અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.
– રવીન્દ્રનાથ ટાગોર
‘સની બેટા, ચાલ તો જલ્દી તૈયાર થઈ જા. આપણે બહાર જવાનું છે, મોડું થાય છે.’
‘મમ્મી, પાંચ મીનીટ આપો ને પ્લીઝ. મારે નેટ ઉપર આ ક્યુબની સાઈટ્સ ઉપર મારો અનુભવ લખવાનો છે.’
અને સોનેરી એના તેર વર્ષના એકના એક દીકરાનું માસૂમ, ગુલાબી મુખ તાકતી રહી ગઈ. આખો દિવસ પોતાની મસ્તીમાં મસ્ત રહેનારો એનો લાડકવાયો બહુ ભોળિયો હતો. એને કાયમ સોનુના લાગણીશીલ સ્વભાવને લઈને ચિંતા રહેતી હતી. આજના જમાનામાં સની જેવા સેન્સીટીવ છોકરાંઓનું કામ જ ક્યાં હતું ?સ્વભાવે એ ટીચર હોવાથી જ્યાં જુઓ ત્યાં પોતાની ઉંમર કરતાં મોટા થવાના ધખારામાં રચ્યાં પચ્યાં રહેતાં ટીનેજરોથી એ બહુ સારી રીતે જાણકાર હતી. ક્લાસમાં ભણાવતી વખતે એના સ્ટુડન્ટ્સ જે રીતે ગોસિપ ,ધમાલ મસ્તી કરતાં રહેતાં એ જોઇને ઘણી વખત એ પોતાનો સ્કુલનો કાળ યાદ આવી જતો.
પોતે તો કોલેજમાં આવી ત્યારે પણ આ જનરેશન જેટલી સ્માર્ટ કે ઓવરસ્માર્ટ નહતી થઈ શકી. ભણતી વખતે ફકત ભણવાનું અને ભણી લીધા પછી જીવ ભરીને રમવાનું આ એક વાત એની મમ્મીએ એને બહુ સારી રીતે સમજાવી હતી અને એક આજ્ઞાકારી બાળકની જેમ સોનેરીએ એ વાતનું કાયમ પાલન પણ કર્યુ હતું. તો શું આજકાલની મમ્મીઓ એમના સંતાનોને આવી કોઇ જ સમજ નહીં આપતી હોય ? ત્યાં જ અચાનક એનામાં રહેલી ટીચરને એનામાં રહેલી માતા મીઠો ઠપકો આપીને વર્તમાનમાં પાછી લાવતી. આખરે એ પણ એક ટીનેજરી સંતાનની મા હતી જ ને ! એ પણ પોતાના સંતાનને પોતાને મળેલી સમજ આપતી જ હતી ને …સંતાનના હિતની વાત આવે ત્યારે મમ્મીઓ તો બધી સરખી જ હોય, કોઇ પણ માતા પોતાના સંતાનનું ભાવિ અંધકારમય થાય એવું સપનામાં પણ ના વિચારે…તો આ બધી સમજ આવતી ક્યાંથી આ છોકરાંઓમાં..હા, નેટ, મોબાઈલ, લેપટોપ આ બધી સુવિધાઓનું જ આ પરિણામ અને મનોમન એ પોતાના દિકરાને આ બધાથી દૂર રાખવાનું વિચારતી અને એ માટે પોતાના દિકરાને એ જોઇએ એટલો સમય પણ આપતી.
પણ આજના જમાનામાં કોઇ છોકરું મોબાઈલ – લેપટોપ વગર રહી શક્યું છે, એને ચાલી શક્યું છે કે સનીને ચાલવાનું ? હા, સોનેરીની કાળજીથી એ એનો દુરુપયોગ નહતો કરતો પણ માહિતી, ઓનલાઈન શોપિંગ એ બધા માટે એને પણ કોમ્પ્યુટરની જરુર પડતી જ અને સમજદર પેરેન્ટસની માફક સોનેરીએ એ વાપરવાની છૂટ આપવી જ પડતી. આજકાલ ખબર નહીં ક્યાંથી પણ સનીને ચોરસ શેઈપના લાલ,લીલા,ભૂરા અને પીળા કલરનાં ક્યુબના રમકડામાં રસ પડેલો. થોડા સમય પહેલાં અમર -સનીના પપ્પાએ એને રસ્તામાંથી એક કયુબ અપાવેલો એ એમનો એમ જ પડેલો.
