phoolchhab paper > navrash ni pal column > 9-04-2013
હેત છે કે હૈયામાં માતુ નથી,
એ ય સાચું છે કે છલકાતું નથી.
સાંભળ્યાં બહુ સૂર સાતેસાત પણ,
રાગ જાણીતો કોઈ ગાતું નથી.
– સ્નેહા પટેલ.
વસંત ઋતુની વહેલી સવાર હતી. પૃથ્વી એની નિયમિત ગતિ જાળવતી પોતાની ધરી પર અવિરતપણે ફરી રહી હતી. પ્રવાસીના કાનમાં દરિયાના મોજાંનાં પછડાટનો ધીરો ધીરો અવાજરસ રેડાઇ રહ્યો હતો. કાન અને આંખને સુસંગત કરવા પ્રવાસી પોતાની રોજની બેઠક સમી ખડક પર ગઇ અને ત્યાં બેસીને કાંડા પર બાંધેલા બેન્ડથી પરસેવો લૂછ્તી’કને દરિયાને નિહાળવા લાગી. દરિયાકિનારો અને એમાં પણ સૂર્યોદયનો સમય આ ઘટના પ્રવાસીની સૌથી મનપસંદ વાત.છેલ્લાં ૨૫ વર્ષથી એ નિયમિતપણે કુદરતની આ નિતનવી ઘટનાને એની નજરોમાં ભરીને અનોખી સ્ફૂર્તી – તાજગી -જીવવાનું બળ મેળવતી હતી. આકાશના ભૂખરા રંગના પ્રતિબીંબથી દરિયો પણ ભૂખરા રંગે રંગાઈ ગયેલો. મોજાંનું પાણી મનસ્વી રીતે ગતિ પકડતા – ખડક સાથે અથડાતા અને ફીણ ફીણ થઈ જતું હતું તો થોડું પાણી વાછટરુપે ઉડીને આસપાસનું વાતાવરણ ધૂંધળું બનાવી દેતું હતું.ધીરે ધીરે આકાશમાં દોડતી -ફરતી વાદળીઓ લાલ થવા માંડી, પૂર્વીય ક્ષિતિજમાંથી દરિયાની ઉપલી ધાર પર ધીમે ધીમે લંબગોળ આકારનો એક ગોળો ઉપસવા લાગ્યો અને ધીમે ધીમે એ કર્કથી મકરવૃત તરફ ગતિ કરવા લાગ્યો. આકાશના વાદળો ખસતા ગયા અને કેસરી રંગ ગાઢો થઈને પીળાશ પકડવા લાગ્યો. દરિયાની ધાર પર થતાં સૂર્યોદયને નિહાળતાં પ્રવાસીની અંદર પણ સૂર્યોદય જેવી તાજગી ઉગવા લાગી. આંખો નશાર્ત થવા લાગી. આટલા વર્ષોથી ચોમાસાના દિવસો સિવાય નિયમિતપણે સૂર્યોદય જોતી હતી એમ છતાં પણ ક્યારેય એકસરખો નહતો લાગ્યો. રોજ રોજ આટલી નવીનતા કયાંથી લાવતો હશે આ ? પ્રવાસીને એના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યાં અને એ પોતાની ધડકનોની તાલ ઉપર સૂર્યનો ઉદય જોવામાં એક્ધ્યાન થઈ ગઈ. દસ મિનીટ જેવો કુમળો તડકો મળ્યો એટલે શરીરને વિટામીન ડીનો ખજાનો પણ પ્રાપ્ત થઈ ગયો અને ધીમે ધીમે એ નશામાંથી બહાર આવીને પ્રવાસી પોતાના ઘર તરફ વળી.
આટલી સુંદર ઘટના પણ એનો આનંદ વહેંચવા -સમજવા માટે જીવનમાં એક પણ વ્યક્તિ નહી !
