અતિઆધુનિક


phoolchhab newspaper > Navrash ni pal column > 18-12-2013

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના

ભેદ એ પામવા, જાગ ને જાદવા

– મનહર મોદી

કોફીબારમાં બેઠેલી ટૂંકાને પણ કદાચ ટૂંકા કહેવડાવે એવા વસ્ત્રો ધારણ કરેલી અતિઆધુનિક ગોરીચિટ્ટી અને ખૂબસૂરત શ્રીની અંગૂઠા અને તર્જની વચ્ચે ફસાયેલ કાગળમાં લાંબુ લચક લિસ્ટ હતુ. સામે સ્વપ્નિલ બેઠો હતો જેની સાથે આજથી બરાબર પંદર દિવસ પછી એના લગ્ન નિર્ધારીત થયેલાં હતાં.

શ્રીનું ખાનદાન પ્રમાણમાં ધનવાન કહી શકાય એમ હોવાથી એના માતા પિતાની ઇચ્છા હતી કે  લગ્નપ્રસંગમાં કોઇ જ કચાશ ના રહે. પૈસા પાણીની જેમ રેલાતા હતાં.  કન્યા અને વરરાજાના ડ્રેસિંગથી શરૃ કરીને , મંડપ કોન્ટ્રાક્ટર્સ-ડેકોરેટર્સ, ફુલ સુશોભન કરનારાઓ, લગ્ન ગીતો ગાનારાઓ, બગી, હાથી-ઘોડા વગેરે વરરાજાની જાન માટે ભાડે આપનારાઓ સંગીત સંધ્યા આયોજિત કરનારાઓ,  કંકોતરી બનાવનારાઓ, ઓરકેસ્ટ્રા ધરાવનારાઓ, ડી.જે. સાઉન્ડ, આર્ટિસ્ટ, બ્યુટી ટ્રીટમેન્ટ આપનારા બ્યુટીશિયનો, કોસ્મેટિક સર્જનો, ડ્રેસ ડિઝાઈનરો, મેંદી મૂકી આપનારાઓ, ડાયટિશિયનો, કોરિયોગ્રાફર, ગિફ્ટ આર્ટિકલ્સ બનાવનારાઓ, લગ્નની વસ્તુઓ વેચનારાઓ, પૂજાપાનો સામાન વેચનારાઓ, ગોર મહારાજ નક્કી થઈ ગયાં હતાં. ફોટોશૂટ, આલબમ, વેબસાઈટ, કોસ્મેટિક્સ ટ્રીટમેન્ટ, રિટર્ન ગિફ્ટથી માંડીને જાન આવે ત્યારે મોંઘામાં મોંઘા  કિંમતના આકાશી, અવાજ વગરના રંગબિરંગી ફટાકડા ફોડવા દરેકનાં  શિડ્યુલ તૈયાર થઈ ગયાં હતાં. ફાઈવસ્ટાર હોટલમાં રુમ બુક થઈ ચૂકી હતી. આમ જુઓ તો શ્રીએ કોઇને ફોન સુધ્ધાં કરવાની તસ્દી પણ લેવાની રહેતી નહતી કારણ આ બધું કાર્ય કરવા માટે કુશળ અને ભરોસાપાત્ર ઇવેન્ટ મેનેજર નિમાઈ ચૂક્યાં હતાં. શ્રી અને સ્વપ્નિલે તો તૈયાર થઈને વિધીમાં બેસવાનું હતું.

પણ શ્રીને પોતાના લગ્નના કામકાજનું અધધધ ટેન્શન થતું હતું.  એણે સામે પડેલી કાપુચીનો કોફીનો એક સીપ લીધો અને સ્વપ્નિલે પોતાના માટે સિગારેટ સળગાવી. શ્રી એ તરત હાથ લંબાવી એ સિગારેટ લઈ લીધી અને ઉપરાઉપરી બે ચાર કશ લગાવી દીધાં.

‘શ્રી, શાંત થા ડીયર, આટલું ટેન્શન કેમ છે તને ? દરેક કાર્ય યોગ્ય રીતે યોગ્ય સમયે પતશે જ. આપણે આટઆટલાં પૈસા ખર્ચ્યા છે, નંબર વનનું આયોજન કર્યું છે પછી શેની ચિંતા ?’

‘અરે સોના ડીઅર, મને કોઇ ટેન્શન નથી. આ તો જસ્ટ સિગારેટની તલપ લાગેલી અને તેં સળગાવી તો મન થઈ ગયું. જસ્ટ ફોર ફન. ‘

‘શ્રી તને એવું નથી લાગતું કે તું આજકાલ જરા વધારે સ્મોકિંગ કરે છે ? આ તારા સ્વાસ્થ્ય માટે સારી વાત નથી. તને એની આદત પડી ગઈ છે. મારી જેમ એકાદ શોખની પી લે એ વાત અલગ છે ડીઅર…’

‘ઓહ, સ્ટોપ ઓલ ધીસ નોનસેન્સ …આજના જમાનામાં તું આવી વાત કરે છે  – નવાઈ લાગે છે મને. સિગારેટ પીવી એ તો એક સ્ટેટ્સની  વાત છે, આધુનિકતાની નિશાની છે.પ્લીઝ, પુરાણી માનસિકતાના કોચલામાંથી બહાર નીકળ અને મને થોડી સ્પેસ આપ.’

પૈસાવાળી – અતિઆધુનિક – સ્વતંત્ર મિજાજ ધરાવતી શ્રીની દલીલ સામે સ્વપ્નિલે ચૂપ થઈને એની કોફીમાંથી સીપ લેવા સિવાય કોઇ રસ્તો બચ્યો નહતો.

