બંદીવાન


Fulchhab newspaper > Navrash ni pal column > 6-03-2014.

છે વાત એમ કે પગને જવું’તું કાશીએ,

ને એને ચાલવા દીધા નહીં કપાસીએ.

-રમેશ પારેખ.

‘ દીપ લે બેટા, આ પાંચસો રુપિયા રાખ, તારે કામ લાગશે.’

‘પણ મમ્મી મારી પાસે સો રુપિયા  છે, મારે હજુ ચાર પાંચ દિવસ ચાલી જશે. તમે નાહક વ્યાધિ કરો છો’

‘આજના જમાનામાં સો રુપિયાથી શું થાય દીકરા ? રસ્તામાં બાઈક ખરાબ થાય તો ય અમથો બસો રુપિયાનો ખર્ચો આવીને ઉભો રહી જાય. તું તારે રાખને આ પૈસા.’

અને સરયુએ પાંચસોની નોટ દીપના શર્ટના ખિસ્સામાં ઠૂંસી દીધી.

‘ચાલ હવે, જમવાનું તૈયાર છે.હાથ ધોઈને આવી જા થાળી પીરસું છું.’

જમવા બેસતી વખતે ભાણામાં બે શાક, પૂરી, ખીર, ફરસાણ , સલાડ, કઢી, મટરપુલાવ, પાપડ જોઇને દીપની ભૂખ અચાનક ઉઘડી ગઈ અને એ જમવા પર તૂટી પડ્યો. મનોમન એ પોતાની જાતને આવી માતા મળવા બદલ દુનિયાનો સૌથી ભાગ્યવાન દીકરો માનવા લાગ્યો હતો.

દીપની માન્યતા ખોટી પણ નહતી. સરયુ ઘરના બધા સદસ્યોની બેહદ કાળજી રાખતી હતી. સૌના ખાવાપીવાની ટેવો -કુટેવો, રોજિંદા કામકાજના સમય માટે એ પોતાની સગવડ પણ ભૂલી જતી. વળી સારા પગારની નોકરી હોવાથી ઘરનાં એની પાસેથી આર્થિક સપોર્ટની પણ આશા રાખતાં. શારિરીક – માનસિક તંદુરસ્તી સારી હતી એથી સરયુ દોડાદોડી કરીને પણ બધાંની ઇચ્છાઓ પૂરી કરવાને સક્ષમ હતી. બધાંને મદદરુપ થઈને એને અનોખો આનંદ મળતો, એ પોતાની જવાબદારીમાંથી  ક્યારેય ભાગતી નહીં. કાયમ ચેલેન્જીસનો સામનો કરવા તૈયાર રહેતી અને એ પૂર્ણ કરીને જ જપતી.

તો આ હતી દીપ અને વંદના નામના બે સંતાનોની મજબૂત, પ્રેમાળ મમ્મી સરયુ.

આટલાં બધા ગુણ ઉપરાંત ભગવાને એને અદભુત સૌંદર્ય પણ આપેલું . સરયુના સંપર્કમાં આવનાર માનવી એની બુધ્ધિમત્તા અને સૌંદર્યથી અંજાઈ જતાં અને પછી એના પ્રેમાળ સ્વભાવથી જીતાઈ પણ જતાં પણ…એક લેવલ પછી દરેક વ્યક્તિ સરયુથી ભાગી છૂટવા તત્પર થઈ જતું, એનાથી કંટાળી જતું. આવું કેમ ?

‘વંદના, બેટા તને કાલે દવાઓ ને કરિયાણું લાવવા ત્રણસો રુપિયા આપેલાં ને…એમાંથી કેટલાં વધ્યાં ?’

‘મમ્મી, ઓગણાએંસી રુપિયાની દવાઓ આવી સવાસો રુપિયાનું કરિયાણું.વધેલાં પૈસાથી મારા માટે એક હર્બલ ફેસપેક લીધું. મારી  ઘણી બધી ફ્રેન્ડસ વાપરે છે તો મને પણ મન થઈ ગયેલું.’

‘અરે, આટલું મોંધુ ક્રીમ કેમ લીધું પણ ? આનાથી અડધી કિંમતમાં તો વર્ષોથી પ્રખ્યાત કંપનીનું પેક મળી જાય. તને કંઈ ખ્યાલ જ નથી માર્કેટનો…હાથમાં પૈસા આવ્યાં એટલે બસ, ઉડાવી મારવાના. કોણ જાણે ક્યારે અક્કલ આવશે તારામાં ?’

