સંન્યાસ


Phoolchhab newspaper > Navrash ni pal column > 2-07-2014.

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,

કોઈ છાયાની સાથ રમવું છે.

-અશરફ ડબાવાલા.

 

‘સફેદ કપડું, બાજઠ, નારિયેળ, ગણપતિની મૂર્તિ, લાલ કપડું, અગરબત્તી, સ્ટેન્ડ, રૂ, ઘી, વાડકી, ચમચી, કંકાવટી, અબીલ, ગુલાલ,દુર્વા, નાડાછડી….’ મૌલિકાના મોઢામાંથી ફટ – ફટ ધાણીની જેમ વસ્તુઓના નામ બોલાતા જતા હતા અને એનો નોકર એટલી જ ઝડપથી પહેલેથી રસોડામાં તૈયાર કરાયેલી આ બધી વસ્તુઓ નામ પ્રમાણે રૂમમાં ગોઠવતો જતો હતો. બધું ય ડ્રોઇંગરુમમાં ગોઠવાઈ ગયું અને ગોર મહારાજનો પ્રવેશ થયો. મૌલિકા ધર્મની દરેક બાબતમાં સમયની બહુ જ પાક્કી.

દુર્વા વડે યજમાન અને આસન તેમ જ આસનની આસપાસ પાણી છાંટી મહારાજ શ્ર્લોક બોલ્યાં,

 

‘ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा !

यः स्मरेत्पुंडरीकाक्षं स ब्राह्याभ्यंतर शुचिः !!’

 

અને મૌલિકાના મોઢા પર અલૌલિક આનંદ પથરાઈ ગયો. મૌલિકા ધાર્મિક વૃતિની સ્ત્રી હતી. એના ઘરમાં વારે તહેવારે કથાઓ તો ચાલતી જ રહેતી હોય. આજે પણ મૌલિકાના એક ના એક વીસ વર્ષના પુત્ર પ્રિયાંકની વર્ષગાંઠ હતી તેથી એણે સત્યનારાયણની કથા રાખી હતી. મૌલિકાના ઘરના હવે થોડાં કંટાળેલા હતા એનાથી, પણ ધર્મનું નામ હતું એટલે એને રોકવાની કોઇની હિંમત નહતી. વળી એનો સ્વભાવ પણ બહુ જ લાગણીશીલ અને જીદ્દી – એનો વિરોધ થતાં એ કદાચ છંછેડાઈ જાય તો આખા ઘરની શાંતિ ડહોળાઈ જવાનો ભય પણ ખરો.

કથાને લગભગ પંદરે’ક મીનીટ થઈ. મૌલિકાની બાળપણની સખી રજનીએ પ્રવેશ કર્યો અને એની બાજુમાં ગોઠવાઈ ગઈ. આખી ય કથા દરમ્યાન રજનીએ ચૂપચાપ બધીય વિધી નિહાળ્યા કરી. છેલ્લે પ્રસાદના પડિયાં ભરતાં ભરતાં એનાથી ના રહેવાયું અને એ બોલી ઉઠી,

‘મૌલિકા, પ્રિયાંક હમણાં મને તારી કમ્પ્લેઈન કરતો હતો. એને આજે આખો દિવસ એના મિત્ર સાથે બહાર રહેવું હતું અને સાંજે ફેમિલી સાથે ક્યાંક બહાર જવું હતું તો જુવાનજોધ દીકરાને આમ જબરદ્સ્તીથી પૂજામાં બેસાડવાનો મતલબ ?’

‘રજની , એને તો બધું કરવું હોય પણ સૌપ્રથમ તો ભગવાન જ હોય ને ? ‘

‘શું જડ જેવી વાતો કરે છે તું ? ઘરમાં કાયમ બધાએ તારી મરજી મુજબ થોડું ચાલવાનું હોય ? બધાં તારી વાત માને છે એનો મતલબ એવો તો નહીં ને કે તારે એમની ઉપર તારી મરજી થોપવાની ! તારાથી થતો ધર્મ કરવાની કોઇ ક્યાં ના પાડે છે તને. ‘

‘ હવેથી એવું નહીં થાય…’

અને રજની ચમકી : ‘મતલબ ?’

