મજાની સજા


Phoolchhab newspaper > navrashni pal column > 4-12-2013

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા

દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

-મનોજ ખંડેરિયા

 

વૈભવી ખૂબ ધ્યાનપૂર્વક અરીસામાં પોતાનું પ્રતિબીંબ નિહાળી રહેલી. ઘડીમાં જમણીબાજુ ફરી જતી ને ઘડીમાં ડાબી. દરેક એંગલથી પોતાની જાતને જોઇને મનોમન એક સંતોષ, ખુશીનો  શ્વાસ ભર્યો. એને પોતાની જાત ઉપર અનહદ પ્રેમ હતો. ત્યાં તો એની ખુશીમાં એક અફસોસ, અકળામણનો રંગ ભરાઇ ગયો ને ખુશી ડહોળાઈ ગઈ. અતીત અને રીમા એના ફેમિલી ફ્રેન્ડ – એમને વૈભવી તરફથી શું અસંતોષ રહેતો હતો એ જ નહતું સમજાતું !

વૈભવી અને ખુશાલના લગ્નને લગભગ આજકાલ કરતાં દસ વર્ષ થવા આવ્યાં હતાં. સ્વીટી નામની એક સુંદર મજાની પરી જેવી પાંચ વર્ષની દીકરી પણ હતી. રીમા અને અતીત એમના કોલેજકાળના મિત્ર હતાં. કોલેજકાળની દોસ્તી લગ્નજીવન સુધી પાંગરેલી. બે ય કપલ જ્યાં જુઓ ત્યાં સાથે ને સાથે જ હોય. સરસ મજાનું અંડર્સ્ટેન્ડીંગ હતું. ક્યારેય કોઇ આર્થિક, માનસિક કે શારિરીક ક્ષતિઓ એ સંબંધમાં આડખીલીરુપ નહતી બની. રીમાના સાત વર્ષના દીકરા આરવને પણ સ્વીટી સાથે બહુ મજા આવતી. દિવાળી,હોળી,નવરાત્રી કોઇ પણ તહેવાર હોય આ બેય કપલ સાથે મળીને જ ઉજવતા. વર્ષમાં બે નાની મોટી બહારગામની ટ્રીપ પણ કરી લેતાં. પણ ..

પણ છેલ્લાં છ મહિનાથી રીમા અને અતીત એમનાથી થોડા દૂર થતાં જતાં હતાં. આ વખતની હોળી અને નવરાત્રીમાં પણ ગલ્લાં તલ્લાં કરીને મળવાનું ટાળ્યું હતું. વૈભવી અને ખુશાલ કાયમ આ બાબતે વિચારતા અને એમને લાગતું કે એમની લાસ્ટ સિંગાપુરની ટ્રીપમાં  ખર્ચો શેર કરવાની બાબતમાં જે પ્રોબ્લેમ થયો હતો  એ જ બાબત કારણરુપ હોવી જોઇએ. વૈભવી અને ખુશાલ માટે આ સંબંધ બહુમૂલ્ય હોઇ એમણે સામેથી આ વાતનો ઉલ્લેખ કરીને મનમેળ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ રીમા અને અતીત એમના અસંતોષ બાબતે મગનું નામ મરી નહતાં પાડતા. હવે દિવાળી નજીક આવી રહી હતી અને વૈભવીનું મન વારંવાર રીમાને ફોન કરીને બહારગામ ફરવા જવાનો કોઇ પ્લાન બનાવવાનો વિચાર કરતું હતું. એણે ફોન કરીને રીમાને વાત કરતાં એને ખ્યાલ આવ્યો કે રીમા, અતીત તો અતીતના નવા બિઝનેસ પાર્ટનર અરમાનના ફેમિલી સાથે કુલુ મનાલી જવાનો પ્લાન ગોઠવીને બેઠા છે અને વૈભવીનું મગજ સૂન્ન થઈ ગયું.

