સમજણ પ્રાગટ્ય


phoolchhab newspaper > navrash ni pal column > 20-08-2014

દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-

હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?

બારી ઉઘાડીએ તો આવે અજવાળું

હવે, બારણું ઉઘાડો તો કેવું ?

-ભાગ્યેશ જહાં

 

દેવલ ખૂબ જ ઉતાવળમાં હતી. ડાબા હાથમાં ફાઈલ છાતીસરસી રાખીને બીજા હાથે પર્સ લઈ ખભે લટકાવતાં તે લગભગ દોડતાં દોડતાં જ ઘરમાંથી નીકળી અને બહારથી અંદર પ્રવેશી રહેલા એના સાસુમા સાથે અથડાઈ ગઈ. ફાઈલના બધા પેપર્સ ઘરની બહાર વરસાદથી ભીના ટાઈલ્સ પર પડ્યાં ને પલળી ગયા. દેવલ ફ્ટાફટ એ ઉપાડવા ગઈ અને ઉતાવળમાં એનો પગ લપસ્યો ને એ સીધી ભોંયભેગી !

એના સાસુમા દીનાબેન આંખ મીંચી ને ખોલે ત્યાં સુધીમાં તો આ આખીય ઘટના ઘટી ગઈ અને દીનાબેનનું મોઢું ખુલ્લુ જ રહી ગયું. આઘાતનો આંચકો સહીને બહાર આવતા સાથે જ દીનાબેને હાથ આપીને દેવલને ઉભી કરી અને એને લઈને ઘરના ડ્રોઇંગરુમમાં ગયા ને રસોડામાંથી પાણીનો ગ્લાસ અને નેપકીન લેતા આવ્યા.

‘બેટા, આ શું ધમાધમ માંડી છે તે ? ‘

પાણી પી ને રુમાલથી ભીનું થઈ ગયેલ શરીર લૂછતાં લૂછતાં દેવલ બોલી,

‘મમ્મી, એમાં એવું છે ને કે મારે અપંગ માનવમંડળમાં મીટીંગમાં જવાનું છે. બે વાગ્યાનો સમય હતો અને અઢી તો અહીં જ વાગી ગયા. વળી સાડા ત્રણે તો સૂરજ સ્કુલેથી આવી જશે એટલે મારે એના આવવાના સમયે ઘરે હાજર થઈ જ જવું પડે. આ રાધાબેન આજે કામ પર મોડા આવ્યા અને આ મૂઓ વરસાદ લોહી પીવે છે. મારું બધું ટાઈમટેબલ અસ્તવ્યસ્ત કરી નાંખ્યું.’

અને દીનાબેન નાજુક નમણા ચહેરાવાળી દેવલના સુંદર મોઢા સામે તાકી રહ્યાં. આ એમની વહુને આજકાલ સમાજસેવાનો નવો નવો શોખ માથે ચડેલો હતો. એમના દીકરા રવિની ટ્રાન્સફરેબલ જોબના કારણે દેવલ ઘણી વખત ઘરમાં કંટાળી જતી હતી અને એમાંથી એની એક સખીએ એને આઈડીઆ સૂઝાડતા એણે સમયનો સદઉપયોગ કરવાના વિચાર હેઠળ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. ગમે એટલું મેનેજ કરે તો પણ દેવલને અઠવાડીઆમાં લગભગ ચાર દિવસ એણે અપંગ માનવમંડળની સંસ્થા પાછળ ફાળવવા જ પડતા હતાં. એના સામાજીક કોન્ટેક્ટ્સ સારા હતા વળી એ હસમુખ અને મહેનતી હતી વળી કોઇને કોઇ પણ કામની કદી ના પાડી શક્તી નહતી. આ બધાના કારણે એના નાજુક ખભા પર વધુ ને વધુ જવાબદારી ઠલવાતી જતી જ હતી. દીનાબેનની અનુભવી આંખો સમાજસેવા અને એના નામે કરાવાતી સ્વાર્થી મજૂરીનો ફર્ક નરી આંખે જોઇ શકતા હતા પણ દેવલના ઉત્સાહને ઉગતો જ ડામી દેવાની ઇ્ચ્છા નહતી થતી એટલે ચૂપ રહેતા હતાં. હવે વાત હદ બહાર જતી હતી એટલે પાણી પહેલાં પાળ બાંધવાના ઇરાદાથી એમણે બને એટલા કોમળ સ્વરમાં દેવલને કહ્યું,

‘વહુ બેટા, તને નથી લાગતું કે તું સમાજસેવા પાછળ જરુર કરતાં થોડો વધુ સમય ફાળવે છે.’

