સકલ વિશ્વ એક મંદિર !


prayer - sneha patel

લોહી માંસને ત્વચાના વાઘા આપ્યા,
હૈયાના અમી મારે રુદિયે રેડયા.
તારી ભક્તિના બીજ
મારી પ્રાર્થના-ગર્ભમાં રોપ્યા !
તારા સ્મિતથી મારા મનોમસ્તિષ્કમાં
ખુશખુશાલ ઘંટારવ વગાડ્યા.
તારી કરુણાના આચમન જળે
મારા દિમાગને નિર્મળ બનાવ્યું.
પ્રેમનો નશો કરાવી,
પૂર્ણપણે જાગ્રત અવસ્થામાં રાખી,
હવે સકલ વિશ્વ પવિત્ર પવિત્ર
એક મંદિર..!
-સ્નેહા પટેલ

ગ્રહણ


Phoolchhab newspaper > navrash ni pal column > 30-07-2014

कोई निशान लगाते चलो दरख़्तों पर

के इस सफ़र में तुम्हें लोट कर भी आना है !

-रऊफ़ ख़ैर

અને જ્યાં સુધી એરઇન્ડિયાનું પ્લેન દેખાયું ત્યાં સુધી અવની હવામાં હાથ વીંઝતી રહી અને દિવ્યાને ‘બાય’ કહેતી રહી. છેવટે આંખોના ખૂણે બાઝી ગયેલી ભીનાશ પર રુમાલ ફેરવીને કોરી કરી.

દિલની જેમ નયન પણ કોરા ભટ્ઠ !

ઘડિયાળમાં જોયું તો એ સવા ત્રણનો સમય બતાવતી હતી. ચેન્નાઈ, કુઆલાલમ્પુર પછી સિંગાપોર અને ત્યાંથી ક્વોન્ટાઝ એરવેઝની ફ્લાઈટ દિવ્યાને બ્રિસ્બેન થઈને કેઈર્ન્સ પહોંચાડી દેશે. એનો અને દિવ્યાનો આ કેવો અનોખો સંબંધ ! દિવ્યા એટલે એની ખાસ બહેનપણી ધારાના દીકરાની ભાવિ વહુ.

ધારા અને અવની વચ્ચે નાનપણથી બહેનપણા હતા. ધારાનો એકનો એક દીકરો ગ્રેજયુએટ થઈને બેટર ચાન્સ માટે ઓસ્ટ્રેલિયા ગયેલો અને પછી ત્યાં જ સેટલ થઈ ગયેલો. ધારા પહેલેથી જ સ્વભાવની થોડી કચકચીયણ. ધર્મ અને સમાજના રીતિરિવાજોને લઈને થોડી જડસ્વભાવની. દિવ્યા એના પૈસાદાર મા બાપની એકની એક લાડકોડમાં ઉછરેલી મોર્ડન છોકરી. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ધારાના હુકમનામા સાંભળે અને કંટાળે ત્યારે બહાના શોધીને છટકી પણ જાય.

અવની બહુ સમજદાર અને જમાનાની ઠોકરો ખાઈખાઈને ઘડાઈ ગયેલી સ્ત્રી હતી. ધારા કરતાં ઉંમરમાં નાની હતી પણ સમજણ અને અનુભવમાં એનાથી ચારગણી. વળી અવની કાયમ વર્તમાન પરિસ્થિતીને અનુકૂળ થઈને જીવવામાં માનતી. આ બધાના કારણે દિવ્યાને ધારા કરતાં અવની સાથે વધારે બનતું. દિવ્યા સામાજીક ફંકશનમાં એક બે વખત જ અવનીને મળી હતી અને એ એની ડ્રેસિંગ સેન્સ, હસમુખો અને લાગણીશીલ સ્વભાવથી બહુ જ ઇમ્પ્રેસ થઈ ગયેલી. પરિણામે ધારા કરતાં અવનીના ઘરે દિવ્યાની વધુ અવર જવર રહેતી.

એકાદ – બે વખત ધારાએ અવની અને દિવ્યાને ડીનર લેતા અને પિક્ચર જોવા જતાં જોયેલા અને એ ઇર્ષ્યાથી બળીને ખાખ થઈ ગયેલી. એની વહુ અને એના કરતાં એની બહેનપણીની સાથે વધુ રહે એ તો કેમ ચાલે ? પરિણામે એ દિવ્યા તરફ થોડી વધારે કડક થતી ગઈ. જુવાન લોહી એમ કોઇના દાબમાં રહે ? એ તો સ્પ્રીંગ જેવું – જેટલું દબાવો એટલું વધુ ઉછાળા મારે. વળી દિવ્યાને ક્યાં આખી જિંદગી ધારા સાથે રહેવાનું હતું તે એની તમા રાખે ! એને તો લગ્ન કરીને મહિનામાં જ ઓસ્ટ્રેલિયા ઉડી જવાનું હતું. લગ્ન પહેલાં તો વિઝા હાથમાં હતા. ધારાની કડપ અને દિવ્યાના વિરોધની રકઝકમાં દિવ્યા અવનીની વધુ ને વધુ નજીક આવતી ગઈ. અવની એને બહુ જ સારી રીતે સમજી શકે છે એવું લાગતા એ એની બધી જ વાતો એની સાથે શેર કરવા લાગી. વોટસએપ, ફેસબુક બધે એ અવનીની વાહ વાહ કરતી થઈ ગઈ. ત્યાં સુધી કે એના લગ્નના શોપિંગમાં પણ એ ધારાને ધરાર અવગણીને અવનીને જ સાથે રાખવા લાગી.

પહેલાં તો અવનીને દિવ્યાનું આ પાગલપણ સારું લાગ્યું પણ ધીમે ધીમે એને ધારાની નારાજગીના ઓળા પોતાના સંબંધ પર ઉતરતા દેખાયા. ધારા..એની નાનપણની પ્રિય સખીનું આ વર્તન અવનીથી સહન ના થયું. પણ અવનીને આ વાત સમજાઈ ત્યાં સુધી તો બહુ મૉડું થઈ ગયું હતું. તીર બાણમાંથી છૂટી ચૂકયું હતું. ધારા એના અને દિવ્યાની નજદીકીથી અકળાઈ ગઈ હતી અને ધીમે ધીમે એની સાથેના સંબંધોમાં કાપ મૂકતી થઈ ગઈ હતી. સરળ સ્વભાવની અવનીને વાત આટલી હદ સુધી વણસી ગયાનો અંદાજ સુધ્ધાં નહતો. જ્યારે હકીકતની સમજ પડી ત્યારે બે ઘડી એને આખી દુનિયા ગોળ ગોળ ફરતી લાગેલી. ધારા એની પ્રિય સખી હતી અને એ એના માટે આવી ગેરસમજ કરે ? એણે તો સંબંધોની દિશા અને આંબોહવા જ બદલી કાઢેલી.

આ બાજુ દિવ્યા જેવી રમતિયાળ અને માસૂમ છોકરીનું દિલ કેમ તોડવું એ મોટો પ્રષ્ન..એને પોતાની નજીક આવતી કેમ રોકવી ? સાફ દિલની એ છોકરી ચાર મહિનાના ટૂંકા ગાળામાં એને પણ ખૂબ વ્હાલી થઈ ગઈ હતી. જેમ તેમ કરીને એણે બે ય પક્ષને સંતુલિત કરીને રાખવાનો પ્રયત્ન કર્યા કર્યો. ત્યાં તો એક નવો ફણગો ફૂટ્યો.. ધારા અવનીને લગ્નનું આમંત્રણ -કંકોત્રી આપે એ પહેલાં તો એને પહેલાં તો દિવ્યા તરફથી કંકોત્રી મળી ગઈ. પત્યું…

એ દિવસથી ધારાએ અવની સામે મોઢું ચઢાવ્યું તે ચઢાવ્યું..,પાછા ફરીને એક પણ વાર એણે અવની સામે જોયું જ નહીં.દિવ્યાના બળવાખોર વર્તન પાછળ છૂપી રીતે અવની જ જવાબદાર હતી એવું એ દ્રઢપણે માનતી હતી અને વર્ષોના સખીપણાને ગ્રહણ લાગી ગયું.

અવની દિવ્યાને તો શું કહે ? એ નાસમજ છોકરીના પ્રેમ આગળ એ મજબૂર હતી. પહેલેથી જ એણે સમજીને દિવ્યાને પોતાની નજીક આવતા રોકી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના આવત, પણ સંબંધોના સમીકરણો દર માનવીએ બદલાતા હોય છે એના તાળા કયો માનવી મેળવી શક્યો છે ?

નારાજ ધારાએ લગ્ન પછી દિવ્યાને એના પિયર પાછી મોકલી દીધી હતી અને એને ત્યાંથી જ ઓસ્ટ્રેલિયા જવાનું કહી દીધેલું. આજે અવની એની લાડલી દિવ્યાને એરપોર્ટ પર છોડવા આવી હતી. દિવ્યા એના સામાનની સાથે સાથે ધારા અને અવનીના સખીપણાને ય લઈને એની નવી મંઝિલ તરફ ઉડી ગઈ અને પાછળ રહી ગઈ અવની…એકલી અટૂલી !

અનબીટેબલ : સંબંધોમાં સમજણ- બંધ ગુંગળાવી કાઢતી પરિસ્થિતી હોય છે.

દરેક લખાણનું – સર્જનનું પોતાનું એક આગવું નસીબ હોય છે.


