અટકનું નાટક

phoolchhab newspaper > Navrash ni pal column > 26-03-2014

મહેંદી પર એક નામ લખ્યું છે,
તારું, ખુલ્લે આમ લખ્યું છે.

પાંપણ ની્ચે વાંચી લેજો,
જલ્દી આવો રામ લખ્યું છે.


‘સૂચી દિવાન જોશી’ નામ સાંભળીને પવિત્રા ચમકી.

સૂચી દિવાન એની કોલેજની સખી હતી. એને મોડેલિંગનો અનહદ શોખ હતો અને એણે પોતાના એ શોખ માટે બહુ મહેનત પણ કરી હતી. વળી ભગવાને એને છૂટ્ટા હાથે રુપની લહાણી કરી હતી એટલે એને પોતાની કેરિયર ચમકાવવામાં બહુ તકલીફ નહતી પડી. બહુ જ નાની ઉંમરે સૂચી બહુ જ પ્રખ્યાત થઈ ગઈ હતી. લોકોની પ્રસંશા, વાહવાહી મેળવી અને ગ્લેમરની દુનિયામાં થૉડી વાર વિરામ લીધો તો ૩૦ વર્ષની ઉંમરે પોતે હજુ અપરિણીત છે એ વાતનો ખ્યાલ આવ્યો અને તરત જ એણે પોતાના મનગમતા મિત્ર રાહુલ જોશી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં અને સુખી લગ્નજીવન વ્યતીત કરવા લાગી.
લગ્નના છ મહિના તો નશામાં જ વ્યતીત થઈ ગયા. હવે સૂચી પાછી હકીકતની દુનિયામાં આવવા લાગી હતી. બહુ દિવસથી પોતાના મિત્રોને મળી નહતી કે વાત પણ નહતી થઈ. બધાને પોતાના ઘરે બોલવવાના ઇરાદા સાથે એણે મિત્રોને ફોન કરવા માંડ્યાં.એમાં ત્રીજો નંબર પવિત્રાનો આવ્યો અને એ બોલી,
‘હલો, સૂચી દિવાન જોશી હીઅર’ અને પવિત્રા બે અક્ષરના નામની સાથે ત્રણ અને બે અક્ષરની બે બે અટકો સાંભળીને ચમકી ગઈ. આમ તો છેલ્લાં ઘણાં વખતથી એ આવા નામ સાંભળતી આવેલી પણ એ બધાં એના કોઇ સગા વ્હાલા નહતા થતાં એટલે એને એમની વાતોથી બહુ ફરક નહતો પડતો પણ આજે વાત એની ખાસ સખી ‘ સૂચી દિવાન’ હતી જે લગ્ન પછી પોતાને ‘સૂચી જોશી’ નામે ઓળખાવતી હશે એવી એની ધારણા હતી. જોકે સૂચી બહુ સારી મોડેલ હતી અને એ સૂચી દિવાનના નામથી પ્રખ્યાત પણ થઈ ગયેલી હતી એથી એ માત્ર સૂચી દિવાન પણ હોત તો પણ પવિત્રાને વિચિત્ર ના લાગત પણ આ બે બે અટકો રાખવા પાછળનું કારણ શું ? એણ એ સૂચીની ગેટ ટુ ગેધરની વાત સાંભળી અને પછી બોલી,
‘સૂચી, આ આટલા સુંદર, નાનકડાં નામની પાછળ બે બે અટકો !’

‘હા પવિ ડીઅર, આજકાલ તો આ ફેશન થઈ ગઈ છે. આપણે ત્યાં પરિણીત દરેક સ્ત્રી એના પતિની અટક લગાવે છે અને પોતે જે અટક સાથે આટલો સમય જીવી એને સાવ જ ભૂલી જાય છે. આ એક અન્યાય નથી ?’

‘તો તું માત્ર દિવાન અટક લગાવ ને કે પછી રાહુલ ના પાડે છે ?’

‘ ના રે, એ વળી શું ના પાડવાનો ? એ તો એકવીસમી સદીનો ભણેલો ગણેલો માણસ છે પોતાની પત્ની સાથે એ આવી કચ કચ થોડી કરે…અને કરે તો પણ આજની સ્ત્રીઓ એવી દાદાગીરી થોડી ચલાવી લે ? શું પવિ તું પણ !’

