સેટલમેન્ટ


phoolchhab newspaper > navrash ni pal column > 29-01-2014

સમજણ બધી જ આપણી માથે પડી શકે,

સમજી નહીં શકાય ઘણીવાર એક પળ.

પ્રત્યેક પળ ઉપર પછી એની અસર રહે,

જીવી નહીં શકાય ઘણીવાર એક પળ.

– કિરણસિંહ ચૌહાણ.

 

‘રીવા, કેટલી વખત કહ્યું કે સીધી રીતે બેસ. આમ ખૂંધ નીકળે એમ બેસે છે અને માથું આગળની બાજુ નમાવીને રાખે છે તો મારે તારા વાળ કેવી રીતે ઓળવા ? મારી કમર દુઃખે છે ને તું એ દુઃખમાં પાછો વધારો કરે છે.’

બોલીને ફાલ્ગુનીએ રીવાની પીઠ પર એક ધબ્બો મારી દીધો. સાત-આઠ વર્ષની ગોળ મટૉળ મુખ ધરાવતી રીવા ખબર નહીં કઈ દુનિયામાં ખોવાયેલી હતી…પીઠ પર પડેલાં ધબ્બાંથી એના શરીરે યંત્રવત રીતે જ રીએકટ કર્યું ને એની પીઠ ટટ્ટાર થઈ ગઈ.ફાલ્ગુનીએ  એના વાળ ઓળ્યાં. સ્કુલબેગ, વોટરબેગ- લંચબોકસ ચેક કર્યું અને એના યુનિફોર્મના બટન સરખાં કરતી ફટાફટ એકટીવાની ચાવી અને પર્સ ઝુલાવતી ઘરની બહાર નીકળી. ઘડિયાળમાં જોયું તો સવા આઠ થયા હતાં. ફ્લેટની નીચે પાર્કિંગમાં ઉભું રાખેલ એકટીવા ચાલુ કર્યું અને પાછળ રીવાને બેસાડીને એની સ્કુલ તરફ દોડાવ્યું. રીવાની સ્કુલનો સમય નવ વાગ્યાનો હતો અને એની સ્કુલ ઘરથી પાંચ જ મિનીટના અંતરે હતી તો ફાલ્ગુનીને આટલી હાય – હાય કેમ હતી ?

એકાએક ચાર રસ્તા ક્રોસ કરીને ડાબી બાજુ આવેલ બિલ્ડીંગની નીચે ફાલ્ગુનીનું એક્ટીવા અટક્યું. રીવા માટે કદાચ આ રોજનો પ્રોગ્રામ હશે…એને સહેજ પણ નવાઈ ના લાગી. એ તરત જ એક્ટીવા પરથી નીચે ઉતરી અને ત્યાં આવેલ આઇસ્ક્રીમ પાર્લરના બાંકડા પર બેસી ગઈ. ફાલ્ગુનીએ પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢીને બે મિનીટ વાતચીત કરી અને પાંચમી મિનીટે તો એક ચાલીસે’ક વર્ષનો પુરુષ ફાલ્ગુની પાસે આવીને ઉભો રહ્યો.  બેય જણાં હસતાં હસતાં વાત કરવા લાગ્યાં. બાજુમાં એક ચા નો ગલ્લો હતો. ચાવાળો કદાચ આ બેય ને ઓળખતો જ હતો એટલે જેવો પેલો પુરુષ આવ્યો કે મીનીટોની પળોમાં એ બે કપ આદુ-મસાલા વાળી ચા લઈને એમની સામે હાજર થઈ ગયો. રીવા ચૂપચાપ એ બે ય ને જોઇ રહી હતી. એનું બાળસહજ મન આ અજાણ્યા પુરુષની પોતાની મા સાથેની વાતો – સંબંધોનો તાગ મેળવવાને અસમર્થ હતું. એના બાળમનને આ સમય તકલીફ આપતો હતો. એને મનોમન આ પુરુષથી ઘૃણા થતી જતી હતી.પણ એની ઘૃણાની હેસિયત શું ?

ફાલ્ગુનીના સાસુ શર્મિષ્ટાબેન રોજ સાડા આઠ વાગ્યે મંદિરે જતાં હતાં. એમના મંદિરનો રસ્તો રીવાની સ્કુલના રસ્તેથી જ જતો હતો. એ ઘણીવખત રીવાને સ્કુલે મૂકી આવતાં હતાં પણ છેલ્લાં થોડા મહિનાથી એમણે પોતાના મંદિરનો રસ્તો બદલી કાઢ્યોહતો. હવે એ રીવાની સ્કુલથી વિરોધી દિશાનો રસ્તો પકડતાં હતાં. કારણમાં તો એ જ કે એમણે એક વખત એમની વહુને પારકા પુરુષ સાથે જરુર કરતાં પણ વધુ ઘનિષ્ટતાથી વર્તન કરતો જોયો હતો અને એમની અનુભવી નજર એ બેયના સંબંધ ઓળખી ગઈ હતી. ફાલ્ગુનીના રોજનો સવારના કલાકનો હિસાબ એમને મળી ગયો હતો. એમને ફરીથી એ દ્રશ્ય જોઇને શરમજનક  સ્થિતીમાં નહતું મૂકાવું !