6a00d834548d0869e2017d3c758a94970c-pi

થોડા સમય પહેલાં મેં એક પોસ્ટ લખેલી કે મારું લખાણ મારી મંજૂરી વગર કે ઇમેઈલ વગર ક્યાંય શેર ના કરવું એ પછી મારા ઘણા બધા મિત્રો સાથે વાત થઈ અને એમણે મને કહ્યું કે લખાણ તો એક મજાની પ્રક્રિયા છે અને તું તો જે લખે છે એ તો આજના જમાનામાં જેટલું વહેંચાય એટલું વધુ સારું એને વહેંચતા રહેવું જોઇએ…વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવુ જ જોઇએ.
આમ તો બહુ બધી વાત થઈ પણ એ વાત માંડીને લખવાનો મતલબ નથી. એમની વાત પછી હું એ વિચાર પર આવી કે મારે મારા લખાણનો આટલો મોહ શું કામ રાખવો જોઇએ…? જે લખાઈ ગયું એ લખાઈ ગયું, હવે એ ભૂતકાળ થઈ ગયો. ભૂતકાળના સર્જનને પકડીને બેસી રહીશ તો નવા સર્જન માટે ક્યારે વિચારીશ ? જેની જેવી બુધ્ધિ એવું વર્તન કરશે. મારે તો માત્ર ને માત્ર મારા આગળના લખાણ પર જ ફોકસ કરવું જોઇએ.

તો મિત્રો, હું મારા વિચારોમાંથી થોડી આગળ વધુ છું (આને સર્જકની રાહમાં આગળ વધવા માટે જરુરી પરિવર્તન ગણીશ)અને બધા મિત્રોને મારું લખાણ શેર કરવાની મંજૂરી આપું છું. ઘણા બધા એડીટર મિત્રો પણ મારા લેખ માંગતા હોય છે એમને પણ એ છાપવાની રજા – પરવાનગી આપું છું. હા, મારું લખાણ મારા નામ સાથે  શેર કરશે તો મને – એક સર્જકને વધુ ગમશે.  બાકી કાલે કોને ખબર …હું તો નહીં હૌઉં પણ મારું લખાણ તો અહીં જ હશે. એ વખતે મારું લખાણ કોણ ક્યાં કેવી રીતે વાપરશે એ કોને ખબર…?
દરેક લખાણનું – સર્જનનું પોતાનું એક આગવું નસીબ હોય છે. મેં તો મારું સર્જનાત્મક કાર્ય પ્રામાણિકતાથી કર્યું છે એનો સંતોષ.  તમારો સંતોષ – તમારી પ્રામાણિકતા તમને ખબર દોસ્તો.

મને તો અહીં મારું હિત ઇચ્છનારા મિત્રો મળ્યાં છે એનો પણ સંતોષ છે.

વાંચતા રહો મિત્રો….વંચાવતા રહો…આટલા વર્ષોથી જેમ વરસાવો છો એમ જ અવિરતપણે મારા લખાણ પર પ્રેમ વરસાવતા રહો, શુભેચ્છાઓ -દુવાઓ આપતા રહો.!

-સ્નેહા પટેલ.

ઓરતા


phoolchhab newspaper > navrash ni pal column > 23-07-2014
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
-રમેશ પારેખ.

ઘનઘોર વૃક્ષોની લીલાશ વચ્ચે રાખોડી રંગના રસ્તાની વાંકીચૂકી કેડી સરતી દેખાતી હતી. રંગબેરંગી પુષ્પોથી લચી પડેલી કમાનો, મધુર કલરવ કરતાં પક્ષીઓ અને સોનેરી અજવાશ સાથેનો સૂર્યોદય આખાય વાતાવરણમાં નારંગી પ્રભા પાથરી રહ્યો હતો.શીવાએ ડેશબોર્ડમાં રહેલ એક બટન સામે નજર કરી અને ત્યાં રહેલ સેન્સરે એની નોંધ લઈને તરત જ શીવાની ઇચ્છા મુજબ ગાડીના કાચ નીચે ઉતારી દીધા. શીવાએ બીજા બટન પર નજર કરી અને એના મનગમતા ગીતો સુમધુર સંગીત સાથે રેલાવા લાગ્યા. હવામાં ફરફરતા રેશમી વાળની સરસરાહટથી શીવા જાણે આકાશમાં ઉડતી હોય એવું અનુભવતી હતી. અવર્ણનીય સુખનો શ્વાસ ફેફસામાં ભરતા ભરતા શીવાએ ડેશબોર્ડની બાજુમાં આવેલ એક નાનકડી બોટલ જેવા શેઈપની સ્વીચને દબાવીને એની નીચે થર્મોકોલનો ગ્લાસ ધર્યો અને તુલસી – આદુ – ફુદીનો-લીલી ચાનું કોમ્બીનેશન સિલેક્ટ કર્યુ ને બોટલમાંથી એની મનગમતી ફ્લેવરની ચા ગ્લાસમાં રેડાવા લાગી.ચામાં ધ્યાન હોવાથી રસ્તાનો એક ખાડો શીવાને દેખાયો નહી અને ગાડી થોડી ઉછળી જો કે ઓટોમેટીક સેન્સરે એનુ કામ પૂરતી વફાદારીથી કરેલું એટલે બહુ વાંધો ના આવ્યો પણ એ ઉછાળામાં શીવાના કપમાંથી ચા છલકાઈને એના જીન્સ પર પડી ને શીવાથી એક સીસકારો લેવાઈ ગયો,

‘આહ…’
અને શીવાની આંખ ખૂલી ગઈ. ધત્તતેરી…આ તો સપનું હતું. કાલે સાયન્સ ફીકશનની બુક વાંચતા વાંચતા સૂઈ ગઈ હતી એના પ્રતાપે આ સપનાનો વૈભવ માણ્યો હતો પણ આંખ ખૂલી તો એ જ એના પાંચ બાય પાંચના બેડની તેર બાય તેરના રુમની વાસ્તવિકતા મોઢું ફાડીને સામે ઉભેલી.

શીવાએ બેડરુમમાં ચારેબાજુ નજર ફેરવી. બેડરુમની જમણીબાજુની ભીંતમાં ઉપરવાળાના ફ્લેટના બાથરુમના આવતા ભેજથી પોપડાં ઉખડી ગયેલા ને એની નીચેથી પીળો રંગ ડોકાચિયા કરતો હતો. માથા પરનો પંખો ચીં..ચીં ના અવાજ સાથે ચારની સ્પીડે ફરતો હોવા છતાં એકની સ્પીડ જેટલી જ હવા ફેંકી શક્તો હતો. એ ય ૨૦ વર્ષનો ઘરડો થઈ ગયો હતો. દિવાલની ઘડિયાળનો કાચ તૂટી ગયેલો હતો. દરવાજાની પાછળ લટકાવેલી કપડાં લટકાવવાની ખીંટી પણ કાટ ખાઇ ગઈ હતી.ત્યાં તો શીવાની અલાર્મ ક્લોકે એને સચેત કરી અને વિચારોની જંજાળમાંથી મુકત કરી.

વિચારોને ખંખેરીને ફટાફટ  પોતાના રેશમી લાંબા વાળમાં ગાંઠ મારીને શીવા ઉભી થઈ. આજે એણે એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. જો આ નોકરી મળી જાય તો જીવનમાં થોડા શાંતિના શ્વાસ નસીબ થાય એવી આશા હતી. શીવાના મીડલક્લાસ પરિવારમાં બે સંતાન, સાસુ સસરા, સુરમ્યા અને પતિ રીપૂંજ – પૂરા છ જણ હતાં. અમિત પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. ઉપરની થોડી ઘણી આવક સાથે મહિને દહાડે માંડ દસે’ક હજાર જેવી કમાણી હતી. ઘરના બે ય છેડાં ભેગા કરતા શીવા અને રીપૂંજની કમર તૂટી જતી હતી.

છોકરાંઓને તૈયાર કરીને સ્કુલે મોકલીને ચા ને આગલા દિવસની વધેલી ભાખરીનો ડબો લઈને ઘરના મોટા રુમ ગઈ. ત્યાં જમણીબાજુના ખૂણામાં કપ રકાબી ને નાસ્તાની ડીશો ગોઠવીને ઘરના બધાં સદસ્યોને બૂમ પાડી.

‘ચાલો, ચા તૈયાર છે.’

વાસુબેન, અમિતભાઈ અને રીપૂંજ બ્રશ કરીને ફ્રેશ થઈને જમીન પર પલાંઠી વાળીને ગોઠવાઈ ગયાં. વાસુબેને આગલા દિવસની ભાખરી સાથે ચા પીવાનું ચાલુ કર્યું અને શીવાએ ધીમેથી પોતાની નોકરી કરવાની ઇચ્છાનો મમરો મૂકયો,

