેન્શનોવાળી જોબ હોય તો પણ ઘરને ચેતનવંતુ રાખવા પૈસા કમાવા જ પડે છે. મારા કરતાં મારા કુટુંબનો ખ્યાલ વધારે રાખું છું. જવાબદારી તો જવાબદારી જ હોય છે પણ એને બિરદાવનારું હોય તો એ જવાબદારી પાર કરવાનો થાક અડધો થઈ જાય અને શક્તિ બમણી ! વળી જ્યારે તમે સામી વ્યક્તિનો આભાર માનો છો ત્યારે ત્યારે તમને એનો પ્રેમ અને નિસ્વાર્થભાવ યાદ આવે છે. રોજ રોજ આ વાત યાદ કરીને તાજી રાખવાથી એ સમજણ જિંદગીભર લીલીછમ્મ રહે છે અને લીલાશ એ કોઇ પણ સંબંધનું ખાતર છે. જે પણ સંતાન મા બાપનો આભાર માનતા હશે એ જિંદગીના કોઇ પણ સ્ટેજમાં એમની સાથે દુરવ્યવહાર કરવાનો વિચાર સુધ્ધા નહી કરે કારણ, એમને મા બાપના દરેક કાર્યની, એ કાર્ય પાછળ ખર્ચેલા એમના મહામૂલા સમયની, દુનિયાના સર્વોત્તમ ભાવ ‘પ્રેમ’ની જાણ છે. સંતાનોનો ઉછેર એ મા બાપની મનગમતી ફરજ હોય છે એને અમુક સંતાનો પોતાનો જન્મસિધ્ધ હકક સમજીને મનફાવે એવો વર્તાવ કરીને મા બાપનું દિલ દુઃખાવીને અણગમતી ફરજ બનાવી દે છે. આવી તો ઢગલો બાબત છે આ ત્રણ અક્ષરના શબ્દ ‘થેંક્યુ -આભાર’ પાછળ. પણ રીપલી આ સામે આપણી કોલેજ આવી ગઈ જો….અને આજે પહેલું લેકચર એકાઉન્ટનું છે જે મારે કોઇ પણ સંજોગમાં છોડવું નથી એટલે હું તો આ ભાગી તું ગાડી પાર્ક કરીને આવ..ટા..ટા…’
અને નાજુક રંગબિરંગી પતંગિયાની માફક ગ્રીવા ગાડીમાંથી ઉતરીને હવામાં ઓગળી ગઈ પણ એ પાંચ મીનીટના સંવાદથી રીપલને અવાચક કરતી ગઈ. એણે તો પેરેન્ટ્સના કાર્ય વિશે કદી આ દ્રષ્ટિકોણથી વિચાર્યુ જ નથી ! અચાનક જ રીપલની આંખમાંથી બે મોતીડાં સરી પડ્યાં ને એના પગ ઉપર પડ્યાં અને રીપલને ભીની રેતી પર જાણે ખુલ્લા પગે દોડી રહી હોય એવો અનુભવ થવા લાગ્યો. ભીની ભીની રેતી એની પાનીને મૃદુલતાથી સ્પર્શતુ જતું હતું અને એના આખા તનમાં શીતળ સ્પંદનોનો દરિયો વહી જતો હતો.
અનબીટેબલ : લાગણી-ભિસરણ વિના સંબંધો મરી જાય છે.
સ્નેહા પટેલ