phoolchhab news paper > Navrash ni pal column > 19-08-2014
અશ્રુ પછીના સ્મિતનું આ દ્ર્શ્ય તો જુઓ,
વર્ષો પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
-બેફામ.
થોડાં સમય પહેલાં મેં ‘સેટલમેન્ટ’ નામની વાર્તા લખી હતી. જેમાં એક અર્ધપાગલ પુરુષની પત્ની ફાલ્ગુની પોતાના અંતરના ઓરતા પૂરા કરવા એક પરણેલાં પુરુષની સાથે ઉઘાડેછોગ ફરતી હોય છે અને એના ઘરનાં પણ પોતાના પુત્રની માનસિક બીમારીના કારણે એ ચલાવી લે છે એમને તો એમની એક દોહિત્રી રીવા મળી ગઈ એટલે જાણી જોઇને આંખ બંધ કરી રાખે છે. બધાં પોતપોતાના સેટલમેન્ટ કરીને જીવતાં હોય છે એમાં માસૂમ બાળકી રીવાનું ભાવિ શું ? એવા ઘણા પ્રશ્નો મને મારા બ્લોગના વાંચકો, ઇમેઇલ મિત્રો અને મેસેજીસ દ્વારા પૂછાયા એટલે આજે એ જ વાર્તામાંની બાળકીની જગ્યાએ જઈ આગળ લખવા બેઠી.
રીવા આજે ૨૮ વર્ષની થઈ ગઈ હતી. એના લગ્ન તીર્થ નામના રુપકડાં યુવાન સાથે થયેલા અને એમને ત્યાં આકાશ નામનું એક પુત્રરત્ન પણ હતું. ભૂતકાળની કાળી યાદોને ભૂંસીને રીવાને એના સોનેરી વર્તમાન અને રુપેરી ભાવિ લખવું હતું ને સદા એમાં કાર્યરત. રુપકડી, હસમુખી અને પ્રેમાળ રીવાને એના સાસુ સસરા અને તીર્થ અનહદ પ્રેમ કરતાં હતાં.
થોડાં સમયથી તીર્થનું વર્તન બદલાયેલું લાગતું હતું. રીવા અને આકાશ માટે થોડો બેદરકાર થઈ ગયેલો, કામના ઓથા હેઠળ ઓફિસમાં વધુ ને વધુ સમય ગાળતો હતો. તીર્થના ખાસ મિત્ર વિજયે રીવાને એનું કારણ તીર્થની નવી નખરાળી સેક્રેટરી બતાવેલી. રીવાના માથે આભ તૂટી પડ્યું. સુખની થાળીમાં આ કારમા દુઃખનો મેખ ક્યાંથી લાગી ગયો ? એણે કોઇનું શું બગાડેલું તો એની સાથે જ આવી ઘટનાઓ બની રહી હતી..માંડ તો હજુ રાહતનો શ્વાસ લીધેલો અને …
સાત વર્ષના પુત્ર આકાશને સ્કુલે મૂકવા જવા માટે રીવાએ ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી અને પાછળ બીજી ગાડીનું હોર્ન વાગ્યું. અચાનકના વાગેલાં હોર્નથી રીવાએ ચમકીને હોર્નની દિશામાં જોયું તો વિજયની ગાડી !
વિજય ઉતરીને એની પાસે આવ્યો અને બોલ્યો,
‘ચાલો ભાભી, આજે હું સાવ જ ફ્રી છું તો હું આકાશને સ્કુલે મૂકી આવું.’
‘પણ..’
એની કોઇ જ પણ ને બણ ને ગણકાર્યા વગર વિજયે આકાશને તેડી લીધો અને બીજા હાથમાં એની સ્કુલબેગ લઈ લીધી અને જઈને પોતાની ગાડીમાં ગોઠવાઈ ગયો. નાછૂટકે રીવાએ એની ગાડીમાં બેસવું પડ્યું.
આકાશને સ્કુલે ઉતારી અને વિજય રીવાને કોફીશોપમાં લઈ ગયો અને ખૂબ ગપાટા માર્યા, મસ્તી કરી. બહુ વખત પછી રીવા ઘણું બધું હસી. વિજય એને હસતી જોઇ જ રહ્યો.
‘રીવા, હસતી હોય ત્યારે તું કેટલી સરસ લાગે છે…’ અને વિજયની નજર રીવાના ચહેરા પર અટખેલિયા કરતી ગોળ વળાંકદાર લટમાં ઉલઝાઈને રહી ગઈ. ગોરોચિટ્ટો વાન , માંજરી આંખો ને એકવડિયું પાતળું લાંબુ શરીર ધરાવતી રીવા અચાનક ધુર્જી ઉઠી. વિજયની બદલાયેલી નજરનો અર્થ એ એક મિનિટમાં સમજી ગઈ પણ બહુ વખતની કેદમાં પૂરાયેલ કેદીને આજે ખુલ્લું આકાશ મળેલું એની ખુશીમાં આ વાત એ નજરઅંદાજ કરી ગઈ. એની નજરઅંદાજીએ વિજયની હિંમત વધારી અને એણે રીવાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને ધીમે ધીમે એને સહલાવવા લાગ્યો,
‘રીવા, તીર્થ સાથે લગ્ન કરીને શું પામ્યું તે ? તને જોવા તારા ઘરે આવેલાં ત્યારનો હું તને પ્રેમ કરું છું પણ તીર્થને તું ગમી ગઈ હોવાથી મારે પરાણે ચૂપ રહેવું પડયું હતું. આજે જ્યારે તીર્થ ખુલ્લે આમ તારી સાથે બેવફાઈ કરે છે તો તું એને છોડી શું કામ નથી દેતી ? હું તારી સાથે મેરેજ કરીશ પ્રોમિસ આપું છું. હું તને બહુ જ પ્રેમ કરું છું ….’