‘મમ્મી – પપ્પા, આજે મારે એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. નોકરી મળી જશે તો આપણને આર્થિક રીતે બહુ સહાય થઈ જશે. તમારા આશીર્વાદ આપો.’ અને વાસુબેનનો હાથ અટકી ગયો.
‘વહુ દીકરા, તમે નોકરી કરવાનું કોને પૂછીને નક્કી કર્યું ?’
‘સારા કામ માટે પૂછવાનું શું હોય ? ઘરમાં બે પૈસા આવશે તો આપણે બધા ય રાહતનો શ્વાસ લઈ શકીશું. રીપૂંજને પણ ટેકો મળી રહેશે અને છોકરાઓનું ભવિષ્ય પણ સુધરશે.’
‘તમારી વાત સાચી છે બેટા પણ પછી ઘર, છોકરાંવ, સામાજિક વ્યવહારની જવાબદારી એ બધાનું શું ?’
‘છોકરાંઓ તો સવારે સ્કુલે જતા રહેશે, બપોરે આવીને સૂઈ જશે ને સાંજે તો હું આવી જ જવાની ને. તમારે તો ફકત બપોરનો સમય જ સાચવી લેવાનો છે ને.’
‘શીવા, અમે આખી જિંદગી બધાના ટાઈમટેબલો સાચવવામાં જ કાઢ્યાં હવે ઘરડે ઘડપણ પણ આનું આ જ ? જુવાનીમાં મને ને તારા બાપુજીને બહાર ફરવાના કેટલાંય ઓરતા હતાં પણ સમયે અવકાશ જ ના આપ્યો. હવે આ ઉંમરે અમારે જવાબદારીઓથી મુકત થઈને એકબીજા સાથે, અમારા માટે જીવવું છે.ઘડિયાળ નામની ટકટકને અમારા જીવનમાંથી અલવિદા કહી દેવી છે, બહુ બધી જગ્યાઓએ ફરવું છે.તો તું નોકરી કરીશ તો તારી સાથે અમે પણ બંધાઈ જઈશું. ના શીવા, હું ચોખ્ખું કહી દઉ છું કે મારાથી આ બધું નહીં થાય. તું એ બધાની યોગ્ય વ્યવસ્થા કરી શક્તી હોય તો જ નોકરીનું વિચારજે.અમારા ખભે ગોળીબાર ન કરીશ. ‘
અમિતભાઈએ પણ મૂક નજરથી વાસુબેનની વાતમાં સાથ આપ્યો.
રીપૂંજ અને શીવા બે ય જણ એમની આવી વાતો સાંભળીને અવાક થઈ ગયાં. મમ્મી પપ્પા પાસેથી સાવ આવી અપેક્ષા તો નહતી જ. ચાર ને છ વર્ષના બે સંતાનોની શું વ્યવસ્થા કરવી અને એ વ્યવસ્થા કરવામાં પૈસાનું આંધણ તો ખરું જ. કાળી મજૂરી કરીને પણ હાથમાં શું આવવાનું ? વળી સાસુ સસરા જાતે જો આ વાત ના સમજે તો એમને ફોર્સ તો ના જ કરી શકાય ને ! ઘરડાં ઓરતા જુવાન ઓરતાના વર્તમાન ઉપર ભારે પડી રહ્યા હતા ને આ કપલ વિચિત્ર પરિસ્થિતીમાં અટવાઈ ગયેલું. વડીલો તો ઘરનો મોભ કહેવાય. ઘરના સારા નરસા પ્રસંગે એમના અનુભવો અને ઉંડી સમજ જ પરિવારને મુસીબતમાંથી ઉગારે એવો વિશ્વાસ હતો પણ આ તો કોઇક નવી પ્રકારની સ્થિતી સર્જાઈ ગઈ હતી.
છેવટે છોકરાંઓ થોડા મોટા થાય ત્યાં સુધી પડ્યું પાનું નિભાવી લેવાનું અને ઘરે બેસીને જે થાય એવું નાનું મોટું કામ કરીને આર્થિક ઉપાર્જનનો પ્રયત્ન કરી લેવો એવા વિચાર સાથે શીવાએ નોકરીનો વિચાર પડતો મૂક્યો. વિભકત કુટુંબને ગાળો દેનારા લોકોને પોતાના આ સંયુકત કુટુંબના શું ફાયદા એ પૂછવાનું મન થઇ ગયું. ઘરનાને સારી રીતે જીવાડવા માટે શીવાની  બધી તૈયારી છતાં એણે મન મસોસીને રહી જવું પડ્યું.

અનબીટેબલ : વાસ્તવિકતાની હથેળીમાં વિશ્વાસ નામના પંખીને જેલવાસ થાય ત્યારે ‘અશ્રુ-પાણી’ની દર્દનાક સજા થાય છે.
-સ્નેહા પટેલ

chandrakant baxi.


લોકપ્રિય નવલકથાકાર અને વાચક : છાતીની અંદર કેટલા તૂટવું પડે છે?