અરમાન સાથેની આ લોકોની દોસ્તી એમને ખ્યાલ હતો અને એ અસ્વાભાવિક પણ નહતું લાગતું. આફટરઓલ અરમાન એમનો બિઝનેસ પાર્ટનર હતો. પણ એના આવવાથી પોતાની આટલી લાંબી દોસ્તી જોખમાઈ જશે એવો સહેજે અંદાજ નહતો. સાંજે ખુશાલ ઘરે આવતાં વૈભવીએ આ બાબતે ચર્ચા કરીને પોતાની અકળામણ અને ગુસ્સો કાઢ્યો. ખુશાલે બધી બાબતે શાંતિથી વિચાર કર્યો અને પછી બોલ્યો,

‘વૈભવી, આમે આ વર્ષે સ્વીટીની સ્કુલના એડમીશનમાં, ઘરના કલરકામમાં સારા એવા પૈસા વપરાઈ ગયાં છે. બચતના નામે કંઇ ખાસ છે નહીં તો આપણે તો આમે એમની સાથે ફરવા જવાનું પોસીબલ ના થાત. ભલે ને એલોકો ફરી આવતાં.’

‘ના ખુશાલ, આવું થોડી ચાલે ? આટલા વર્ષોની દોસ્તી સાવ આમ થોડી ભૂલી શકાય ? ‘

બે પળ ચૂપ રહીને વૈભવીએ મનોમન વિચારીને ખુશાલને કહ્યું,’ખુશાલ તું આપણી બોમ્બે -પૂના-લોનાવાલાની ટ્રીપ ગોઠવ. ઇમેજીકાની રાઈડસની મજા પણ માણતાં આવીશું. એ લોકો શું સમજે છે પોતાની જાતને ? એ સાથે ના હોય તો શું થયું ? આપણે એકલાં પણ જીવી શકીએ છીએ – ઇનફેક્ટ એમનાથી વધુ મજા માણી શકીએ છીએ.’

ખુશાલે બહુ સમજાવી પણ વૈભવી એકની બે ના જ થઈ. પરિણામે ખુશાલે સગાવ્હાલાંઓ પાસેથી પૈસા ઉછીના લઈને એ ટ્રીપ ગોઠવવી પડી. ફરતાં ફરતાં વૈભવીએ દરેક જગ્યાએ ઢગલો ફોટા પાડ્તી રહેતી અને તક મળે ત્યારે વોટસઅપમાં – ફેસબુકમાં એની અપડેટ કરતી રહેતી. રીમા આ બધી સાઈટસ – એપ્સ રેગ્યુલર વાપરતી હતી અને  પોતાની અમાપ ખુશી એના થ્રૂ રીમાના ધ્યાનમાં આવે એ એક જ હેતુ હતો. ખુશાલ મનોમન એની આ બધી વર્તણૂક નોટ કરતો હતો. આખી સફર દરમ્યાન ખુશાલ અને સ્વીટી કરતાં વૈભવીએ કેમેરા સાથે વધુ ને વધુ વખત ગાળ્યો. હા, ફોટામાં જીવંતતા લાવવા સ્વીટીને દરેક જગ્યાએ ઉભી રાખી દેતી. ખુશાલ મનોમન અકળાતો હતો. ફરવા આવ્યાં છીએ કે કોઇને ઇર્ષ્યા કરાવવા કે દેખાડી દેવા એ જ નહતું સમજાતું . પણ જીદ્દી વૈભવીને અત્યારે કોઇ જ વાત સમજાવવાનો કોઇ જ મતલબ નહતો એ પણ જાણતો હતો એથી ચૂપ રહેતો.

આખરે ટ્રીપ પતી અને ઘરે આવીને બે દિવસ થાક ઉતારીને ખુશાલ અને વૈભવી હોટલનાં-ખાવા પીવાના-પેટ્રોલ, રાઈડસના બિલ સાથે હિસાબ કરવા બેઠાં અને આઘાતજનક રીતે આંકડો પચાસ હજારના દેવા સુધી પહોંચી ચૂકયો હતો એની સમજ પડતાં જ બેય ના મોઢા ઉતરી ગયા. વૈભવી મનોમન પસ્તાતી હતી. ફરીને આવ્યાંનો બધોય હરખ છૂ..ઉ..ઉ થઈ ગયો હતો. રીમા અને અતીતને એની ખુશીથી શું ફર્ક પડ્યો રામ જાણે પણ એને બતાવી દેવાના ચકકરમાં એ પચાસ હજારના દેવામાં ફસાઇને ઉભી હતી. પણ રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું ?

અનબીટેબલ : દુનિયાના ૮૦% સંબંધો, ‘તું પહેલ તો કર, પછી બાકીનું હું સંભાળી લઈશ’ જેવી મનોમન ચાલતી વાતચીતની પ્રક્રિયામાં જ શ્વાસ તોડી દે છે.