‘અરે, પણ આમ બે બે અટકો પાછળનું લોજીક શું ? સોરી સૂચી, આ તારી અંગત વાત છે પણ આપણે ત્યાં દરેક છોકરી સમજણી થાય ત્યારથી પોતાના નામ પાછળ એક મનગમતું નામ જોડવાના સપનાં જોતી હોય છે. એમાં સમાજની દાદાગીરી , સમાજની કચકચ કે નારીવિરોધી વાતો જેવી કોઇ વાત જ નથી. આ તો એક કોમળ લાગણી છે. વળી તને એ અટક ના જ પસંદ હોય કે તારી પહેચાન બની ગયેલી તારી પહેલાંની અટક જ પસંદ હોય તો એને ના બદલ. રાહુલ તો તને ના પાડતો જ નથી. આજકાલ તો લોકો પોતાના નામની પાછળ પોતાની મમ્મીનું નામ પણ લખતા હોય છે પણ એની પાછળ પોતાની માતા પ્રત્યેનો અપાર સ્નેહ હોય છે.’

‘તારી વાત સાથે આમ તો સહેમત થાઉં છું પવિ પણ યુ નો, હું જે ફીલ્ડમાં છું એ ફીલ્ડમાં આવું નામ રાખવાથી થોડો વટ પડે, સ્ટાઈલ લાગે, આપણે બીજાથી અલગ લાગીએ.’

‘હા સૂચી, સ્પાઈડરમેન અને સુપરમેન જેવું જ ને, પેન્ટની ઉપર ચડ્ડી પહેરવાની ! એક કામ કર સ્લીવલેસ કપડાં પહેર અને બગલમાં વાળ દેખાય એવી ફેશન ચાલુ કર , આવું કોઇ છોકરીએ કર્યું નથી, તું પણ સ્પાઈડરમેનની જેમ અલગ, નોખી તરી આવીશ…સુપરવુમન ! ‘

સૂચીનો ગુસ્સો હાથથી ગયો.

‘ પવિ ,  વાત ક્યાંની ક્યાં લઈ જાય છે. આ તો કેવી વાત કરે છે, આવું થૉડી કરી શકાય ?’

‘લે તારે તો દુનિયાથી અલગ જ લાગવું છે ને ? અલગ લાગવા માટે દુનિયાથી ઉંધા ચાલવાની હિંમત તો જોઇએ જ ને સૂચી ! દુનિયામાં જે રિવાજો ચાલે છે એમાં કોઇક તો લોજીક હશે જ ને . દુનિયાના રિવાજોની ઐસી તૈસી કરવામાં આ કેવા પાગલપણ ! મારું તો દ્રઢપણે માનવું છે કે એક નામની પાછળ એક જ અટક સારી લાગે, કઈ રાખવી એ તમે પતિ પત્ની બે ય સાથે મળીને નક્કી કરી લો. અટક પસંદગીમાં ઝગડાં થાય તો અટક જ ના રાખો. ફકત ‘સૂચી રાહુલ’ એ પણ કેટલું મીઠું લાગે છે. તમારું આવનારું સંતાન એની રીતે તમારા બેમાંથી જે અટક ગમશે એ પસંદ કરી લેશે. પણ આમ બે બે અટકો સાથે લાંબાલચક નામ રાખીને ફેશનના નામે નાટકો તો ના જ કરો. સોરી કદાચ હું વધુ પડતું કડવું બોલી ગઈ હોઉં તો.. આ તમારો પર્સનલ ઇશ્યુ છે, હું કોઇ આગ્રહ ના કરી શકું ફક્ત મારી વાત, વિચાર તને કહ્યો. તમને જેમ ઠીક લાગે એમ પછી એ તો.’

