દીકરીએ જ સાસરે કેમ જવાનું ?

PHOOLCHHAB NEWSPAPER > NAVRASH NI PAL COLUMN > 11-12-2013.

પ્રભુ તું પાર ઊતારે, ન એવી પ્રાર્થના મારી.

તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી.

તું લે શિરભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી.

ઉઠાવી હું શકું સહેજે, પ્રભુ એ પ્રાર્થના મારી.

-રવિન્દ્ર્નાથ ઠાકુર.

ખુમારી અને ગૌરવના લગ્નની વિધી સુખરુપ રીતે પૂર્ણ થઈ અને કોઇ જ વિઘ્ન વગર અવસર રુડી રીતે પતી ગયો. ખુમારી અને ગૌરવ અત્યારે પોતાના બેડરુમમાં બેઠા બેઠા એ બધી મીઠી પળોને યાદ કરી રહ્યાં હતાં, મજાને વાગોળી રહ્યાં હતાં. નાનપણથી એકબીજાના મિત્ર એવા ખુમારી અને ગૌરવ યુવાનીમાં પગ મૂકયા પછી ક્યારે એકબીજા તરફ આકર્ષાયા અને દોસ્તી, આકર્ષણ પ્રેમ તરફ વળી ગયા એ  ખબર જ ના પડી. વર્ષોની પ્રતીક્ષા પછી મળેલી આ પળોમાં બંને પ્રેમીઓ ડૂબી ગયાં, એકબીજામાં ખોવાઈને જાણે બીજી જ કોઇ દુનિયામાં ગર્ત થઈ ગયાં.

બીજા દિવસની સવાર ખુમારી માટે અલગ જ હતી. આટલાં વર્ષો મા બાપની એ લાડકી દીકરી વાળમાં મમ્મીના વ્હાલભર્યા સ્પર્શ – ચુંબન સાથે ઉઠતી અને આજે…એની નજર બાજુમાં રહેલ ગૌરવ તરફ વળી. આજે એનો રોલ અચાનક બદલાઈ ગયો, આજે એણે ગૌરવના વાળમાં હાથ ફેરવ્યો અને નીચા નમીને ગૌરવના ગાલ પર હળવું ચુંબન કરી દીધું. આળસ મરડીને કપડાં સરખા કરતી’કને એ રુમમાંથી બહાર નીકળવા ગઈને એકાએક એને ખ્યાલ આવ્યો કે નાઈટ્ડ્રેસમાં બહાર જશે તો કદાચ એના સાસુસસરાને ના પણ ગમે. વર્ષોથી એ આ ઘરમાં ગૌરવની મિત્ર તરીકે આવતી હતી, નાનપણથી યુવાની સુધીની સફરના આ ઘરના સદસ્યો સાક્ષી હતાં પણ હવેની વાત અલગ હતી.  જીન્સ, શોર્ટ્સ, સ્લીવલેસ દરેક પ્રકારના કપડાંમાં આ ઘરમાં વિનાસંકોચ પતંગિયાની જેમ ઉડાઉડ કરતી છોકરી હવે આ ઘરની મર્યાદા સાચવનારી વહુ હતી.ખુમારી જાણે કોઇ અજાણી ધરતી પર જ ડગ માંડી રહી હોય એમ ડગલે ને પગલે અજાણ્યો સંકોચ અનુભવવા લાગી. કપડાં ચેન્જ કરીને એ રુમની બહાર ગઈ. આવનારી દરેકે દરેક પળ એ નવી અને થોડી મૂંઝવણભરી અનુભવી રહેલી. બ્રશ કરવુંથી માંડીને ચા બનાવવી, બેક્ફાસ્ટ કરવો, બાથ લેવો…ઉફ્ફ..માનસિક અકળામણ અનુભવવા લાગી. વારંવાર એને પોતાના પેરેન્ટ્સની શિખામણો યાદ આવતી હતી. દીકરી તો પારકું ધન,સાસરીનું નામ રોશન કરજે, જ્યાં જાય ત્યાંની થઈને રહેજે…આવી ઢગલો શિખામણો સાંભળેલી ખરી પણ એનો સાચો અર્થ આજે આવી સ્થિતીમાં મૂકાયા પછી જ સમજાતો હતો. મમ્મી પપ્પાની યાદ આવતાં આંખના ખૂણેથી એક ગરમ ગરમ લ્હાય જેવું અશ્રુ સરી પડયું – ઘરના સદસ્યોમાંથી કોઇની નજર એના તરફ જાય એ પહેલાં એણે મોઢું ફેરવીને ડ્રેસની બાંય ઉપર લૂછી નાંખ્યું. મગજમાં એક સવાલ હથોડાની જેમ ટીપાતો હતો – ‘ આ કેવો ન્યાય – સમાજની આ કેવી અન્યાયી રીત – હંમેશા સ્ત્રીઓએ જ કેમ સાસરે જવાનુ ? એણે જ પોતાની જાતને ધરમૂળથી કેમ બદલવાની ? લગ્ન પછી ગૌરવની રહેણી કરણી માં તો એક ટકાનો ય ફરક નહતો પડ્યો તો એની સવારથી માંડીને રાત સુધીની દિનચર્યા કેમ બદલાઈ જાય ?લગ્ન તો ગૌરવના પણ થયેલાં જ ને ? અચાનક રીટાબેન – ખુમારીના સાસુએ એના ખભે પ્રેમથી હાથ મૂક્યો અને બોલ્યાં, ‘ વહુ બેટા..’ આટલું બોલીને એ અચાનક અટકી ગયા..’કેવું મીઠું સંબોધન છે આ દીકરા કેમ…વર્ષોથી ખુમારીબેટા, દીકરા..કહીને બોલાવતી જીભે આજે ‘વહુબેટા’ સંબોધનની મજા માણી’ અને હસી પડ્યાં. ખુમારી પણ એમની લાગણીમાં પીગળી ગઈ.

