phoolchhab paper > navrash ni pal column > 22-01-2014
યાદ ભૂંસાતી રહી કે હું – ખબર પડતી નથી
જ્યોત બુઝાતી રહી કે હું – ખબર પડતી નથી
હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસાર
મ્હેક વીંધાતી રહી કે હું – ખબર પડતી નથી.
-મનોજ ખંડેરિયા.
મીનળની નાજુક અંગુલિઓની વચ્ચે ઠેર ઠેરથી ચીરાયેલ બ્લેક લેધરના કવરવાળી જૂની પુરાણી ડાયરી ફસાયેલી હતી. મીનળ એ ડાયરી વાંચવા કરતાં એને અનુભવતી હતી એવું કહીએ તો જ બરાબર લાગે કારણ કે મીનળ એ ડાયરીના શબ્દો ઉપર આંખ ફેરવવાના બદલે એની ઉપર ઋજુતાથી હાથ ફેરવીને આંખો બંધ કરી દેતી હતી. એના ચહેરા ઉપર એક અનોખી આભા, સંતોષ પથરાયેલ હતો. આ બધું એની સ્વર્ગસ્થ મા સ્વાતિ પ્રત્યેના પ્રેમનું પરિણામ હતું.
મીનળના હાથમાં સ્વાતિની ડાયરી હતી. સ્વાતિ એની મમ્મી જ નહી પણ સૌથી અંતરંગ સખી હતી. મીનળ એની સાથે ઝગડતી, એને પ્રેમ કરતી, એની સાથે અનેકો વિષય ઉપર ચર્ચાઓ કરતી, જ્યારે ને જ્યાં મન થાય ત્યારે જીદ કરીને પોતાની સાથે ફરવા લઈ જતી..મીનળની સ્વાતિ માટેની દરેક લાગણી એના એક્સ્ટ્રીમ લેવલ ઉપર હતી. અચાનક જ સ્વાતિનું હાર્ટએટેકમાં અવસાન થતાં મીનળ સૂનમૂન થઈ ગયેલી. મન-મગજ કશું જ આ આંચકો પચાવી ના શક્યું. એના મનમાં સ્વાતિ માટે ઢગલો અરમાન હતા.
નીચલા વર્ગમાં પરણેલી સ્વાતિ ઘરના બે છેડાં ભેગા કરવા એની આવડત મુજબ જાતજાતના કામ કરીને તન તોડતી રહેતી હતી. એનું એક જ સ્વપ્ન હતું..એની મીનળને ખૂબ ભણાવવી અને બહુ જ સારા ઘરમાં પરણાવવી. મીનળ નાનપણથી આ બધું જ જોતી – સમજતી આવેલી. એના પિતાને સવારે ઉઠીને ઓફિસે જતાં ને સાંજે ઓફિસેથી આવીને થાકીને ચૂર થઈને સીધા સૂઈ જતાં જ જોયેલાં. પિતાની બહુ લાંબી સમજણ કે તાકાત પણ નહતી કે એ એની દીકરીનું મન – લાગણીઓ સમજી શકે. મીનળની બધીજ જ્ જરુરિયાતો એની મા થકી જ સંતોષાતી. મનોમન સ્વાતિ એના મનમાં ભગવાનથી ય અધિક થઈ ગયેલી. દરેક બાળકની જેમ એ પણ પોતાની કાલીધેલી વાતોથી સ્વાતિને પ્લેનમાં ફરવા લઈ જવાના, વિદેશમાં શોપિંગ કરાવવાના વચનો આપતી આવેલી. સ્વાતિ અને મીનળ જાણે એકબીજાની ખુશીઓના પર્યાય હતાં. એ જ માતા આમ બે કલાકની ટૂંકી માંદગી દરમ્યાન કાયમ માટે એને એકલી છોડીને ચાલી ગઈ એ આઘાત મીનળ માટે બહુ જ વસમો નીવડ્યો અને એ ડિપ્રેશનની ખીણમાં ગરકાવ થઈ ગઈ.
