નાનમ – માતૃભાષા


ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર

સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર

અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં

અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર

– પંકજ વખારિયા

‘સહાયેબ, તેલનો પતરાનો ખાલી ડબો પડ્યો હોય તો દીયો ને.’

‘હું એક અગત્યના કામમાં છું તેજુ, ડબો ગેલેરીમાં છે જાતે લઈ લે.’ વિવેકભાઈએ જવાબ આપ્યો.

‘એ સહારું…તમે બેહી રો..ઇ તો મીં જાતે જ લેઇ લઉં સ ‘

વિવેકના ડ્રાઈવર તેજુએ ગેલેરીમાંથી ડબ્બો લીધો અને પાછો વળતો હતો ત્યાં વિવેકભાઈની પંચાતિયાવૃતિ સળવળી ને ‘એ ડબ્બાનું શું કામ પડ્યું’ એવો પ્રશ્ન પૂછી જ લીધો.

‘ઇમાં એમ સે ને વિવેકભાઈ, આ મારી ગજરું (એની દસ મહિનાની દીકરી) આજકાલ્ય રાતે બહુ રુવે સે. તે મીં કું કે એના હાટુ કોઇ રમકડું ઘડી દઊં તો રાત્યે ઘડી બે ઘડી એનો જી એમાં લાગે ને થોડી ઝપે.’

‘આમાંથી તું શું બનાવીશ પણ ?”

‘ઈ મારી સહાયકલ સે ને એના વિલ માથે પંખાના પાંખિયા ફીટ કર્રી અને હેઠે  તેલનો આ ડબો મેકી દે’શ. વિલમોં લોઢાની તત્ણ કડીઓ લગાવી દે’શ.વાયરો આવશે ની એ સક્ડી ગોળગોળ ફરશે ની એની કડીયું નીચેના ડબ્બા પર ભટકાણા કરશે ની ડબ્બો  ‘ઢમ ઢમ ઢમ’ વાગ્યા કરસીં.’

એક ગામઠી પિતાનું એ અપાર વ્હાલ અને કાળજી વિવેકને બહુ સ્પર્શી ગઈ. વળતી જ પળે એમનું ધ્યાન તેજુની મીઠી મધ જેવી બોલી પર ગયું. ઘણી વાર એને મન થતું કે તેજુ બોલ્યા જ કરે અને એ સાંભળ્યા જ કરે. અમુક સમયે તો એ પોતાની બોલચાલમાં તેજુની એ બોલીને વાપરતો પણ ખરો ને મજા કરતો. અચાનક વિવેક્ભાઈને વિચાર આવ્યો કે તેજુની બોલી બોલતાં એને મજા કેમ આવે છે ? વળી એ બોલી શીખવા એણે ખાસ કોઇ પ્રયત્નો પણ નથી કરવા પડતાં. એ તો સહજ રીતે જ પોતાની મેળે જ આવીને ચૂપચાપ એની વાણી એના ભાવમાં ભળીને એકરુપ થઈ જાય છે. સહજ -સરળ ને પોતીકી ભાષા…વિચારતાં વિચારતાં એક આનંદની લહેરખી ઉઠી અને વિવેકની આંખો બંધ થઈ ગઈ. થોડી વાર રહીને આંખો ખોલી અને વિવેકે અનુભવ્યું કે આ તો પોતાની માતૃભાષાની સગી બેન જેવી ભાષા છે એટલે જ દિલની -જુબાનની આટલી નજીક છે.

વિવેકને એક લેકચરમાં જવાનું હોવાથી એના વિચારોને લગામ લાગી ગઈ અને એ તૈયાર થવા લાગ્યો.