બોલતાં બોલતાં વિજયે રીવાના હાથ પર ચસચસતું ચુંબન ચોડી દીધું.અચાનક થયેલી આ બધી વાતોથી રીવા બે ઘડી ક્ષુબ્ધ થઈ ગઈ. ચુંબનની ભીનાશથી એના તનના રુંવાડાં ઉંચા થઈ ગયાં. મનોમન વિચારવા લાગી કે આમ તો વિજયની વાત સાચી જ છે ને ..
એ પછી રીવા અંદરથી ના આવતી હોવા છતાં વિજયને મળવા તરસવા લગી, વારંવાર વિજય સાથે મુલાકાતો થવા લાગી.સાસુ સસરાંને એની પર પૂરો વિશ્વાસ હતો. એના ખૂટતા કલાકોના કોઇ જ હિસાબો ક્યારેય પૂછાતા નહતાં અને આ બધા કલાકોનો તાળો મેળવી શકે એવો આકાશ હજુ બહુ નાનો હતો.
એક વાર આકાશને સ્કુલેથી લઈને ઘરે પાછા ફરતાં રસ્તામાં રોજની જગ્યાએ આવેલ આઇસ્ક્રીમ પાર્લર પાસે વિજયે ગાડી ઉભી રાખી અને આઇસક્રીમ લેવા ગયો. કોઇ દિવસ નહીં ને અચાનક આકાશને શું સૂઝ્યું તો એણે રીવાને પૂછ્યું,
‘મમ્મા, વિજય અંકલ મારા કોણ થાય ?’
‘કેમ આમ પૂછે છે બેટા, એ તો તારા અંકલ જ થાય ને વળી ‘
‘ના મમ્મા, મારા બધા દોસ્તોના પપ્પા એમને લેવા આવે છે જ્યારે મને અંકલ. એટલે મારા બધા મિત્ર્રો મને કહે છે કે આ જ તારા ડેડી હોવા જોઇએ, બાકી આમ રોજ રોજ એ થોડી આવે ? તે હેં મમ્મા, તમે જ કહો ને કે સાચું કોણ ?’
અને રીવા સ્તબ્ધ થઈ ગઈ. એણે પણ એની મમ્મીને આકાશની જ ઉંમરની હતી ત્યારે આ જ શબ્દો પૂછેલા હતાં ને ! એ પછીથી મોટી થતી રીવાના મગજમાં સતત એક વાત ઘૂમરાતી રહેતી કે ગમે તે થાય પણ એનું લગ્નજીવન ખાલી નામનું નહીં હોય, એની મમ્મીની જેવી બેજવાબદાર મમ્મી એ ક્યારેય નહીં બને. એને જેવું અસુરક્ષિત ઘરનું વાતાવરણ મળેલું એવું પોતાના સંતાનને કદાપિ નહીં આપે. વારંવાર એ પોતાની બેજવાબદાર મમ્મી અને અર્ધપાગલ પિતાના સંબંધોથી હેબતાઈ જતી હતી, પોતાના બાળકને એ આવી હેબત ક્યારેય નહીં અનુભવવા દે. નબળા સહજીવનને જોઇ જોઇને એક સબળું સહજીવન કેવી રીતે જીવાય એના સતત પાઠ શીખ્યા હતાં ને આજે એ ક્યાં જઈ રહી હતી…!
એને પોતાના વર્તન પર શરમ આવી ગઈ. ગાડી ખોલીને આકાશને અને એની સ્કુલબેગને લઈને એ બાજુમાંથી પસાર થઈ રહેલ ઓટોમાં બેસી ગઈ અને ઘરે ગઈ. ઘરે જઈને જોયું તો એની નવાઈ વચ્ચે આજે તીર્થ ઘરે વહેલો આવી ગયેલો. અચાનક રીવાને જોઇને એને બે હાથમાં ઉંચકી લીધી અને ગોળ ગોળ ફરવા લાગ્યો. રીવા ઉપર આજે આઘાત- આશ્ચ્ર્યના ખડકલા થતા જતાં હતાં.
‘તીર્થ, આ શું…મમ્મી પપ્પા જોઇ જશે તો…’
‘અરે ડાર્લિંગ એ લોકો તો ડેડીના મિત્રના દીકરાના લગ્નમાં ગયાં છે અને એટલે જ આજે હું સ્પેશિયલ રજા પાડીને ઘરે આવ્યો…તને સરપ્રાઈઝ આપવા…છેલ્લાં કેટલાંક સમયથી નવી સેક્રેટરીએ નાકમાં દમ કરી દીધેલો હતો. કામમાં નકરા છબરડાં, તો એને કાઢી મૂકેલી. છેલ્લાં અઠવાડિયાથી નવી જોઇન થયેલ સેક્રેટરીની કાર્યદક્ષતાને પ્રતાપે હવે શાંતિ છે. આમ તો હું આજે આકાશની સ્કુલે જ આવવાનો હતો પણ ગાડીમાં પંકચર પડ્યું હતું તો ના આવી શકાયું એથી થયું કે ચાલ, આજે તને ઘરે જ સરપ્રાઈઝ આપું.’
વિજયની બધી ચાલ સમજી ગયેલી રીવા રીતસરની રડી પડી. જો આજે તીર્થ આજે આકાશની સ્કુલે આવ્યો હોત તો…અને અચાનક એણે આકાશને તેડીને એના મુખ પર ચૂમીઓનો વરસાદ વરસાવી દીધો.
અનબીટેબલ : જિંદગી આપણી છે, આપણે એને કેમ જીવવી છે, એમાંથી શું શીખવું છે શું છોડી દેવું છે એ બીજાઓની વર્તણૂક તો નક્કી ના જ કરી શકે !