phoolchhab newspaper > 6-02-2014 > Navrash ni pal column
દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.
-વેણીભાઈ પુરોહિત.
ત્રીજા માળે લિફ્ટનો દરવાજો ખોલીને સપનાએ લિફ્ટની બિલકુલ સામે આવેલાં પોતાના નવા ફ્લેટનાં બારણાં ઉપર મમતાભરી નજર નાંખી. પાઈ પાઈ ભેગી કરીને એણે અને પ્રથમે આ ફ્લેટ ખરીદ્યો હતો. આજે એ ફ્લેટમાં રહેવા આવ્યાં હતાં. ઓછા પૈસામાં સારો એરિયા મળતો હોવાથી સપનાએ પોતાના સપનાના ઘરની ઇમેજમાં થોડી ઘણી બાંધછોડ કરવી પડેલી પણ ઇન-મીન અને તીન એવા એના પરીવાર માટે આ બે બેડરુમનો ફ્લેટ ઘણી બધી રીતે એની સગવડ સાચવી લેતો હતો. બૂંદ બૂંદ પરસેવાની કમાણી ઘરની ઇંટૉમાં રેડી હતી. સપના એ ઇંટોની મહેંક શ્વાસમાં ભરતી’કને ઘરનાં બારણાં તરફ ગઈ.ચાંદીના નાનકડાં ગણપતિના કીચેઈનમાં ઝુલતી ચાર – પાંચ ચાવીના ઝુડામાંથી સૌથી લાંબી ચાવી લઈને એણે ઘરનું બારણું ખોલ્યું અને ભીના ભીના હૈયા સાથે ઘરમાં પ્રવેશ કરતી જ હતી ત્યાં એની નજર પોતાના ઘરથી ડાબી બાજુ આવેલા ફ્લેટમાં એક વરવું દ્રશ્ય જોયું અને એનો જીવ ખાટો થઈ ગયો.
ફ્લેટની જાળીમાં એક આધેડ બાઈ બ્લાઉઝ અને ચણિયો પહેરીને ઉભી હતી અને એની સામે એકીટશે નિહાળી રહી હતી. સપના હજુ એના આઘાતમાંથી બહાર આવે એ પહેલાં તો એ આધેડ ચહેરાં પાછળ એક બીજો જુવાન ચહેરો ગોઠવાયો. એ કદાચ એની દીકરી હતી. આવા સારા પ્રસંગે આવા લોકો વિશે વધુ વિચારવાનું માંડી વાળીને સપનાંએ પોતાની નજર ત્યાંથી હટાવી અને પ્રથમ અને એની દીકરી ખ્વાહિશ સાથે ઘરમાં પ્રવેશ કર્યો.
ઘરની એક એક ભીંત – બારી – બારણાં પર સપનાંએ પોતાની મમતાળુ આંગળીઓ ફેરવવા માંડી. પ્રથમ પોતાની અતિસંવેદનશીલ પત્નીનો સ્વભાવ જાણતો હતો અને એને આ નશામાંથી બહાર આવતાં પણ ખાસો સમય આવશે એ પણ ખ્યાલ હતો. પ્રેમાળ પતિએ પોતાની પત્નીના અતિસુંદર સમયને ડીસ્ટર્બ કરવાનું યોગ્ય ના લાગતાં કીચનમાં જઈને જાતે ચા બનાવવાની તૈયારી કરવા માંડી.થોડીવારમાં તો ચા અને બિસ્કીટ્ની ટ્રે સપનાની સામે હતી.આદુ ફુદીનાની તીખી સ્મેલથી મઘમઘતી ચાની વરાળ નાકમાં પ્રવેશતાં જ સપનાનો ઘરનો નશો તૂટ્યો અને સામે રહેલાં પતિના પ્રેમની સાક્ષી પૂરાવતા ચા ના નશામાં ડૂબી ગઈ એક પ્રેમાળ સ્મિત રેલાવી અને પતિ પત્ની ચા નાસ્તો કરવા લાગ્યાં.
બે દિવસ સુધી તો આજુબાજુ બહુ હલચલ ના થઈ પણ ત્રીજા દિવસે પેલા અણગમતા ડ્રેસિંગવાળા ફેમિલી મેમ્બરો સપનાના દરવાજે ડોકાયાં.