‘હા મમ્મી, આજે સમગ્ર દુનિયા જ બદલાઈ ગઈ છે !’

‘અરે હા, હું એમ કહેવા આવી હતી કે આજે ક્રીમસલાડ, પૂરી, એક કઠોળ, બે શાક,પુલાવ અને કઢી બનાવવાના છે. તને રાંધવાનો ખૂબ શોખ છે ને..તું શું બનાવી શકીશ આમાંથી ? તારા હાથની રસોઈ ચાખવા આ ઘરના બધાંય અધીરા થઈ ગયાં છે ‘

ખુમારી માટે પૂરી એટલે ગયા ભવની દુશ્મન. એને કદી પૂરી ભાવતી જ નહતી અને આજે …ઈટ્સ ઓકે..ચાલ્યાં કરે. વિચારો પર ફુલસ્ટોપ લગાવીને એણે પુલાવ-કઢી અને બટેકાંનું શાક બનાવવાનું કામ પોતાના માથે લઈ લીધું. રસોઈના બહાને એનું મગજ થોડું કામમાં પૂરોવાતા વિચારો શાંત થશે.

લગભગ સાડા અગિયારમાં તો ડાઇનીંગ ટેબલ ગોઠવાવા લાગ્યું એ જોઇને ખુમારીને ગભરામણ થઈ ગઈ. એના ઘરે તો એ લોકો લગભગ એક  વાગ્યાંની આસપાસ જમવા બેસતાં પણ એની સાસરી સમયની બાબતમાં બહુ જ પનક્ચ્યુઅલ હતી એ ખ્યાલ હતો.સાસરીમાં જમવાનો સમય લગભગ પોણાબારની આસપાસનો હતો. સવા અગિયાર તો થઈ ગયેલાં હજુ કઢી-પુલાવનો વગાર અને બટેકાં છોલવાના સુધ્ધા બાકી હતાં. એણે હાથ ફટાફટ ચલાવવા માંડ્યો. પ્રેક્ટીસ હતી એટલે ધારેલા સમયમાં કામ નીપટાવીને અગિયાર અને ચાલીસ મીનીટે બધાંની સાથે ડાઈનિંગ ટેબલ પર હાજર હતી.

