ગાળ ઇન ફેશન !

phoolchhab newspaper > navrash ni pal column > 7-05-2014

અરે હાલ મારા તો એવા થયા છે

પરાયા પૂછે છે કે છે કે ગયા છે?

– ભરત ત્રિવેદી.

‘ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે

ભક્તજનો કે સંકટ ક્ષણમેં દૂર કરે ..’

સવારનો નવ વાગ્યાનો સમય હતો. ઘરના પૂજારૂમમાં આસન પર બેઠેલી આભાના છુટ્ટા કાળા અને ભીના વાળ એની પીઠ પર ફેલાયેલાં હતાં અને ભીંજાયેલ વાળમાંથી ટપ ટપ પાણીની બૂંદ એની સાડીમાં સરતી હતી. અમુક બુંદ એના લીસા ખભા ઉપર પડીને ત્યાં જ અટકી જતી અને ઝાકળની જેમ ઝળહળી ઉઠતી હતી. પૂજારુમ ચંદનની સુવાસથી મઘમઘી રહ્યો હતો. આરતીની થાળીમાં પ્રજ્વલી રહેલા દીપકની જ્યોત સાથે પવન રમત કરતો હતો અને એ ધીરેથી હાલક ડોલક થઈને પાછી પોતાની જગ્યાએ ગોઠવાઈ જઈને સ્થિર થઈ જતી હતી. મોગરાં -ગુલાબના રાતા-શ્વેત પુષ્પોથી આખો પૂજારુમ ખીલી ઉઠ્યો હતો અને સાથે નાજુક ઘંટડીની રણઝણ અને આભાની આ પ્રાર્થના – અલૌલિક વાતાવરણ હતું . આભા પોતાની જાત ભૂલીને પોતાના કાનુડાંની પૂજામાં વ્યસ્ત હતી ત્યાં જ એના કાને મોબાઈલની રીંગ સંભળાઈ.

‘આટલા વહેલાં કોણ હોય ? જે હોય એ ..જવા દે..નથી લેવો…મારી પૂજા ડિસ્ટર્બ નથી કરવી. પછી કોલબેક કરી લઈશ કરીને એણે પ્રાર્થના આગળ ચલાવી.

‘જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મનકા

સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તન કા … ઓમ જય

 

માત પિતા તુમ મેરે, શરણ ગ્રહુ કિસકી

તુમ બિન ઓર ન દુજા, આશ કરું મૈં ….’

 

ફરીથી રીંગ વાગી. પુત્ર સુકેતુ કોલેજ અને પતિદેવ ઓફિસે ગયા હતાં. આભા ઘરમાં એકલી હતી. આખરે કંટાળીને એ ઉભી થઈને ડ્રોઈંગરુમમાં ગઈ અને ફોન જોયો તો સુકેતુનો ફોન હતો.

‘આ છોકરો..હજુ કલાક પહેલાં તો કોલેજ ગયો છે ને એટલામાં ફોન…? વળી અત્યારે તો એના ક્લાસીસ હોય તો ફોન કેમનો કરી શકે..શું એ ક્લાસમાં નહીં હોય?’

સેકંડના સો માં ભાગમાં આવા અનેકો પ્રશ્નો એના મનમાં આવી ગયા અને સ્કીનલોક ખોલ્યું,

‘હલો…સુકેતુ..બોલ દીકરા…હલો…હલો…’

સામેથી કોઇ જ જવાબ ના આવ્યો..કદાચ ભૂલમાં ફોન લાગી ગયો હશે. આભાનું નામ જ આલ્ફાબેટીકલી એવું હતું કે દરેકના ફોનમાં એ સૌથી પહેલું જ આવતું હતું અને ઘણીવાર એને આવા ફોનકોલ્સ આવતાં હતાં જે ભૂલથી લાગી ગયા હોય, આજે પણ એમ જ હશે વિચારીને એ ફોન કટ કરવા ગઈ ત્યાં એના કાને સુકેતુનો અવાજ અથડાયો,

‘અરે જવા દે ને, આજે તો મેથ્સના ક્લાસમાં દિમાગની વાટ લાગી ગઈ..સા…એ પ્રોફેસર સાવ બબૂચક જેવો છે…..એની મા ને ***** , એ ઘનચક્કરના લેકચર હું કાયમ છોડું છું , આજે તમે કોઇ જ દેખાતા નહતાં ને હું સાવ એકલો હતો તો એમ જ એના ક્લાસમાં બેસી ગયેલો. બહુ ભયંકર ભૂલ થઈ ગઈ મારાથી..મારી માની *****…..’

