પરિવર્તનશીલ પેરેન્ટીંગ

phoolchhab paper > navrash ni pal column > 1-1-2013

 

નથી ત્યાં ધુમાડો,નથી વાદળાં
ન ભીંતે ભરેલા દીસે ચાકળા !
અચંબો ભરેલું કશે કંઈક તો
ગહનમાં શું ગોતે નયન આકળા !
-અરવિંદ બારોટ

આરવ – ૧૩-૧૪ વર્ષનો સ્માર્ટ – હેન્ડસમ ટીજેનર. નાકની નીચે ને હોઠની ઉપર ભૂરી ભૂરીમાંથી કાળી થઈ રહેલી રુંવાટી ઉપર રોજ હાથ ફેરવીને  એ નવી – નવાઈના સંવેદનો અનુભવતો હતો. અત્યાર સુધી એકદમ ધમાલિયો અને બોલકો રહેતો આરવ છેલ્લાં થોડાં મહિનાથી ઘણો શાંત થઈ ગયેલો, પણ એની એ શાંતિની પાછળ અનેક પ્રશ્નો, અચરજ, નાસમજીની અકળામણનો દરિયો ઉફનતો હતો. એની પાછળના કારણો જોઇ -સમજી શકનારી એક જ વ્યક્તિ હતી – એ હતી આરવની મા – માધવી.

માધવી પાર્ટટાઈમ જોબ કરતી ગૃહિણી હતી. એને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતાં. આરવ મોટો અને સાત વર્ષની આર્યા. આજકાલની ફાસ્ટ અને ધમાલિયણ લાઈફમાં એના સંતાનો પણ ઉંમર કરતાં વહેલાં જ પરિપકવ થઈ જવાના હતાં એ વાતની એને જાણ હતી જ અને એ માટે એ માનસિક રીતે તૈયાર પણ હતી. એના પતિ રીખવને બાળકોને પૈસાથી નવડાવી દેવા સિવાય કોઇ વાતમાં સમજ નહતી એટલે પોતાના લાડકા સંતાનોને મા અને બાપ બે ય પક્ષનો સપોર્ટ અને તંદુરસ્ત વાતાવરણ એકલપંડે પૂરું પાડવાનું છે એ વાતની માધવીને બરાબર જાણ હતી. આર્યા તો હજુ એની બાર્બીડૉલ અને કિચનસેટ સાથે જ વ્યસ્ત રહેતી હતી પણ આરવ અચાનક જ મોટો થવા લાગ્યો. છેલ્લાં છ મહિનામાં એની હાઈટ ચાર ફૂટ અગિયાર ઇંચમાંથી વધીને સીધી છ ફૂટ પર પહોંચી ગઈ હતી.એનો પતલો અવાજ ફાટવા લાગ્યો હતો અને ઘેરો બનતો જતો હતો. હાથ, પગ, ફેસ બધે ઉગી નીકળતી રુંવાટીને લઈને એ આખો દિવસ વિચારોમાં રહેતો. જો કે એની આ વિચારમગ્ન સ્થિતિ પાછળ બીજા પણ ઘણાં ના દેખાતાં કારણો હતાં એ માધવી બરાબર જાણતી હતી. રીખવ- એના પિતા સાથે બહુ ઓછું હળીમળી શકતો આરવ માધવી સાથે બહુ જ ફ્રેન્ક હતો. પોતાની મા સાથે એને પોતાની લાઈફની ઝીણામાં ઝીણી વાત શૅર કરવાની ટેવ હતી પણ આજકાલ એ માધવી સાથે પણ પૂરો ખુલીને બોલી નહતો શકતો.

માધવી સમયની નાડ બરાબર પારખતી હતી અને એણે પોતાના ટીનેજરી દીકરાની સામે થોડા વધારે ખુલ્લાં મનથી વાત કરવાનું શરુ કર્યું. લાજ શરમની એક મર્યાદા પણ રહે અને જે કહેવું હોય એ કલીઅર કહી પણ શકાય એ રીતે સમજી વિચારીને બહુ જ સાચવીને શબ્દો પસંદ કરી કરીને એ આરવ સાથે વાત કરતી હતી.

આજકાલ એક નવું મૂવી  આવેલું જેમાં ટીનેજરોની લવસ્ટોરીની વાત હતી. માધવીની રોમાન્ટીક સખી રીતુએ માધવીને એ મૂવી જોવા જવાની વાત કરી પણ માધવીએ ઘસીને ના પાડી દીધી. કાયમ સાથે મૂવી જોતાં હોવાથી રીતુને માધવીની  અણધારી ‘ના’થી ઘણી નવાઈ લાગી.

‘શું થયું છે માધુ ? ઇઝ ધેયર એવરીથીંગ ઓલરાઈટ ના…’

અને એકાએક માધવી હસી પડીને બોલી – ‘સાવ પાગલ છે તું,. ચીંતા ના કર કોઇ જ પ્રોબ્લેમ નથી. પણ આ મૂવી મારે આરવ સાથે જોવું છે.’

