phoolchhab newspaper > navrash ni pal column > 8-01-2014
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !
-અમિત વ્યાસ
પ્રગતિ – આશરે ચાલીસે’ક વર્ષની અધુનિકા – ટીવીની સામે નોટ પેન લઈને બેઠી હતી. થોડીવારમાં એનો મનપસંદ પ્રોગ્રામ ‘વાનગી’ શરુ થવાનો હતો. આજકાલ શિયાળાની ઋતુ ચાલતી હોવાથી બજારમાં મળતાં તાજા માજા શાકભાજી જોઇ જોઇને એના હાથમાં રોજ કંઇક ને કંઈક નવું બનાવવાની ચળ ઉપડતી હતી. શિયાળામાં ભરપેટ ખાઈ ખાઈને શરીર બનાવીએ તો આખું વર્ષ આરોગ્ય સારું રહે એવા વિચારો કરતી એ રોજ ‘શું બનાવું શું બનાવું ?’ ની મથામણ અનુભવતી. વળી ઘરના અમુક સદસ્યોને એક વાનગી ભાવે તો બીજાને બીજી. પ્રગતિએ એના બે સંતાનો અને પતિદેવને ક્યારેય કોઇ વસ્તુ ફરજીયાતપણે ખાવાનો આગ્રહ નહતો કર્યો. એ દરેકના સ્વભાવને સાચવીને રસોઇમાં એક સાથે બે બે આઇટમ, તો ઘણી વાર તો ચાર જણના પરિવારમાં ત્રણ આઈટ્મ પણ બનાવી કાઢતી. આખો દિવસ એ અને એનું રસોડું, એનું ઘર. દરેક ભારતીય સ્ત્રીની જેમ પ્રગતિને પણ પોતાના ફેમિલી પાછળ સમય આપવાનું, કાળજી લેવાનું બેહદ પસંદ હતું. આ કાળજીની વચ્ચે આવતી પોતાની સુંદર કેરિયરવાળી છ આંકડાના પગારની નોકરી પણ છોડી દીધી હતી અને એના ઘણા બધા શોખ જેવા કે પેઈન્ટીંગ, ફોટોગ્રાફી, સંગીત,ડ્રેસ ડિઝાઈનીંગ બધું ય છોડી દીધું હતું. અર્જુનની જેમ એનું એક જ નિશાન – પોતાના પરિવારની સુખ – સગવડ સા્ચવવી, કાળજી લેવી.પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીને એ ખુશી ખુશી પોતાની જિંદગી પસાર કરતી હતી. પરિવારના સદસ્યો પણ પ્રગતિ વિના સાવ પાંગળા બની જતાં હતાં. એ બધાંય પ્રગતિને ખૂબ જ પ્રેમ કરતાં, ચાહતા હતાં અને એમનો એ પ્રેમ મેળવીને પ્રગતિ પોતાની જાતને ધન્ય ધન્ય માનીને અનોખો ગર્વ – સંતોષ અનુભવતી.
જાસ્મીન, પ્રગતિની તેર વર્ષની દીકરી સ્કુલથી આવીને બૂટ મોજાં કાઢતી’કને ડ્રોઈંગરુમમાંથી જ બરાડી,
‘મમ્મા, મારી સ્કુલમાં આવતા વીકમાં ‘એન્યુઅલ ડે’ છે. મેં પણ એક પ્રોગ્રામમાં પાર્ટ લીધો છે. એના માટે આપણે બજારમાંથી કોઇ ડ્રેસ લાવવો પડશે.’
‘અરે દીકરા, તું ચેઈન્જ કરીને જમી તો લે , પછી આપણે શાંતિથી વાત કરીએ. ચાલ, હું એક બાજુના ગેસ પર જમવાનું ગરમ કરીને બીજી બાજુ રોટલી ઉતારી દઉં.’
દીકરીને ગરમાગરમ રસોઈ જમાડીને સંતોષનો ઓડકાર ખાતી પ્રગતિ રસોડું સરખું કરીને જાસ્મીન પાસે બેઠી.