પોતાનું ફ્ર્સટ્રેશન કાઢવા માટે સુકેતુ જે બોલ્યો એ સાંભળીને આભાના હાથમાંથી ફોન છટકી ગયો. એક જ વાક્યમાં એણે પહેલાં એના પ્રોફેસરને ‘મા બેન’ની ગાળ આપી અને છેલ્લે એણે પોતાને…એની સગી મા ને ગાળ આપી !

આભાને આખો રુમ ગોળ ગોળ ફરતો દેખાયો અને ધબ…બ કરતી’ક ને એ સોફામાં ફસડાઈ પડી. એના ઉછેરમાં આવી તો ક્યાં ભૂલ થઈ ગઈ કે એનો દીકરો પોતાની સગી જનેતા વિશે જાહેરમાં આમ બોલે ?

આખો દિવસ બેચેનીમાં જ ગયો.

બપોરના બે વાગ્યે એનો સુપુત્ર કોલેજથી આવ્યો.

‘મમ્મી, બહુ જ ભૂખ લાગી છે. જલ્દી જમવાનું પીરસી દે’

‘સુકેતુ, જમવાનું પછી પહેલાં તું તારો મોબાઈલ આપ.’

‘કેમ ?’

‘આપ કહ્યુ ને.’

અને સુકેતુએ અવાચક થઈને એનો મોબાઈલ આભાને આપ્યો. આભાએ એમાં પોતાને ડાયલ થઈ ગયેલો નંબર બતાવ્યો.

‘અરે એ તો મમ્મી તને એમ જ લાગી ગયેલો. ભૂલથી યુ નો..બાકી એ સમયે તો હું ક્લાસમાં…’

‘જુઠ્ઠું ના બોલ. મને ખબર છે કે તું એ સમયે તારા મિત્રો સાથે હતો..ક્લાસની બહાર અને તારી મા ને ગાળો દઈ રહેલો.’

કોઇ જ આડી અવળી વાત કર્યા વગર આભાએ છાતીમાં ભરાઈ ગયેલું અસહ્ય વજન એક સાથે શબ્દોમાં ઠાલવી દીધું. બે મીનીટમાં આખી વાત સમજી ગયેલ સ્માર્ટ કોલેજીયને પોતાની જાતને તરત જ સંભાળી લીધી.

‘ઓહો મમ્મી, એમાં એમ છે ને કે આજે મગજ ઠેકાણે નહતું. એટલે અકળામણમાં..’

‘અકળામણમાં પોતાની મા – સગી જનેતાને ગાળો ? અરે, બહારનો કોઇ બોલી જાય તો એને ય ઢીબી નાંખે, મરવા ને મારવા ઉપર આવી જાય એનું નામ સંતાન એના બદ્લે આજે ઉઠીને પોતાનું સંતાન જ પોતાની જનેતાને ગાળ…ઉફ્ફ…’

સુકેતુ થોડો થોથવાઈ ગયો, ક્યાં કાચું કપાયું એનો એને બરાબર ખ્યાલ આવી ગયો હતો. આમ તો ગાળો બોલવી, સાંભળવી એના માટે કોમન વાત હતી પણ આજે એ વાત એની ધર્મપારાયણ મમ્મીને ખબર પડી ગઈ હતી અને મમ્મી એ પચાવી નહતી શકતી. પણ ગાળો બોલવી ઈટ્સ નોટ અ બીગ ડીલ…એ તો બોલાઈ જાય..એમાં શું ? આ જનરેશન અમને નવી પેઢીને ક્યારે સમજશે ? અમારી તકલીફો, હરિફાઈઓ, ફ્સ્ટ્રેશન્સ આમને ઘરમાં બેસી રહેનારને શું સમજાશે ?

‘મૉમ – ચીલ ! આજના જમાનામાં ગાળો બોલવી એ તો એક ફેશન છે. ? બે વાક્યમાં એક પણ ગાળ ના બોલો તો આજના જમાનામાં તમે જૂનવાણી ગણાઓ, લોકો તમારી મજાક ઉડાવે પણ જવા દો ને…તમને આ બધી વાતોની શું ખબર પડે ? મારા હરિયાણવી અને પંજાબી મિત્રો તો કાનના કીડા ખરી પડે એવી ગાળો બોલે છે. અમુક મિત્રો દીકરીના નામની ગાળો આપે છે. જમાનો બદલાઈ રહયો છે મમ્મી. આટલી નાની શી બાબતમાં આવો મોટો હોબાળો ના કરો. એક તો કોલેજમાંથી થાકીને કંટાળીને ભૂખ્યાં તરસ્યાં આવ્યાં હોઈએ અને એમાં તમે આમ ઉપદેશોના, ફરિયાદોનાં ટોપલાં ખોલીને બેસી જાઓ છો. ખબર નહીં અમને ક્યારે સમજશો ? રાખો તમારું જમવાનું તમારી પાસે, હું બહાર જઈને જમી લઈશ’

અને આભાના પર્સમાંથી હજારની નોટ લઈ અને ગાડીની ચાવી લઈને સુકેતુ ઘરની બહાર નીકળી ગયો.

