phoolchhab newspaper > navarash ni pal . 26-02-2014
હો કીર્તિ તમારી કે હો આબરૂ,
હવાના હમાલો કરે તે ખરું.
બગીચાના માળીની ગઈ નોકરી,
હવે પાનખરને નહીં છાવરું.
– ગૌરાંગ ઠાકર.
‘પીન્કી, આ દાળનો વઘાર કરી દેજે અને ઘરમાં જરા ઉંચું નીચું કરી દે જે જેથી આવીને મારે સીધા કચરા વાળી શકાય, હું જરા મંદિરે જઈને આવું છું દસ મિનિટમાં.’
‘હા મમ્મી, બે મિનિટ’
બે સંવાદોની આપ-લે પછી ઉચિતાબેને પાંચ મિનિટની ગ્રાન્ટ લઈને મંદિરથી પાછા વળતાં પંદર મિનિટ લગાડી. સત્તર વર્ષની દિકરી હતી ઘરે, એને સોંપેલું કામ એ પતાવી જ દેશે ને…પ્રભુના સતસંગમાં વળી હાય હાય શીદ કરવાની ? આ જ વિચારોમાં મસ્ત રહીને ઉચિતાબેને પ્રભુ સાથે પૂરેપૂરા સંતોષ સાથે સમય વિતાવેલો પણ ઘરે આવીને ઘરની હાલત જોતાં જ સંતોષની લાગણી ગુસ્સામાં પરિવર્તિત થઈ ગઈ.
પંદર મિનિટ પહેલાં એ જેમ મૂકીને ગયેલા આખું ઘર એવું ને એવું જ હતું, તસુભાર હાલતમાં ફરક નહતો પડ્યો.પીન્કીને એક કામ કહેલું એ પણ ના કર્યું, આવડી મોટી જુવાન છોકરી પાસે આટલી આશા પણ ના રખાય ? આ દિકરીના ઉછેરમાં એણે કેટલી સાવચેતીઓ રાખેલી, કેટલાં અરમાનોની હોળી કરેલી અને પરિણામ શું ? ઉચિતાબેનનો ગુસ્સો ઉકળી ઉઠ્યો પણ તરત જ મનને કાબૂમાં રાખ્યું. ગુસ્સો કરી કરીને પણ કોની પર કરવો- સામે પક્ષે લાડકોડથી ઉછેરેલી એક ની એક જુવાન દીકરી હતી, એક પણ શબ્દ આડોઅવળો બોલાઈ જાય અને આજકાલનું ઉગતું લોહી કંઇક આડું અવળું પગલું ભરી બેસે તો એમને આખી જિંદગી રોવાનું થાય. થોડા લાંબા શ્વાસો્છવાસ લઈને અસ્તવ્યસ્ત શ્વાસને સરખાં ગોઠવ્યાં અને પીન્કીના રુમમાં ગયાં. પીન્કી કાનમાં ઇયરપ્લગ ભરાવીને મોબાઈલમાં મેસેજ ટાઈપ કરતી હતી.
‘પીન્કી, હું મંદિરે ગઈ ત્યારે પણ તું મોબાઈલમાં ચોંટેલી હતી અને હજુ પણ…’ ના ઇચ્છવા છતાં ગુસ્સાની ધાર વાક્યમાં ભળતી ના રોકાઈ શકી.
સામે પક્ષે પીન્કીએ બે સેકંડ મમ્મીની હાજરીની નોંધ લીધી, એ કંઈક બોલ્યાં એ પણ એમના હાલતા હોઠ પરથી કળી શકાયું, પણ શું ? એ ના સમજાયું. એણે કાન પરથી ઇયરપ્લગ હટાવીને ઉચિતાબેન સામે જોયું.
‘શું થયું મમ્મી, એની પ્રોબ્લેમ ?’