ફાલ્ગુનીના સસરા પિયુષભાઈ રાતે જમીને ફ્લેટની નીચે આવેલ પાનના ગલ્લે બેસતાં હતાં. એક દિવસ એમણે પાનના ગલ્લાંની પાછળ આવેલાં ફ્લેટસના પાર્કિંગના અંધારિયા ખૂણામાં પોતાની વહુને એક અજાણ્યાં પુરુષ સાથે બેઠેલી જોઇ. બે ય જણાં વાતો કરતાં કરતાં એક બીજાનો હાથ પંપાળી લેતાં હતાં..શારિરીક અડપલાં પણ કરી લેતાં હ્તાં. પિયુષભાઈ આ જોઇને શરમથી પાણીપાણી થઈ ગયાં. રોજ ચાલવાના બહાને પોતાની વહુ શું ચક્કર ચલાવે છે એ વાત એમને સમજાઈ ગઈ. એમણે બીજા દિવસથી એમના પાનનો ગલ્લાંવાળો બદલી કાઢ્યો.

રાતના પથારીમાં આડી પડેલ ફાલ્ગુની પોતાના મોબાઈલમાં મેસેજ ટાઈપ કરતી હતી. આ એનો રોજનો શિડ્યુલ હતો. દસ વાગ્યાંની કામકાજ પરવારીને એ પોતાના રુમમાં ભરાઈ જતી…મોબાઈલ પર મેસેજીસ ચાલુ થઈ જતાં. બાજુમાં સૂતેલા સુનીલને જોઇને એના દિલમાં કાળઝાળ લાહ્ય બળતી હતી એ લાહ્ય પર આ રોમાન્ટીક મેસેજીસ ઠંડ્કનું કામ કરતાં હતાં. એટલામાં સુનીલે પડખું ફેરવ્યું અને ફાલ્ગુની એના નિર્દોષ – રુપાળા મુખને તાકતી જ રહી ગઈ. હટ્ટો કટ્ટો એનો આ પતિ માનસિક રીતે સાવ જ બાળક છે એવી વાત છુપાવીને એના લગ્ન કરાઈ દેવાયેલાં. ફાલ્ગુની ગરીબ ઘરની છોકરી હતી. એણે એના પિયરીયાને આ વાતની જાણ કરતાં ‘પડ્યું પાનું નિભાવી લે બેટાં, અમે હવે તારી નાની બેનને પરણાવવાની ચિંતા કરીએ કે તારી ?’ કહીને હાથ ઊંચા કરી દીધાં હતાં. અરમાનોથી ભરેલી જુવાન સ્ત્રી પોતાના  સપના પૂરા કરવા આખરે ઘરની બહાર ફાંફા માંડવા લાગી અને એને નીતિન મળી ગયો. નીતિન પરણેલો હતો અને બે દીકરીનો પિતા એ બધી વાતની એને ખબર હતી. પણ ફાલ્ગુનીને એની સાથે લગ્ન ક્યાં કરવા હતાં ? એ તો પોતાના સાસુ-સસરા અને પતિની છેતરપિંડીનો બદલો વાળવા નીતિન સાથે ખુલ્લે આમ ફરતી હતી. ઘરનાં પણ મજબૂરીથી આ વાત ચલાવતાં હતાં. એમના એકના એક પાગલ દીકરાને એક રીવા નામની દીકરી મળી ગઈ એ પણ ભયો ભયો હતું… એમને ફાલ્ગુની પાસેથી બીજી કોઇ અપેક્ષા નહતી. એને જે કરવું હોય એ કરે.

બધાંએ પોતપોતાના સેટલમેન્ટ કરી દીધેલાં પણ રોજ રોજ એક કુમળા બાળમાનસના મન ઉપર અત્યાચાર થતો હતો એની કોઇને ખબર જ નહતી પડતી. એ નાજુક મનના મગજમાં લગ્ન, ઘર, સંબંધો, વિશ્વાસના નામે ધીમું ઝેર રેડાતું હતું એનું શું ?  પોતાના વર્તમાનને માણી લેવાના સ્વાર્થી માહોલમાં એક નાજુક ભવિષ્ય રોળાઈ રહ્યું હતું. એનો ભગવાન આંધળો – બહેરો અને બોબડો થઈ ચૂક્યો હતો એને વગર વાંકની સજા આપી રહ્યો હતો.

અનબીટેબલ :  ક્યારેક ભગવાન પણ ‘એક ને એક બે’ નો સીધો સાદો દાખલો ખોટો ગણી લે છે.

-સ્નેહા પટેલ.