ગાળ સાંભળીને જે તકલીફ થયેલી એ કરતાં વધારે તકલીફ પોતાના અતિસ્માર્ટ દીકરાની વર્તણૂકથી આભાને અત્યારે થઈ. ચારે બાજુ સાંભળવા મળતી ગાળોનો-અભદ્ર ઇશારાઓનો આછો પાતળો અનુભવ હતો. આજકાલ લોકો સ્ત્રી કે પુરુષનો ભેદભાવ રાખ્યાં વગર બિન્દાસ્ત ગાળોની ગંગા વહેવડાવતાં થઈ ગયેલાં. એ વખતે એમને ગાળોનો મતલબ પણ ખબર હશે કે શું ? એવો વિચાર પણ આભાને આવી જતો ને નવાઈ પામતી , પણ આજે એનો ખુદનો દીકરો એને ગાળ દે અને એ વાત મોર્ડન અને કૂલ પેરેન્ટ્સ ગણાવા માટે સહજતાથી લેવાની ? દીકરો હવે પેરેન્ટ્સના સમજાવાની હદથી બહાર હતો. એને શામ,દામ,દંડ કશાથી મનાવી શકાય એવી શક્યતા નહતી. નિરાશ થઈને આભાએ સમયદેવતાને હાથ જોડીને વિનવ્યાં,

‘સમયદેવતા – તમે મહાન. મારા દીકરાને જલ્દીથી સાચી સમજણ આપજો અને હા એ હજુ નાદાન છે – એની નાદાનિયત બહુ આકરી સજા ના આપશો’

અનબીટેબલ : બુધ્ધિનું તીવ્ર આધિપત્ય દિલની કોમળ લાગણીઓનો સર્વનાશ કરે છે.

-sneha patel

3 comments on “ગાળ ઇન ફેશન !

  1. આપણે કહેતાં હોઈએ છીએ કે માબાપના સંસ્કાર કેવા હશે….?? પણ દરેકે દરેક સંતાનો(હા, દરેક સંતાન)ને માબાપ સારા સંસ્કાર આપતાંજ હોય છે. પણ સંતાનો આ ઉપરાંત આપણી આજુબાજુમાંથી, તેમના મિત્રોમાંથી, એમ દરેક જગ્યાએથી “સંસ્કાર” મેળવતાં હોય છે… ગાંધીજીએ શું તેમના પુત્ર હરીલાલને માંસ ખાવાનું, દારુ પીવાનું કે મુસલમા સાથે લગ્ન કરવાનું શીખવ્યું હતું કે, તેવા સંસ્કાર આપ્યા હતાં…??? ભીષ્મ પિતામહને તેની માતા ગંગાએ કે પિતા સત્યવ્રતે એવા સંસ્કાર આપ્યાં હતાં કે, બેટા, સદા અસત્યને સાથ દેજે, સેનાપતિ થઈને પાંડવોની સામે લડજે…??? સંજોગ, સમય, વ્યવહાર, સંગાથ— આ બધામાંથી સંસ્કાર આવે છે, મોટે ભાગે તો સારાજ હોય છે, પણ ક્યારેક ખરાબ પણ આવી જતાં હોય છે….આજના અમેરીકામાં તો છોકરીઓ પણ F*** જેવી ગાળ તો છુટથી બોલે છે..એ પણ મિત્રોના સંગાથથી શીખે છે, એક બોલે, પછી બીજી પણ બોલતી થાય એટલે પછી બધી બોલતી થાય…એ કંઈ ઘરમાંથી સંસ્કાર લઈને નથી આવતી… આજનો જમાનો પહેલાં કરતાં બહુ ખરાબ છે….હા, માબાપે ધ્યાન રાખવાની જરૂર છે, તેની ના નહીં અને જેટલું બને તેટલું સંતાનને સમજાવી શકાય તેટલું સારું.
    આજના જમાનાને અનુરૂપ “લાલ બત્તી” બતાવતો બહુ સુંદર લેખ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s