ઘરમાં પ્રવેશતાં જ એને ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને છાપું વાંચતો સાગર દેખાયો. સાગર એનો પતિ. છાપું વાંચતા વાંચતા પ્રવાસીની એની ‘સ્વીટહાર્ટ’ની રાહ જોઈ રહયો હતો. પ્રવાસી હાથ મોઢું ધોઈ ફ્રેશ થઈને ફટાફ્ટ ચા બનાવી અને સાગર સાથે ચા પીવા બેઠી. સાગરના વાંકડિયા વાળમાંથી દેખાતું એનું ચમકતું સ્વચ્છ વિશાળ કપાળ એને દરિયાના સૂર્યોદય જેવું જ લાગતું. હજુ એ ધ્યાનથી સાગરનું મોઢું જોઇ શકે એ પહેલાં તો સાગરની ચા પતી પણ ગઈ.
‘ચાલ પ્રવી, હું ભાગું હવે…’
‘અરે સાંભળ તો ખરો..આજે મેં કેટલો સરસ સૂર્યોદય જોયો એની વાત કરું.’
‘સોરી ડીયર, અત્યારે સહેજ પણ સમય નથી. વળી તારે સૂર્યોદય જોવાની કયાં નવાઈ, રોજ તો જોવે છે. તું પણ છે ને…’
અને બાકીનું વાક્ય ઇરાદાપૂર્વક અધૂરું મૂકીને સાગર ફટાફટ તૈયાર થઈને ફેકટરીએ જવા ઉપડ્યો. પ્રવાસી હવે સાવ એકલી. કામવાળી બાઈ, રસોઈઓ, માળી બધાં પોતપોતાના સમયે આવીને પોતાનું કામ કરીને જતાં રહ્યાં. ત્યાં પ્રવાસીના મોબાઈલની રિંગ વાગી અને પ્રવાસીએ ફોન લીધો.
‘હલો,હાય માધુરી..’
‘હાય સ્વીટીપાઈ, કેમ છે ?’ સામેથી એક સુમધુર અવાજ પ્રવાસીના કાને પડ્યો.
‘હું તો હંમેશા મજામાં જ ને..’ અને પોતે મજામાં જ છે એની સાબિતી આપવા પ્રવાસીના હોઠ પર એક ફીકું સ્મિત આવી ગયું, બે પળ પછી ખ્યાલ આવ્યો કે પોતે ફોન પર વાત કરે છે અને ફોન પર એના ચહેરાના હાવભાવ માધુરીને દેખાવાના નથી એટલે હોઠ પાછા નોર્મલ થઇ ગયા.
‘હા ભાઈ, તારે શું ખોટ, દસે આંગળીએ ગોરમા ને પૂજેલા છે એટલે સાગર જેવો વર મળ્યો છે. રોજની જેમ આજે પણ એણે જ ચા મૂકી હશે, અને તમે મેડમ મોર્નિગ વોક કરીને આવો એની રાહ જોતો હશે, રાઈટ..યુ લકી વન..અહીં તો મહિનાનો એક દિવસ પણ આવો ના ઉગે.’
‘હા માધુ, આજે તો એણે નાસ્તામાં મારી ફેવરીટ ઉપમા પણ બનાવેલી. પરણીને આવી ત્યારથી સવારની ચા તો સાગર જ બનાવે છે. મેં એને કેટલી વખત કહ્યું પણ એ મને ના જ પાડે. એ જ્યારે ના હોય ત્યારે જાતે ચા બનાવવાનું હવે આકરું થઈ જાય એટલી હવે મારી ટેવ બગાડી કાઢી છે એણે.’
‘હા ભાઈ…તમારી વાત થાય કંઈ? હવે સાંજે પતિદેવ અચૂક ફ્લાવર, ગિફ્ટ કે કોઇક ને કોઇક સરપ્રાઈઝ લેતાં આવશે. તારી તો સવાર પણ નિરાળી અને સાંજ પણ પછી રાત તો નિરાળી જ રહેવાની ને…’
માધુરીની વાતનો સંદર્ભ સમજતા પ્રવાસીનું નાજુક મોઢું શરમથી લાલચોળ થઈ ગયું.