એક દિવસ એ ક્યુબ ખુલી જતા સની દિવસ રાત એની પાછળ લાગી ગયો અને એને રિપેયર કરીને જ જપ્યો. ક્યુબ તો રીપેર થઈ ગયેલો પણ સનીનો બધો ફુરસતનો , રમવાનો, ખાવા-પીવા,ભણવાનો સમય ચોરી ગયો. આખો દિવસ સની એમાં જ રચ્યો પચ્યો રહેતો. નેટ ખોલી ખોલીને એ ક્યુબિક સર્ચ કરી કરીને એને સોલ્વ કરવાની સાઈટ્સ શોધતો રહેતો. આખરે એણે ક્યુબની પઝલ સોલ્વ કરતાં શીખી લીધી. એ પછી એને ઓછામાં ઓછા સમયમાં એને સોલ્વ કરવાનું ભૂત ભરાયું. બાળમાનસની મજા..જીદ્દ…ક્યુબ સોલ્વ કરવામાં એના મગજની સ્પીડ સામે સનીને ક્યુબની ક્વોલિટી નડ્વા લાગી. એણે ક્યુબ ખોલીને એના પીસીસ ધોઈ નાંખ્યા અને અંદરની બાજુ વેસેલીન લગાવ્યું અને એનો ક્યુબ સ્મૂધ થઈ ગયો. એક પછી એક મળતી સફળતાથી સનીનો ક્યુબ ક્રેઝ વધતો ગયો. હવે એ નેટ ખોલી ખોલીને ક્યુબ વિશે રીસર્ચ કરતો રહેતો. એના મિત્રોએ પણ એનું જોઇ જોઇને ક્યુબ ખરીદી લીધેલા તો ફોન પર પણ આખો દિવસ એની ને એની જ વાતો. સોનેરીને પણ એની આ બિનહાનિકારક ટેવથી કોઇ જ પ્રોબ્લેમ નહતો. થોડો સમય જશે એટલે બધું ઠેકાણે પડી જશે વળી સની એનું ભણવાનું બગાડતો નહતો. એનો ‘એ પ્લસ’નો રેન્ક હજુ સાચવી રાખતો હતો એટલે સોનેરીને એને બોલવાનું કોઇ ખાસ કારણ પણ નહતું.
એક દિવસ સનીએ સોનેરી પાસે ડિમાન્ડ કરી,
‘મમ્મી, મારે ‘ફાઈવ બાય ફાઈવ’નો ક્યુબ જોઇએ છે. આ થ્રી બાય થ્રી તો હવે બચ્ચું લાગે છે મને.’
‘ઓકે, નેટ પર સર્ચ કરીને ઓનલાઈન શોપિંગનો ઓર્ડર આપી દે જે.
સોનેરીને સનીની સ્માર્ટનેસ પર વિશ્વાસ હતો એટલે એણે સનીને આટલી છૂટ આપેલી જ હતી. એ પછી તો સનીએ લગભગ અઠવાડિયાનું રીસર્ચ કરીને ૮૦૦ રુપિયાનો એક ક્યુબ ઓર્ડર કર્યો. બે દિવસમાં તો ક્યુબ એમના ઘરે. સની ખુશખુશાલ અને એને જોઇને એના મા -બાપ પણ ખુશખુશાલ ! આજે સોનેરીને લગ્નમાં જવાનું હતું અને એ તૈયાર થતી હતી. એણે સની માટે કપડાં કાઢી રાખ્યાં હતાં અને એને ક્યુબ બાજુમાં મૂકીને તૈયાર થવાનું કહ્યું તો સનીએ જવાબ આપ્યો.
