અકારણ

Phoolchhab newspaper > Navrash ni pal column > 21-05 -2014

 

मुद्दतें गुज़रीं तेरी याद भी आई ना हमें

और हम भूल गए हों तुझे ऐसा भी नहीं

~फ़िराक गोरखपुरी

 

ભરવૈશાખમાં તિતીક્ષા અને સાકેત ગાડી લઈને શહેરની નજીક આવેલા ગામમાં, તિતીક્ષાની મામાની દીકરીના લગ્નપ્રસંગે જવા નીકળ્યાં હતાં. શહેરના ટ્રાફિકમાંથી પસાર થઈને હાઈવે પર પહોંચ્યા પછી  ગાડીએ ૮૦-૧૦૦ની સ્પીડ પકડીને સાકેતે એક લાંબો નિરાંતનો શ્વાસ ખેંચ્યો. બહાર ધોમધખતા તાપમાં વાતાવરણ સાવ સૂકું અને નિસ્તેજ – નિષ્પ્રાણ ભાસતું હતું. તિતીક્ષાએ ગાડીના કાચ ચડાવીને એસી ઓન કર્યું અને એની મનગમતી ગુલઝારની સીડી પ્લેયરમાં નાખીને ચાલુ કરી. સીડીપ્લેયરના લાલ ચમકતાં બટન પરથી એની નજર હટી ના હટી ત્યાં તો એની નજર સામે પીળી ચાદર જેવું કંઇક લહેરાઇ ઉઠ્યું. ચમકીને તિતીક્ષાએ ધ્યાનથી જોયું તો એ તો એનો પ્રિય ગરમાળો. અહાહા…એના પીળા ચટ્ટાક ફૂલોનો અદ્વિતીય વૈભવ એની આંખોમાં સમાતો જ નહતો. આખું વૃક્ષ પીળાં પીળાં ગરમાળાના ફૂલોથી લચી પડેલું હતું. વર્ષમાં એક વાર ફૂલોથી છવાઈ જતાં ગરમાળાને જોઇને તિતીક્ષાને વરસાદની લોકવાયકા યાદ આવી ગઈ, ‘ગરમાળાના ફૂલોના ઓછા વત્તા પ્રમાણ સાથે વરસાદનો સીધો સંબંધ. જેમ ફૂલો વધુ એમ વર્ષાઋતુ વધુ સારી જવાની શકયતા.’ અને તડકામાં સુવર્ણ સમ ભાસતાં એ નયનરમ્ય દ્રશ્યને જોઇને તિતીક્ષાના મન – હ્રદયને ટાઢક વળી.

 

સૂમસામ સડક, ચારે તરફથી ટેકરીઓથી ઘેરાયેલી ભૂમિને ચીરતી જતી ડામરની પાકી સડક, માથે હલચલરહિત નિસ્ચલ આભ અને લગભગ બે કલાકમાં તો એમની મંઝિલ આવી ગઈ. ગાડીમાંથી સામાન ઉતારી બે ય જણે તિતીક્ષાના મામાના ઘરમાં પ્રવેશ કર્યો.

 

ડેલીબંધ મકાનના મુખ્ય દરવાજામાં એક નાની ડેલી હતી એને ધક્કો મારી ને ખોલી અને નીચા નમીને સાવચેતીથી અંદર પ્રવેશ્યાં. અંદર વિશાળ ચોગાન હતું. ચોગાનના બીજા છેડે એક લાંબી પરસાળ હતી અને હારબંધ ઓરડાવાળું ભવ્ય મકાન. ચોકની વચ્ચે તુલસીક્યારો હતો. જમણાં હાથ બાજુ ગમાણ હતી અને એમાં પાંચેક ગાય અને એના ત્રણ વાછરડાં. પરસાળમાં ગાદી તકિયાવાળો ઝૂલો અને છેક સામેના ભાગે ન્હાવાધોવાની રુમો હતી. સાકેત પહેલીવાર ગામડામાં આવ્યો હતો. ગામડાંના નામથી જ નાકનું ટીંચકું ચડી જતું એવા સાકેતને એની નવાઈ વચ્ચે શહેરના ચમકદમકીયા વાતાવરણથી વિરુધ્ધ આવું કુદરતી ને ગામઠી શાંત વાતાવરણ સ્પર્શી ગયું . જમી કરીને રાતે ફળિયામાં ઢળાયેલાં ઢોલિયા ઉપર ગાદલાં, સફેદ ઓછાડ, ઓશીકાં અને ઓઢણ જોઇને સાકેતને ઉંઘ આવવા લાગી પણ તિતીક્ષા તો બીજી જ દુનિયામાં ખોવાયેલી હતી. આ ગામમાં એનું આખે આખું બચપણ સચવાયેલું હતું. એકાએક એણે બાજુમાં સૂતેલા સાકેતને ઢંઢૉળ્યો,