‘અચ્છા સાંભળ, આજે સાંજે પિકચર જોવા જવું છે ?’
‘કયું ?’
‘ક્વીન, સાગર સાથે જોઈ તો નથી લીધું ને ? ‘
‘ના, હજુ બાકી છે. ઓકે. ડન’
‘લે, તારે કેટલી શાંતિ…ફટાફટ નિર્ણય લઈ લીધો. ના પતિદેવને પૂછવાનું કે ના સાંજની રસોઇની ચિંતા..વળી પિકચર જોવાના નામે જ એમનું મોઢું દિવેલ પીધા જેવું થઈ જાય. લગ્નને દસ વર્ષ થયા પણ હજી સુધી એક મૂવી જોવા સાથે નથી આવ્યાં…હશે જેવા જેના નસીબ બીજું શું ? ઓકે , સુપર મલ્ટીપ્લેક્ષમાં મળીએ, સાંજે સાત વાગ્યે, તું વહેલી પહોંચે તો ટિકીટ લઈ લેજે.મારે સ્વાતિ ટ્યુશનમાંથી આવે પછી નીકળાશે તો કદાચ મોડું પણ થાય અને પછી ટિકીટ ના મળે તો મૂડ જતો રહેશે.’
‘હા ભાઈ હા, હું ટિકીટ લઈ લઈશ. તું શાંતિથી આવજે. ચાલ હવે ન્હાવા જવું છે. ફોન મૂક.’ અને પ્રવાસીએ ફોન કટ કર્યો.
ફોન કટ કરીને આંખો બંધ કરીને પગ સામેની ટીપોઇ પર લંબાવીને પ્રવાસી વિચારવા લાગી,’ સાગર અને એ સાવ જ વિરુધ્ધ સ્વભાવના. પ્રકૃતિનો ‘પ’ કે કોઇ આર્ટનો ‘અ’ પણ સાગરને ના સમજાય. એને તો ફકત ‘રુપિયા’નો ‘ર’ જ પરમેશ્વર. આજે પણ એ ત્રણ દિવસ માટે બિઝનેસ મીટીંગ માટે દિલ્હી ગયેલો. મહિનાના વીસ દિવસ તો એના આમ જ એકલા અટૂલા જ વીતે અને બાકીના દસ દિવસ પૈસા કેવી રીતે આવ્યાં, કઈ પાર્ટી સાથે કેમની વાત થાય, મશીનો -ટેકનોલોજીની લેટેસ્ટ માહિતીઓ મેળવવામાં જ વીતતો. સાગર પાસે એને સમજવાનો, અનુભવવાનો સમય કે સમજણ જ ક્યાં હતાં ? અને પોતે પોતાનો એ ખાલીપો પોતાની સખીઓ, સગા વ્હાલાઓમાં સાગર અને એના સંબંધોની ખોટી ખોટી વાતો કરીને ભરતી હતી. સાગર એનો પડ્યો બોલ ઝીલી લે, એના મૌનથી , એની આંખોથી જ એની નારાજગી, ખુશી જાણી લે છે. એને ખબર હતી કે એનો સંતોષ ભ્રમણાઓથી ભરપૂર છે પણ વાસ્તવિકતામાં જે ખુશી ના મળે એની કલ્પનાઓ કરવામાં ક્યાં કોઇ પાબંદી હોય છે ? આમ નહીં તો તેમ..એ તો થોડું એડજસ્ટ, કોમ્ર્પોમાઈસ તો કરવા પડે જ ને..બધાને બધું જ થોડી મળી જાય ? બાકી એનો સાગર એટલે સાગર ! એને કાયમ હાથમાં ને હાથમાં જ રાખે.
સાગર એટલે દુનિયાનો બેસ્ટ હસબન્ડ !
અનબીટેબલ : અમુક ભ્રમ જીવવા માટે જરુરી થઈ જાય છે.
શિર્ષક પંક્તિ – લેખિકા.