‘પવિ, તારી વાત આમ તો સાચી લાગે છે, બે બે અટકો પાછળનું મારું લોજીક આજે ખોખલું પડી ગયું છે.લગ્ન વખતે મહેંદી મૂકાવતી વખતે મેં કેટલા પ્રેમથી ‘રાહુલ’નું નામ મારી મહેંદીમાં લખાવેલું અને રાહુલે એ કેટલા ઉત્સાહથી શોધીને એને અગણિત વખત ચૂમ્યા કરેલું ! વળી લગ્ન પહેલાં હું મારી અંગત ડાયરીના પાનેપાના ‘રાહુલ’ના નામથી ભરી દેતી હતી. મારામાં પણ એક નખશીખ ભારતીય સ્ત્રી વસે છે એનો તેં મને પરિચય કરાવ્યો ડીઅર. મારા નામ સાથે રાહુલનું નામ કેટલું સુંદર લાગે છે એનો આજે અહેસાસ થયો. આજ્થી હું ફક્ત ‘સૂચી રાહુલ’ નામ જ લખીશ,એમાં મને નારી તરીકેની કોઇ સ્વતંત્રતા જોખમાતી નથી લાગતી. મારે કોઇ જ અટક નથી જોઇતી. મારા ફિલ્ડના લોકો તો મને સારી રીતે જાણે જ છે, ધીમે ધીમે મારા આ નવા નામને પણ જાણી, અપનાવી લેશે. થેન્કસ પવિ…થેન્કયુ વેરી મચ. તો આજે સાંજે મારા ઘરે ડીનર છે આવે છે ને ?’

‘હાસ્તો સૂચી રાહુલ !’

અનબીટેબલ :  દુનિયાથી અલગ દેખાવા માટે કાર્બન ડાયોકસાઈડના શ્વાસ લેવા શક્ય નથી જ .

શીર્ષક પંકિત – લેખિકા.

સ્નેહા પટેલ

9 comments on “અટકનું નાટક

  1. ગુજરાતના નંબર વન લેખીકાને ખુલ્લેઆમ આડા હાથે લીધા 🙂

    હોય ઈ તો,

    તુલસી ઈસ સંસારમેં જાત જાત કે લોગ

    Like

  2. અતુલભાઈ, મારે કોઇને આડે હાથ લેવાની શું જરુર વળી ? મેં કોઇને પર્સનલી નથી લખ્યું..લખતી પણ નથી. બસ એક વિચાર આવ્યો ને ફોકસ કરીને વધુ વિચાર્યુ તો આવું લખાયું.

    મને ગમે એ બીજાને ગમે એવું જરુરી નથી એ જ રીતે લોકોને ગમે એ મને ગમવું પણ જરુરી નથી.

    જેને જે ઠીક લાગે એ લખે , વાંચે ને કરે !

    Like

  3. શું અને કેવું નામ રાખવું એ અલબત્ત વ્યક્તિનો અંગત વિષય છે….એ જ રીતે કોઈ પણ બાબત અંગે આપણું શું મંતવ્ય છે એ વ્યક્ત કરવું એ પણ આપણા અધિકારનો વિષય છે…હું પણ માનું છું કે બે અટક રાખવી એ દંભ છે/ નાટક છે….કારણ કે એ પ્રયત્નપૂર્વકની ગોઠવણ છે,સહજ નથી…..પોતે પરંપરાથી હટકે છે એવું સિદ્ધ કરવાનો દાખડો માત્ર છે….. (અરે,નિખાલસતા પણ દંભી-બનાવટી હોય છે…..!)

    Like

  4. સ્નેહાબહેન,

    ફિલ્મોમાં જેમ શરુમાં આવે છે ને કે આમાં દર્શાવેલા પાત્રો કાલ્પનિક છે જો કોઈ વાસ્તવિક પાત્રો સાથે તે સુસંગત થતા હોય તો તે માત્ર અકસ્માત છે.
    તેમ મને લાગે છે કે હવે લોકોએ લેખમાં યે લખવું પડશે કે

    આમાં ક્હેલ વાત માત્ર લેખકોના વિચારો છે કોઈને તે સુસંગત થતા હોય તો યે બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં 🙂

    Like

  5. નામ સાથે ૨ અટક રાખવી એતો મોટા માણસોની, ખાસ કરીને અભિનેત્રીઓ, લેખીકાઓ. ઉદ્ધયોગપત્નીઓ વગેરેની એક ફેશન થઈ ગઈ છે, હા, પતિદેવો ૨ અટક નથી રાખતાં અને તેમની પત્નીઓ કોઈ વાંધો નથી લેતી……..!!!!

    Like

Leave a comment