ધંધો – ધર્મ – શહેર

Phoolchhab newspaper > Navrash ni pal column > 12-08-2014

આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.

આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.

– અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

‘ઓકે રાજીવભાઈ, તમારી બધી ડીગ્રી સરસ છે,ઓલમોસ્ટ અમારી ખાલી પડેલી કર્મચારીની જગ્યાની જરુરિયાતને પરિપૂર્ણ કરીએ એવી જ ! ચાલો થોડી કોમન ટોક કરીએ. તમે મૂળ ક્યાંના રહેવાસી છો ?’
અવિનાશે એની સામે ખુરશીમાં બેઠેલ નવા નવા ડબલ – ગ્રેજ્યુએટ થઈને નીકળેલ રાજીવના સર્ટીફિકેટ્સ વાંચતા વાંચતા કહ્યું.
‘જી અમે રાજકોટના. તમે અમારી પ્રજા પર પૂર્ણ વિશ્વાસ મૂકી શકો. અમારા લોહીમાં જ મહેમાનગતિ,પ્રામાણિકતા, નિષ્ઠા, મોજ મજા ભળેલી છે. કોઇ દિવસ અમે દગો ના કરીએ.બાકી આ અમદાવાદમાં તો કોઇની પર તમે વિશ્વાસ ના મૂકી શકો અમદાવાદી જન્મથી જ હરામજાદી, કંજૂસીયા. કોઇનું કરી નાંખતા એક પળ પણ વિચારે નહીં. નકરી સ્વાર્થી પ્રજા. હું છેલ્લા દસ વર્ષથી અહીં રહું છું..હું અમદાવાદીઓની રગેરગ જાણું છું.’
પોતાના એક લીટીના પ્રશ્નના જવાબમાં રાજીવનો આટલો લાંબો લચક જવાબ સાંભળીને અવિનાશ બે પળ હબકી ગયો. અમદાવાદમાં જ ભણી ગણીને, ત્યાં જ કમાણી કરવાની મંશા રાખીને અમદાવાદને ગાળો આપતા એ નવજુવાનને જોઈ જ રહયો.
થોડી સ્વસ્થતા ધારણ કરી એ હબકમાંથી બહાર આવીને બોલ્યો,
‘અચ્છા એમ ! તમારી અટક ‘પટેલ’ છે..સરસ.’
‘હા, અમે પટેલ. મજૂરી કરવામાં અવ્વલ નંબર. પરસેવો પાડીને પૈસા રળીએ એમાંના. બોલવામાં આખા પણ દિલના નિખાલસ. બાકી કોઇ વાણિયાને જોઇ જુઓ. કામ કંઇ કરશે નહીં અને આની ટોપી પેલાને પહેરાવીને કામ કઢાવી લેવામાં ઉસ્તાદ. એ બોલે કશું ને એના દિલમાં હોય બીજું વળી પૈસા ખાતર પોતાના બાપ ને ય વેચી આવે એવા વાણિયાઓ ઉપર શું વિશ્વાસ કરાય ?’
અને અવિનાશ શાહે બીજો આંચકો અનુભવ્યો. જો કે આફટર શોકની આશા હોવાથી પહેલાં આંચકા જેવી ધ્રૂજારી ના અનુભવી.
‘હમ્મ…તમે તો બહુ હોંશિયાર લાગો છો રાજીવભાઈ. લાગલો જ બીજો પ્રશ્ન પૂછ્યો : તમારા પિતાશ્રીનું કામકાજ શું ?’
‘મારા બાપા તો ખેડૂત, ધરતીપુત્ર !’
ગર્વથી બે ઇંચ છાતી ફુલાવાનો અભિનય કરતાં રાજીવે વાત આગળ વધારી અને  જવાબમાં વધારાના જ્ઞાનનું મેળવણ ઉમેર્યું.
‘અમે તો ભોળા ભાળા , પરોપકારી ને નિખાલસ જીવ ! બાકી જુઓને આ મારા સગા કાકાની જ વાત કરું.  એમનો પ્લાસ્ટિકનો ધંધો છે. અમે એમના કામનો વારંવાર વિરોધ કરીએ છીએ કે ભાઈ તું આ કામ છોડી દે. તારા પ્લાસ્ટિકના ધંધાથી વાતાવરણને કેટલું નુકશાન પહોંચાડે છે ! વળી એનો કચરો ખાઈ ખાઈને અમારી ગાયો બિચારી માંદી પડી જાય અને મરી પણ જાય છે. તો એ સામો જવાબ વાળે કે,’ ભાઈ, આ મારો ધંધો છે, મારી રોજી રોટી. હું પ્લાસ્ટિકનું કામ નહી કરું તો બીજા કરશે.આજના જમાનામાં પ્લાસ્ટિકનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે તો હું મારા કુટુંબનું ભરણપોષણ કરવા એ ધંધો અપનાવું તો ખોટું શું છે? હા, મારી ફેકટરીમાં પોલ્યુશન કંટ્રોલના બધા નિયમોનું જડબેસલાક પાલન થાય છે..આનાથી વધુ તો શું કરું ? આખરે પ્રામાણિકતાથી ધંધો કરું છું – દાણચોરી તો નથી કરતો ને !’ બોલો, જેનું જે થવું હોય એ થાય પણ આપણું તરભાણું ભરો જેવી આવી નિમ્ન કક્ષાની મેન્ટાલીટી અમારા કુટુંબમાં જોવા નહીં મળે. અમે તો પર્યાવરણના મિત્ર, એના વ્હાલથી રખોપા કરનારી, એના ખોળામાં માથું મૂકીને જીવનારી પ્રજા.’
હવે અવિનાશની ધીરજનો બંધ તૂટી ગયો અને એણે સામે ટેબલ પર રહેલી ફાઈલ બંધ કરીને રાજીવને પાછી આપી.
‘રાજીવભાઈ, સોરી, અમારે ધંધામાં તમારા જેવા માણસોની સહેજ પણ જરુર નથી. આપ જઈ શકો છો.’
હવે હબક ખાઈ જવાનો વારો રાજીવભાઈનો હતો.
‘પણ…પણ…સર મેં એવું તો શું ખોટું કહ્યું ? મારી ક્વોલિફિકેશન્સ તો જુઓ…’
‘રાજીવભાઈ.તમારી ક્વોલિફિકેશન્સ તો સરસ છે પણ તમારા મગજનો , એમાં બંધાઈ ગયેલ પૂર્વાગ્રહોનો કોઇ ઇલાજ નથી. પૂર્વાગ્રહોયુકત કર્મચારી રાખીએ તો તો પતી ગયું. અમારે  તો વર્લ્ડવાઈડ કામ કરવાનું છે. દરેકના અવગુણો વિચારતા રહીએ તો ધંધો થઈ રહ્યો. કોઇ એક કોમ, જાતિ કે ધંધાના સમીકરણો એની સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને સપ્રમાણ રીતે કદી લાગુ ના પડે. દરેક વ્યક્તિએ બધા ગુણ અલગ અલગ હોય છે. પણ તમને આ સમજાવવાનો કોઇ મતલબ નથી. આશા રાખું કે ભવિષ્યમાં તમને તમારી આ માન્યતાઓ બહુ હેરાન ના કરે ! તમે હવે જઈ શકો છો.’
અને પોતે ક્યાં માત ખાધી એ વિચારતો, અસમંજસની સ્થિતીમાં ફસાયેલો રાજીવ પોતાની ફાઈલ લઈને ઓફિસની બહાર નીકળ્યો.
અનબીટેબલ :  કોઇના ધંધા, ધર્મ કે શહેર પર ક્યારેય પૂર્વાગ્રહોથી પીડાઈને કોઇ વિશેષ ટિપ્પણીઓ ના કરવી.
-સ્નેહા પટેલ.

