નવું બાળપણ


phoolchhab news paper > Navrash ni pal column > 12-03-2014

ડહાપણનો ભાર નિત્ય તો ઉંચકી શકાય ના,

પાગલ થવાની થાય છે ઇચ્છા કદી કદી.

-રતિલાલ ‘અનિલ’.

 

પરાગી એના નવા લીધેલા પામના છોડના કૂણાં કૂણાં ગાઢા લીલા પત્તાંની ફરતે હલ્કી ગુલાબી રંગની ધારીની સુંદરતા જોતી ખુશ થતી હતી અને એના પર રહેલી ધૂળને હાથમાં રહેલાં કટકાંથી સાફ કરતી હતી સાથે સાથે ઝવેરચંદ મેઘાણીનું લખેલું અને હંસા દવેના અવાજમાં ગવાયેલું એનું મનગમતું લોકગીત ગણગણતી હતી,

 

‘તમે મારાં દેવના દીધેલ છો,તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઈને રહો ! ‘

 

પરાગીના હાથની આંગળીઓમાં નર્તન અને અવાજમાં સંગીત હતું. ચોતરફ એની ખુશીનો પડઘો પડતો હોય એમ વાતાવરણ ખુશનુમા હતું. ત્યાં જ ઘરનાં ડ્રોઈંગરુમમાંથી એના મોબાઈલ ફોનની રીંગ વાગી. લીસા ટાઇલ્સ પર લપસી ના જવાય એની સાવચેતી રાખતી પરાગી રુમમાં ગઈ. કટકો બાજુમાં મૂકીને સોફા પર બેસીને ફોન ્પર એની સહેલી તૃષ્ણાનું નામ જોયું ને સ્ક્રીન અનલોક કર્યો.

‘હાય,  કેમ છે ?’

 

‘આ મોબાઈલ ફોન બળ્યો, નામ સેવ હોય એટલે કોઇ ગમ્મત જ ના થાય. નહીં તો હમણાં બીજા અવાજમાં તારી થોડી ખેંચત…’ સામે પક્ષેથી તીણો મધુરો પણ થોડો થાકેલો અવાજ આવ્યો અને પરાગી હસી પડી.

 

‘અલી, મોબાઈલ – ટેકનોલોજીને ગાળો આપ્યાં વિના જરા ‘હાય -હલો’ તો કર.’

અને સામે પક્ષે   તૃષ્ણા પણ હસી પડી.

 

પરાગી હતી જ એવી કે એની સાથે સમય ફૂલની જેમ મહેંકતો ને પાણીની જેમ સરકતો પસાર થઈ જાય. તૃષ્ણા જ્યારે પણ અકળાઈ હોય કે ગુસ્સે હોય ત્યારે સૌપ્રથમ પોતાની ખાસ સહેલી પરાગીને યાદ કરતી. એનું સુમધુર વ્યક્તિત્વ, એની વાતો, એનો જિંદગી પ્રત્યેનો હકારાત્મક અભિગમ જોઇને તૃષ્ણાની અડધી તકલીફો તો એમ જ ખતમ થઈ જતી. આજે પણ એ બહુ અકળાયેલી હતી. એની અઢી વર્ષની દીકરી દીયા ખાવાની બહુ ચોર હતી. રોજ રોજ નવું નવું બનાવી બનાવીને તૃષ્ણા થાકી જતી પણ દીયા રોજ કંઇક ને કંઈક નખરાં કરતી જ. આખરે તૃષ્ણા એને ટીવી પર કાર્ટુન બતાવી બતાવીને, જાત જાતની વાતો કહીને થોડું પટાવી લેતી ને ખવડાવી દેતી. રોજ રોજની એની આ કચકચથી હવે તૃષ્ણા થાકતી હતી અને કંટાળીને દીયા પર આજે અકળાઈ ગઈ ને એને એક લાફો મારી દીધો. એ પછી કલાક એનું ભેંકાટવાનું ચાલ્યું અને તૃષ્ણાએ એને મનાવીને ચૂપ કરાવવી પડી. મગજની નસો તંગ થઈ ગઈ હ્તી, થોડી ફ્રેશ થવા એણે પરાગીને ફોન કર્યો.

 

‘શું વાત છે ? અવાજમાં અકણામણ કેમ છે ?’

 

‘ એ જ મારી રોજ રોજની બબાલો પરાગી. મારી દીયાની કચકચ..શું કરું હવે આ છોકરીનું એ જ નથી સમજાતું. વિચારું છું કે એને આવતા મહિને પ્લે ગ્રુપમાં મૂકી દઉં એથી મારે થોડી તો શાંતિ રહે.’

 

‘તૃષ્ણા, આ શું પાગલ જેવી વાત કરે છે ? તારી લાડકવાયી તારા પર ભારરુપ થઈ ગઈ હોય એવી વાતો કેમ કરે છે ! આ તો ઇશ્વર પાસે ખોળો પાથરીને, મન્ન્ત કરીને માંગેલું સંતાન છે. એના આવતાં પહેલાં તેં કેટકેટલા આયોજનો કરેલા, કેટકેટલાં સપના જોયેલા…એના આગમનથી, પા પા પગલીથી તારું ઘર કેવું ચહેંકે છે અને તું છે કે સાવ આવી વાતો કરે છે’

 

‘ના, ના…પરાગી એવું નથી. પણ હવે થાક લાગે છે. કેટકેટલા એડજસ્ટમેન્ટ, બલિદાનો, સ્વતંત્રતાનો ભોગ…આ બધું ક્યાં અટકશે ?’

