અજવાશ


phoolchhab newspaper > navrash ni pal column > 27-08-2014

हीरेकी शफक् है तो अंधेरेमें चमक,

धूपमें आके तो शीशे भी चमक जाते है !

 

-अज्ञात.

છેલ્લાં સાત દિવસથી એકધારો વરસી રહેલો વરસાદ આજે પોરો ખાઈ રહયો હતો. એના વાદળિયા વાતાવરણના સામ્રાજ્યનો એકહથ્થુ ઘેરો તોડીને આજે સૂરજના કિરણો પોતાનો અજવાશ રેલાવી રહયા હતાં. લાંબા અંતરાલ પછી મળેલ રશિમિકિરણોનો વૈભવ માણવા આખું ય વાતાવરણ હવાઈ ગયેલી આળસ ખંખેરીને સ્ફૂર્તિ ભેગી કરવામાં મગ્ન થઈ ગયેલું. પ્રકૃતિએ ખુલ્લી મૂકી દીધેલ હથેળીમાં ‘હાશકારા’ની હસ્તરેખા વાંચતી સુરમ્યાએ બટેટા પૌંઆમાં લીંબુ નીચોવ્યું અને એમાં ચમચી મૂકી. કાચના ગ્લાસમાં હૂંફાળું દૂધ રેડીને એક ચમચી ખાંડ નાંખીને દૂધ હલાવતી હલાવતી ડાઇનીંગ ટેબલ સુધી પહોંચી ને વિવાનને બૂમ પાડી,

‘વિવુ, જલ્દી આવ બેટા, નાસ્તો ઠંડો થાય છે.’

એની નવાઈ વચ્ચે સામે પક્ષેથી કોઇ જ જવાબ ના મળ્યો. કદાચ બાથરુમમાં હશે તો અવાજ નહીં સાંભળ્યો હોય એમ વિચારી સુરમ્યાએ વિવાનના રુમમાં ઇન્ટરકોમ કર્યો. વિવાને તરત ફોન ઉપાડ્યો,

‘હા મમ્મા, બોલ.’

‘અરે બેટા દૂધ નાસ્તો કરી લે..કેટલું મોડું થઈ ગયું છે જો સાડા નવ થઈ ગયા.’

‘મમ્મી, મૂડ નથી.’ ટૂંકાણમાં આવેલ નકારાત્મક જવાબ અને એમાં છુપાયેલ વ્યથા એક મા ના દિલને તરત ઓળખાઈ ગઈ અને સુરમ્યા તરત વિવાનના બેડરુમમાં ગઈ.

‘શું થયું બેટા, કેમ આજે આવો ‘ડલ ડલ’ છું ?’ અને વિવાનના સીધા લીસા કાળા કપાળ પર ધસી આવેલ વાળમાં આંગળી પરોવીને સુરમ્યાએ કપાળ પર સરખા ગોઠવ્યાં.

‘મમ્મી, તું તો જાણે છે ને કે હું છેલ્લા ચાર મહિનાથી આ ‘કેન્ડી ક્રશ’ ગેમ રમું છું. એ મારી ફેવરીટ ટાઇમપાસ ગેમ છે અને એમાં બહુ જ મહેનત કરી કરીને હું માંડ માંડ ૩૫૦માં લેવલ પહોંચ્યો હતો પણ છેલ્લા અઠવાડીએ મેં એક એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી તો એમાં કોઇ વાઈરસ આવી ગયેલો ને ફોન વારંવાર હેન્ગ થઈ જતો હતો એટલે મારે મારો મોબાઈલ ‘ફેકટરી રીસેટ’ કરવો પડ્યો અને એમાં મારી આ ગેમ નીકળી ગઈ. આખા દિવસના વાંચન વચ્ચે થોડો સમય ફ્રેશ થવામાં મને આ ગેમ બહુ જ મદદરુપ થતી હતી પણ હવે એ મારે ફરીથી નાંખવી પડશે ને એક ડે એક થી ફરીથી રમવાની ચાલુ કરવી પડશે. બસ આના લીધે મારો મૂડ ડાઉન થઈ ગયો છે .’