મીનળ દિવસોના દિવસો ઉંઘ્યા વગર કાઢવા લાગી. મમતાળુ પરિવારજનોની એકે એક વાત એના કાનમાં જ નહતી જતી. દવાઓ ખાઈ ખાઇને માંડ રાતે સૂઇ જાય તો સપનામાં પણ એ સ્વાતિની સાથે ક્યારેક પિકચર જોવા ગઈ હોય કે ક્યારેક પ્લેનમાં ઊડતી હોય. સપનામાં ને સપનામાં જ પોતાના દરેક વચનો પૂર્ણ કરવાની ટેવ પડી ગઈ હતી. અત્યંત સ્ટ્રેસની અસરમાં મીનળના નજીકના આવવા લાગ્યાં. એનો દસ વર્ષનો દીકરો મમ્મીની હાલત સમજી ના શકતાં એકલો એકલો સોરાવા લાગ્યો. મીનળની શારિરીક હાલત પણ લથડવા લાગી હતી. મીનળનો પતિ સૂરજ ખૂબ જ ધીરજ સાથે એને સતત સમજાવતો અને હૂંફ પૂરી પાડતો. જે પરિસ્થિતી આવી ગઈ એને સ્વીકાર કરવા માટે સમજાવતો રહેતો. ધીરે ધીરે મીનળ સૂરજના પ્રેમની તાકાતથી આ કારમા આઘાતમાંથી બહાર આવવા લાગી. એના અંતરમને પણ આ ‘વ્હાલસોઈ વિદાઈ’ને સ્વીકારવા માંડી. ધીમે ધીમે મીનળ સ્વાતિ માટે કરવાના બાકી રહી ગયેલા અધૂરા કાર્યોના અફસોસમાંથી બહાર નીકળવા લાગી. સૂરજના સમજાવ્યા મુજબ એ સ્વાતિ સાથે વીતાવેલી સારી યાદોથી ખુશ થવાનો પ્રયત્ન કરતી હતી. સ્વાતિ કાયમ મીનળના ઘરમાં આવીને એના કબાટમાં કપડાં ગડી કરીને સરખાં કરી નાંખતી, રસોડામાં શું વસ્તુ ખૂટે છે, શું લાવવાની થઈ છે એ બધા પ્રત્યે એનું ધ્યાન દોરતી, માર્કેટમાં સોનાનો ભાવ ઉતર્યો છે તો એ ખરીદી લે, આ શેરના ભાવ વધ્યાં છે તો વેચી કાઢ, મેડીક્લેમ જેવા વીમા લેવાથી બીમારીમાં બહુ રાહત રહે, પાનકાર્ડ કઢાવ્યું કે નહીં, બેંકમાં આટલું બેલેન્સ છે, યલો ડ્રેસ અસ્તર અને પીન્ક સાડીનો લેટેસ્ટ સ્ટાઈલના બ્લાઉઝનું કાપડ લઈ આવી છું, ટામેટા સારા આવ્યાં છે એનો સોસ બનાવી દેજે હવે.. જેવી ઢગલો બાબતો પ્રત્યે એ મીનળને સજાગ રાખતી અને ;જેણે પેટ આપ્યું છે એ ખાવાનું પણ આપશે જ ને’ જેવી વિચારસરણીવાળી મસ્તમોલા મીનળ એમાંથી અડ્ધું સાંભળ્યું ના સાંભળ્યુ કરી દેતી.
અત્યારે મીનળને એ બધી વાતો યાદ આવતી હતી. ધીમે ધીમે એણે સ્વાતિની એકે એક વાત યાદ કરીને એના ઉપર અમલ કરવાનો ચાલુ કરી દીધો. બે વર્ષમાં તો મીનળ ખાસી એવી બદલાઈ ગઈ હતી. આજે એ સ્વાતિની યોગાના અને સંગીતનીએ ડાયરીમાં લખાયેલા શબ્દો ઉપર હાથ ફેરવ્તી ફેરવતી વિચારતી હતી કે, જ્યારે મમ્મી જીવતી હતી ત્યારે જો આ વાતોનો અમલ કર્યો હોત તો એ કેટલી ખુશ થઈ હોત…એ જીવતી હતી ત્યારે એણે એની વાતો ઉપર બહુ ધ્યાન જ ના આપ્યુ..લોકો સાચું જ કહે છે કે માનવીના મ્રુત્યુ પછી જ એની સાચી કિંમત સમજાય છે. હવે હું ગમે એ ધમપછાડા કરુ એનો શું મતલબ…જનારી તો જતી રહી….અને મીનળના વિચારોની ટ્રેન સુપરફાસ્ટ ચાલવા લાગી. સામે લાકડાની કોતરણીવાળી ખુરશીમાં ઝૂલતો સૂરજ મીનળનું બધું મનોમંથન સમજતો હતો એ હળ્વેથી ઉભો થયો અને મીનળના ખભે હાથ મૂકીને પ્રેમાળ સ્વરે બોલ્યો,
‘મીનળ, દરેક વાતોના મતલબ ના શોધવાના હોય. દરેક વાત દિમાગથી સમજવા કરતાં અમુક વાતો દિલ અને સમય ઉપર છોડી દેવી એમાં જ આપણી ભલાઈ હોય છે. તો હવે આ વિચારવાનું બંધ કર અને સાત વાગવા આવ્યાં ચાલ આપણે બે ય ભેગાં થઈને આજે ચાઇનીઝ ખાવાનું બનાવીએ.’
પ્રેમાળ અને સમજુ જીવનસાથીની વાત સાંભળીને મનોમન એની સાથે સહમત થતી મીનળ ડાયરી બાજુમાં મૂકીને રસોડા તરફ વળી.
અનબીટેબલ ઃ- દરેક સવાલ ઉત્તર લઈને જ નથી જન્મતો.
-સ્નેહા પટેલ.