phoolchhab newspaper > navrash ni pal column > 26-12-2013
અંધાર મૂળથી ઊખેડીને ફેંકીએ,
આ બે ઘડી ઉજાસ મને પરવડે નહી.
-તુરાબ ‘હમદમ’.
‘કૃપા, જો ને પેલાં પ્રખ્યાત લેખક સુહાસ ત્રિવેદી સ્ટેજ આગળ જ ઉભાં છે, એમનો ઓટોગ્રાફ લેવો છે અને તું મને એમની સાથે એક ફોટોગ્રાફ પણ પાડી આપને -પ્લીઝ’. સાધના એની બહેનપણીનો હાથ ખેંચીને એને સ્ટેજ ભણી લઈ જઈ રહી હતી અને સાથે સાથે એની વિનવણીનો દોર ચાલુ જ હતો.
‘આ શું તું દરેક પ્રખ્યાત વ્યક્તિઓ સાથે ફોટા પડાવે રાખે છે, ઓટોગ્રાફ લીધે રાખે છે સાધના… એક તો એની આગળ પાછળ ઢ્ગલો માણસો હોય એમની વચ્ચેથી પસાર થવાનું અને ઘણીવાર તો પેલો વ્યક્તિ તારી સામે પણ ના જોતો હોય ને તું એની બાજુમાં ‘યેન કેન પ્રકારેણ’ ગોઠવાઈને ફોટા પડાવે રાખે…ઉફ્ફ, કંટાળો નથી આવતો તને ?’
‘અરે કૃપા, તું પણ સાવ ગમારની ગમાર જ રહી. ભીડને ચીરીને આવા પ્રખ્યાત લોકો સુધી પહોંચવામાં વળી થાક શેનો લાગે ! વળી એની સાથે મારો ફોટૉ પડાવું એટલે મારા જીવનની એક અમૂલ્ય યાદગીરી જ રહી જાય ને.’
‘પણ સાધના તું તો દરેક ફિલ્ડના લોકો સાથે ફોટા પડાવે રાખે છે. રાજકારણી હોય, સાહિત્યનો માનવી હોય, ફિલ્મ લાઈન હોય કે બીજી કોઇ પણ પ્રસિધ્ધ લાઈનનો…તને એ જે – તે લાઈન સાથે કોઇ લેવાદેવા નથી હોતી, તને તો ફક્ત ફોટોગ્રાફ અને ઓટોગ્રાફમાં જ રસ હોય છે. જાહેરમાં પબ્લીક, ટીવીવાળા, છાપાવાળાની ભીડ વચ્ચે તું મહેનત કરી કરીને ઘુસીને ગમે તે પ્રકારે ફોટા અને ઓટોગ્રાફનું કામ પતાવે પછી તારી ઇચ્છાઓનો ગ્રાફ તો શૂન્ય થઈ જાય છે. તું એમને ઓળખતી પણ નથી એવો વ્યવહાર હોય છે. આ વાત મને નથી સમજાતી.’
‘ના -ના કૃપા, સાવ એવું નથી હોતું. તારી ભૂલ થાય છે…એ તો…એ તો…’
અને સાધનાએ લારા ચાવવા માંડ્યા. કૃપાની વાત સાચી હતી એનો એને અંદરખાને ખ્યાલ આવી ગયો હતો પણ એમ સ્વીકારી થોડી લેવાય ?
કૃપાએ પણ વધુ દલીલો કરવાનું માંડી વાળીને હંમેશની જેમ સાધનાના ફોટા સુહાસ ત્રિવેદી સાથે પાડી આપ્યાં. ફોટો પાડતી વખતે સુહાસે સાધનાના ગાલ પર એક ચૂંટલી ખણીને ‘યુ આર સો બ્યુટીફુલ’ જેવી કમેન્ટ કરી અને એ જ મોમેન્ટ કેમેરામાં ઝડપાઈ ગઈ. સાધના તો ધન્ય ધન્ય થઈ ગઈ અને કૃપા સુહાસની આવી વર્તણૂક થી થોડી ખિન્ન .
બીજા દિવસે સાધનાએ એ ફોટો ફેસબુકમાં અપલોડ કરી દીધો, વોટસઅપ પર પણ પ્રોફાઈલ પિકચર તરીકે મૂકી દીધો અને એઝ યૂઝવલ એના ‘સો કોલ્ડ’ મિત્રોની એ ફોટા ઉપર કોમેન્ટ્સનો વરસાદ થવા લાગ્યો.
‘ઓહ, સુહાસ ત્રિવેદી – યુ આર સો લકી…ગ્રેટ વગેરે વગેરે…’
અને પોતાની કોઇ જ મહેનત કે આવડત વિના ફક્ત સેલીબ્રીટી સાથે ફોટા પડાવવાના મહાન કામ પર મફતમાં મળતી વાહ-વાહ , લાઈક અને કોમેન્ટ્સના વધતાં આંકડાથી સાધના અંદરખાને ખુશ થતી હતી, પોરસાતી હતી.
————————————————————————————————-
આજે ભાર્ગવ મહેતાનું ભાષણ હતું. ભાર્ગવ મહેતા- નવી – સશકત – યુવાનોની ઉભી થયેલી અબક પાર્ટીનો ડેશિંગ અને તેજ તર્રાર નેતા. સ્ટેજ પરથી ભાષણ પતાવીને ભાર્ગવ એના આગળના સ્થળે જવાની ઉતાવળમાં હતો ત્યાં મીડીઆવાળાઓએ એને ઝડપી લીધો. માઈક અને કેમેરાની ફ્લેશની વચ્ચે એક યુવાન અચાનક જ આવીને ભાર્ગવને ગળે વળગી પડ્યો…એના પગે પડ્યો…અને પછી કેમેરા સામે જોઇને જાતજાતના ફેસ બનાવીને ચક્ર્મવેડાં કરવાં લાગ્યો. ભીડમાં બધાં એ યુવાનને જોઇને હસી પડ્યાં પણ એ યુવાનને તો કોઇ ફર્ક જ નહતો પડતો. ટીવીમાં પોતાનો ફેસ દેખાઈ ચૂક્યો હતો – એનું તીર બરાબર નિશાના પર લાગ્યું હતું. એને જોઇતું અટેન્શન એને મળી ચૂક્યું હતું. હવે દુનિયા એની પર હસે કે ભાર્ગવ મહેતાને ગોળીએ દઈ દે – એ બધાં સાથે એને કોઇ લેવા દેવા નહતી. એ ફોનમાં બધા મિત્રોને પોતાના પરાક્રમની વાત કરીને પોતાને ટીવી પર સમાચારમાં જોઇ શકશે એની જાણકારી આપવામાં વ્યસ્ત થઈ ગયો.
એ વીર પરાક્રમી યુવાનના મિત્રોએ પણ સામે મેસેજમાં જ એને આગોતરા અભિનંદન પાઠવવા માંડ્યાં ને એ યુવાન એ અભિનંદનના નશામાં ગર્ત થવા લાગ્યો.
અનબીટેબલ ઃઅરીસાના પ્રતિબીંબમાં નહી પણ દીવાનો પ્રકાશ બનવામાં જીંદગીનો ગૂઢ અર્થ છુપાયેલો છે.
-સ્નેહા પટેલ.
shabda yatriko ni vastavikta aapna lekho ma jova male chhe…aanand ni vat chhe sau koi mate…
LikeLike