‘મતલબ એ જ કે હું હવે મારા ગુરુજીની શરણમાં જ જતી રહેવાની છું… કાયમ માટે. ‘

અને રજની સ્તબ્ધ રહી ગઈ.

‘મૌલિકા – આ શું પાગલ જેવી વાત કરે છે ? આવો સુંદર મજાનો સંસાર છોડીને આમ ભાગે છે શું કામ ?’

‘ઘરના માટે બહુ કર્યું હવે મારે મારા માટે થોડો સમય કાઢવો છે. મારા આત્માની શુદ્ધિ કરવી છે.મારા વ્હાલા પ્રભુની પૂજામાં બાકીની જિંદગી વિતાવવી છે’

‘ઓહ…પણ પાછળ આ જે સંસાર ઉભો કરેલો છે એનું શું ? તારા સંતાન, પત્નીધર્મની જવાબદારીથી ભાગીને ભગવાન મળશે કે ? તારે ધર્મ કરવો હોય તો સંસારમાં રહીને બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા પણ કરી જ શકે છે ને. સંસાર અને ધર્મ બે ય નું સાથે વહન કરવું એજ સૌથી શ્રેષ્ઠ,સૌથી અઘરો – માનવીની પરીક્ષા કરતો ધર્મ છે.’

‘રજની, બધા માટે બહુ કર્યું. દરેક માનવી પોતાના નસીબનું લખાઈને જ લાવ્યો હોય છે. એમના નસીબમાં જે હશે એ થશે જ ને.’

‘ના મૌલિ… મારા મતે આ બરાબર નથી. પરણવું, સંતાનને જન્મ આપવો એ બધું તમારી મરજીથી જ થયું છે તો એને જીવનપર્યંત નિભાવવું એ જ સૌથી મોટો ધર્મ. કોઇ પણ ભગવાનની કે ગુરુજીની પૂજા એની તોલે ના આવી શકે. ઘરબાર છોડીને સંન્યાસ લઈ લેવો એ તો કાયરોનું – આળસુઓનું કામ. માનવીએ પોતાના ભાગની જવાબદારીઓ સુપેરે નિભાવવી એના જેવો ધર્મ બીજો કોઇ નથી.

‘તારી વાત તારી દ્રષ્ટીએ સાચી હશે પણ મારી નજરથી તો મારો ભગવાન જ મારું સર્વસ્વ છે. આ ઉંમરે હવે પ્રભુને શાંતિથી ભજવા છે. મારી ભક્તિની આડે સમય, સંબંધના કોઇ જ બંધન નથી જોઇતા. મેં મારાથી બનતા બધા સંસ્કારો, સમય મારા ઘરને કુટુંબને આપ્યાં છે હવે બસ…થોડું મારા માટે જીવવું છે.’

અને રજની સ્તબ્ધ બની ગઈ.એની નાનપણની સખી એને આજે સાવ સ્વાર્થી લાગી જે ફક્ત પોતાના આત્માના ઉદ્ધારની જ વાતો વિચારતી હતી. ધર્મની વાતનો વિરોધ પણ ના કરી શકાય પણ મૌલિકાના ફેમિલી માટે દિલના એક ખૂણામાં દુઃખ થતું હતું. પોતાની જવાબદારી છોડીને ભાગી જવું એવી વાતને ઉપરવાળો કઈ રીતે માન્ય રાખતો હશે એની જ એને તો સમજ નહતી પડતી. હા, મૌલિકાએ લગ્ન જ ના કર્યા હોત તો એનો આ નિર્ણય બરાબર હતો પણ આજની પરિસ્થિતીમાં વાત જે વળાંકે વળી રહી હતી એ બરાબર નહતી જ. રજની લાચાર હતી. છેલ્લે એ એક જ વાક્ય બોલી,

‘મૌલિ, તું કદાચ સાચી હોઇશ પણ હું સહેજ પણ ખોટી નથી. થોડો સમય કાઢીને આ વાત પર ફરીથી વિચારજે પ્લીઝ.’ અને પ્રસાદનો પડિયો લેવાની પણ તસ્દી લીધા વગર રજની ત્યાંથી બહાર નીકળી ગઈ.

અનબીટેબલ : ઇશ્વર આટલો સુંદર છે તો એને પામવાના રીતિ – રિવાજો કેમ આવા કુરૂપ ?

સ્નેહા પટેલ