શ્રીના ટેબલની બરાબર પાછળના ટેબલ પર બેઠેલ એક સિમ્પલ પણ બ્યુટીફૂલ કપલ વચ્ચે પણ આવું જ કંઈક વાતાવરણ છવાયેલું હતું. એ  હતાં પરમ અને પ્રીતિ. પ્રીતિએ સુંદર મજાનો ગોલ્ડન એન્ડ પીન્ક કલરનો ઘૂંટણથી પણ નીચે આવતો અનારકલી સ્ટાઈલનો ડ્રેસ પહેરેલો હતો જે એની ગોરી અને નાજુક કાયાને ઓર નાજુક અને સુંદર બનાવતું હતું. પરમે લાઈટ સ્કાયબ્લ્યુ જીન્સ અને ચેકસનું શર્ટ પહેરેલ હતાં જેમાં એની તામ્રવર્ણી સ્કીન ખીલી ઉઠી હતી અને એની છ ફૂટથી ઉપરની હાઈટ ધરાવતું શરીર ઓર  પ્રભાવશાળી લાગતું હતું. એ લોકો પોતાના એકના એક દીકરા સૌરભની પ્રથમ વર્ષગાંઠનું આયોજન કરી રહ્યાં હતાં.

‘પ્રીતિ, તું નાહકની છેલ્લાં મહિનાથી આ બધી તૈયારી પાછળ પાગલ થઈ રહી છે. શહેરમાં કેટલાં બધાં પાર્ટીપ્લોટ્સ, હોટેલો, ઇવેન્ટ મેનેજમેન્ટ્સવાળા છે, બુક કરાવી દઈશું એટલે આપણી બધી ચિંતા હળવી થઈ જશે.’

‘પરમ, તારી વાત તો સાચી છે. પણ બીજાઓ આપણા પ્રસંગની તૈયારી કરે અને આપણે સજીધજીને એક ઢીંગલીની જેમ પ્રસંગમાં હાજરી પૂરાવી દેવાની એમાં શું મજા ? મારા દીકરાની પહેલી બર્થ ડે છે. મારે ઘરે સત્યનારાયણની કથા રાખવી છે. વળી સૌરભની પસંદગીના કાર્ટુન કેરેકટર ‘ટોમ એન્ડ જેરી’ની થીમ પર મારે જાતે કામ કરવું છે, પ્રસંગની ‘એ ટુ ઝેડ’ મજા માણવી છે.’

‘પ્રીતિ, તું તો આપણાં સગા વ્હાલાઓના નાઝ – નખરાંથી ક્યાં અજાણ છું…સહેજ વ્યવહાર ચૂક્યાં કે હો-હલ્લાં થઈને ઉભી રહેશે.’

‘તું ચિંતા ના કર ડીઅર, હું અને મારી મમ્મા એ બધું સુપેરે સંભાળી લઈશું.તું તારે મને પચાસ હજારનો ચેક પકડાવને…બસ.’

‘આર યુ શ્યોર, પચાસ હજારમાં બધું પતી જશે ?’

‘ઓફકોર્સ ડાર્લિંગ, તું જરા પણ ચિંતા ના કર. મેં બધી પાકી ગણત્રી કરી છે. બહુ બહુ તો દસ બાર હજાર આમથી તેમ થશે જે તારા જેવા મિલિયોનેરને બહુ મોંઘા નહી પડે.’

‘અરે મારી કંજૂસ વાઈફ, તું તારે લાખો રુપિયા વાપરને..મેં ક્યાં ના પાડી છે…એકનો એક દીકરો છે અને ભગવાનની દયાથી આપણે કોઇ ખોટ નથી.’

‘ના  પરમ, ખાલીખોટા દેખાડાં કરવાં માટે પૈસા નથી ખરચવાના, આપણી ખુશી આપણાં સંબંધીઓ સાથે વહેંચવાની છે અને એના માટે આટલાં પૈસા બરાબર છે. વળી, મારે એક લાખ રુપિયા વ્રુધ્ધાશ્રમ, અનાથાશ્રમ અને અપંગ માનવમંડળમાં ખર્ચવા છે. એમાં કોઇ જ પ્રકારની આનાકાની નહીં ચાલે, પ્રસંગમાં એકાદ વસ્તુની કમી રહેશે તો મને કોઇ વાંધો નથી પણ મારા દીકરાને મળનારા એ બધાનાં આશીર્વાદમાં કોઇ કમી ના રહેવી જોઇએ. ચાલ હવે, બહુ ડીસ્કસ ના કર અને તારી કોફી પતાવ.’

‘તું પણ કંઈક તો લે પ્રીતિ..’

‘ના પરમ, મને કોઇ જ જાતનું વ્યસન નથી તું તો જાણે છે ને…વ્યસન મારી સ્વતંત્રતા પર તરાપ મારતું હોય એવું લાગે છે. મને એવી  માનસિક, શારિરીક પરતંત્રતા ના ગમે.’

અને પરમ પાસે પોતાની સિમ્પલ – વિવેકી પણ અતિઆધુનિક – સ્વતંત્ર વિચારસરણીવાળી પત્ની સાથે ચર્ચા કરવા માટે કોઇ વાક્ય ના રહેતાં સામે પડેલ મગમાંથી કોફીની ચુસ્કીઓ લેવા માંડી.

અનબીટેબલ : આધુનિકતા દેખાડાથી નહીં વર્તનથી મપાય.