લોકપ્રિય શબ્દ ગુજરાતી ભાષામાં વપરાય છે. અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ વપરાય છે અને એનો એક જ અર્થ છે: લોકોએ સ્વીકાર્યું છે એ. લોકોને પ્રિય છે એ. લોકોની હમદર્દીથી આશિકી સુધીનું પ્રેમધનુષ્ય જેના પર ફેલાઈ ગયું છે એ. લોકપ્રિયતા મનુષ્યની ખુશકિસ્મતીનું શીર્ષબિંદુ છે. પ્રેમ અને લેખનના વિશ્વમાં એકની સંખ્યા નથી, જીવનની ગણતરીની શરૂઆત બેથી થાય છે. પ્રેમ અને લેખનમાં બે જોઈએ. લેખનમાં લેખક નામનો શબ્દ પણ, પહેલાં સૂર્યકિરણો ખીણમાં પડે અને વાદળાં ખીણમાંથી ઊઠતાં જાય એમ, વાચકની આંખો પડે ત્યારે જ જન્મે છે. એકલો એકલો લખનારો માણસ લેખક નથી, વાચક એને લેખક બનાવે છે. ઘરના અરીસા સામે અભિનય કરનારી સ્ત્રી અભિનેત્રી નથી, જ્યારે અન્ય આંખો સામે અભિનય થાય છે ત્યારે અભિનેત્રી જન્મે છે. શિસ્ત, બંદિશ, મર્યાદાનો ઘેરો, સીમાબદ્ધતા, ગુણવત્તાનો પરિઘ…ઘણીબધી વસ્તુઓની અંદર રહીને જ કેટલીક વ્યાખ્યાઓ બંધાતી હોય છે. ટેનિસની રમત ગમે ત્યાં, ગમે ત્યારે રેકેટથી બૉલને હિટ કર્યા કરો એને કહેતા નથી. પણ સફેદ ખાનાઓમાં, કાયદેસર ઊભા રહીને, નિયમ પ્રમાણે અને વિરોધીની સામે અને પ્રેક્ષકોની સમક્ષ રમો ત્યારે ટેનિસ બનતી હોય છે.
પણ ગુજરાતી નવલકથાજગત રમૂજી છે. તમે નૃત્ય કરો, ભંગિમાઓ કરો, હતાશામાં નિર્વસ્ત્ર થઈને નાચ્યા કરો પણ કોઈ તમને જુએ નહીં માટે ગુજરાતી કથાવિવેચકોના મતે તમે સર્વશ્રેષ્ઠ છો. ગુજરાતી નવલકથાના વિવેચકો જગતના સૌથી બેરોજગાર અને બુદ્ધિરેખા નીચે જીવતાં પ્રાણીઓ છે. માટે દયાપાત્ર, ક્ષમાપાત્ર, સહાનુભૂતિપાત્ર છે. પણ તમે જો લોકપ્રિય નવલકથાકાર હો તો તમે કનિષ્ઠ છો એ સમીકરણ ગુજરાતી સાહિત્યમાં એક પેઢી પહેલાં કોઈએ ગોઠવી દીધું હતું અને હજી એનું આશ્ચર્ય છે. લોકપ્રિય એટલે સસ્તું, ચીપ, ગુદગુદી કરાવનારું ગુલશન નન્દા-બ્રાન્ડ, ચાલુ… આવા બધા અર્થો વખત-બેવખત સ્વ-સ્થાપિત હિતો કરતા રહ્યા છે. પ્રશ્ન એમની બુદ્ધિનો નથી, કારણ કે જે નથી એની ચર્ચા હોઈ શકે નહીં, પણ પ્રશ્ન આ વિધાનો પાછળના દુરાશયનો છે. કવિઓ, વિવેચકો, અર્ધપુરુષો, દોઢવિદ્વાનો બધા જ લોકપ્રિય નવલકથા લખવા માટે મેદાનમાં ઊતર્યા છે. હાથપગ છોલાઈ ગયા પછી ખૂણાઓમાં ઊભા રહીને એ ઘાવોને ચાટતા નજર આવી રહ્યા છે.
નવલકથાને લોકપ્રિય વિશેષણના ટેકાની જરૂર જ હોતી નથી. નવલકથા લોકપ્રિય કે સાહિત્યિક એમ બે પ્રકારની નથી. નવલકથાના બે પ્રકારો સ્પષ્ટ છે: ઈમાનદાર નવલકથા અને બેઈમાન નવલકથા! નવલકથા શબ્દ જ લોકપ્રિયતાના ફલસ્વરૂપ પ્રકટે છે. લોકો વાંચે માટે લેખક નવલકથા લખે છે. અહીં એક આરોપ મુકાય છે: તમે સસ્તું લખો છો કે જેથી લોકોને ગુદગુદી થયા કરે, લોકો વાંચ્યા કરે અને તમે લોકપ્રિય બનો. માટે તમે સેક્સી લખો છો…
સેક્સી લેખનનું એક ‘ટાર્ગેટ ઓડિયન્સ’ હોય છે. એ એક નિર્ધારિત અલ્પવર્ગ છે, જે નવલકથા પરિવારમાં જાય છે. ચૌદ વર્ષની પુત્રીથી એના કરતાં છગણી ઉંમરના ચોર્યાસી વર્ષના દાદા સુધીની ચાર કે પાંચ પારિવારિક પેઢીઓની સામે, એક જ દિવસે, એક જ સમયે, એક જ રવિવારે, ધારાવાહિક સ્વરૂપે પ્રસ્તુત થાય છે એના લેખકને માટે સેક્સી લખવું આત્મઘાતક છે. મારી ઈચ્છા હોય તો પણ હું સેક્સી ન લખી શકું, કારણ કે મારું ટાર્ગેટ ઓડિયન્સ ચૌદથી ચોર્યાસી વર્ષના ગુજરાતી વાચકનું છે. એ વાચકમાં રુચિભેદ, વિચારભેદ, દ્રષ્ટિભેદ, મતભેદ એક અડધી કે પોણી સદીનો છે. મૂર્ખ લેખક જ આવા અપક્વથી પરિપક્વ સુધીના ચાહક વર્ગને સેક્સ કે ગુદગુદી કે સસ્તા ગદ્યથી ઘૂંટી નાખે! બીજી વાત: સેક્સી લખવું બહુ સહેલું હોય છે માટે જ ફૂટપાથો પર દરેક ભાષામાં એ ચોપાનિયાની ભરમાર છે. પણ સામાજિક લખવું સૌથી અઘરું છે. એમાં સમગ્ર માણસની વાત કહેવાની છે, એના દેશકાળની, એના સંદર્ભની, એની વ્યથા-ખુશીની વાત કહેવાની છે. જગતભરનાં સાહિત્યોમાં લોકપ્રિય નવલકથાસમ્રાટોએ પોતાના સમયની વાત કરી છે અને તત્કાલીન માનવીય સુખદુ:ખની વાત કરી છે. માટે જ અમર થઈ ગયા છે અને ‘લોકપ્રિય’ રહ્યા છે! સસ્તી વાત લખવાથી લોકપ્રિય થવાય છે એવું હું માનતો નથી. પ્રજાના એકાદ વર્ગમાં કદાચ કામચલાઉ પ્રિય થવાતું હશે પણ સમસ્ત પ્રજાના સર્વપ્રિય નવલકથાકાર બનાતું નથી. એ કામચલાઉ વર્ગ પણ તરત જ વધારે ગંભીર અથવા વધારે સસ્તુ માગવાનો છે અને સસ્તા લોકપ્રિય લેખકના પગ નીચેથી ધરતી ખસી જાય છે. ભવિષ્યની દ્રષ્ટિએ પણ સસ્તું સસ્તું લખ્યા કરવું નવલકથાકાર માટે આત્મઘાતક છે. લોકપ્રિયતાનો માપદંડ મારે માટે તદ્દન સ્પષ્ટ છે. વાચકની વેદના કે ખુશી વાચક જ્યારે તમારા શબ્દોમાંથી સૂંઘી શકે છે, વાચકને પોતાની મૃત બહેન કે વિકલાંગ સંતાન તમારા લેખનમાંથી દેખાવા માંડે, વાચક જે સ્વાનુભવ કે ઉલ્લાસ કે આનંદ કે હતાશા કે રોષ વ્યક્ત કરી શકતો નથી એ તમારાં વાક્યોમાંથી એને મળી જાય તો એ નવલકથા લોકપ્રિય બને છે એવું મારું સાફ માનવું છે. લોકપ્રિય નવલકથા શી વસ્તુ છે? સિતારના એક તારને તમે તમારી આંગળી પર ચડાવેલા મિજરાબથી ઝણઝણાવી નાખો છો, એમાંથી વેદનાની ચીસ પ્રકટાવી શકો છો અને બાજુના ચાર તારોમાં એ ઝંકારના સ્પંદનો ફેલાય છે, એ શાંત તારો પણ ઝંકૃત થઈ ઊઠે છે. ઝંકૃત વાચકના શાંત ઝંકારમાંથી નવલકથાકારની લોકપ્રિયતા જન્મે છે. અંગ્રેજીમાં એક શબ્દ છે: આઈડેન્ટિટી, અથવા સ્વત્વ. વાચકને એના સ્વત્વનો અહસાસ થઈ જાય છે…ત્યારે લોકપ્રિય નવલકથાકાર ટેલિફોનના એક વાયરનું જ કામ કરતો હોય છે. એ ટેલિફોન વાયર વાચકના અસ્તિત્વનાં બે બિંદુઓ વચ્ચે ક્યાંક થોડું સંધાન કરી આપી શકે તો એ એનું સૌભાગ્ય છે… નવલકથાકારની લોકપ્રિયતા એક સસ્તો સ્વાંગ નથી, ધડકનોનો એક સેતુ બનતો હોય છે…
નવલકથાના ગુજરાતી વિવેચકોએ એમની નિરક્ષરતાનું ધોરણ વર્ષો પછી જાળવી રાખ્યું છે જે કાબિલે-દાદ છે. પરિવર્તનશીલ આ વિશ્વમાં કુંભકર્ણીય અભાનાવસ્થા પુણ્યશાળીઓને જ મળે છે. પણ લેખક અને વાચક વચ્ચે હવે સીધો મૌનસંવાદ છે માટે વચ્ચે દલાલો કે આડતિયાઓની જરૂર રહેતી નથી. લોકપ્રિય નવલકથાકાર છે અને એનો સર્વપ્રિય વાચક છે.
અને લોકપ્રિય નવલકથાકાર થવું એટલું સહેલું પણ નથી. લોકોની ચાહના મેળવવી અઘરું કામ છે અને વર્ષો સુધી, દર્શકો સુધી, એ ચાહના ટકાવી રાખવી, બલવત્તર બનાવવી એ વધારે અઘરું કામ છે. જ્યારે જ્યારે ‘લોકપ્રિય નવલકથાકાર’ શબ્દો વિશે હું વિચારું છું ત્યારે મારી આંખોમાંથી એક પ્રસંગ ક્યારેય ખસતો નથી. લેનિનગ્રાદમાં એલેક્સાન્ડર નેવ્સ્કી નામનું ભૂગર્ભ સ્ટેશન છે. એની બહાર એક દરવાજો છે. એ દરવાજાની અંદર એક સફેદ ધોળાવેલું ચર્ચ અને લાવ્રા (વિહાર) છે અને બે તરફ બે વિરાટ કબ્રસ્તાનો છે, જે નેક્રોપોલિસ કહેવાય છે, એક તરફ અઢારમી સદીના શાસકો, પૈસાદારો, સત્તાધીશો, મંત્રીઓની બહુ જ સરસ કંડારેલી, સુશોભિત કબરો છે. બીજી તરફ નાની નાની કબરોમાં જનકલાકારોને દફન કરવામાં આવ્યા છે.
એક સમાધિ પર લખ્યું છે : સમાધિ, ફિયોદોર દોસ્તોએવ્સ્કી, લેખકની…1821થી 1881. મૃત્યુ પછી લોકોએ ફાળો કરીને આ સામાન્ય સમાધિ બનાવી હતી…એવું રશિયન ભાષામાં પથ્થર પર ખોદેલું છે. દોસ્તોએવ્સ્કી જગતના સૌથી મહાન નવલકથાકારોમાં સ્થાન પામે છે. એ જગતભરમાં અને રશિયામાં અત્યંત લોકપ્રિય હતા અને છે.
એ સમાધિ પર આવીને અનામ રશિયન સ્ત્રીપુરુષો એમના લોકપ્રિય નવલકથાકારની યાદમાં ફૂલોનો દસ્તો મૂકી જતા હતા. ત્રણ ફૂલોનો ગુચ્છ (કિંમત અઢી રૂબલ એટલે લગભગ ચાળીસ રૂપિયા!) એ માણસની સમાધિ પર, જે 105 વર્ષો પહેલાં મરી ગયો હતો, જેને એમણે જોયો પણ ન હતો, જેની સમાધિ સામે એ લોકો ચર્ચમાં ઊભા હોય એવી મુદ્રામાં હાથ ભીડીને એક મિનિટ ઊભા રહી જતા હતા. અને ચૂપચાપ ચાલ્યા જતા હતા. દોસ્તોએવ્સ્કીની સમાધિની લોખંડની 105 વર્ષ જૂની રેઈલિંગ પકડીને એ પથ્થરનાં પગથિયાંઓ પર બેસીને મેં મારી જાતને પૂછ્યું: લોકપ્રિય નવલકથાકાર શું છે? માણસ શા માટે કલમકશ બને છે? આંગળીઓ વળી જાય છે અને આંખો બળી જાય ત્યાં સુધી માણસ શા માટે લખતો રહે છે? સર્જનના એક બુંદને ટપકવા માટે નવલકથાકારને છાતીની અંદર કેટલાં તૂટવું પડે છે? ઘઉંના એક દાણાને ધરતીમાં દટાઈને, સડીને, મરીને, બીજા સેંકડો દાણા જન્માવવા માટે કેટલું બધું જીવવું પડે છે? એક ફિયોદોર દોસ્તોએવ્સ્કી બનવા માટે કેટલી વાર મરવું પડે છે?
લોકપ્રિય નવલકથાકારને શાસકો ખરીદવા માટે પ્રલોભનો આપે છે, જ્યાં એ વેચાતો નથી ત્યાં શાસકો રાક્ષસી શાસ્તિઓ (સજાઓ) ફટકારે છે. એક માર્ગ ઈનામો અને ઈલકાબોનો છે. બીજો માર્ગ જેલનો અને પ્રતિબંધનો છે. લેખકોએ દેશ છોડી દીધા છે. જગત સાહિત્ય તૂટેલા નવલકથાકારોની આહોથી કરાહતું રહ્યું છે. બીજી તરફ મફત હવાઈ જહાજ પ્રવાસો છે, પંચતારક હોટેલોમાં સ્વાગત-સરભરા છે અને લોકપ્રિય લેખકે ક્યાંક અશોકવનમાં બંદી સીતાનો રોલ ભજવવો પડે છે. હવે તો પત્રકારોને પેન્શનો આપીને એમની કલમને ગિરમીટિયા બોન્ડેડ-લેબરના ઓજારની જેમ જીવનભર માટે ગુલામ કરી મૂકવાની સાઝિશ પણ શબ્દબજારમાં આવી ગઈ છે. લોકપ્રિયતા જ હવે નવલકથાકારને સ્વમાનથી જિવાડે છે. વાચક નવલકથાકારનો અન્નદાતા બને એમાં જ લેખિત શબ્દની ગરિમા છે…
અને લોકપ્રિય થવા માટે લોકોની ભાષામાં, લોકોના હર્ષ અને ગ્લાનિની ભાષામાં લખવું પડે છે. લોકો સમજે એ ભાષામાં લખવું પડે છે. કલા જ નહીં, વિજ્ઞાનમાં પણ આ જ સિદ્ધાંત ચાલે છે. મહાન ગેલિલિયોએ લૅટિનમાં નહીં પણ ઈટાલીઅન જનભાષામાં લખ્યું માટે ધર્મગુરુઓ ક્રોધિત થઈ ગયા હતા. સામાન્ય શિક્ષિત નાગરિકોની ભાષામાં વૈજ્ઞાનિક ટોમસ હક્સલી અને નૃવંશશાસ્ત્રી પીટર મેડાવરે લખ્યું. એમનો તર્ક હતો: મહાન વૈજ્ઞાનિકો લોકો સમજે એ ભાષામાં લખે છે! ગણિતના દરેક પુસ્તકમાં વિશ્વભરમાં ‘સિમ્પ્લિફિકેશન’ વિષે પ્રકરણો હોય છે. ‘કોમ્પ્લિકેશન’ વિષે પ્રકરણ નથી…! નવલકથા હોય અને ન સમજાય, ન વંચાય, લોકોને પ્રિય ન હોય એવી પણ હોઈ શકે?
(સમકાલીન : એપ્રિલ 24, 1988) 
with thnx from –