આ બે દિવસમાં સપનાએ એ ઘરમાં લગભગ ૭-૮ જાતનાં નવા નવા ચહેરાઓ જોયેલા અને મનોમન એ ઘર વિશે આસ્શર્ય પામતી પોતાના પર ગુસ્સે પણ થયેલી- ઘર પસંદગીમાં આટલી બધી કાળજી રાખી પણ પાડોશીઓ વિશે ઝાઝી માહિતી કેમ ભેગી ના કરી ? પછી ઘર હોય ત્યાં ઉકરડો તો હોવાનો જ કહીને મનોમન જાતને સમજાવી લેતી. આજે પોતાના બારણે એ જ ફેમિલીમેમ્બર ને આવેલા જોઇને એના ચહેરા પર તીવ્ર ઘૃણાની લહેર દોડી ગઈ. આજે પણ એ આધેડ શરીર ચણિયા અને કબ્જામાં જ ફરતું હતું. ચણિયો પણ પગની પાનીથી લગભગ વેંત ઉંચો..એ જ રીતે એની દીકરીની સલવાર પણ પગના ઢીંચણ સુધી ચડેલી અને કુર્તાનું ગળું પણ …આગળ વિચારતાં જ સપનાને એક ઉબકો આવી ગયો.
‘કેમ છો બુન..તે આ ઘર તમે ખરીદી લીધું છે એમ કે ? ઘરનું વાસ્તું કર્યુ ત્યારે તમે અમને બોલાવ્યાં પણ નહીં. આપણી સોસાયટીમાં તો આખા બ્લોકના લોકોને બોલાવવાનો રિવાજ છે. હશે..તમે રહ્યાં નવા સવા…સમજી જશો અહીંની રીત રસમો.’ એમનાં સતત પાન – તમાકુ ખાતા હોવાની ચાડી ખાતા લાલ -પીળા દાંત જોઇને સપનાને લાગ્યું કે એને હમણાં ઉલ્ટી થઈ જશે. કોઇ જ જવાબ આપવાનો મૂડ ના આવતાં એણે ધરાર એમના મોઢા પર બારણું બંધ કરી દીધું. બે દિવસ પાછું બધું સમૂસુતરું ચાલ્યું વળી ત્રીજા દિવસે પેલા ગંદાગોબરા લોકોની પધરામણી થઈ.
“ટીંગ – ટોંગ’ સપના ફરીથી બારણું બંધ કરવાનું વિચારે એ પહેલાં તો એ મા દીકરી ઘરની અંદર સુધી આવી ગયાં. ગુસ્સાથી સપનાના ગોરા ગાલ તમતમે ઉઠ્યાં.
‘મારા ઘરમાં આમ ઘૂસી આવવાનું કારણ ?’ બને એટલાં સંયત સ્વરમાં એણે પૂછ્યું.
‘જુઓ બેન, આ આપણો જે લિફ્ટ આગળનો પેસેજ છે ત્યાં સુધી તમારે પોતું મારીને સાફ રાખવું પડશે. એ તમારી ફરજમાં – કામમાં આવે છે.’
કોઇ જ ઢંગધડા વગરની વાત અને એમની દાદાગીરી જોઇને સપનાનો પારો છ્ટક્યો અને એ બોલી,
‘મારે શું કરવું શું નહીં, ક્યાં પોતું મારવું ને ક્યાં નહીં એ બધું નક્કી કરનારા તમે કોણ ? તમે તમારું ઘર સંભાળીને બેસી રહો . મને તમારી સાથે વાત કરવાનો કોઇ જ શોખ નથી.હવે ઘરની બહાર નીકળો.’