‘મા, હું તમારી લાગણી સમજી શકુ છું અને અમુક અંશે એ વાતમાં સત્યનો અંશ પણ તારવી શકુ છું. પણ હવે જે કામમાં ઝુકાવ્યું એમાં પાછી પાની કેમની થાય ? વળી આ તો ભલાઈનું કાર્ય…આ કામ કરતા કરતા તો આજે મારી એક અનોખી ઓળખ બની છે.’ અને દેવલની આંખોમાં સતરંગ પ્રસરવા લાગ્યાં. દીનાબેન નામ અને કામની વચ્ચેનો ભેદ બરાબર સમજતા હતાં એમણે મક્કમ સ્વરે પોતાની વાત આગળ વધારી.

‘બેટા, તને આ કાર્ય કરીને શું મળે છે?’

‘મા, આ તો કંઇ પૂછવાનો સવાલ છે ? મને એક શાંતિ મળે છે.’

‘સાચ્ચે ? જો તને શાંતિ મળે છે તો તારી અંદર કાયમ એક ઉચાટ એક અશાંતિ કેમ દેખાય છે?’

‘ના મા…એવું કંઇ નથી. હું તો કાયમ શાંત જ..’ અને બોલતા બોલતા દેવલને પોતાનો સ્વર જ પાંગળો લાગ્યો ને એ અટકી ગઈ. માની વાત ક્યાંકથી એને સ્પર્શી ગઈ. વાતમાં દમ તો હતો. સમાજસેવા ચાલુ કરી ત્યારથી એની અકળામણ વધતી જતી હતી..કેમ ?

‘જો બેટા, સમાજસેવા એ સમય પસાર કરવા માટે બરાબર છે પણ તું તારી પ્રાથમિક જવાબદારીઓનો ભોગ આપીને એ કાર્ય કરીશ તો બેમાંથી એક પણ પલડું સમતોલીત નહી રાખી શકે. વળી સામાજીક સેવા એ સેવા જ છે જેમાંથી ‘તને તારું નામ ઉભું થાય છે ને એ તને સંતોષ આપે છે’ એવો ભ્રમ ઉતપન્ન થઈ ગયો છે. ઘરમાં જ્યારે જરુરિયાતોનો મહાસાગર હિલ્લોળા લેતો હોય ત્યારે સમાજના લોકોની સેવામાં સમય પસાર થાય એના કરતાં ઘરની જરુરિયાતો પૂરી કરવા માટે યત્ન કરાય એ વધુ હિતાવહ. નામથી પેટ ના ભરાય બેટા, પેટ તો રોટલાંથી જ ભરાય ને રોટલા માટે પૈસાની જરુર પડે છે. તું નામની પાછળ દોટ્ મૂકવા કરતાં બે પૈસા કમાવાના રસ્તા શોધ અને એને અમલમાં મૂક. ઘરના સદસ્યોની જરુરિયાતનો સમય તમે લોકો માટે ફાળવી દેશો, તમારી મુખ્ય જવાબદારીઓમાંથી છટકી જશો તો સંતોષ નામની મૂડી કદી ભેગી નહી થાય.’

‘મમ્મી, તમારી વાત તો સાચી છે. આટઆટલું કામ કર્યા પછી પણ મારા મનના એક ખૂણે ઘરનું કામ ચૂકી ગયાનો અસંતોષ જીવ કોરી ખાય છે. આ વાત મને આજ સુધી નહતી સમજાતી પણ તમે કહ્યું ને તરત જ ખ્યાલ આવી ગયો.સમાજ કરતાં ઘરનાની જરુરિયાત પહેલા ધ્યાનમાં લેવાની હોય અને એ પૂરી થયે જ મને સાચો સંતોષ પ્રાપ્ત થશે. એ પછી જે સમય મળશે એમાં જ હવે હું સમાજસેવાના કામ કરીશ. આશીર્વાદ આપો તમારો અનુભવ ને મારી કાર્યક્ષમતા આપણા ઘરની શાંતિ બરકરાર રાખે અને આપણે સુખેથી જીવી શકીએ. એ જ મારો સાચો સંતોષ’

અને દેવલ દીનાબેનને ગળે લગાડી દીધા. બે સ્ત્રીના નાજુક હૈયા એક્સરખી લયમાં ધબકી રહ્યાં હતા.

અનબીટેબલ : આપણે જે કામ કરીએ છીએ એના જેટલી જ જવાબદારી કરવાના બાકી રહી ગયેલા કામની પણ હોય છે.