બચાવી લે !


images

વર્ષોના વર્ષોથી વટ સાથે કિનારે
ઉભેલા તરુના પર્ણ પરથી
એક પક્ષી ઉડે છે અને
શૂન્યમનસ્ક સમયના નીરમાં
વમળો સર્જાય છે.
અંદરની ધરીથી બહારની ધરી સુધી વિસ્તરતા વર્તુળાકાર વમળો,
ગોળ ગોળ ગોળ..
અને એમાં હું અસહાય બનીને ડૂબું છું.
ખેંચાતી જાઉં છું,
ગોળ પ્રવાહી વલયમાં અથડાઈને ફીણ ફીણ થઈ જાઉં છું.
આજુબાજુ કશું જ દેખાતું નથી,
જાણું છું કે દેખાવાનું પણ નથી !
અંદર અંદર- ઊંડે ઊંડે સુધી
અવિરત
ભીષણ વેગથી ખેંચાવાનું જ નસીબમાં છે.
ચોતરફ કંઈ જ નથી
ના દીવાલ
ના તળિયું
ના ધરતી ના આકાશ
દિશાહીન..!
સાંજનો સૂર્ય પાણીની ઉપલી સપાટી પર
એના અનેરા લાલઘૂમ રંગ સાથે સાથ આપવાનો યત્ન કરે છે
પણ બધું ય વિફળ !
એ પણ લાચાર થઈને મને જોયા કરે છે.
હવે મરણતોલ ડચકાં ખાઉં છું.
મારી જીવાદોરી  તારે હાથ
બચાવી લે,
હે વમળ
હે મારા કમળ !
-સ્નેહા પટેલ

નાનકો


Phoolchhab newspaper > navrash ni pal column > 17-07-2014

કર્યાં કોણે આવાં મુજ અખિલનાં બે અડધિયાં ?

અને એ બે વચ્ચે કુણ થઈ વળી આડશ ઝૂકે ?

– કવિ ઉશનસ્

 

સૌમ્યએ દસમાની પરીક્ષા આપી દીધી હતી અને હવે વેકેશનની મજા માણી રહયો હતો. ગોળ મટોળ માસૂમ ચહેરો અને પ્રમાણમાં થોડા મોટા દાંતવાળી પણ આકર્ષક સ્મિત ધરાવનાર સૌમ્યના વાળ લીસા લીસા, મુલાયમ અને ભૂખરા રંગના હતાં જેને ગમે તે રીતે ઓળો પણ કાયમ કપાળ પર આવી જ જતાં વળી એના ગાલમાં એક, બે, ત્રણ નહીં પણ પૂરા પાંચ જગ્યાએ ખાડાં પડતાં હતાં. કપાળ પર ઝૂલતાં વાળ અને ચિત્તાકર્ષક સ્મિતવાળો સૌમ્ય ઘરમાં સૌથી નાનો હતો અને બધાંયનો બહુ જ લાડકો હતો. એની મોટીબેન સુલક્ષણાએ હમણાં જ એની માસ્ટર ડીગ્રી મેળવીને એક સારી કંપનીમાં નોકરીએ લાગી ગઈ હતી. રાહુલ-દીશા-સુલક્ષણા અને સૌમ્ય. ચાર જણનું હસતું રમતું કુટુંબ હતું.

વેકેશનનો સમય એટલે આખો દિવસ દીશાના ઘરમાં સૌમ્યના મિત્રોની ધમાચકડી મચી રહેતી. રોજ સવારથી આખીય ટોળકી એમના ઘરે આવી પહોંચે. પી.એસ.ટુ પર ફીફા જેવી મેચો રમવાનું ચાલુ થાય. જે મિત્રોનો નંબર ના આવ્યો હોય એ બાજુમાં કેરમ કે પત્તા કે બીજી કોઇ બોર્ડગેમ્સ રમે. એક બાજુના ખૂણામાં મ્યુઝિક સિસ્ટમ પરથી અંગ્રેજી ગીતોના બૂમબરાડા રેલાતા હોય ને વચ્ચે વચ્ચે સૌમ્યના ઓર્ડરો ચાલુ થઈ જાય.

‘મમ્મા, પાણીની બોટલ આપને…ચોકલેટનો આઈસક્રીમ ખાવો છે…મેંગોશેક બનાવી દ્યો…પોપકોર્ન ફોડી દો…’ દીશા એના ઓર્ડરોથી કંટાળી જતી.

‘સૌમ્ય, બાર વાગ્યા ચાલ હવે નાહવા જા અને આ બધું આચર કૂચર ખાવાનું છોડ હમણાં જમવાનો સમય થઈ જશે.’

ત્યાં તો સુલક્ષણાને એના નાનાભાઈ પર વ્હાલ ઉભરાઈ જાય અને એ ગેમ્સ રમતાં સૌમ્યના લીસા ઝુલ્ફામાં આંગળા પૂરોવીને એના ગાલ વ્હાલથી ચૂમી ભરીને બોલી ઉઠે,

‘છોડને મમ્મા, તું પણ શું આની પર ચિડાય છે ? હજુ નાનો છે. એને એનું બાળપણ પૂરેપૂરું માણવા દે ને. વેકેશન જ છે ને શું ખાટું મોળું થઈ જશે થોડું મોડા નહાવા જશે તો ? ચાલ બાય મીઠ્ઠું…ઓફિસે જઉં છું.’

સૌમ્ય પણ એના ગળામાં હાથ પૂરોવીને લાડમાં બોલી ઉઠે,

‘દીદી, આવતી વખતે પેલા રામજીના દાળવડાં લેતી આવજે ને.’

‘ઓ.કે.’

કોઇ વખત રાહુલ અકળાય તો તરત જ સૌમ્ય દીશા પાસે જતો રહેતો અને એને વળગીને વ્હાલમાં કહેતો,

‘મમ્મી, પપ્પાને સમજાવને..હું તો નાનો છું ને…આમ ગુસ્સે કેમ થાય છે મારી પર.’ ને દીશા એનું ઉપરાણું લેતી.

આમ ને આમ નાના સૌમ્યનો પક્ષ લેનારું કોઇ ને કોઈ નીકળી જ આવે ને સૌમ્ય ઘરમાં સૌથી નાના સદસ્ય હોવાની ભરપૂર મજા ઉઠાવતો રહેતો. નાના હોવાના ફાયદા ઉઠાવવામાં જ મસ્ત રહેતો સૌમ્ય પોતાની જવાબદારીઓથી ભાગતો રહેતો અને કોઇ પણ કામમાં ડીસીઝન લેવાનો વારો આવે તો એના ઘરનાની બુધ્ધિ પર ભરોસો મૂકીને જીવતો. એના ભાગે બહુ સમજવા -વિચારવાનો વારો જ ના આવતો.

સમયને વીતતા વાર નથી લાગતી. પાંખો લગાવીને એ ઉડી જાય છે. એમાં ય મસ્તી – બેજવાબદરીભર્યો સમય તો વધુ ઝડપી પસાર થઈ જાય અને આવે છે જવાબદારીઓ નિભાવવાનો સમય.

સુલક્ષણા પરણીને સાસરે ગઈ, સૌમ્ય પણ કોલેજ પૂરી કરીને જોબ શોધીને પરણી ગયો અને એની જિંદગીએ જાણે પડખું ફેરવી ગઈ. અત્યાર સુધી નાનો નાનો રહેલો સૌમ્ય એકદમ જ મોટો થઈ ગયો. જીવનમાં જવાબદારી શબ્દનું મહત્વ સમજતો થઈ ગયો, જવાબદારીઓ નિભાવતો થઈ ગયો. જે પરિસ્થિતી પર કદી વિચારેલું પણ નહતું એ હકીકત બનીને સામે આવતી થઈ. સૌમ્યને એના જીવનના વીતાવાયેલા પૂરા અટ્ઠાવીસ વર્ષો જાણે વેડફી કાઢ્યાં હોય એવું અનુભવાવા લાગ્યું. ખરી જિંદગી તો હવે શરુ થતી હતી. આટલા વર્ષે જીવનની બારાખડી શીખવાનું આવતાં સૌમ્ય ઘણી વાર અકળાઈ જતો. હજુ તો માંડ માંડ પોતાને અને પત્ની ધારાને સંભાળતા શીખ્યો હતો ત્યાં તો એમના ઘરમાં પારણું બંધાઈ ગયું અને એ પપ્પા બની ગયો !

