nasheeb nu chakkar

foolchhab paper > navrash ni pal column > 28-11-2013

હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,

અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.

–       વારિજ લુહાર

 

શિવા બેઠી બેઠી શાક સમારી રહી હતી. સામે કોબીજ, ગાજર,લીલી ડુંગળી જેવા અનેકો શિયાળુશાકની ભરમાર હતી. સવારે હોટલ જવા નીકળતી વખતે અનુરાગ એને સાંજે ચાઈનીઝ ખાવાનું બનાવવાનું કહીને ગયેલો.અનુરાગ – એક ફાઈવસ્ટાર હોટલનો ફેમસ શૅફ. નાની જ ઉંમરમાં એણે બહુ બધી નામના અને પૈસા કમાઈ લીધેલા. જાતમહેનતે ઉપર આવેલો હોવાથી થોડો વધુ પડતો જ ખુદ્દાર હતો. માનવીની જાણબહાર જ એની ખુદ્દારી ઘણી વાર અહંના રુપમાં પણ પરિવર્તીત થઈ જાય છે. સાવચેત માનવી બચી જાય છે અને ગાફેલ એ ઉકરડામાં ખેંચાઈને ખરડાઈ જાય છે. આજકાલ અનુરાગ પણ અજાણતાં આ પાતળી ભેદરેખા ઉપર જ ઝૂલી રહ્યો હતો.

શિવાએ એક ગેસ ઉપર નૂડલ્સ બાફવા મૂકેલા અને બીજા ઉપર રાઈસ માટેનું આંધણ ચડાવેલું. રહી રહીને એની નજર દિવાલ ઉપર ઝૂલતી ઘડિયાળ ઉપર જઈને અટકતી હતી. આજે અનુરાગને હાફ ડે હોવાથી વહેલો આવવાનો હતો. એ આવે ત્યારે એને ખાવાનું રેડી જોઇએ એવી આદત હતી પણ હજુ તો એ રસોઇમાં અડધે પહોંચી હતી. ચાઈનીઝ ફૂડમાં અમથી શાકભાજી સમારવાની ઝંઝ્ટ વધુ હોય અને અધૂરામાં પૂરું એના જમણા હાથનો અંગૂઠો સવારે શાક સમારતા ઘવાઈ ગયેલો. ખાસો એવો લાંબો ચીરો પડેલો એ કનડતો હતો. ચોપિંગ બોર્ડ લઈને એ જેમ તેમ શાક સમારવાનો પ્રયત્ન કરતી હતી. એમ કરતાં પણ મનમાં બીક પ્રવેશતી હતી કે શાક એકસરખું – લાંબુ-પતલું નહીં સમારાય તો અનુરાગની ચાઈનીઝ ખાવાની મજા મારી જશે. બીજી બધી વાતમાં થોડું આડું અવળું ચાલે પણ ખાવાની બાબતમાં અનુરાગ જબરો પરફેક્ટનીશટ હતો. ખાવાનું બનાવવાથી માંડીને એને પીરસવા સુધીની દરેક બાબતમાં એ કાયમ  ઝીણું કાંતતો. એના એ પરફેક્ટનીશના ચક્કરમાં શિવાના માથે કાયમ અપજશ-શિખામણોનો ટોપલો જ આવતો.

શિવા બહુ જ સરળ , સુંદર અને સૂલઝેલા દિમાગની વ્યવહારુ – સીધી સાદી ગૃહિણી હતી. ગુજરાતી,પંજાબી,કાઠિયાવાડી,ચાઈનીઝ કોઇ પણ પ્રકારની રસોઈ હોય એ બધામાં નિપુણ હતી. પણ અમુક લોકોના હાથમાં જશ નામની રેખા નથી હોતી હોય છે તો ફકત તનતોડ વૈતરું ! ઘડિયાળનો નાનો કાંટો સાત અને આઠની વચ્ચે ચાલી રહ્યો હતો અને સાથે સાથે શિવાના દિલની ધડકન વધારતો જતો હતો.

શિવાના ભયનુ પગેરું ચાંપતો હોય એમ આઠમાં દસ મિનીટ  બાકી રહી અને અનુરાગ એના મિત્ર પ્રશાંત સાથે બારણે ડોકાયો.

‘શિવુ, બહુ જ ભૂખ લાગી છે. કેટલી વાર છે ? હું હાથ પગ ધોઈને ફ્રેશ થઈને આવું. આ પ્રશાંત પણ સાથે આવ્યો છે એને પાણી આપજે તો.’ અને અનુરાગ સીધો એના બેડરુમમાં ગયો.

શિવાએ હાથ ધોઇને પ્રશાંતને પાણી આપ્યું અને ફટાફટ રસોડામાં જઈને સૂપ ગરમ કરીને બાઉલમાં કાઢવા લાગી. ઉતાવળ અને ગભરામણમાં એના હાથમાંથી બાઉલ છ્ટક્યો અને સીધો ફર્શ પર પટકાયો.અવાજ સાંભળીને અનુરાગ કીચનમાં આવ્યો અને અકળાઈ ગયો.