‘ઓહોહો…તો ઠીક. પણ આરવ તો કાયમ એના મિત્રો સાથે અંગ્રેજી મૂવીસ જ જોવે છે ને. વળી આ મૂવી કંઈ મા અને દીકરાએ સાથે જોવા જેવી થોડી છે ? હા, આરવના બદલે રીખવનું નામ લીધું હોત તો કંઇક પણ વેલીડ હતું…’

અને રીતુના મોઢા પર એક શરારતી હાસ્ય ઉપસી આવ્યું અને માધવીના ગાલ પર એક મીઠી ચૂંટલી ખણી લીધી.

પોતાની પ્રિય સખીની આ હરકતથી માધવી ખુલ્લાં દિલથી હસી પડી અને બોલી,

‘જો રીતુ, આરવ હવે મોટો થતો જાય છે. એને મેં ક્યારેય એના મિત્રો સાથે હરવા ફરવાથી રોક્યો નથી ફકત એનું મિત્રવૃંદ સારું અને સંસ્કારી હોય એના પૂરતી  જ રોકટોક કરી છે.

નિર્ણયો લેવા દીધા છે અને એના પરિણામો પણ ભોગવવા દીધા છે.

એને એની રીતે જ વિકસવા દીધો છે. પણ હવે વાત થોડી ફંટાતી જાય છે. એ ઉંમરના એવા પડાવ ઉપર છે કે આરવને એના હમઉમ્ર બનીને એની સમજણની હદ સુધી જઈને સાચા ખોટાંની સમજ આપવી ખૂબ જરુરી છે. એ હંમેશા અંગ્રેજી મૂવીસ જોવે છે, નેટ પણ વાપરે છે એટલે સ્ત્રી પુરુષના સંબંધો વિશે એ ખાસું એવું જાણતો હશે, પણ એ સમજ અધકચરી જ હશે. સ્ત્રી અને પુરુષના આકર્ષણની પાછળ સંતાયેલા મેઈન ફેક્ટર ‘પ્રેમ’ની એને પૂરતી સમજ નથી.’

‘હાય રામ…તું અને તારી આ ફિલોસોફી…તારે શું કહેવું છે એ મને સમજાતું નથી.કલીઅર કહે.’

‘અરે બાબા, વાત એક્દમ દીવા જેવી સાફ છે. મારો દીકરો યુવાનીમાં ડગ માંડી રહ્યો છે. એની સામે હજારો શારિરીક આકર્ષણો પડેલાં છે પણ એ બધાંની જોઇએ એટલી પૂરતી સમજણ એને નથી. એ એના મિત્રો પાસેથી એ સમજ મેળવવા જશે તો એ મિત્રો પણ એમની સમજ પ્રમાણે જ એને સમજાવશે. વળી એ બધામાં અટવાઈને એ પોતાની લાઈફના ભણવાના મહત્વના દિવસોની બલિ ના ચડાવી દે, ડિપ્રેશનના વાદળોમાં ગર્ત ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એના કરતાં બેટર છે કે હું એની મા જ એની મિત્ર બનીને એને બની શકે એટલી મર્યાદામાં રહીને આ બધાંના સાચા ખોટાની સમજ આપું. આ વાત શરમાઈને ચૂપ બેસી રહેવાની નથી કે જાતને એક્દમ મોર્ડન ગણાવાની નથી, વાત મારા દીકરાના જીવનની, સંસ્કારોની  છે.   આ ઉંમરે એને પ્રેમ થઈ જાય એની પણ નવાઈ નથી એવું કંઈક એના મગજમાં હશે તો પણ હું પ્રેમથી અને આદરથી એને સ્વીકારીશ, રીખવને પણ સમજાવીશ. પણ પ્રેમ અને સેક્સ એ બે વચ્ચે આભ જમીનનો ફર્ક છે એટલી સમજણ મારે એને આપવી છે. ઇન શોર્ટ રીતુ, મારો દીકરો ‘સેકસ’ના લપસણા ઢાળ પર લપસવા લાગે એ પહેલાં  પડે એ પહેલાં ‘પ્રેમ’ નામના અદભુત તત્વની સમજ પાડવી છે. એનું માન – ગરિમા રાખતાં શીખવવું છે અને એક સંતાનને આ સમજણ  કઈ રીતે આપી શકાય એનો ખ્યાલ એની મા સિવાય કદાચ કોઇને ના આવે. કારણ એ મારા જેટલો વિશ્વાસ કોઇની ઉપર ના કરી શકે, મારા જેટલો કોઇની નજીક નથી. એ વિશ્વાસ, નજદીકી ને કાયમ ટકાવી રાખવા મારે પણ એની બદલાતી ઉંમરની સાથે સાથે એની સાથેના વ્યવહારમાં બદલાવું પડશે હવે મારે એને એક બચ્ચામાંથી એક યુવાન તરીકે સ્વીકાર કરવાનો  છે. એની યુવાનીને વધાવવાની છે એ પછી  એને જરુરી સ્વતંત્રતા આપીને મારા સંસ્કારોમાં બાંધવાનો છે.’

