રોજ નવું વર્ષ
તમારું વર્તમાન નું વર્તન તમારી જન્મકુંડળીના ચોકઠા દોરીને એમાં એમાં ‘ભવિષ્ય’ નામના આંકડાં ભરે છે. નવું વર્ષ એ રોજ સવારે ઉઠીને આંખો બંધ કરીને આ રુધિરાભિસરણની પ્રક્રિયા હજુ પણ યથાવત છે, સૂરજના તાજા તાજા કિરણો તમને હૂંફ આપે છે, તાજા ખીલેલા ફૂલો ગઈ કાલે મુરઝાઈને ખરી ગયેલા ફૂલોની સ્મશાનયાત્રા કાઢીને રોવાના બદલે ‘ આ અને અત્યારની પળ જ હકીકત છે અને એ ખૂબ સુંદર છે ‘ની વાતમાં આપણી માન્યતા દ્રઢ કરવા સસ્મિત મંદ મંદ વહી રહેલા સમીરની સંગાથે ડોલી ડોલીને વાતાવરણમાં તાજગી અને સુવાસનો છંટકાવ કરે છે, અસિત્ત્વને તરબતર કરે છે, રોજ સવારે ભૂખ્યાં ઉઠાડે છે પણ ભૂખ્યો સુવાડતો નથી અને એથી જ આ સૃષ્ટિના સર્જનહાર પર જેનો ભરોસો અકબંધ છે એ પંખીઓ પણ સઘળી ચિંતાનો ભાર એના માથે નાંખીને પોતાના ભાઈ-ભાંડુઓ સાથે ખાવાનું શોધવા નીકળી પડતા એમની જ મસ્તીમાં ઉડતા ઉડતા એમના મધુર અવાજથી, ગીતોથી ચોમેર જીવંતતા ભરી દે છે અને આ બધાની વચ્ચે તમે ઉમંગસભર એક નવા દિવસની શરુઆત કરો છો એના માટે ઇશ્વરનો આભાર માનવાની એક પ્રક્રિયા (જેને આમ તો પ્રાર્થના જેવું પણ કહી શકાય ) એ છે.
પણ આપણે તો હિસાબોના પાક્કા. આપણા માટે તો ૩૬૫ દિવસે એક જ વાર નવું વર્ષ આવે, બાકી બધાં તો વાસી દિવસો જ કહેવાય. આવી બધી કુદરતની રોજેરોજ બદ્લાતી કરામતો સાથે આપણે શું લેવા દેવા ? જે જેનું કામ કરે. આટલી જીવંતતા આપણને થોડી પોસાય ? આપણે તો એદી માનવીઓ…રોજે રોજ બહારથી તનને સાફ કર્યા કરીએ પણ મનમાં તો ઇર્ષ્યા, વેર, ગુસ્સાનો કચરો ભેગો જ કર્યા કરીએ. એ બધી મોંકાણો કાઢવા માટે સમય જ નથી મળતો.
એક ક્ષણ થોભી જાઓ મિત્રો અને વિચારો તો ખ્યાલ આવશે,
ઇશ્વરના આ સૃષ્ટિમંદિરમાં આપણે પૂજારી થઈને એક ચોકકસ હેતુ સાથે આ પ્રુથ્વી પર અવતર્યા છીએ. આપણા હેતુ -કાર્યની રોજેરોજ આરતી ના ઉતારીએ તો સહસ્ત્ર દીવડાં બંધ થઈ જશે, એમાં ભજન નહીં ગાઈએ તો દસે દિશામાં અકળાવી કાઢતો શૂનકાર છવાઈ જશે. પર્વતો, ખીણ, વરસાદ, તાપ,તોફાન, લહેર, વૃક્ષ, બીજ સર્વત્ર ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ આપણા જીવનપૂજારીઓની પૂજા. એમાં આપણી શ્રધ્ધાનો શંખનાદ હંમેશા વાગતો રહેવો જોઇએ, આપણી નિર્મળ ઉર્મિઓનો અખંડદીપ સદા જલતો રહેવો જોઇએ, આપણી પ્રાર્થનાનો ઘંટનાદ પળે પળે રણઝણવો જોઇએ. આ બધી ક્રિયાઓ માટે નવું વર્ષ આવવાની રાહ ના જોવાય રે નાદાનો !
