ઓરતા


phoolchhab newspaper > navrash ni pal column > 23-07-2014
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
-રમેશ પારેખ.

ઘનઘોર વૃક્ષોની લીલાશ વચ્ચે રાખોડી રંગના રસ્તાની વાંકીચૂકી કેડી સરતી દેખાતી હતી. રંગબેરંગી પુષ્પોથી લચી પડેલી કમાનો, મધુર કલરવ કરતાં પક્ષીઓ અને સોનેરી અજવાશ સાથેનો સૂર્યોદય આખાય વાતાવરણમાં નારંગી પ્રભા પાથરી રહ્યો હતો.શીવાએ ડેશબોર્ડમાં રહેલ એક બટન સામે નજર કરી અને ત્યાં રહેલ સેન્સરે એની નોંધ લઈને તરત જ શીવાની ઇચ્છા મુજબ ગાડીના કાચ નીચે ઉતારી દીધા. શીવાએ બીજા બટન પર નજર કરી અને એના મનગમતા ગીતો સુમધુર સંગીત સાથે રેલાવા લાગ્યા. હવામાં ફરફરતા રેશમી વાળની સરસરાહટથી શીવા જાણે આકાશમાં ઉડતી હોય એવું અનુભવતી હતી. અવર્ણનીય સુખનો શ્વાસ ફેફસામાં ભરતા ભરતા શીવાએ ડેશબોર્ડની બાજુમાં આવેલ એક નાનકડી બોટલ જેવા શેઈપની સ્વીચને દબાવીને એની નીચે થર્મોકોલનો ગ્લાસ ધર્યો અને તુલસી – આદુ – ફુદીનો-લીલી ચાનું કોમ્બીનેશન સિલેક્ટ કર્યુ ને બોટલમાંથી એની મનગમતી ફ્લેવરની ચા ગ્લાસમાં રેડાવા લાગી.ચામાં ધ્યાન હોવાથી રસ્તાનો એક ખાડો શીવાને દેખાયો નહી અને ગાડી થોડી ઉછળી જો કે ઓટોમેટીક સેન્સરે એનુ કામ પૂરતી વફાદારીથી કરેલું એટલે બહુ વાંધો ના આવ્યો પણ એ ઉછાળામાં શીવાના કપમાંથી ચા છલકાઈને એના જીન્સ પર પડી ને શીવાથી એક સીસકારો લેવાઈ ગયો,

‘આહ…’
અને શીવાની આંખ ખૂલી ગઈ. ધત્તતેરી…આ તો સપનું હતું. કાલે સાયન્સ ફીકશનની બુક વાંચતા વાંચતા સૂઈ ગઈ હતી એના પ્રતાપે આ સપનાનો વૈભવ માણ્યો હતો પણ આંખ ખૂલી તો એ જ એના પાંચ બાય પાંચના બેડની તેર બાય તેરના રુમની વાસ્તવિકતા મોઢું ફાડીને સામે ઉભેલી.

શીવાએ બેડરુમમાં ચારેબાજુ નજર ફેરવી. બેડરુમની જમણીબાજુની ભીંતમાં ઉપરવાળાના ફ્લેટના બાથરુમના આવતા ભેજથી પોપડાં ઉખડી ગયેલા ને એની નીચેથી પીળો રંગ ડોકાચિયા કરતો હતો. માથા પરનો પંખો ચીં..ચીં ના અવાજ સાથે ચારની સ્પીડે ફરતો હોવા છતાં એકની સ્પીડ જેટલી જ હવા ફેંકી શક્તો હતો. એ ય ૨૦ વર્ષનો ઘરડો થઈ ગયો હતો. દિવાલની ઘડિયાળનો કાચ તૂટી ગયેલો હતો. દરવાજાની પાછળ લટકાવેલી કપડાં લટકાવવાની ખીંટી પણ કાટ ખાઇ ગઈ હતી.ત્યાં તો શીવાની અલાર્મ ક્લોકે એને સચેત કરી અને વિચારોની જંજાળમાંથી મુકત કરી.

વિચારોને ખંખેરીને ફટાફટ  પોતાના રેશમી લાંબા વાળમાં ગાંઠ મારીને શીવા ઉભી થઈ. આજે એણે એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. જો આ નોકરી મળી જાય તો જીવનમાં થોડા શાંતિના શ્વાસ નસીબ થાય એવી આશા હતી. શીવાના મીડલક્લાસ પરિવારમાં બે સંતાન, સાસુ સસરા, સુરમ્યા અને પતિ રીપૂંજ – પૂરા છ જણ હતાં. અમિત પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. ઉપરની થોડી ઘણી આવક સાથે મહિને દહાડે માંડ દસે’ક હજાર જેવી કમાણી હતી. ઘરના બે ય છેડાં ભેગા કરતા શીવા અને રીપૂંજની કમર તૂટી જતી હતી.

છોકરાંઓને તૈયાર કરીને સ્કુલે મોકલીને ચા ને આગલા દિવસની વધેલી ભાખરીનો ડબો લઈને ઘરના મોટા રુમ ગઈ. ત્યાં જમણીબાજુના ખૂણામાં કપ રકાબી ને નાસ્તાની ડીશો ગોઠવીને ઘરના બધાં સદસ્યોને બૂમ પાડી.

‘ચાલો, ચા તૈયાર છે.’