‘શિવુ, તુ સાવ ગમારની ગમાર જ રહી. મારો મિત્ર આવ્યો છે અને તેં આ શું ધાંધલ ધમાલ મચાવી છે ? હું રોજ કેટલાંય લોકો માટે ખાવાનું બનાવું છું. રસોઈ કરવી એ એક આર્ટ છે અને એને પીરસવી એનાથી પણ મોટી આર્ટ. તમારી તૈયારી બરાબર હોય તો આવી નાની નાની ભૂલો ક્યારેય ના થાય, પણ તમે બૈરાંઓ આ વાત નથી સમજતાં. આખો દિવસ ગપ્પાં મારતાં બેસી રહો અને જમવાના સમયે ધાઇ ધાઈ ! ટાઈમનું યોગ્ય મેનેજેમેન્ટ જ નહીં ને…’

ત્યાં તો અનુરાગના ખભા ઉપર એના મિત્ર પ્રશાંતનો હાથ પડ્યો.

‘શું છે અનુ ? કેમ આટલી બૂમાબૂમ ? અને વાહ ભાભી બહુ જ સરસ સુગંધ આવી રહી છે ખાવાની. આ નૂડલ્સ અનુ વગારી લેશે અને એ પછી અમે બે જણ ડાઇનીંગ તૈયાર કરીએ છીએ તમે ફ્રેશ થઈને ત્યાં જ આવો જલ્દી.’

‘પ્રશાંત, તારી બુધ્ધિ બહેર મારી ગઈ છે કે ? હું અને ટેબલ ગોઠવું..ઇમ્પોસીબલ.’

‘અરે અનુ, હોટલમાં તો તું આ બધા કામ કરે જ છે ને …તો ઘરમાં કેમ નહીં ?’

‘પ્રશાંત યાર…મારી વાત સમજ. હોટલમાં મારા હાથ નીચે દસ જણનો સ્ટાફ હોય. મારે તો ફકત ફાઈનલ ટચ જ આપવાના હોય, વળી હોટલમાં તો ગ્રાહકો આગળ મારી હોટલની – મારી ઇજ્જતનો સવાલ હોય, મારી આર્ટની વાહવાહી હોય એટલે મારે ત્યાં સતર્ક અને સતત વ્યસ્ત રહેવું જ પડે. ઘરમાં તો રસોઈ બૈરાં જ કરે ને. પુરુષ દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓથી ચડિયાતો જ છે પછી એ કુકિંગની વાત કેમ ના હોય ? સારી હોટલોમાં તેં ક્યારેય કોઇ સ્ત્રીને શેફ બનેલી જોઇ છે કે ? ના – કારણ એ કાયમ મેનેજમેન્ટમાં પુરુષોથી પાછળ જ રહેવાની.’ અનુરાગના અવાજમાં નકરો ઘમંડ છ્લકાઈ રહેલો.

‘અનુ, તારા જેવા પુરુષો નામ અને પૈસા મળે છે એટલે હોટલોમાં રાંધે જ્યારે સ્ત્રીઓ – ગ્રુહિણીઓ ફક્ત પ્રેમવશ થઈ કુટુંબભાવનાને ધ્યાનમાં રાખીને રાંધે છે. એમને બે અક્ષર વખાણના સાંભળવા મળે તો પણ ઠીક ને તારી જેમ અપજશ મળે તો પણ ઠીક..એ ક્યારેય પોતાની આ થેન્કલેસ જોબથી ભાગવાનો યત્ન નથી કરતી. ઉલ્ટાનું એ બીજી વખત વધુ કાળજી લઈને રસોઈ વધુ સારી અને સંતોષજનક બને એવા પ્રયત્નો કરે છે. વળી આજકાલ તો સ્ત્રીઓ પણ આ ક્ષેત્રે પાછળ નથી રહી. હમણાં ટીવી ઉપર સુપરશેફનો એક રીઆલીટી પ્રોગ્રામ આવી ગયો. તારા ધ્યાનમાં હતો કે નહીં એ મને નથી ખબર પણ એમાં સ્ત્રીઓ પણ મેનેજમેન્ટ , સ્ટ્રેસ, ગુણ્વત્તા દરેક બાબતે પુરુષોની સમકક્ષ જ હતી. તું તારા આ જૂના દકિયાનૂસી વિચારોને તિલાંજલી આપ અને શિવાભાભીને જીવવા માટે, શ્વાસ લેવા માટે મોકળાશ આપ.’

અનુરાગના કપાળ ઉપર્ વિચારોના લીધે સળ પડી ગયાં. એણે શિવા સામે જોયું તો થર થર નાજુક પારેવાની જેમ કાંપી રહી હતી. અહં-ઘમંડ્ની ખીણ આગળ ઉભો હતો અને એમાં પડતાં આજે એને એના મિત્ર પ્રશાંતે બચાવી લીધો હતો. આંખો આંખોથી જ એણે શિવાની માફી માંગી લીધી અને નૂડલ્સ બનાવવા માટે ગેસનું બર્નર ગોળ ફેરવ્યું. શિવાને પણ પોતાના નસીબનું ચકકર ફરતું લાગ્યું અને એની આંખો છલકાઈ ગઈ.

અનબીટેબલ :   યોગ્ય પ્રમાણમાં ગર્વ એ ખુદ્દારી છે એને ટપી જવાથી અહં નામનું રણ રચાઈ જાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

One comment on “nasheeb nu chakkar

  1. પુરુષો હંમેશા ઘરમાં સિંહ બનવાનો પ્રયત્ન કરતા હોય છે.મેં થોડા સમય પહેંલાજ કોઈ જગ્યાએ અંગ્રેજી કહેવત વાચી હતી. ‘Don’t be Lion in your House”.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s