ઉદભવનો અંત


phoolchhab newspaper > Navrash ni pal column > 6-8-2014

 

એક અરીસો રાતે ફોડી,
બિંબ નિહાળો એને જોડી,
કોણ તમે છો? સમજણ પડશે,
ઓળખ મળશે થોડી થોડી.

– શકીલ કાદરી

બહુ સમયથી રિસાયેલ મેઘરાજા આજે મન મૂકીને વરસી રહ્યા હતા. ધૂળની ડમરીઓથી રાખોડી રંગના થઈ ગયેલ વૃક્ષો આજે સદ્યસ્નાતા બનીને લીલાશ પકડી રહ્યા હતા. વાદળો ગરજી ગરજીને આકાશના યક્ષ બનીને આભનું વ્હાલ ધરતી પર ઠાલવી રહ્યા હતા. મહિનાઓથી તરસી,તરડાઈ ગયેલી ધરતી આભ સામે મીટ માંડીને થાકી ગઈ હતી …અચાનક જ એનું વ્હાલ વરસતા ધરતીની આંખ છલકાઈ આવી અને એના અશ્રુઓ વરસાદના નીરમાં વહેવા લાગ્યા હતા. એણે આકાશને મનોમન સંદેશો પાઠવી દીધો,

‘ બહુ રાહ જોવડાવી પણ મારો વિશ્વાસ ના તોડ્યો મારા વ્હાલા !’

વરસાદના વરસતા વૈભવમાં અમીએ ઘરમાં દાળવડા બનાવીને એના રસોડાનો વૈભવ વધાર્યો અને ગરમા ગરમ કોફી બનાવીને એના સાસુમાની સાથે નાસ્તો કરવા જ બેસતી હતી અને ડોરબેલ વાગ્યો. કોફીનો મગ બાજુમાં મૂકીને દરવાજો ખોલ્યો તો સામે પાડોશી લ્યુસીબેનની સોળ વર્ષની દીકરી જોન્સી ઉભી હતી. જોન્સીની સ્કુલ છૂટીને તરત જ વરસાદ પડ્યો હતો અને જોન્સી રેઈનકોટ કે છ્ત્રી લઈને નહતી ગઈ એટલે આખી ય વરસાદથી લથપથ !

‘આંટી, મમ્મી ઘરની ચાવી આપીને ગઈ છે ?’

‘ના બેટા, કદાચ સામે દર્શનાબેનને આપી હશે – પૂછી જો ‘

‘ના ત્યાં પણ નથી. મેં બધે પૂછી લીધું.’

અને જોન્સીના મોઢા પરથી ટપકતા પાણી સાથે ગુસ્સો અને લાચારી પણ ટપકવા લાગી.

‘કંઈ વાંધો નહી બેટા, લાવ તારી બેગ મને આપ હું ગેલેરીમાં મૂકી દઉં અને તું રૂમમાં જતી રહે, હું તને ટોવેલ ને કપડાં આપું છું. ચેઇન્જ કરી લે.’

થોડી વાર પછી જોન્સી ફ્રેશ થઈને અમીની સાથે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ. જોન્સી અમીની બહુ નજીક હતી એટલે એને અમીના ઘરમાં સહેજ પણ અતડું કે પરાયાપણું નહોતું લાગતું. એ ચેન્જ કરીને આવી ત્યાં સુધીમાં અમીએ એના માટે એક કપ કોફી બનાવી દીધી હતી. સાસુમા કોફી અને નાસ્તો પતાવીને બેડરુમમાં જઈને આડા પડ્યા હતા. અમી અને જોન્સીએ નાસ્તો ચાલુ કર્યો.

‘આંટી, રિક્તા કેટલી ખુશનસીબ કે એને તમારા જેવી મમ્મી મળી છે. કેરીંગ, સ્માર્ટ,ઇન્ટેલીજન્ટ,બ્યુટીફૂલ…અને એક મારી મોમ જુઓ. રોજ રોજ કોઇ ને કોઇ વાતે…’

‘આજે તારો દિવસ કેવો રહ્યો સ્કુલમાં જોન્સી ?’ અમીએ જોન્સીને વચ્ચે જ અટકાવીને પૂછ્યું.

‘અરે બહુ સરસ, આજે મેથ્સના સર બહુ મસ્તીમાં હતા તો આખો પીરીઅડ અમને ફ્રી જ મળ્યો.એમની સાથે ધમાલ ધમાલ કરી. અરે હા આંટી, તમારી આ ટીશર્ટ મને બહુ ગમી.’

જોન્સીએ અમીએ એને પહેરવા આપેલ ટીશર્ટ પર એક નજર નાંખતા કહ્યું.

‘એવું છે તો તું રાખી લે. હું બીજી લઈ આવીશ.’ અમીએ હસતા હસતા કહ્યું.