અને વંદનાનું મોઢું પડી ગયું. આજે એના કોલેજના લેકચર અને ટ્યુશનના ક્લાસીસ પછી બધી ફ્રેન્ડસ સાથે મૂવી જોવા જ્વાનો વિચાર હતો પણ આજે ઘરે મહેમાન આવવાના હોવાથી મમ્મીને રસોઇ કરાવવાના હેતુથી એ ઘરે રહી હતી અને કરિયાણું ને દવા લાવવા જેવા કામ કરતી હતી. કામ કરવાનો વાંધો નહતો પણ કામ કર્યા પછી મમ્મીની આ કચકચ એનાથી સહન નહતી થતી. પોતે હવે અઢાર વર્ષની થઈ હતી. મમ્મી જેટલી સ્માર્ટનેસ ભલે ના હોય પણ એની ઉંમરની બીજી છોકરીઓ કરતાં એ ખાસ્સી સ્માર્ટ હતી. એના ગ્રુપમાં બધા કોઇ પણ કામ કરતાં પહેલાં એને એક વાર જરુર પૂછતાં હતાં. પણ મમ્મી તો પોતાની સમજશક્તિ પર સાવ પૂર્ણવિરામ જ મૂકી દેતી હતી. મમ્મી એને ઘણું બધું આપતી હતી પણ કોઇ પણ કામ એ સારી રીતે પૂર્ણ કરી શકે એવો વિશ્વાસ નહતી મૂકી શકતી, એને વિકસવા માટે જરુરી સ્પેસ નહતી આપતી.

સરયુના સાસુ સસરા પણ આવું જ કંઈક ફીલ કરતાં. એમનાં દૂધ નાસ્તાંથી માંડીને રાતના એમના રુમમાં મચ્છર મારવાનું મશીન ચાલુ કરીને બારીઓ બંધ કરવી અને એમને ગરમ દૂધનો એક ગ્લાસ આપવો સુધીની જવાબદારી હસતાં હસતાં નિભાવનારી સરયુ એ લોકો મોલમાં જઈને આટલા મોંઘા શાક લઈ આવ્યાં કે આજે માળી આવ્યો ત્યારે  આ કૂંડું ખસેડાવડાનું કહેલું પણ એ યાદ ના રાખ્યું ને એ કામ એમ જ રહી ગયું…કપડાં ગડી વાળીને કબાટમાં મૂકવાના બદલે આમ જ પલંગ પર મૂકી રાખ્યાં , હું ઓફિસે ગઈ ત્યારે રસોડું સાફ કરીને ગયેલી પણ આવી ત્યારે તમે આખું ભરચક ને ગંદુ કરી નાંખ્યું …કામવાળાને ચા સાથે નાસ્તો આપવાની ટેવો પાડીને તમે બગાડી મૂક્યાં છે ..રોજ કોઇક ને કોઇક વાતે વાંકુ પડેલું જ હોય.

દીપુ સાથે પણ એને ચણભણ થતી રહે..આ વાળ આમ કેમ કપાવ્યાં, કોલેજમાં આટલી બંક..પેલી છોકરી સાથે કેમ બોલે છે, પેલો છોકરો તારા દોસ્ત તરીકે બરાબર નથી, આખો દિવસ મોબાઈલ ની આ ટેવ બહુ ખરાબ છે…તારા બાપા તને રોજ રોજ નવા ડીવાઈસીસ અપાવતા રહે છે એમાં જ તું આટલો બગડી ગયો છે…બાઈક નથી ચાલતું તો સ્કુટર લઈને કોલેજ જા પપ્પાની ગાડી લઈને વ્હેમ મારવાના છે કે….?

પતિ રોશન પાસે  પણ આખો દિવસ પૈસાનો હિસાબ માંગતી, આટલા પૈસા અહીં જ રોકાણ કરો, આટલા આની પાછળ વાપરો, જીમનો ખર્ચો બંધ કરીને ચાલવાનું ચાલુ કરી દો…હું તો પહેલેથી જ કહેતી હતીને મારી વાત માની જ નહીં, જુઓ…આમ જ થયું ને, મારી સ્માર્ટનેસ પર વિશ્વાસ રાખતાં ક્યારે શીખશો ? ઉફ્ફ્ફ…!

દરેક વ્યક્તિની દરેક વર્તણૂકમાં એને કંઇક ને કંઇક પ્રોબ્લેમ દેખાય જ. દરેક્ને એ પોતાની બુધ્ધિથી જ તોલતી અને એ બધા માટે ઘણું બધું કરે છે એથી એ લોકોએ પણ એની અક્કલ, મરજી મુજબ ચાલવું જ જોઇએ જેવી અપેક્ષામાં એમને બંદીવાન બનાવી મૂકતી. એના મૂશળધાર વરસ્યાં પછીનો એની અતિસ્માર્ટનેસનો ધોમધખતો તાપ દરેક વ્યક્તિને દઝાડતો રહેતો. દરેક વ્યક્તિને અઢળક આપીને એ વ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાની પ્રેમાળ પણ જીદ્દી સરયુની આ આદતથી લોકો એનાથી થોડા દૂર જ રહેતાં અને એક દિવસ એને પોતાની ભૂલ એક દિવસ સમજાશે એવી આશા રાખતાં.

અનબીટેબલ :  આપી દીધા પછી પાછું મેળવવાની આશા ના રાખવાથી આપેલાંની  કિંમત વધે છે.