 

‘સાકેત, કાલે આપણે સવારે થોડા વહેલાં ઉઠીને મારી સ્કુલ પર એક આંટો મારી આવીશું ?’

 

‘શું યાર તિતુ, હજુ ઉંઘ્યા નથી ત્યાં વહેલાં ઉઠવાની વાત ! વળી એ સ્કુલ તો સાવ ખંડેર થઈ ગઈ હશે…તું તો કહેતી હતી કે તારા નીકળ્યાં પછી તો ચાર વર્ષમાં એ સ્કુલનું બિલ્ડીંગ પણ તૂટી પડેલું…એવા જર્જરીત મકાનોને જોઇને શું કરવાનું ?’

 

‘સાકેત, ભલે ને એ જગ્યા જેવી હોય એવી.. મેં સ્કુલના ગેટ ઉપર લારી લઈને ઉભા રહેતાં બાબાની લારીમાં રહેલી કાચની બોટલોના મીઠાવાળા પાણીમાં અથાયેલા આંબળા, આથેલી કેરી, ગોરસઆમલી, રાયણ, ફાલસાં ખાધાં છે. એની બાજુમાં બેસતાં મકાઈવાળાની પાસે રોજ કચ કચ કરીને એક્સ્ટ્રા મસાલો – લીંબુ ચોપડાવીને મકાઈ ખાધી છે, બાજુમાં આવેલી દુકાન ઉપરથી પીળા રંગના ભૂંગળા લઈને પાંચે આંગળીઓમાં એક એક ચડાવીને એને મસ્તીથી ખાતાં ખાતાં મારા ઘર સુધીનો રસ્તો પસાર કર્યો છે. સ્કુલની બાજુમાં આવેલી એક નાનકડી ગલીને ચોતરફથી ઘેરીને છાંયો કરતાં તરુવરોની નીચે રેઇનકોટ લીધા વગર નીકળી પડ્યાં હોઇએ ત્યારે મેં અને મારી સખીઓએ અનેકો ચોમાસાની સાંજ પસાર કરીને અડધા કોરા રહેવાની સાથે પલળવાની મજા માણી છે, સ્કુલની બાજુમાંથી નીક્ળતાં ગ્રામોફોનવાળાના ગીતો સાંભળ્યાં છે, રામુકાકાના બળદની ઘૂઘરીઓના તાલબધ્ધ રણકાર સાથે અમારા સંગીતના અનેકો રાગના તાલ મેળવ્યાં છે…અને અને…ઉફ્ફ સાકેત તું સમજતો કેમ નથી ?’

 

‘તિતુ, આ બધાં લાગણીવેડામાંથી બહાર નીકળ, તું કહે તો ખુશીથી જીવવાની કળા શીખવું..બીજી પણ બહુ બધી કળાઓના , ફેમસ લેખકોના બેસ્ટ સેલર પુસ્તકો વાંચ્યા છે. મારી યાદદાશ્ત બહુ તેજ છે. બધું અપ ટૂ ડેટ યાદ છે, જૂનું બધું ભૂલીને બહાર આવ , તારી જાતને ફ્લેકસીબલ બનાવ, પરિવર્તન સંસારનો નિયમ છે થોડી પ્રેકટીકલ બન.’