અ..હા..હા…જીવન ખુશીઓના રંગે રંગાઈ ગયું, પપ્પા નામની જવાબદારી એને વ્હાલી લાગવા લાગી. એનો રોલ બદલાતો જતો હતો સાળો- મામા -કાકા – અને સાથે સાથે એની સમજણનો આંક પણ. સૌમ્ય ધીમે ધીમે બદલાતી જિંદગીમાં સેટ થતો જતો હતો. બે વર્ષ પછી એના ઘરમાં એક પરીએ જન્મ લીધો અને વળી જવાબદારી વધી. સૌમ્ય દિલ દિમાગથી મેચ્યોર થતો ચાલ્યો આમ ને આમ સૌમ્ય પચાસીએ પહોંચ્યો. જીવન સુખરુપ પસાર થતું હતું.

ત્યાં તો એમના ઘર પર જાણે કે વીજળી ત્રાટકી અને સુલક્ષણાના પતિનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. વીસ વર્ષના દીકરા સાથે જીવતી સુલક્ષણાના માથે આભ ત્રાટક્યું અને એ એના પીયર જઈને રહેવા લાગી. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પણ આ વ્યવસ્થા વ્યવહારુ તો નહતી જ. એક દિવસ પત્નીના અતિ આગ્રહને વશ થઈને સૌમ્યએ સુલક્ષણાને કહ્યું,

‘દીદી, હજુ તો તમારી ઉંમર બહુ જ નાની છે. તમારે બીજા લગ્ન કરી લેવા જોઇએ.’

‘ના સૌમ્ય, તું મારા ભવિષ્યની ચિંતા કરે છે પણ મને મારા લાડકાના ભવિષ્ય સિવાય કશું જ નથી દેખાતું. આવી વાત કહીને મને દુઃખી ના કર.’

‘દીદી, થોડાં પ્રેકટીકલ થાઓ. કાલે ઉઠીને તમારો લાડલો બહારગામ ભણવા ઉપડી જશે કે લગ્ન કરીને આવનારી સાથે જુદો રહેવા જતો રહેશે ત્યારે તમે એકલા એકલા કેમના જીવશો એ વિચાર આવે છે કદી? અત્યારે લાગણીમાં ખેંચાઓ છો પણ જ્યારે શરીર સાથ નહીં આપે ત્યારે તમારો હાથ પકડનારું કોણ હશે ?’

‘સૌમ્ય, પ્લીઝ. હું પૂરતી સમજુ છું. વળી મને મારી જાત પર પૂરો વિશ્વાસ છે. નાનપણથી જવાબદારીઓ વચ્ચે જ ઉછરી છું. બધી તકલીફોમાંથી રસ્તા કાઢવાની કોઠાસૂઝ છે મારામાં !’

‘પણ દીદી..’

‘બસ નાનકા’ સુલક્ષણાએ એની વાત વચ્ચેથી જ કાપી કાઢી.

‘તને મારું આ ઘરમાં રહેવાનું ભારે પડતું હોય તો ચોખ્ખે ચોખ્ખું કહી દે. બાકી બહુ બોલ મા. તું નાનો છે.’

અને સૌમ્ય વળ ખાઈ ગયો. નાનપણથી ‘નાના’ રહેવાની એની આદતે એને પચાસ વર્ષે પણ મોટો થવા નહતો દીધો. નાના રહેવાની મસ્તી માણવામાં, લોકોના લાડપાડમાં ઉછરવામાં અને એના લાભ લેવામાં જ એ વ્યસ્ત રહયો હતો, કોઇ પણ પરિસ્થિતીમાં પોતાનો કોઇ મત દર્શાવવાનો કોઇ ચાન્સ જ નહતો લીધો અને આજે જ્યારે એ પરિસ્થિતીને સમજીને પોતાનો મત આપતો હતો તો કોઇ એન ગણકારવા જ તૈયાર નહતું. એ લોકો આજે પણ એને ‘નાનકો’ જ સમજતા હતાં. એની સમજદારીના પ્રકાશ આડે ‘નાનકા’ નામના વિશેષણનું કવચ આવી ગયેલું હતું અને આ માનસિકતાનો કોઇ ઉપાય નહતો એટલે જે દશામાં જાત આવીને ઉભી હતી એના દરેક રંગોનો સ્વીકાર કરીને , મન મારીને ચૂપ રહેવામાં જ ભલાઈ હતી.

અનબીટેબલ : સમય મહાન રંગારો !

મુકતક


flat,550x550,075,f

 
આંખોથી ટપકીને જલ નીચે પડે,
નીચે પડે ને બાદ તે દરિયો બને,
દરિયો બનીને ભીતરે એ ઘૂઘવે,
ને ભીતરે એ ઘૂઘવે ને મૂંઝવે !
-સ્નેહા પટેલ.

નામ અઢી અક્ષરનું ‘સ્નેહા’


sneha patel - gazal

ઝીણું ઝીણું જો કણસે છે

વૃક્ષ પર્ણને પણ તરસે છે

 

વાદળ જેવું કંઈક છવાયું

કાળો ખાલીપો વરસે છે

 

આશા એક બંધાય ઘડીભર

ત્યાં જ નિરાશા જઈ સ્પર્શે છે

 

મારા ને તારા સંબંધો

ગાઢ બને છે ને વરસે છે

 

નામ અઢી અક્ષરનું ‘સ્નેહા’

વિખેરાય છે ને ઉપસે છે.

-sneha patel.

ગુજરાતી બ્લોગજગતના કાવ્યપુષ્પો


વેબગુર્જરી દ્વારા ‘ગુજરાતી બ્લોગજગતનાં કાવ્યપુષ્પો’ નામના ઇપુસ્તકનું વિમોચન થયું છે જેમાં હેમંત પૂણેકરજીએ ગુજરાતી બ્લોગજગતના ૨૮ કવિઓની કાવ્યરચનાઓનું સંપાદન કર્યુ છે અને અશોક મોઢવડીઆજીએ ફોટો એડીટીગનું કામ સંભાળી લીધું છે.

webgurjari_thumbhttp://webgurjari.in/2014/07/02/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%89%E0%AA%97%E0%AA%9C%E0%AA%97%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5/

૧) હિમાંશુ ભટ્ટ – લહરના લહરના પ્રવાહો અલગ છે
૨) પંચમ શુક્લ – વિલાયતી આટીકડું નૈડું, થઈ ઉપાધી
૩) સ્નેહા પટેલ “અક્ષિતારક” – લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે

https://akshitarak.wordpress.com/2013/07/07/lambi-mazal/
૪) સાક્ષર ઠક્કર – આપી આપીને તમે પીંછું આપો સજન !
૫) વિવેક ટેલર – ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ
૬) પ્રવિણ શાહ – એટલો મનને દિલાસો છે
૭) કવિ રાવલ – આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
૮) દક્ષેશ કોન્ટ્રાક્ટર “ચાતક” – અધીરી આંખને મળવાં હવે સપનાં નહીં આવે
૯) સુનીલ શાહ – કાંટા વચ્ચે રહો છો, જીવા
૧૦) મોના નાયક “ઊર્મિ” – આજનો અંધાર જો, રળિયાત છે !
૧૧) ગુંજન ગાંધી – શ્વાસ ઉંડા ના ભરો, ગૂગલ કરો.
૧૨) યશવંત ઠક્કર – રાતનો વિસ્તાર બારેમાસ છે
૧૩) દિલીપ ગજ્જર – હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે
૧૪) દેવીકા ધ્રૂવ – એ કહે છે કંઇ, ને કરે છે કંઇ.
૧૫) સપના વિજાપુરા – આજ મધુકરને સુમન, તારા જ સ્મરણો લાવશે.
૧૬) મહેશ રાવલ – ભૂલને સ્વીકારવામાં આપણે ટૂંકા પડ્યા
૧૭) હેમંત પુણેકર – જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
૧૮) મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ – ભીડના દરબારમાં કોને મળું ?
૧૯) હિમાંશુ પટેલ – અનુવાદ – કોણ કરે છે આ ફેરફાર?
૨૦) જુગલકિશોર વ્યાસ – કહે
૨૧) ધૈવત શુક્લ – અવકાશમાં દીપી રહેલા વૃત્તને હું જોઉ છું !
૨૨) જગદીપ નાણાવટી – ન રમેશ હું, ન મનોજ હું
૨૩) ચેતન ફ્રેમવાલા – શબ્દોનાં સથવારે ચાલ્યો.
૨૪) અમિત ત્રીવેદી – તારું હોવાપણું ક્યાંય અડક્યું મને ?
૨૫) હિમલ પંડ્યા “પાર્થ” – ભીતરે અંકાય એવું લખ હવે
૨૬) રમેશ પટેલ “આકાશદીપ” – સંગ્રામે મુક્તતાના, અમર યશ ધરી, ભેટ દીધી સુભાગી
૨૭) વલીભાઈ મુસા – ચંચુ મહીં તૃણ ગ્રહી
૨૮) વિજય જોશી- જન્મ આપી પ્રભાતને

આ ૨૮ રચનાઓમાં મારી રચના પણ સ્થાન પામી છે એનો આનંદ આનંદ.
આભાર વેબગુર્જરી  પરિવાર

લેખક અને લખાણ


મને પૂછ્યા વગર, મારી લેખિત અનુમતિ ( ઇમેઈલ )લીધા વગર કોઇએ પણ  મારો લેખ  છાપવો નહીં. મારો બ્લોગ મારી અને મારા વાંચકોની ખુશી માટે છે  અને મારે મારું લખાણ ક્યાં આપવું એ મારી મરજી છે. તો આવા પગલાં કાનૂની બાબત બની શકે છે.એક લેખકને આટલો હક તો હોવો જ જોઇએ.
-સ્નેહા પટેલ.

અંધારા પાછળ ઉજળું કિરણ


Phoolchhab newspaper > Navrash ni pal column > 10-07-2014

જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ; સામાસામી બેઠા ઘૂડ.

કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે,

અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા ?

અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ.

-અખા ભગત

 

હ્રદય ચાલતું હોય એનો ભાર લાગે ? કુંજલને લાગી રહ્યો હતો. સૌરભભાઈએ કહેલી વાતો એકસાથે સેંકડો ભાલા ભોંકાય એમ એના શરીરમાં ભોંકાઈ ગઈ હતી. ૩૦ વર્ષના જીવનમાં આટલી આકળી એ ક્યારેય નહતી થઈ. વીતી ગયેલો એક કલાક એને સો સો અણગમતી સદીઓ જીવ્યાનો થાક આપતો હતો. સદીઓના સમયની છાતી ફાડીને શબ્દોના લીલાછમ ઘા વહેવા લાગ્યાં અને એનો સરળ જીવ રેલના પાટાની જેમ કપાઈને કેટલાંય ભાગમાં વહેંચાઈ ગયો.

‘કુંજલ, તું તો સાવ જ બાજારુ સ્ત્રી છે, તું આટલી આગળ આવી એની પાછળ તારી મહેનત નહીં પણ તારી આ ગોરી ચામડી અને ભરપૂર જુવાનીનો ઉપયોગ કરાયેલ છે એ વાત તો આખી ય દુનિયા જાણે છે. ચામડી વેચીને નામ કમાવાની આ ઘેલછા તને સાવ જ છેલ્લી કક્ષાની પાયરીએ લઈ ગઈ છે કુંજલ તું એક વેશ્યા જ છું એ હું જાણું છું અને એટલે જ આજે તને આ ઓફર કરી છે. રકમ ઓછી પડતી હોય તો સીધેસીધું બોલ ને…શું જોઇએ છે તારે ? ‘

અને કુંજલની માંજરી માછલી જેવી આંખોમાંથી મોટા મોટા બોર જેવા બે આંસુ સરી પડયાં. ડાયવોર્સ પછી પડી ગયેલી સિગારેટ પીવાની ટેવને એણે બહુ જ મહેનતથી પોતાની એકની એક દીકરીના સમ લઈને છોડી દીધેલી. પણ આજે એ સિગારેટ પીવાની તીવ્ર તલપને ના રોકી શકી અને એના ટેબલનું ડ્રોઅર ખોલીને એમાંથી સિગારેટ કાઢીને સળગાવીને ઉપરાઉપરી બે ચાર કશ લગાવી લીધાં. એને હતું કે એક પછી એક કશ ધીમે ધીમે એના તંગ થઈ ગયેલા જ્ઞાનતંતુઓને નિષ્ક્રિય કરી નાખશે અને એને થોડી રાહત થશે પણ આ શું…સૌરભભાઈના શબ્દો વારંવાર એના કાનમાં પડઘાતા હતાં, કાનમાં જાણે ધાક પડી ગઈ હોય એવું જ અનુભવાતું હતું. એ ચીસો પાડવા માંગતી હતી, ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા માગતી હતી પણ એવું કશું જ કરી નહતી શકતી. બે ચાર ટીપાના વરસાદ પછી એની આંખો કોરીધાકોર થઈ ગઈ હતી. મન તરફડતું હોવા છતાં એ રડી નહતી શકતી એક પછી એક સિગારેટ એના ગુલાબી હોઠોની વચ્ચે નિઃશબ્દ સળગતી રહી ને ઓલવાતી રહી. ચોથી સિગારેટ સળગાવી અને આંખો મીચીને એની ઝૂલણખુરશી પર માથું પાછળની બાજુએ ઢાળીને બેઠી. બંધ આંખોના બારણે શબ્દો દેહ લઈને આવી ગયા અને કોઈ રાક્ષસની માફક અટ્ટહાસ્ય વેરવા લાગ્યા ને આહ…સિગારેટ આખેઆખી સળગી ગઈ હતી અને કુંજલ થોડુ દાઝી ગઈ. તરત જ એણે સિગારેટ ટેબલ પર દબાવીને પૂરેપૂરી ઓલવી નાંખીને ફરીથી આંખો બંધ કરી દીધી. થાકેલુ મગજ થોડી વારમાં જ નિંદ્રાની ચપેટમાં આવી ગયુ અને કુંજલ ખુરશી પર જ સૂઈ ગઈ.

બીજા દિવસની સવારે ગેલેરીમાંથી આવતા ઠંડા વાયરાએ વ્હાલથી કુંજલને જગાડી. પથ્થરોના બોજ હેઠળ દબાઈ ગઈ હોય એવા ભારવાળી આંખો ખોલીને કુંજલ ખુરશીમાં જ પડી રહી. બે મિનીટ પછી એણે આળસ મરડી અને ઉઠીને મોઢું ધોયું પછી બ્રશ કરીને કોફી બનાવી અને બારણાંની નીચેની તિરાડમાંથી સરકી આવેલ છાપું લઈને સોફા પર બેઠી. કડક મજાની કોફીને બિસ્કીટ્સના નાસ્તા પછી કુંજલ થોડી સ્વસ્થ થઈ. આટલી અસ્વસ્થ તો એ ગુંજન સાથેના એના ડાયવોર્સ વખતે પણ નહતી થઈ. એના આખા જીવનમાં એણે આવા શબ્દોનો ક્યારેય સામનો કરવાનો નહતો આવ્યો જે કાલે સૌરભભાઇએ કહેલાં. કાયમ ડાહી, હસમુખી, સુંદર , સુશીલ , સંસ્કારી એવા વિશેષણો જ એને મળતાં હતાં. પોતાની દસ વર્ષની દીકરી સોનુ સાથે એકલી રહેતી હોવા છતાં એની સોસાયટીમાં કોઇની હિંમત નહતી કે એના કેરેક્ટર સામે કોઇ આંગળી સુધ્ધાં કરે પણ કાલે એના બોસ સૌરભભાઈએ એનું એ બધું ગુમાન પળભરમાં તોડીને ચકનાચૂર કરી દીધું. કારણમાં તો એ છેલ્લાં ચાર વર્ષથી જે ઓફિસમાં ઇમાનદારી અને ખંતથી કામ કરતી હતી અને તરક્કી કરી રહી હતી એ જ ઓફિસના બોસ સૌરભભાઈએ એની સાથે એક રાત વીતાવવાની અભદ્ર માંગણી કરી જેની એણે ઘસીને ના પાડી દીધી અને પોતાની નોકરી સુધ્ધાં દાવ પર લગાવી દીધી હતી. પણ સૌરભભાઈએ પોતાના મનની મુરાદ પૂરી ના થતાં કુંજલને એલફેલ બોલીને મેન્ટલી ડિસ્ટર્બ કરી દીધી. નોકરી તો એ જ ક્ષણે છોડી દીધી પણ એ શબ્દો એનો પીછો નહતા છોડતાં. થોડી વાર ડીપબ્રીધીંગ કરીને એણે એની અંદરની સ્ટ્રોંગ કુંજલને ઝંઝોડી અને કાયમની જેમ સેલ્ફ મોટીવેટ કરવાનું કામ ચાલુ કર્યું.

‘કુંજલ,અત્યાર સુધી તું તારા ઘરના અને સગા સંબંધીઓથી જ ઘેરાયેલી હતી. એ બધા તારી સાથે લાગણીથી જોડાયેલા અને સંસ્કારી લોકો હતાં. દરેક માનવી પોતાના ઘરના સમક્ષ બને ત્યાં સુધી વાણી પર કાબૂ રાખે જ. આમ તું એક સુરક્ષિત દાયરામાં જ જીવી છું પણ હવેની વાત અલગ છે ડીઅર….હવે તું દુનિયામાં એકલી છું અને જીવવા માટે તારે નોકરી કરવી જ પડે.નોકરી કરવા માટે તારે આવા વાતાવરણમાં પગ મૂકવો જ પડે. દરેક ઓફિસ આપણા ઘર સમાન ના જ હોય ને ! વળી કોઇના બોલવાથી આપણે એ શબ્દો જેવા નથી થઈ જતા. સૌરભને તે એની ઇચ્છાઓને વશ થવાની ના પાડી એટલે એનો ઇગો હર્ટ થયો અને એણે એનું એ ડીપ્રેશન એના શબ્દોમાં વહેતું મૂક્યું. પણ એ બેમતલબની વાતોથી આમ બેચેન થોડા થવાનું હોય ! માન્યું કે તેં તારી આખી જિંદગીમાં આવા શબ્દો નથી સાંભળ્યા એટલે આમ અઘરું લાગ્યું પણ જીવનમાં દરેક વાત પહેલી વખત તો હોય જ છે. આ દુનિયામાં જીવવા માટે આવી હજારો પરિસ્થિતીઓનો સામનો કરવો પડશે, આનાથી યે વધુ કડવા વેણ સહન કરવા પડશે. કદાચ બીજીવાર આવો અનુભવ થશે તો તને આટલું અઘરું નહીં લાગે..અને ધીમે ધીમે તું ટેવાઈ જઈશ આ બધાને સામે સણસણતો જવાબ આપતાં પણ શીખી જઈશ…તારે એ શીખવું જ પડશે નહીં તો દુનિયામાં કઈ રીતે જીવી શકીશ ? તારા માથે તો હજુ એક બાળકીનો સ્વસ્થ ઉછેર કરવાની જવાબદારી પણ છે તું જ આમ અસ્વસ્થ થઈ જઈશ તો એનું શું થશે ? સ્ત્રી હોય કે પુરુષ દરેક ઘરની બહાર નીકળે એટલે દુનિયા એમના માટે તદ્દન નવી જ હોય છે તમને મનગમતી નહીં. એ દુનિયામાં તમારે સ્વસ્થ રહી અને એમાં તમારું મનગમતું સ્થાન મેળવવાનું હોય છે અને એમાં તો આવી નાની નાની અડચણૉ આવ્યાં કરે. ધીમે ધીમે એને હેન્ડલ કરતાં શીખી જવાનું. તારો આજથી એક નવો જન્મ થાય છે એમ જ સમજી લે ને…’

સેલ્ફ કાઉન્સેલિંગ પછી કુંજલે થોડી વાર પદ્યાસનમાં બેસીને અનુલોમ વિલોમ કર્યા અને સ્વસ્થ થઈને સૌરભભાઈને ફોન કર્યો.