વાસુબેન, અમિતભાઈ અને રીપૂંજ બ્રશ કરીને ફ્રેશ થઈને જમીન પર પલાંઠી વાળીને ગોઠવાઈ ગયાં. વાસુબેને આગલા દિવસની ભાખરી સાથે ચા પીવાનું ચાલુ કર્યું અને શીવાએ ધીમેથી પોતાની નોકરી કરવાની ઇચ્છાનો મમરો મૂકયો,

‘મમ્મી – પપ્પા, આજે મારે એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. નોકરી મળી જશે તો આપણને આર્થિક રીતે બહુ સહાય થઈ જશે. તમારા આશીર્વાદ આપો.’ અને વાસુબેનનો હાથ અટકી ગયો.
‘વહુ દીકરા, તમે નોકરી કરવાનું કોને પૂછીને નક્કી કર્યું ?’
‘સારા કામ માટે પૂછવાનું શું હોય ? ઘરમાં બે પૈસા આવશે તો આપણે બધા ય રાહતનો શ્વાસ લઈ શકીશું. રીપૂંજને પણ ટેકો મળી રહેશે અને છોકરાઓનું ભવિષ્ય પણ સુધરશે.’
‘તમારી વાત સાચી છે બેટા પણ પછી ઘર, છોકરાંવ, સામાજિક વ્યવહારની જવાબદારી એ બધાનું શું ?’
‘છોકરાંઓ તો સવારે સ્કુલે જતા રહેશે, બપોરે આવીને સૂઈ જશે ને સાંજે તો હું આવી જ જવાની ને. તમારે તો ફકત બપોરનો સમય જ સાચવી લેવાનો છે ને.’
‘શીવા, અમે આખી જિંદગી બધાના ટાઈમટેબલો સાચવવામાં જ કાઢ્યાં હવે ઘરડે ઘડપણ પણ આનું આ જ ? જુવાનીમાં મને ને તારા બાપુજીને બહાર ફરવાના કેટલાંય ઓરતા હતાં પણ સમયે અવકાશ જ ના આપ્યો. હવે આ ઉંમરે અમારે જવાબદારીઓથી મુકત થઈને એકબીજા સાથે, અમારા માટે જીવવું છે.ઘડિયાળ નામની ટકટકને અમારા જીવનમાંથી અલવિદા કહી દેવી છે, બહુ બધી જગ્યાઓએ ફરવું છે.તો તું નોકરી કરીશ તો તારી સાથે અમે પણ બંધાઈ જઈશું. ના શીવા, હું ચોખ્ખું કહી દઉ છું કે મારાથી આ બધું નહીં થાય. તું એ બધાની યોગ્ય વ્યવસ્થા કરી શક્તી હોય તો જ નોકરીનું વિચારજે.અમારા ખભે ગોળીબાર ન કરીશ. ‘
અમિતભાઈએ પણ મૂક નજરથી વાસુબેનની વાતમાં સાથ આપ્યો.
રીપૂંજ અને શીવા બે ય જણ એમની આવી વાતો સાંભળીને અવાક થઈ ગયાં. મમ્મી પપ્પા પાસેથી સાવ આવી અપેક્ષા તો નહતી જ. ચાર ને છ વર્ષના બે સંતાનોની શું વ્યવસ્થા કરવી અને એ વ્યવસ્થા કરવામાં પૈસાનું આંધણ તો ખરું જ. કાળી મજૂરી કરીને પણ હાથમાં શું આવવાનું ? વળી સાસુ સસરા જાતે જો આ વાત ના સમજે તો એમને ફોર્સ તો ના જ કરી શકાય ને ! ઘરડાં ઓરતા જુવાન ઓરતાના વર્તમાન ઉપર ભારે પડી રહ્યા હતા ને આ કપલ વિચિત્ર પરિસ્થિતીમાં અટવાઈ ગયેલું. વડીલો તો ઘરનો મોભ કહેવાય. ઘરના સારા નરસા પ્રસંગે એમના અનુભવો અને ઉંડી સમજ જ પરિવારને મુસીબતમાંથી ઉગારે એવો વિશ્વાસ હતો પણ આ તો કોઇક નવી પ્રકારની સ્થિતી સર્જાઈ ગઈ હતી.
છેવટે છોકરાંઓ થોડા મોટા થાય ત્યાં સુધી પડ્યું પાનું નિભાવી લેવાનું અને ઘરે બેસીને જે થાય એવું નાનું મોટું કામ કરીને આર્થિક ઉપાર્જનનો પ્રયત્ન કરી લેવો એવા વિચાર સાથે શીવાએ નોકરીનો વિચાર પડતો મૂક્યો. વિભકત કુટુંબને ગાળો દેનારા લોકોને પોતાના આ સંયુકત કુટુંબના શું ફાયદા એ પૂછવાનું મન થઇ ગયું. ઘરનાને સારી રીતે જીવાડવા માટે શીવાની  બધી તૈયારી છતાં એણે મન મસોસીને રહી જવું પડ્યું.

અનબીટેબલ : વાસ્તવિકતાની હથેળીમાં વિશ્વાસ નામના પંખીને જેલવાસ થાય ત્યારે ‘અશ્રુ-પાણી’ની દર્દનાક સજા થાય છે.
-સ્નેહા પટેલ