 

‘સાકુ, આ તો મીઠી – નિર્દોષ યાદો..એનું ખૂન કેમ કરાય ? ‘

 

‘તિતીક્ષા, આ શું ઘેલી થઈ છું ? તારી કોર્પોરેટ લેવલની જોબ માટે તેં સ્પેશિયલી દિમાગને સ્વસ્થ રાખીને, લાગણીવેડાથી બચીને સ્વરક્ષણની વ્યાવસાયિક તાલિમ લીધી છે એ બધું ભૂલી ગઈ કે ? આમ જ ભૂતકાળમાં અટકી રહીશ તો દુનિયા ક્યાંની ક્યાંય પહોંચી જશે અને તું…ઉફ્ફ..સમજતી કેમ નથી તું પાગલ..’

 

‘તારે જે કહેવું – સમજવું હોય એ પણ એ યાદો સાથે જ મારામાં ધરબાયેલી હું જાણે જીવિત, નવપલ્લિત થઈ ગઈ હોવું એવું લાગે છે. સાકુ, સંવેદનશીલતાને દાટી દઈને માણસ મટી જવાથી કશું નથી મળવાનું..બે ઘડી હું હું છું…હું જીવું છું, શ્વાસ લઉં છું એવી પ્રતિતી થાય છે તો શું ખોટું ?’ અને તિતીક્ષા રડી પડી. લગ્નજીવનના પાંચ વર્ષ દરમ્યાન ક્યારેય એને આમ રડતી નહતી જોઇ, કાયમ એક બેલેન્સ્ડ અને ધારદાર બુધ્ધિવાળી સંતુલિત તિતીક્ષા જ જોઇ હતી એને આજે આમ તૂટી પડેલી જોઇને સાકેતને પણ એની અંદર કંઈક પીઘળતું લાગ્યું. એની જાણ બહાર એ પીઘળાટ આંખમાં છલકાવા લાગ્યો..હ્રદયનો કોઇ છાનો ખૂણો પલળતો લાગ્યો અને સાકેતને પોતાને આસ્ચ્ર્ય થયું. જીવનમાં ક્યારેય એ રડ્યો હોય એવું યાદ નહતું અને એ વાત પર એને ગર્વ હતો તો આજે આ શું…? વળી આજે જે છ્લકાતું હતું એ એના દિલને હલકું કરતું હતું..એને રડવાની મજા આવતી હતી. જીવનમાં પહેલીવાર સાકેતે રડવાની મજા આકંઠ લૂંટી લીધી અને હલકાં થઈ ગયાં પછી તિતીક્ષાના વાળમાં હાથ ફેરવીને એની હથેળી પર એક કોમળ ચુંબન ચોડતાં બોલ્યો,

 

‘ચોકકસ તિતુ, આપણે માણસ નથી મટી જવું. દરેક ઘટનાઓમાંથી કારણનાં પોરાં કાઢવાની વૃતિ પર થોડો અંકુશ મૂકીશું. જીવનમાં અમુક કામ સાવ અકારણ હોય છે જે ભરપૂર ખુશી લાવે છે હું ખુશીઓની આડે મારી બુધ્ધિનાં દરવાજા વાસવાં નથી માંગતો.કાલે સવારે હું ચોકકસ વહેલો ઉઠી જઈશ.ગુડનાઈટ ડીઅર.’

 

અને સંતોષના શ્વાસ સાથે ખુશીનો ઘૂંટ ગળે ઉતારતી તિતીક્ષા આવતીકાલે મળનારી ખુશીઓના સપનામાં સરી પડી.

 

અનબીટેબલ : અકારણના ય કારણો શોધીએ છીએ અને પછી રોજ જીવવાની કોશિશમાં મરીએ છીએ.

2 comments on “અકારણ

  1. અમસ્તી મસ્તી અને અકારણ મળી જતું કારણ . . એની મજા જ કાઈ ઔર છે !

    નવી થીમ મુબારક 🙂

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s