‘સર, હું આજે થોડી મોડી આવીશ. અડધા દિવસની રજા કાપી લેજો અને હા, હવે પછી આવી કોઇ પણ માંગણી કે ખરાબ શબ્દો બોલ્યાં છો તો યાદ રાખજો…કાલની બધી ય વાતો મારા ફોનમાં મેં રેકોર્ડ કરી લીધી છે.’ અને ફોન કટ કરી દીધો. બીજી નોકરીની જોગવાઈ થાય ત્યાં સુધી તો આ સૌરભનું મોઢું જોવું જ પડશે પણ હવે એ આવી હિંમત ફરીથી તો નહીં જ કરે.

અનબીટેબલ : આગળ વધવા માટે દિશા નક્કી કરીને જ્યાં ઉભા હોઇએ એ કાંઠો તો છોડવો જ પડે !

-સ્નેહા પટેલ

સંન્યાસ


Phoolchhab newspaper > Navrash ni pal column > 2-07-2014.

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,

કોઈ છાયાની સાથ રમવું છે.

-અશરફ ડબાવાલા.

 

‘સફેદ કપડું, બાજઠ, નારિયેળ, ગણપતિની મૂર્તિ, લાલ કપડું, અગરબત્તી, સ્ટેન્ડ, રૂ, ઘી, વાડકી, ચમચી, કંકાવટી, અબીલ, ગુલાલ,દુર્વા, નાડાછડી….’ મૌલિકાના મોઢામાંથી ફટ – ફટ ધાણીની જેમ વસ્તુઓના નામ બોલાતા જતા હતા અને એનો નોકર એટલી જ ઝડપથી પહેલેથી રસોડામાં તૈયાર કરાયેલી આ બધી વસ્તુઓ નામ પ્રમાણે રૂમમાં ગોઠવતો જતો હતો. બધું ય ડ્રોઇંગરુમમાં ગોઠવાઈ ગયું અને ગોર મહારાજનો પ્રવેશ થયો. મૌલિકા ધર્મની દરેક બાબતમાં સમયની બહુ જ પાક્કી.

દુર્વા વડે યજમાન અને આસન તેમ જ આસનની આસપાસ પાણી છાંટી મહારાજ શ્ર્લોક બોલ્યાં,

 

‘ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा !

यः स्मरेत्पुंडरीकाक्षं स ब्राह्याभ्यंतर शुचिः !!’

 

અને મૌલિકાના મોઢા પર અલૌલિક આનંદ પથરાઈ ગયો. મૌલિકા ધાર્મિક વૃતિની સ્ત્રી હતી. એના ઘરમાં વારે તહેવારે કથાઓ તો ચાલતી જ રહેતી હોય. આજે પણ મૌલિકાના એક ના એક વીસ વર્ષના પુત્ર પ્રિયાંકની વર્ષગાંઠ હતી તેથી એણે સત્યનારાયણની કથા રાખી હતી. મૌલિકાના ઘરના હવે થોડાં કંટાળેલા હતા એનાથી, પણ ધર્મનું નામ હતું એટલે એને રોકવાની કોઇની હિંમત નહતી. વળી એનો સ્વભાવ પણ બહુ જ લાગણીશીલ અને જીદ્દી – એનો વિરોધ થતાં એ કદાચ છંછેડાઈ જાય તો આખા ઘરની શાંતિ ડહોળાઈ જવાનો ભય પણ ખરો.

કથાને લગભગ પંદરે’ક મીનીટ થઈ. મૌલિકાની બાળપણની સખી રજનીએ પ્રવેશ કર્યો અને એની બાજુમાં ગોઠવાઈ ગઈ. આખી ય કથા દરમ્યાન રજનીએ ચૂપચાપ બધીય વિધી નિહાળ્યા કરી. છેલ્લે પ્રસાદના પડિયાં ભરતાં ભરતાં એનાથી ના રહેવાયું અને એ બોલી ઉઠી,

‘મૌલિકા, પ્રિયાંક હમણાં મને તારી કમ્પ્લેઈન કરતો હતો. એને આજે આખો દિવસ એના મિત્ર સાથે બહાર રહેવું હતું અને સાંજે ફેમિલી સાથે ક્યાંક બહાર જવું હતું તો જુવાનજોધ દીકરાને આમ જબરદ્સ્તીથી પૂજામાં બેસાડવાનો મતલબ ?’

‘રજની , એને તો બધું કરવું હોય પણ સૌપ્રથમ તો ભગવાન જ હોય ને ? ‘

‘શું જડ જેવી વાતો કરે છે તું ? ઘરમાં કાયમ બધાએ તારી મરજી મુજબ થોડું ચાલવાનું હોય ? બધાં તારી વાત માને છે એનો મતલબ એવો તો નહીં ને કે તારે એમની ઉપર તારી મરજી થોપવાની ! તારાથી થતો ધર્મ કરવાની કોઇ ક્યાં ના પાડે છે તને. ‘

‘ હવેથી એવું નહીં થાય…’

અને રજની ચમકી : ‘મતલબ ?’

‘મતલબ એ જ કે હું હવે મારા ગુરુજીની શરણમાં જ જતી રહેવાની છું… કાયમ માટે. ‘

અને રજની સ્તબ્ધ રહી ગઈ.

‘મૌલિકા – આ શું પાગલ જેવી વાત કરે છે ? આવો સુંદર મજાનો સંસાર છોડીને આમ ભાગે છે શું કામ ?’

‘ઘરના માટે બહુ કર્યું હવે મારે મારા માટે થોડો સમય કાઢવો છે. મારા આત્માની શુદ્ધિ કરવી છે.મારા વ્હાલા પ્રભુની પૂજામાં બાકીની જિંદગી વિતાવવી છે’

‘ઓહ…પણ પાછળ આ જે સંસાર ઉભો કરેલો છે એનું શું ? તારા સંતાન, પત્નીધર્મની જવાબદારીથી ભાગીને ભગવાન મળશે કે ? તારે ધર્મ કરવો હોય તો સંસારમાં રહીને બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા પણ કરી જ શકે છે ને. સંસાર અને ધર્મ બે ય નું સાથે વહન કરવું એજ સૌથી શ્રેષ્ઠ,સૌથી અઘરો – માનવીની પરીક્ષા કરતો ધર્મ છે.’

‘રજની, બધા માટે બહુ કર્યું. દરેક માનવી પોતાના નસીબનું લખાઈને જ લાવ્યો હોય છે. એમના નસીબમાં જે હશે એ થશે જ ને.’

‘ના મૌલિ… મારા મતે આ બરાબર નથી. પરણવું, સંતાનને જન્મ આપવો એ બધું તમારી મરજીથી જ થયું છે તો એને જીવનપર્યંત નિભાવવું એ જ સૌથી મોટો ધર્મ. કોઇ પણ ભગવાનની કે ગુરુજીની પૂજા એની તોલે ના આવી શકે. ઘરબાર છોડીને સંન્યાસ લઈ લેવો એ તો કાયરોનું – આળસુઓનું કામ. માનવીએ પોતાના ભાગની જવાબદારીઓ સુપેરે નિભાવવી એના જેવો ધર્મ બીજો કોઇ નથી.

‘તારી વાત તારી દ્રષ્ટીએ સાચી હશે પણ મારી નજરથી તો મારો ભગવાન જ મારું સર્વસ્વ છે. આ ઉંમરે હવે પ્રભુને શાંતિથી ભજવા છે. મારી ભક્તિની આડે સમય, સંબંધના કોઇ જ બંધન નથી જોઇતા. મેં મારાથી બનતા બધા સંસ્કારો, સમય મારા ઘરને કુટુંબને આપ્યાં છે હવે બસ…થોડું મારા માટે જીવવું છે.’

અને રજની સ્તબ્ધ બની ગઈ.એની નાનપણની સખી એને આજે સાવ સ્વાર્થી લાગી જે ફક્ત પોતાના આત્માના ઉદ્ધારની જ વાતો વિચારતી હતી. ધર્મની વાતનો વિરોધ પણ ના કરી શકાય પણ મૌલિકાના ફેમિલી માટે દિલના એક ખૂણામાં દુઃખ થતું હતું. પોતાની જવાબદારી છોડીને ભાગી જવું એવી વાતને ઉપરવાળો કઈ રીતે માન્ય રાખતો હશે એની જ એને તો સમજ નહતી પડતી. હા, મૌલિકાએ લગ્ન જ ના કર્યા હોત તો એનો આ નિર્ણય બરાબર હતો પણ આજની પરિસ્થિતીમાં વાત જે વળાંકે વળી રહી હતી એ બરાબર નહતી જ. રજની લાચાર હતી. છેલ્લે એ એક જ વાક્ય બોલી,

‘મૌલિ, તું કદાચ સાચી હોઇશ પણ હું સહેજ પણ ખોટી નથી. થોડો સમય કાઢીને આ વાત પર ફરીથી વિચારજે પ્લીઝ.’ અને પ્રસાદનો પડિયો લેવાની પણ તસ્દી લીધા વગર રજની ત્યાંથી બહાર નીકળી ગઈ.

અનબીટેબલ : ઇશ્વર આટલો સુંદર છે તો એને પામવાના રીતિ – રિવાજો કેમ આવા કુરૂપ ?

સ્નેહા પટેલ