‘આંટી તમારી ચોઈસ કેટલી સરસ છે…જ્યારે મારી મમ્મી તો મારા માટે કંઇ પણ લાવે ને તો…’

‘જોન્સી, બીજા દાળવડાં લઈશ ?’ અમીએ ફરીથી એની વાત અડધેથી કાપી.

‘ના આંટી, બસ, આવી સિઝનમાં ગરમાગરમ દાળવડા મળી ગયા ને સાથે મસ્ત મજાની કોફી…મજા આવી ગઈ. બધો થાક ઉતરી ગયો. થેંક્સ. એક તમે છો કે રસોઇમાં એક્સપર્ટ અને એક મારી મમ્મી, જ્યારે હોય ત્યારે ઈંડા બાફીને બ્રેડ સાથે ખવડાવી દે…’

હવે અમીથી ના રહેવાયું અને બોલી ઉઠી,

‘જોન્સી પ્લીઝ, આમ વારંવાર તારી મમ્મી અને મારી વચ્ચે કમ્પેરીઝન ના કર અને ફોર ગોડ સેક આ નેગેટીવ વાતો જોવાનું , બોલવાનું બંધ કર. પોઝીટીવ વાતો જોવાની, અનુભવવાની અને એની પ્રસંશા કરવાની ટેવ પાડ. તારા મમ્મીની કેટલી બધી સારી વાતો છે. એ તને તારા પપ્પા વગર એકલા હાથે ઉછેરે છે, જોબ કરે છે, ઘરની બહારની સામાજીક બધી ય જવાબદારીઓ એકલા હાથે ઉપાડે છે. વારંવાર તારા ઘરે મહેમાનોના ઉતારા હોય છે પણ એ ક્યારેય અકળાતી નથી. એમની પોતાની તબિયત નાજુક છે, ડાયાબિટીસ અને હાઈપ્રેશર જેવી બિમારી છે એમ છતાં એ બધું એકલા હાથે મેનેજ કરે છે. શી ઇઝ સચ એ બ્રેવ લેડી અને તું છે કે વાતે વાતે…’

‘ના આંટી એવું નથી પણ મમ્મી મને પૂરતો સમય જ નથી આપતી. ‘

‘જોન્સી, તું આટલી મોટી થઈ પણ તેં ક્યારેય તારી મમ્મીની જવાબદારી ઓછી કરવાનો વિચાર કર્યો છે ? એ આવે એ પહેલાં સૂકાયેલ કપડાં લઈને વાળી દેવા, વાસણ ગોઠવી દેવા, તારી સ્કુલબેગમાંથી ટીફિન કાઢીને ધોવા મૂકવું કે વોટરબોટલ સુધ્ધાં ખાલી કરીને ઉંધી પાડવી,ઘરનું કરિયાણું, શાકભાજી લઈ આવવું…આવું કોઇ જ કામ કરવાનો વિચાર પણ આવે છે ?’

‘ના આંટી.’

‘ આવા નાના નાના કામ તું પતાવી લે તો તારી મમ્મીને માથે એ કામનો બોજો ઓછો ના થઈ જાય ? એ સમય બચે તો તારી મમ્મી તારી સાથે બેસીને નિરાંતે વાત કરી શકે, તને સમજી શકે. તું થોડી બદલાઈશ તો જ એ વાત શક્ય છે. બાકી જવાબદારીના બોજ હેઠળ દબાયેલ, શ્વાસ ખાવા ય સમય શોધવો પડે એવી તારી મમ્મી પાસે હજુ શું વધુ આશા રાખે છે બેટા ?’

‘આંટી, તમારી વાત સાચી છે. આ રીતે તો મેં કદી વિચાર્યું જ નથી.’

‘એ જ કહું છું દીકરા કે નેગેટીવ વાતોને મગજમાંથી જાકારો આપ અને પોઝીટીવ વાતો જોવાની ટેવ પાડ તો આગળ જતા જીવનમાં સુખી થઈશ. જેવું જોઇશ એવું અનુભવી શકીશ. આવા બધા મગજના ભૂતોને બહુ ધ્યાન નહી આપવાનું, વારંવાર એ વાતોને લોકો પાસે બોલીને વાગોળવાની પણ નહીં …નહીંતર લાંબે ગાળે એ તારા મગજનો એવો ભરડો લેશે કે તું કશું સારું જોઇ – સમજી નહી શકે.’

અને જોન્સી ગળગળી થઈ ગઈ, ‘અત્યાર સુધી પોતે મમ્મીને કેટલી ખોટી રીતે જોતી હતી !’

અને અમી પોતાના હાથમાં રહેલ જોન્સીના હાથની ઉષ્મામાં થતો વધારો અનુભવતી ખુશ થઈ.

અનબીટેબલ : એક નેગેટીવ વિચારનો ઉદભવ વેળા જ અંત આણી દેવો એ સો પોઝીટીવ કાર્યની બરાબર છે.