 

આજની દરેક આધુનિકા જેવી મનની ભડાસ કાઢતાં તૃષ્ણાએ વાત આગળ વધારી,

 

‘પુરુષોને તો કંઇ જ ફર્ક નથી પડતો સંતાનના આવવાથી, બધો બદલાવ આપણાં માથે જ કેમ ? આપણે આપણું જીવન ક્યારે જીવવાનું ?’

 

અને પરાગી સન્ન રહી ગઈ. આ એની સખીના કેવા વિચારો ! બે પળમાં અવાજ સંયત કરીને એ બોલી,

 

‘તૃષ્ણા, સૌપ્રથમ શાંત થા. તું તો જાણે છે મારે પણ એક અગિયાર વર્ષનો દીકરો છે અને એના આગમન બાદ મેં મારી કેરિયર છોડીને સતત એની પાછળ મારો સમય આપ્યો છે.’

 

‘હા પરાગી, પણ તારો અભિગમ ડાહ્યો છે. વળી મારામાં પણ તારા જેવી કુનેહ કે ધીરજ નથી.’

 

‘તૃષ્ણા, સૌ પ્રથમ તો આ મા તરીકે ના બલિદાન -ફલિદાન ને પુરુષોને કેવી મજા જેવી વાતોમાંથા બહાર આવ તો મારી વાત આગળ વધારું. દરેક માનવીને પોતાના કાર્યની બરાબર ખ્યાલ હોય એટલું જ કાફી છે. બાકીના એમના કામ, જવાબદારીઓ એમની રીતે પતાવશે જ.’

‘ઓ.કે.’

તૄષ્ણાએ થોડાં શાંત થવાનો પ્રયત્ન કર્યો ને પરાગીએ વાત આગળ વધારી.

 

‘ તને ખબર છે…મેં અભિ સાથે એના જેવા જ થઈને મારું બાળપણ ફરીથી માણ્યું છે. મારા મમ્મી પપ્પાની આર્થિક હાલત બરાબર નહતી અને એ વખતે  ટેકનોલોજી પણ આટલી એડવાન્સ નહતી. મારા બાળપણમાં મેં કોઇ બેબ્લેડ , કલર ટીવી, જી આઈ જો  જેવા રમકડાં નથી જોયાં, સ્કુટર નથી ખરીદ્યું, નવા નવા ક્રેયોન, સ્કેચપેન્સ નથી જોયાં, કોઇ જ ક્રાફ્ટપેપર ખરીદી નથી કર્યાં એ બધું અભિ માટે કર્યુ અને એની સાથે રમી છું. મેં મારા અભિ સાથે લેટેસ્ટ ડીવાઈસીસમાં ગેમ રમી છે, ઢગલો કાર્ટુનો જોયાં છે, એની સાથે રંગીન ચીકણી માટીથી રમકડાં બનાવ્યાં છે, એની ચોકડાવાળી નોટબુકમાં પેન્સિલ પકડીને એને કરસ્યુ રાઈટીંગમાં ‘એ’ ઘૂંટાવતા ઘૂંટાવતા હું પણ ‘એ’ લખતાં શીખી છું.  જોકે મને મારા બાળપણથી કોઇ શિકાયત નથી. એ બહુ જ સરળ ને માસૂમ હતું. પણ આજે  તેત્રીસ વર્ષની વયે હું જે બાળપણ માણી રહી છું એ પણ એક અદભુત અનુભવ છે. આ બધું કોઇને બતાવવા માટે કે જવાબદારી પૂરી કર્યાના અહેસાસ હેઠળ કશું જ નથી થયું. થયું છે તો ફકત મારું બાળપણ ફરી જીવી લેવાની લાલચમાં જ. આમ જોતાં તું મને લાલચુડી ચોકકસ કહી શકે. હવે એ ટીનેજર બનશે ત્યારે હું પણ એની સાથે એના જેવી જ બનીને મારી એ સુંદર મુગ્ધાવસ્થા પણ ફરીથી જીવીશ. આ બધાની વચ્ચે મેં કોઇ બલિદાન આપ્યું કે મેં કંઈ ખોઈ કાઢ્યાંનો અહેસાસ તો ક્યારેય નથી થતો. આપણું સંતાન આપણી જવાબદારી નહીં પણ અદભુત સર્જન છે અને ફક્ત આપણા આનંદનું કારણ જ હોય એમ વિચારીએ તો બહુ બધી તકલીફો ઉગતાં પહેલાં જ ડામી શકાય છે. ભગવાનના આવા આશીર્વાદ બધાને નસીબ નથી હોતાં તૃષી. તું થોડી ધીરજ રાખતાં શીખ તો આપોઆપ તારી દીકરીમાં એનું પ્રતિબીંબ દેખાશે. દરેક બાળકની સાયકોલોજી અલગ હોય છે અને એની માતાએ એ સાયકોલોજી સમજીને એની સાથે વર્તન કરવાનું હોય છે. મા એ બાળકની સાચી શિક્ષક એ વાત તો તને ખબર છે ને…એ આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જ કહેવાઈ છે.ફકત આટલું ય થાય તો પણ ઘણાં બધાં બાળકો જીદ્દી ને અધીરીયા થતાં અટકી જાય, એમનું ભાવિ સુંદર થઈ જાય.’

અને તૄષ્ણાની આંખો ખૂલી ગઈ. એણે સામે જોયું તો એની ઢીંગલી બારીએ ઉભી ઉભી જાતે જ રોટલીનો ટુક્ડો ખાતી હતી

.

અનબીટેબલ : દરેક બાળકના જન્મ સાથે એના મા – બાપને નવી જિંદગી જીવવાના આશીર્વાદ મળે છે.