સેમીનારમાં પ્લાસ્ટીક ઉધ્યોગમાં લેટેસ્ટ ટેકનોલોજી ઉપર ચર્ચાઓ થતી હતી.ચર્ચામાં અડધા ઉપરની વાતો અંગ્રેજી ભાષામાં થતી હતી. વિવેકનું ગુજરાતી ભાષા પર પ્રભુત્વ સારું હતું પણ અંગ્રેજી પર બહુ કાબૂ નહતો. એને ગુજરાતી ભાષા માટે અનહદ ગર્વ હતો પણ જ્યારે એ આવી ચર્ચાઓમાં જતો ત્યારે જાહેરમાં પોતે ગુજરાતી ભાષાની જેમ અંગ્રેજી ફટાફટ બોલીને પોતાની વાત રજૂ ના કરી શક્તો હોવાનું દુઃખ થતું અને અંદર ખાને થોડી નાનમ પણ અનુભવતો. આજે પણ એ જ વાતનું રીપીટેશન થતું હતું. પોતાને ના સમજાતી વાત કોઇને પૂછવાની કે મારા દેશમાં મારી જ ભાષામાં વાત કરો એવું કહેવાની હિંમત એનામાં નહતી. સામે પક્ષે એક ચીની પોતાની જ ભાષામાં બોલતો હતો અને એનો ઇન્ટરપ્રીટર એનું અંગ્ર્રેજી તરજુમો કરતો જતો હતો. પળભર તો વિવેકને પણ મન થઈ ગયું કે એ પણ પોતાની સાથે આમ જ ઇન્ટરપ્રીટર લઈને ફરે તો એની બધી તકલીફો દૂર થઈ જાય…વળતી પળે જ પોતાના એ વિચાર પર એને શરમ આવી. ઇન્ટરપ્રીટર રાખવા માટે પોતાને અંગ્રેજી નથી આવડતું એ સ્વીકારવું પડે અને અંગ્રેજી ના આવડે તો તો પોતાની ઇજ્જત જ શું રહે , એની સાથે ધંધો કરનારામાં ઇજ્જત ચાર આનાની થઈ જાય. વળી અંગ્રેજી ભાષા શીખી લેવી તો કોઇ મોટી વાત નથી પણ એ શીખવાનો કોઇ ઉમળકો દિલમાંથી આવતો જ નથી. આ અંગ્રેજીભાષા તો જબરો સ્ટ્રેસ આપે છે. પેલા છછુંદર જેવી હાલત થઈ ગઈ છે નથી ગળાતું કે નથી બહાર કઢાતું. વળી આમને આમ તો પોતાની ગુજરાતી ભાષા એક દિવસ મરી પરવારશે એવી ભીતિ પણ લાગી.એણે પોતાની આ મૂંઝવણ એના ખાસ મિત્ર સલીલને કરી. સલીલ બહુ સૂલઝેલા દિમાગનો માણસ હતો. અચાનક એણે વિવેકને ભગવદ ગીતાના બીજા અધ્યાયનો સત્તરમો શ્લોક કહ્યો,

‘अविनाशि तु तद् विध्धि येन् सर्वमिदं ततम् !

विनाशमव्य्यस्याय न् कश्चित् कर्तुमर्हति !!’

વિવેકને ગીતાના શ્લોકોનો -સંસ્કૃત ભાષાનો સારો એવો અભ્યાસ હતો. એણે તરત આ શ્લોકનો અનુવાદ ગુજરાતીમાં કર્યો. ‘ જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે એને જ અવિનાશી ગણાય. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઇ જ સમર્થ નથી.’

આ વાતનો એની તકલીફ સાથે મતલબ શું એવા પ્રશ્નાર્થચિહ્ન સાથે એણે સલીલની સામે જોયું. સલીલે સ્મિત રેલાવતાં કહ્યું,

‘વિવેક, આપણી માતૃભાષા ગુજરાતી એ આપણો આત્મા છે, આપણા શરીરના અણુએ અણુમાં વ્યાપ્ત. આપણા માટે એ કાયમ અવિનાશી જ છે. જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી એ પણ જીવંત. બાકી તું જ વિચાર કે

તારા ડ્રાઈવર તેજુની બોલી તને આપોઆપ ગમી ગઈ, તું અજાણતાં જ એને અપનાવીને પોતાની બોલીમાં વાપરવા લાગ્યો. કોઇ તને ગામડિયો કહેશે એવો ભય પણ ના લાગ્યો એવું કેમ ? કારણ કે એ તને આનંદ આપે છે. માતૃભાષા કાયમ આનંદ જ આપે અને આનંદ આપે એના થકી ગર્વ કરવામાં સંકોચ શાનો ? અંગ્રેજી બોલવી પડે છે ને નથી ફાવતી તો તારો દુભાષિયાનો નિર્ણય યોગ્ય જ છે. અંગ્રેજી તારી માતૃભાષા નથી કે એ તને ના આવડે તો તારે નાનમ અનુભવવી પડે. અંગ્રેજીની નાનમ એ આપણી માતૃભાષાનું અપમાન કહેવાય. હા, તું ગુજરાતી સારી રીતે ના બોલી -સમજી -વાંચી -લખી શકતો હોય તો તારે ચોકકસ નાનમ અનુભવવી જોઇએ. આપણી ગુજરાતીમાં જ એવા કેટલાં શબ્દો અને અલગ અલગ પ્રકારની બોલી છે. દિલને ના ગમતી હોય એવી અંગ્રેજી શીખવામાં સમય બગાડવા કરતાં દિલને મીઠાશથી ભરી દેતી આપણી ગુજરાતી પૂરી આત્મસાત ના કરીએ…અંગ્રેજી ખપપૂરતી આવડે તો ય ઠીક ને ના આવડે તો ય ઠીક…એના વસવસા ના રખાય દોસ્ત !

અને વિવેક પણ એની વાત સાથે પૂરી રીતે સહમત થયો.

અનબીટેબલ : માતૃભાષા સિવાય કોઇ પણ ભાષા ના આવડે એની નાનમ ના રાખવાનું વર્તન માતૃભાષા પરત્વેનો આપણો આદર – પ્રેમ -પ્રદર્શિત કરે છે.

-સ્નેહા પટેલ.