સુરમ્યા પોતાના દસ વર્ષના લાડકાનું ભોળું ભાળું મુખડું બે પળ તાકી રહી ને બીજી જ પળે એ ખુલ્લા મનથી હસી પડી- પ્રકૃતિની ખુલ્લી હથેળી જેવું !

‘પાગલ છોકરા, આજથી લગભગ બે વર્ષ પહેલાં મારા લગભગ ૨,૦૦૦ જેટલાં ફોટા કોમ્પ્યુટર ફોરમેટ કરાવવું પડ્યું એમાં ઉડી ગયા હતા અને કોઇ જ રીતે રીકવર નહતાં થઈ શક્યા.’

‘હા મમ્મી, તમારા લગભગ ચાર પાંચ ફંકશનના વીડિઓ ને ફોટાની યાદગીરી હતી મને બરાબર યાદ છે. તમને બહુ દુઃખ થયેલું ને ?’

‘સાચું કહું વિવાન તો હા, બહુ દુઃખ થયેલું.પણ એ તો ક્ષણિક જ …મેં એ દુઃખમાં ખાવા પીવાનું વિસારે નહતું પાડ્યું. એ હતાશા પર મારી બીજી અનેકો પ્રસન્નતાનો અભિષેક કરી દીધેલો. ટેકનોલોજીના અમુક ફાયદા છે તો એના ગેરફાયદા પણ સ્વીકારવા જ રહ્યાં. વળી એ તો મારો ભૂતકાળ થઈ ગયો હજુ તો મારી સામે આખું ભવિષ્ય પડ્યું છે જેમાં કેટકેટલાં પ્રસંગો આવશે ને કેટકેટલી મીઠીમધુરી યાદોના સંભારણાના ફોટા – વીડિઓ લઈશું. મને ખબર છે કે તું આખા દિવસમાં માંડ કલાક જ ગેમ રમે છે પૂરતા કંટ્રોલ સાથે મોબાઈલ વાપરે છે અને મને તારી પર ગર્વ પણ છે. જે થઈ ગયું એ ‘નહતું’ તો નથી જ થઈ શકવાનું તો પછી શું કામ એની પાછળ આટઆટલા ઉધામા કરવા ? એના બદલે એને સહજ રીતે સ્વીકારી લે..ફરીથી ગેમ ચાલુ કરજે. વળી એ ગેમ તો તું ફકત ટાઈમપાસ માટે જ રમતો હતો ને, તારે ક્યાં કોઇને બતાવવાનું કે પારિતોષક મેળવવાનું હતું…કશું ગુમાવ્યું નથી બેટા તેં…ઉલ્ટાનું ફરીથી રમવામાં તને ગેમની સ્ટ્રેટેજી ખ્યાલ આવી ગઈ હશે તો વધુ મજા આવશે અને ના જ મજા આવે તો બીજી ગેમ ડાઉનલોડ કરી લે પણ ટેકનોલોજીને તારા ઇમોશન્સ પર ક્યારેય હાવી ના થવા દઈશ. એ માત્ર આપણી સવલતો વધારવા માટે જ વપરાય પણ એનાથી ડીપ્રેશન્સ આવે તો વેળાસરતા ચેતી જવું જોઇએ એમાં જ ભલાઈ. ‘

અને વિવાનની માંજરી પાણીદાર આંખોમાં બેડરુમની બારીમાંથી ચળાઈને આવતા તડકાનું પ્રતિબીંબ પડ્યું ને એની નજરમાં ચમકારો થઈ ગયો. હતાશા ખંખેરીને તરત જ એ ઉભો થઈ ગયો ને ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયો ને બોલ્યો,

‘મમ્મી, બટેટા પૌંઆમાંથી લીંબુની સ્મેલ ઉડી ગઈ છે મને તાજું લીંબુ નીચોવી આપને પ્લીઝ !’

સુરમ્યા પોતાના લાડકવાયાના કપાળ પર વ્હાલભર્યું ચુંબન કરીને રસોડામાં લીંબુ લેવા ગઈ.

અનબીટેબલ : ધસમસતા નીરમાં સમજણના શઢને મજબૂતાઈથી પકડીને ઇચ્છિત દિશામાં વાળવાનો પુરુષાર્થ કરવાથી જ પ્રચંડ નીરની શક્તિનો ભરપૂર ઉપયોગ કરી શકાય છે.