અને સપનાએ લગભગ એમનો હાથ પકડીને એમને બહાર તગેડી મૂક્યાં. પેલાં લોકોએ બારણું ખખડાવવા માંડ્યું અને જોર જોરથી બૂમો પાડીને બરાડવા લાગ્યાં. ડોરબેલ વગાડવા લાગ્યાં.બધાં જ ફ્લેટ્વાળા એમને ઓળખતાં હશે એથી ખાસ કોઇ બહાર ના ફરક્યું. છેવટે સપનાંએ બારણું ખોલીને એમની સામે ડોળા તતડાવ્યાં અને બોલી,
‘હવેથી મારા બારણાંને કે ડોરબેલને હાથ પણ લગાડ્યો તો હું પોલીસને બોલાવીશ.’ અને એણે પોતાનો મોબાઈલ બતાવ્યો.ધમકી અસર કરી ગઈ ને મા દીકરીએ હાલતી પકડી. બીજા દિવસની સવારે સપનાંએ દૂધની થેલી લેવા દરવાજો ખોલ્યો તો આંગણામાં કચરાંનો ખડકલો થયેલો જોયો. એને આજુબાજુ નજર દોડાવી તો બાજુના ફ્લેટમાંથી આધેડ ચહેરાની સાથે બીજા બે – ત્રણ ચહેરાં હસતાં દેખાયાં. સવાર સવારમાં એમની સાથે બોલવાનો કોઇ જ મૂડ ના હોવાથી સપનાએ બારણું બંધ કરી દીધું. બપોરે નવરી પડીને સપના સાંજની રસોઈની તૈયારી કરતાં પાલકની ભાજી સાફ કરી રહી હતી.એકાએક એને શું સૂઝ્યું તો એણે શાકનો કચરો ઉપાડીને પેલા પાડોશીના આંગણામાં ખડકી દીધો. હાશ… હવે શાંતિ. એમને પણ ખબર પડશે કે એ કોની સાથે પંગો લઈ રહ્યાં છે. થોડીવાર અપાર હાશકારાની સ્થિતી અનુભવતા સપનાના દિલના એક ખૂણામાં કંઇક ખૂંચવા લાગ્યું.
‘એ લોકો આવું વર્તન કરે એટલે મારે પણ એવું કરવાનું ? જેવા સાથે તેવાની કહેવત તો સાચી પણ એને અનુસરવામાં પોતે એક પગથિયું નીચે ઉતરવાનું કેટલું યોગ્ય? આપણાંથી એમના જેવા ના થવાય જેવી સૂફિયાણી વાતો બાજુમાં મૂકી દઇએ તો પણ આ કામ કર્યા પછી પણ એને પોતાના વર્તન માટે દુઃખ કેમ થતું હતું ? એના સિવાય આ કૃત્યની કોઇને ખબર નહ્તી. વળી એની છાપ પણ ‘સ્ટ્રેઈટ ફોરવર્ડ’ હતી એટલે એની તરફ તો કોઇને શંકા જાય એમ જ નહતું. એમ છતાં પોતાનું આ વર્તન યોગ્ય તો નથી જ એવું સતત ફીલ થતું હતું. પોતે આજે એક વાર જેવા સાથે તેવા થવાની વૃતિમાં એક પગથિયું નીચે ઉતરી. કાલે બીજું ઉતરવું પડશે, પરમ દિવસે ત્રીજું…આનો તો કોઇ અંત જ નહતો ને. પણ જો પોતે બધાં પગથિયાં ઉતરી જશે તો એ પછી તો ખીણનો વારો જ આવશે ને…વળી એને આવી ટેવ પડતી જશે તો આ વાત એના સ્વભાવમાં પણ વણાતી જશે અને એનો સામનો ધીમે ધીમે એના ફેમિલી મેમ્બરને પણ કરવાનો આવી શકે ને ? દરેક મનવીમાં એક રાક્ષસ સૂતેલો હોય છે, પોતાના આ વર્તનથી તો પોતાની અંદરનો એ રાક્ષસ જાગી જશે અને બેફામ બની જશે જેના માઠા પરિણામોના વિચારથી જ સંવેદનશીલ સપનાંને માથું ફાટી જવાની બીક લાગી અને એ તરત ઉભી થઈને સાવરણી લઈને કચરો સાફ કરી દીધો.
આજુબાજુ નજર નાંખીને જોયું તો પોતે કચરો નાંખ્યો હતો એ જોનાર કોઇ સાક્ષી નહતું એમ એણે એ વાળ્યો એનું પણ કોઇ સાક્ષી નહતું. એક હાશકારો અનુભવતી સપના પોતાના કામે વળગી.
અનબીટેબલ ઃ સારા – નરસા કાર્યોના પરિણામ અંતે સારા- નરસા જ આવે છે.
-સ્નેહા પટેલ
સારા માણસો પોતાની રીતેજ જવવાના.બહુ સરસ વાર્તા.
LikeLike
purnendu buch ;
DEAR SNEHABEN , YOU WRITE WELL IN PHULCHHAB.
drbuch
LikeLike