‘હા, બોલ તો શું કહેતી હતી ?’
‘મમ્મી, મારા એન્યુઅલ ડે ના દિવસે મારે ક્રીએટીવ થીમવાળો ડ્રેસ પહેરવાનો છે. મારો વિચાર છે કે આપણે આજ્થી જ એ માર્કેટમાં શોધવા લાગીએ તો આવતા વીક સુધીમાં આપણી ચોઇસનો ડ્રેસ મળી રહેશે.’
‘બેટા, હું તને જાતે એવો ડ્રેસ બનાવી આપીશ. બજારમાં જવાની શું જરુર છે ?’
અને જાસ્મીન બે મીનીટ પ્રગતિનું મોઢું જોતી રહી ગઈ.
‘મમ્મા, આજકાલની લેટેસ્ટ ફેશન, કાપડ , ડીઝાઈન વગેરે તમને કંઈ ખ્યાલ છે કે ? તમે તો કાયમ સિમ્પલ ડ્રેસીસમાં જ ફરો છો અને તમે તમારા રસોડામાંથી તો નવરાં પડતાં નથી તો આ બધા માટે સમય ક્યાંથી કાઢી શકશો ?
‘હું બધું મેનેજ કરી લઈશ. તારી મમ્માના વચનો પર તો વિશ્વાસ છે ને તને ? બસ ફક્ત ત્રણ દિવસ આપ મને. વળી તને મારો ડિઝાઈન કરેલ ડ્રેસ ના ગમે તો આપણે માર્કેટમાંથી નવો લઈ આવીશું. એનું પ્રોમિસ આપું છું. બોલ હવે બીજું કંઇ.’
‘ના મમ્મી, બસ હું રાહ જોવું છું તમારા ક્રીએશનની. મારે શું મદદ કરવાની એ મને જણાવી દેજો.’
પ્રગતિએ કબાટ ખોલીને પોતાની થોડી જૂની સાડીઓ, ડ્રેસીસ અને અમુક કટપીસ પડેલાં એ બધું કાઢ્યું.સાડીઓ ઝરી ગયેલી પણ એની બોર્ડર સુંદર હતી. એક કાગળ ઉપર એણે રફ્ સ્કેચ તૈયાર કર્યો પછી એ પ્રમાણે બોર્ડર , કોટન અને શિફોનના કટપીસ ઉપર ઘુઘરી, સ્ટોન, બાદલા વર્ક કરીને કામ કરવા લાગી. અમુક સમયે થાકી જતાં એ બહારથી ખાવાનું મંગાવી લેતી. એના સંતાનો અને પતિદેવને પણ ઘણા વખત પછી બહારનું ખાવાનું ખાઈને મજા આવી. વળી એ લોકો પ્રગતિનું એક નવું જ રુપ જોઇ રહ્યાં હતાં એ જોઇને એમને પણ ખૂબ જ આનંદ થતો હતો. કોઇ એને એના કામમાં રોકટોક ના કરતું અને પોતાની રીતે પોતાના બધા કામ કરી લેતાં હતાં. પ્રગતિને સહેજ પણ ડીસ્ટર્બ નહતાં કરતાં.પ્રગતિ તો આટલાં દિવસો દરમ્યાન જાણે બીજા જ કોઇ પ્રદેશમાં પહોંચી ગઈ હોય એવું અનુભવતી હતી. છેવટે એક સુંદર મજાનો ડિઝાઈનર ડ્રેસ એણે જાસ્મીનના હાથમાં આપ્યો જે જોઇને ઘરનાં બધાંની આંખો ચાર થઈ ગઈ. પ્રગતિમાં રસોઈ કરવા, ઘરને સુંદર રીતે સજાવવા ઘજાવવા સિવાય આવું છૂપું ટેલેન્ટ પણ છે એની તો કોઈને જાણ જ નહતી.