‘ઉફ્ફ, તું અને તારી સાઇકોલોજી…તારો આરવ..હે ભગવાન…’ અને રીતુએ બે હાથે માથું પકડી લીધું. બે સેકંડ પછી એકાએક એ ઉભી થઈ અને માધવીના કપાળે એક ચૂમી ભરીને બોલી,

‘યુ આર ધ બેસ્ટ મોમ યાર, તું આરવ સાથે જોવું હોય તો એ મૂવી જોજે…એની મિત્ર બનીને જે સમજાવવું હોય એ સમજાવજે..પણ અત્યારે મારી સાથે તો આ મૂવી જોવા ચાલ. મારો દીકરો તો હજુ ચાર વર્ષનો જ છે, અને મારે તારા સિવાય કોઇ કંપની નથી.’

રીતુના નાટકીય અંદાજ ઉપર માધવી હસી પડી અને તૈયાર થવા માટે બેડરુમમાં ગઈ.

અનબીટેબલ – યુવાનીમાં ધસમસતી આવી ચડતી સેક્સની સાચી ખોટી સમજણ ઉપર વેળાસરતી સાચા પ્રેમ ની સમજની નકેલબંધી હિતાવહ છે.

-સ્નેહા પટેલ.

 

3 comments on “પરિવર્તનશીલ પેરેન્ટીંગ

  1. ‘સેકસ’ના લપસણા ઢાળ પર લપસવા લાગે એ પહેલાં પડે એ પહેલાં ‘પ્રેમ’ નામના અદભુત તત્વની સમજ પાડવી છે. એનું માન – ગરિમા રાખતાં શીખવવું છે અને એક સંતાનને આ સમજણ કઈ રીતે આપી શકાય એનો ખ્યાલ એની મા સિવાય કદાચ કોઇને ના આવે. very true dear….. 🙂

    વિશ્વાસ, નજદીકી ને કાયમ ટકાવી રાખવા મારે પણ એની બદલાતી ઉંમરની સાથે સાથે એની સાથેના વ્યવહારમાં બદલાવું પડશે હવે મારે એને એક બચ્ચામાંથી એક યુવાન તરીકે સ્વીકાર કરવાનો છે. એની યુવાનીને વધાવવાની છે aatli samjan parents mate jaroori che.,..asusual jordar artical.

    Like

  2. ઉપરની કાવ્યપંક્તિઓ કથાવસ્તુને બિલકુલ અનુરૂપ છે…..
    બહુ જ ટુંકાણમાં એક નાજુક વિષયને સરસ રીતે મૂલવ્યો છે…..pubertyના આ અતિ મહત્વના અને સંવેદનશીલ મુદ્દા વિષે ગુજરાતીમાં બહુ જ ઓછું લખાયું, ચર્ચાયું કે વિચારાયું છે…છોકરો તો બહારથી પણ સાચીખોટી જાણકારી મેળવી લે…પણ,છોકરી તો અંધારામાં જ અટવાતી-મૂંઝાતી હોય છે….આ દેશમાં સાચા અર્થમાં શિક્ષકોનો જ અભાવ છે,ત્યાં શાળામાં ‘જાતીયશિક્ષણ'(અને એ પણ લબાડ શિક્ષકો દ્વારા !)નો વિચાર જ વ્યવહારુ નથી !આવી સ્થિતિમાં માબાપ જ માર્ગદર્શક અને રખેવાળ બની શકે..

    Like

  3. બહુ સુંદર રીતે અને બહુ જ ટુંકાણમાં એક નાજુક વિષયને બહુ સરસ રીતે મૂલવ્યો છે…..pubertyના આ અતિ મહત્વના અને સંવેદનશીલ મુદ્દા વિષે ગુજરાતીમાં બહુ જ ઓછું લખાયું, ચર્ચાયું કે વિચારાયું છે…તદ્દન ખરી વાત છે, છોકરો તો બહારથી પણ સાચીખોટી જાણકારી મેળવી લે, કે “આડીઅવળી” ચોપડીઓ વાંચીને…પણ,છોકરી તો અંધારામાં જ અટવાતી-મૂંઝાતી હોય છે….આ દેશમાં સાચા અર્થમાં શિક્ષકોનો જ અભાવ છે,ત્યાં શાળામાં ‘જાતીયશિક્ષણ’(અને એ પણ લબાડ શિક્ષકો દ્વારા !)નો વિચાર જ વ્યવહારુ નથી !આવી સ્થિતિમાં માબાપ જ માર્ગદર્શક અને રખેવાળ બની શકે..
    ઉત્તમ લેખ…..

    Like

Leave a comment