3 comments on “ધંધો – ધર્મ – શહેર

  1. એકદમ સાચી સલાહ તમે આપી છે…. પહેલાંના જમાનામાં રાજા, વાંદરા, એમનાજ મુડમાં રહેતાં, હવે તો શેઠ, મેનેજર, બોસ, ઉપરી અધિકારી-હેડ, માબાપ, સંતાનો વગેરેને કોઈ પણ જાતની સલાહ ગમતીજ નથી માટે આપવીજ નહીં, સાથે સાથે વણજોઈતા શબ્દો પણ બોલવા ન જોઈએ, અને ખાસ કરીને કોઈ પણ કોમ કે વ્યક્તિ વિષે તો ખાસ ટીકા કે ખુશામતભર્યું પણ ન બોલવાનુ.

    Like

  2. કોઇ પણ વ્યક્તિ વિશે પુર્વગ્રહ બાંધી ના જ લેવા જોઇએ કોઇ એકાદ વ્યક્તિ ને થયેલ સારો કે ખરાબ અનુભવ જરુરી નથી કે બધા ને એમ જ થાય અને નિખાલસ પણે એક વાત નો અહિયા સ્વિકાર કરુ તો થોડા સમય પેહલા મને પણ અમદાવાદી પ્રજા પ્રત્યે અમુક તમુક પુર્વગ્રહ તો હતા જ જે હવે નવા પરિચય પછી નથી. આપ ની સલાહ ગમી આભાર મેમ.

    Like

  3. નવગ્રહ્થી પણ વધારે નડે એવો પૂર્વ-ગ્રહ હોય છે..!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s