અને ઉચિતાબેન હાલી ગયાં. પોતે જે બોલીને ગયેલા એની આ છોકરીએ નોંધ સુધ્ધાં નહતી લીધી. ઉફ્ફ, આ છોકરી સાથે કઈ રીતે વાત કરવી હવે ? દિન બ દિન છોકરી પોતાના હાથમાંથી નીકળતી જાય છે એવું સતત ફીલ કરતાં ઉચિતાબેન રસોડામાં જઈને ગ્લાસ ભરીને પાણી પી ગયા અને કામે વળગ્યાં. જમી કરીને બપોરે થોડાં ફ્રી થઈને એમણે પીન્કી સાથે વાત કરવાનું વિચાર્યું.રોજિંદા કામ પત્યાં પછી ઉચિતાબેનની આંખો રોજની ટેવવશ ઘેરાવા લાગી. સવારના પાંચ વાગ્યાથી કામે લાગેલું એમનું તન થોડો આરામ માંગતું હતું પણ સંતાનની ચિંતામાં વ્યસ્ત એનું મગજ એમને જપવા દે એમાંનું નહતું. શરીરની માંગને અવગણીને ઉચિતાબેન પીન્કીના રુમમાં ગયાં. પીન્કી મોબાઈલમાંથી ફ્રી થઈને લેપટોપમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
‘પીન્કી બેટા…’
‘હા મમ્મા, શું થયું ? કંઇ કામ છે કે ?’
દીકરીનો આવો આજ્ઞાંકિત અને ડાહ્યો અવાજ સાંભળીને ઉચિતાબેનના હૈયે થોડી ટાઢક વળી. ધારી લીધા જેટલી સ્થિતી ખરાબ નહતી થઈ ગઈ કદાચ…વધારે પડતી ચિંતામાં વિચારી વિચારીને મગજ જ ખરાબ થઈ ગયેલું !
‘દીકરા, મેં તને સવારે કામ કહ્યું હતું એ તેં પતાવ્યું કેમ નહીં ? વળી આખો દિવસ આમ મોબાઈલ અને લેપટોપમાં મિત્રો સાથે વાતો કરતી રહે છે તો ભણીશ ક્યારે ? આ તારા જીવનના અતિમહત્વના દિવસો છે, તને નથી લાગતું કે તારે આ સમય સાચવી લેવો જોઇએ ?’
‘મમ્મી, હું ક્યાંય ફસાઈશ નહીં, તું નાહક ચિંતા કરે છે મારી…’
અને આ જ શબ્દો સાથે ઉચિતાબેનને કીર્તનની યાદ આવી ગઈ. કીર્તન એટલે પીન્કીનો બોયફ્રેન્ડ ! ઉચિતાબેને કીર્તન માત્ર ફ્રેન્ડ છે કે સ્પેશિયલ ફ્રેન્ડ એની ઉંડાણથી તપાસ કરેલી ને છેવટે ‘સ્પેશિયલ ફ્રેન્ડ’નો જવાબ બહાર આવતાં એમણે કીર્તન વિશે બધી તપાસ કરી અને એ સારો – સંસ્કારી છોકરો લાગતાં પીન્કીને એ સંબંધની મન મારીને મંજૂરી પણ આપેલી.( એમની નામંજૂરીની કોઇ કિંમત પણ નહતી એ વાત તેઓ બહુ સારી રીતે જાણતાં હતાં ) એમના પતિ ધીરજથી આ બધી વાત છુપાવેલી અને પીન્કીને ખાસ તાકીદ કરેલી કે રીલેશન એક બાજુ ને ભણવાનું એક બાજુ. ભણે છે ત્યાં સુધી લગ્ન કે બીજી કોઇ જ મગજમારી ના જોઇએ. પીન્કીએ પણ ડાહી, આજ્ઞાકારી દીકરીની જેમ આ વાત માની લીધેલી. એ પછી પીન્કીના સ્વભાવમાં થોડો ઠહેરાવ આવી ગયેલો જોઇને ઉચિતાબેનને થોડી શાંતિ થયેલી,’ આજના જમાનામાં જાતે પાત્ર શોધી લેવામાં શું મોટી વાત છે, આપણે મોટું મન રાખીને છોકરાઓ સાથે મિત્રની જેમ વર્તન કરીએ તો એ લોકો પણ આપણને બધું કહે જ…એ શાંતિ હમણાંથી પાછી થોડી ડહોળાયેલી લાગતી હતી અને એ જ ઉચિતાબેનને કચવાટ કરાવતું હતું. આડી અવળી વાતો કરીને તેઓ ધીમે રહીને ‘કીર્તન’ નામના ટ્રેક ઉપર આવ્યાં,
‘બેટા, કીર્તન કેમ છે ? આઈ મીન બધું બરાબર છે ને ?’ બહુ જ ધીરજ અને સાવચેતીથી કામ લેવાનું હતું. ત્યાં તો એમના અપાર આસ્ચ્ર્ય વચ્ચે પીન્કી ખડખડાટ હસી પડી.