જાસ્મીને હોંશે હોંશે એના એન્યુઅલ ડેમાં પ્રગતિનો ડિઝાઈન કરેલ ડ્રેસ પહેરીને પોતાનો પ્રોગ્રામ રજૂ કર્યો. પ્રોગ્રામના અંતે નિર્ણાયક ટીમે જાસ્મીનના પ્રોગ્રામને પહેલો નંબર મળ્યો. જાસ્મીન જ્યારે પોતાની ટ્રોફી લેવા સ્ટેજ ઉપર ગઈ ત્યારે નિર્ણાયક ટીમના સદસ્યોએ એના ડ્રેસ વિશે પૂછપરછ કરી ત્યારે જાસ્મીનને પોતાની સિધ્ધી કરતાં પ્રગતિની સિધ્ધી ઉપર વધુ ગર્વ થયો. માઈક સામે જઈને એણે પોતાની સફળતાનો સઘળો શ્રેય પ્રગતિને આપીને પોતાના પ્રોગ્રામ – ડ્રેસ પાછળ એણે કેટલી મહેનત કરી હતી એની વાત કરી. છેલ્લે જાસ્મીને પોતાની ટ્રોફી પ્રગતિને – એની માને અર્પણ કરવાની વાત કરી.પ્રગતિ જ્યારે સ્ટેજ ઉપર ગઈ ત્યારે હોલમાં બેઠેલાં દરેક જણાંએ એને તાળીઓની ગડગડાટથી વધાવી લીધી. કાંપતા પગ સાથે સ્ટેજ ઉપર ચડતી પ્રગતિ ટ્રોફી હાથમાં લીધી અને પોતાની દીકરીને આલિંગનમાં બાંધી બેઠી.એના બે હાથમાં સમાયેલી એની નાનકડી જિંદગી એના કાનમાં ધીમેથી ગણગણી,
‘મમ્મા, આઇ એમ પ્રાઉડ ઓફ યુ. અત્યાર સુધી અમારી સફળતાઓ ઉપર તું ખુશ થતી હતી અને અમને વધાવતી હતી ત્યારે બહુ ખુશી થતી હતી. પણ આજે તારી સફળતાને વધાવતાં એનાથી ચારગણી ખુશીનો અહેસાસ થાય છે. યુ આર વેરી ટેલેન્ટેડ. પ્લીઝ, તમારી આ ક્રીએટીવીટીને સ્ટોપ ના કરતી. વી ઓલ લવ યુ સો મચ એન્ડ ઓલવેઝ વીથ યુ.’
આટલાં વર્ષોથી પરિવારની સુખ સગવડો સાચવવામાં બહુ મહેનતે હાંસિલ કરેલી પોતાની બધી ટેલેન્ટને સાવ જ અવગણતી પ્રગતિને ભાન થયું કે દરેક સિક્કાની બીજી બાજુ પણ હોય છે. એને પોતાના સંતાનોની સિધ્ધી જોઇને જેટલી ખુશી થાય છે , ગર્વ અનુભવે છે એમ સંતાનો પણ પોતાને એક મમ્મીના – ગ્રુહિણીના રુપથી અલગ જઈને એક સફળ વ્યક્તિ તરીકે જોઇને ગર્વ અનુભવે છે. સ્ત્રી ફકત મા, વહુ કે પત્ની જ હોય એવું જરુરી નથી. એ બધાંથી અલગ માંહ્યલીકોરમાં એક અલાયદી વ્યક્તિ પણ શ્વાસ લેતી હોય છે એ પણ સમયાંતરે કાળજી માંગે જ છે. પૂરતી કાળજીથી નીખરી ઉઠેલી જાત પણ બેહદ સંતોષ અને ખુશીનો અહેસાસ કરાવે છે. મનોમન એણે ઘર-રસોડાની કેદમાં પૂરી રાખેલી આવડતોને થોડો છૂટો દોર આપવાનો, જાતને હળ્વેથી બદલાતા જમાનાની હવામાં તરતી મૂકવાનો નિર્ધાર કર્યો.
અનબીટેબલ : સમય પ્રમાણે ખુશીઓની વ્યાખ્યા પણ બદલાય છે.
-સ્નેહા પટેલ.
Like this:
Like Loading...