પડઘાય છે.. gazal.


પડઘાય છે..

આમ રસ્તા પર કોઇની આંગળી પકડાય છે
હાથ આખેઆખો ત્યારે આપણો જકડાય છે.

આંખ આવી છે ભરાઈ કાં તે છલકાતી નથી
રોજ આંસુના સમીકરણો જ ખુદ પલટાય છે.

તેં કહ્યું તે મેં ના માન્યું, મેં કહ્યું તે તેં કદી
આમ નાની જીદમાં એક વારતા સરજાય છે.

રાહ જોતું હોય છે કોઇ વહેતા ઢાળ પર
છોડી તરવાનું અને વહેવાનું મન થઈ જાય છે.

એક ખાલીપો ઉછેર્યો તેં ને મેં બીજો અહીં
કુંપળો ફુટે અહીં ને પાન ત્યાં લહેરાય છે.

એક સાથે બેઉ શ્વાસોચ્છવાસ જ્યાં મહેંકી ઉઠે
એ પળો જાણે વસંતોત્સવ સમી ઉજવાય છે.

જાણકારી દુઃખતી રગની રાખનારા દોસ્ત, હા
એ ન તારાથી કે મારાથી કદી છેદાય છે.

દૂરથી એક સાદ સંભળાયા કરે ‘સ્નેહા’ અને
નામ એક હુલામણું ભીતર સતત પડઘાય છે.
-સ્નેહા પટેલ.