‘અહાહા, બેટા રસોઈની સુગંધ તો બહુ સરસ આવે છે, વળી ડેકોરેશન પણ સરસ છે.ચાલો હવે બધા જલ્દી જમવા બેસી જઈએ. બહુ ભૂખ લાગી છે’ ખુમારીના સસરા બોલ્યાં.

ખુમારીને આ શબ્દોથી થોડી શાંતિ થઈ અને એ બધાની સાથે જમવા બેઠી.શાકનો પહેલો કોળિયો ખાતાં જ રીટાબેનથી બોલાઈ ગયું,

‘અરે વહુ દીકરા, આમાં ખટાશ – ગળપણ કેમ નાંખ્યું છે ? અમે તો તીખા શાક્થી ટેવાયેલા છે.’ અને ખુમારીનું મોઢું પડી ગયું. એના ઘરમાં દરેક વસ્તુ ગળચટ્ટી બને જ્યારે અહીંઆ બધી રસોઇ તીખી અને મસાલેદાર, તેલથી ભરપૂર. એણે તો કઢી પણ ગળચટી બનાવેલી. એના મુખના આ ફેરફાર એના સસરા નવનીતલાલથી છુપા ના રહી શક્યાં અને એ તરત બોલ્યાં,

‘અરે રીટા, શું બિચારી છોકરીને ટોકે છે… રસોઇ તીખી હોય કે ગળચટી એના કરતાં એ કેટલાં પ્રેમ – માવજતથી બની છે – કેવી સ્વાદિષ્ટ છે- એ તો જો. શાકનો રસો કેવો સરસ મજાનો ગાઢો ને માપસરનો છે વળી કઢી પણ તું બનાવે છે એનાથી થૉડી ગાઢી જ બની છે તો સારું જ છે ને…પુલાવમાં સરસ રીતે મિકસ થઈ જશે. નવી પરણીને આવેલી વહુ એની સાથે એની પોતાની રીતભાત પણ લઈને આવી જ હોય ને…એને બદલાતાં થોડો સમય તો જાય જ ને ? વળી દરેક બાબતે એણે જ બદલાવું એ પણ યોગ્ય નથી. આપણી રસોઈ આમે બહુ તેલ મસાલાવાલી હોય છે જે આપણી તબિયત માટે સારું નથી. તો આપણે વહુની રસોઇ બનાવવાની હેલ્થી રીતને કેમ ના અપનાવી શકીએ ? લગ્ન થાય એટલે એક જીંદગી આખી પડખું ફરી જાય છે. પરિવર્તનોના અનેકો ચક્રવ્યૂહ એણે પસાર કરવા પડે છે. દરેક બાબતમાં ખુમારી જ આપણી રીતભાતને અનુરુપ થાય એના કરતાં એની અને આપણી બેમાંથી જે સૌથી વધુ અનુકૂળ ને સરળ હોય એ રીતભાત આપણે બધાં કેમ ના અપનાવીએ? આખરે પરિવર્તન તો દરેક વ્યક્તિ માટે સારું જ છે ને ! આપણાં પરિવર્તનથી એના પરિવર્તનનો રાહ થોડો સરળ બનશે અને એકબીજા માટે માન અને પ્રેમ અકબંધ રહેશે. વહુ બેટા, આજથી તારી આ ગળચટ્ટી અને ઓછા તેલમસાલાવાળી રસોઇને આપણાં ઘરમાં આદરસહિત આવકારું છું. તું તારે નિઃસંકોચ રીતે રસોઇ બનાવજે.’ અને એક મમતાળુ, સમજદાર હાસ્ય નવનીતલાલના મુખ પર ફરકી ગયું.

ખુમારી મનોમન વિચારવા લાગી,’આવા કુટુંબીજનો હોય તો જીવનમાં કદી કોઇ દીકરીને વહુ બનવામાં અડચણ ના આવે કે ક્યારેય દીકરીઓએ જ પરણ્યાં પછી પોતાનું ઘર છોડીને પારકે ઘરે -સાસરે  કેમ જવાનું જેવા વિચારો પણ ના આવે.’ અને એની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી.

અનબીટેબલ : સ્વીકારની યોગ્ય સમજ એ સુખ – શાંતિનો સૂર્યોદય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s