કોઇ પણ કાર્ય કરવાની પૂર્વશરત સંતોષ અને શાંતિ હોવી જોઇએ. કારણ એ જ શાશ્વત છે. આ બધાંયને મદદ કરવા માટે ઇશ્વરે મનુષ્યને અદભુત ગુણ આપ્યો છે અને એ છે પ્રેમ. કોઇને પણ ફકત આપવાની ભાવના સાથે તન્મયતાથી પ્રેમ કરશો તો એ વર્ણવવા ભલભલાં શબ્દો પણ ફીકા પડી જશે. એને સાબિત કરવા માટે કોઇ જ સાબિતીઓની જરુર નહી પડે.એ પ્રેમ તમારા રુધિરમાં ઓકસીજનની માત્રા વધારી દેશે, ભાવજગતને અલૌલિક વળાંક મળશે, સર્વત્ર આનંદની છોળો ઉડશે, થાક -દુઃખ-કલેશ જેવા કકળાટ કાયમ તમારાથી જોજનો દૂર રહેશે અને એને કાઢવા નવા વર્ષની પૂર્વે કાળીચૌદશની રાહ નહી જોવી પડે. તો મિત્રો આજથી ને અત્યારથી જ પ્રક્રુતિના સર્જનહાર પ્રત્વે પ્રેમ, આદર, શ્રધ્ધા રાખીને પૂર્ણ રીતે સમર્પિત થઈને પ્રભુ ના આશીર્વાદ લઈ તમારી મહેનત, વિશ્વાસ અને આવડતના પાયા પર તમારા માટે નિર્ધારીત કરાયેલા કાર્યની ઇમારત ચણવાનું શરુ કરી દો તો આજ જ નહીં પણ જીવતરનો એકે એક દિવસ આપણા માટે નવું વર્ષ છે, મંગળમય છે !
આપના દરેક કાર્ય સફળ થાય-આમીન !
-સ્નેહા પટેલ.
વાહ ખુબ જ સરસ આર્ટિકલ
“કોઇ પણ કાર્ય કરવાની પૂર્વશરત સંતોષ અને શાંતિ હોવી જોઇએ. કારણ એ જ શાશ્વત છે. આ બધાંયને મદદ કરવા માટે ઇશ્વરે મનુષ્યને અદભુત ગુણ આપ્યો છે અને એ છે પ્રેમ”
મસ્ત
LikeLiked by 1 person
વાહ, અદ્ભુત લેખ…તમે લેખમાં ખુબ જ સરસ વાત કરી કે વર્ષમાં એક જ દિવસ નવા વર્ષ તરીકે શા માટે ઉજવવાનો પરંતુ દરેક દિવસ નવુ વર્ષ બનવો જોઇએ, એ રીતે પ્રેમથી જીવવો અને માણવો જોઈએ…જો મનુષ્ય પ્રકૃતિ સાથે જોડાયેલો રહેશે તો મનુષ્યો સાથે પણ જોડાયેલો રહેશે તથા જીવન પણ પ્રેમ અને આનંદ થી ભરપુર રહેશે…જો જીવન સુખ-શાંતિથી જીવવું હોય તો જીવનની દરેક નાની કે મોટી વાતને હકારાત્મક દ્રષ્ટિકોણ થી લેવી કે સ્વીકારવી જોઇએ. ટુંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સ્નેહાએ આ લેખમાં જીવન જીવવા માટેનું જે “તત્વજ્ઞાન” છે, તેનો “સાર” કહી દીધો છે…તમે એક સારા “ફિલોસોફર” પણ છો…તમે નાની ઉંમરમાં જિંદગીના ઘણા રંગો જોઇ લીધા હોય એવું લાગે…best lines of the article “આ બધાયને મદદ કરવા માટે ઈશ્વરે મનુષ્યને અદ્ભુત ગુણ આપ્યો છે અને એ છે પ્રેમ. કોઇને પણ ફક્ત આપવાની ભાવના સાથે તન્મયતાથી પ્રેમ કરશો તો એ વર્ણવવા ભલભલા શબ્દો પણ ફીકા પડી જશે, એને સાબિત કરવા માટે કોઇ જ સાબિતીઓની જરુર નહી પડે.”…બસ વધુ તો શું કહુ આખરે તો તમારા શબ્દો જ બોલે છે…best of luck for your wonderful life…
LikeLiked by 1 person