સામે ક્ષિતીજ પર
સૂર્ય આથમી રહ્યો છે
એ પણ મારી જેમ જ થાકેલો લાગતો હતો.
તન -મનનો આ થાકોડો..
કોઇ સાંભળી શકે..જોઇ શકે..
એક ગ્લાસ પાણી આપે,
ત્રણ ડીગ્રી તાવથી ધખતું માથું દબાવી આપે
‘વિકસ’ની ગરમી સાથે હેતની હૂંફ પણ મળી જાય
કેવું સારું..?
ઇચ્છાઓ..ઇચ્છાઓ…
‘આઊટ ઓફ અપેક્ષાઝોન’ જઈને
કુકર મૂકયું,
ભાત – દાળ બનાવ્યા.
સોફા પર બેસીને સામેની ટીપોઇ પર
પગ લંબાવ્યા.
પહેલો કોળિયો ભર્યો
પણ આ શું ?
ભાતમાં તો મીઠું જ નથી…
મોઢું અને મૂડ બેય બગડ્યાં.
અચાનક
આંખો સામે એક હેતાળ-કરચલીવાળો જાણીતો બોખો ચહેરો તરવર્યો
‘મમ્મી..’
ઓહ…નાની હતી ત્યારે
તારી આ મીઠાની શરતચૂક પર
હું કેટલો દેકારો મચાવી દેતી
અકળાઇ જતી..
રાતા લોચનીયામાંથી એક લીલો ડૂમો ફૂટી નીકળ્યો..
આજે ભાતમાં મીઠું નથી,
મમ્મી, તું બહુ યાદ આવી ગઈ..!!
– સ્નેહા પટેલ