‘મમ્મી, ‘મમ્મી, પાંચ મીનીટ આપો ને પ્લીઝ. મારે નેટ ઉપર આ ક્યુબની સાઈટ્સ ઉપર મારો અનુભવ લખવાનો છે.’
અને સોનેરીનો ગુસ્સો ઉછ્ળ્યો. હવે થોડું વધારે થઈ રહ્યું હતું. સનીનો ક્યુબપ્રેમ એની સીમા વટાવી રહ્યું હતું. એણે હવે સનીને આમાંથી થોડો બહાર કાઢવો જ પડશે નહીં તો આગળ જતાં એના ભણતર પર આની અસર પડશે અને એ નેટ પર આખો દિવસ આમ જ ખાંખાંખોળા કરીને ક્યુબ પર ક્યુબના ઓર્ડરો નોંધાવતો રહેશે.
‘સની, શું કામ સમય બગાડે છે આ બધામાં ? એક વખત કહ્યું કે ક્યુબ મૂકી દે તો સમજ નથી પડતી. ક્યુબ..નેટ..સાઈટ્સ…આમ સમય ના વેડફ આ બધામાં. લેપટોપ બંધ કર. મોઢું બોઢું ધોઇને ફ્રેશ થા અને કપડાં બદલ.’
‘મમ્મી, કેમ આમ અકળાઈ ગયાં ? સોનેરીના કૂલ બોય સનીએ જવાબ વાળ્યો. હજુ એ લેપટોપમાં જ બીઝી હતો અને બહુ પ્રામાણિકતાથી પોતાના વ્યુઝ લખવાના કાર્યમાં વ્યસ્ત હતો.
‘સની, શું કામ સમય બગાડે છે આ નેટ -ફેટ અને આ એક્સપીરીઅન્સના ચકકરમાં. ચાલ ને દીકરા, એ બધું બાજુમાં મૂક ને. કોઇને કંઇ ફર્ક નથી પડવાનો તારી આ મહેનતથી. નકામી તારી શક્તિ અને સમય શું કામ વેડફે છે ?’
‘ના મમ્મી, સોરી પણ તમે આ બાબતમાં ખોટાં છો.’ સનીએ મક્ક્મતાથી જવાબ વાળ્યો.
‘એટલે…’
‘મમ્મી, તમને ખબર છે ને કે મેં પણ આમ જ સાઈટ્સ પર લોકોના રીવ્યૂ વાંચી વાંચીને જ મારો ક્યુબ ખરીદવાનો નિર્ણય લીધો હતો. એ બધાંની એ ફળની ચિંતા વગરના કરાયેલા કર્મથી મને મારો મનગમતો ક્યુબ બહુ જ સસ્તામાં અને સારામાં સારી ક્વોલીટીનો મળ્યો. હવે મારા જેવા કેટલાંય લોકો દુનિયામાં હશે કે જે આમ નેટ પર રીવ્યુસ વાંચીને પોતાની ખરીદી કરવાનો નિર્ણય લેતાં હશે. તો મમ્મી તમે જ કહો કે એમને મારા આ પ્રામાણિક કોમેન્ટથી ફાયદો નહીં થાય ? મને જે વગર કિંમતે મળ્યું એ બીજાને વગર કિંમતે આપવામાં પ્રોબ્લેમ શું હોઇ શકે ?’
અને સોનેરી પોતાના નાનકડાં દીકરાની મસમોટી સમજથી આભી બનીને એને જોતી જ રહી ગઈ. હવે સનીને કયા મોઢે રોકવો અને રોકવો પણ શું કામ ? છેવટે પ્રેમથી સનીના લીસા વાળમાં હાથ ફેરવીને એના ગાલ પર મીઠી પપ્પી કરીને એનું મહાઅભિયાન પતાવીને ફટાફટ તૈયાર થવાનું કહ્યું.
-sneha patel.