‘ઓફ્ફોહ મમ્મી, કોણ કીર્તન ? ફરગેટ દેટ રીડીક્યુલસ ગાય. સાવ જૂનવાણી વિચારનો છોકરો..ઉફ્ફ.. હું તો એનાથી કંટાળી ગયેલી, અત્યારે તો નમન સાથે ફ્રેન્ડશીપ ચાલે છે. સચ એ હેન્ડસમ, રીચ એન્ડ કૂલ ગાય’
અને ઉચિતાબેનના માથા પર આભ તૂટી પડ્યું…આ…આ એની લાડલી શું બોલી રહી હતી ! એની લાગણી અને ઇચ્છાને માન આપીને એમણે પોતાની દીકરીના કીર્તન સાથેના સંબંધને સ્વીકારવાની મોટપ બતાવી હતી પણ આ તો કપાયેલી પતંગની જેમ આમથી તેમ ભટકવા લાગી હતી. પ્રેમ નામની લાગણીને તો એ સ્વીકારી શકે પણ સ્વછંદતાની આ બિમારીનું શું કરવું ? શું આ જ આજની પેઢી, આ જ એમના સંસ્કાર ? શારિરીક આકર્ષણના વંટૉળમાં પીન્કીને ‘પ્રેમ’ નામનું પગથિયું દેખાયું જ નહી એનો એમને તીવ્ર અફસોસ થયો. હવે આને સમજાવવી કેમની ? પ્રેમ અને આકર્ષણનો ભેદ એમના સમજાવે તો આ મનસ્વી સમજવાથી રહી. ભગવાને આ જ દિવસો દેખાડવાના બાકી રાખેલાં ! દીકરી સારા પાત્ર સાથે લાગણીથી જોડાય એ વાત હજુ પચાવી ગયેલા પણ શારિરીક આકર્ષણ, દેખાદેખીના લોભમાં મનફાવે એમ વર્તન કરનારી દીકરીને કેમની સંભાળવી ? એક પછી એક એના લિસ્ટમાં ઉમેરાતા જતાં નામ કદાચ પીન્કી તો ભૂલી જશે પણ એમનાથી કેમનાં ભૂલાશે ? લાચાર હતાં…એમણે ધીરજભાઈને વાત કરી એ બે ય જણે પીન્કીને સમજાવવાના બનતા પ્રયત્નો પણ કર્યા અને સામે પક્ષે પીન્કીએ એમના અને ધીરજભાઈના અમુક લાગણીશીલ પ્રસ્ંગો દોહરાવી એમને જૂનવાણી અને ઓછી બુધ્ધિના સાબિત કરી દીધાં.
છેવટે એમણે બધા પ્રયત્નો પડતાં મૂક્યાં…દરેકને પોતાની ભૂલના પરિણામ જાતે જ ભોગવવા જ પડે છે અને એના સિવાય આ સમસ્યાનો બીજો કોઇ જ ઉપાય નહતો. પોતાના સંતાનની પોતે બને એટલી સાવચેતી રાખી શકે પણ એની ભૂલો, વર્તન તો એણે જ ભોગવવા પડે અને એમાંથી રસ્તો શોધી બહાર આવવું પડે છે.
સામે મંદિરમાં હસતા કૄષ્ણની મૂર્તિને બે હાથ જોડીને પીન્કીને માનસિક – ઇમોશનલી સ્ટ્રોંગ બનાવે અને બને એટલી ઓછી પીડા સાથે આ બધામાંથી બહાર આવે એવી પ્રાર્થના કરી.
અનબીટેબલ : પ્રેમ પહેલાં શારિરીક આકર્ષણમાં ખેંચાઈ જતી પેઢી પ્રેમની મધુરતા અને હળવાશ અનુભવવાની આહલાદક સ્થિતી માણવાનું ચૂકી જાય છે.