વાત કુમળા છોડની


fulchhab paper > Navrash ni pal column > 21-11-2013

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

આશા છે એકની અને આદત બીજાની છે,

હા હોય કે નકાર સમસ્યા કશી નથી.

-રઈશ મણીઆર.

 

ધરાની આંખો આંસુથી તગતગી ઉઠી.

ઓમ – એનો એકનો એક દસ વર્ષનો લાડકવાયો એના બંગલાની બહાર આવેલા, મધ્યમવર્ગીય ફ્લેટના છોકરાઓ સાથે ફટાકડા ફોડતો હતો. ઓમની પાસે લેટેસ્ટ સ્ટાઈલના દારુખાનાની રેન્જ હતી. એ જોઇને બીજા છોકરાંઓને એની ઇર્ષ્યા થતી હતી. માસૂમ ઓમ એના ફટાકડા પોતાના એ મિત્રોની સાથે ભેગો મળીને ફોડતો હતો, એ લોકોના દિલમાં ચાલતા તુમુલ યુધ્ધની એને કલ્પના સુધ્ધાં નહતી. કોઇ મિત્ર માંગે તો એ એમને પ્રેમથી પોતાના ફટાકડાં આપતો પણ હતો. બધી આંગળીઓ સરખી નથી હોતી એમ એ મિત્રવર્તુળમાં બે ત્રણ છોકરાંઓને ઓમની એ ફટાકડાંની ભીખથી સંતોષ નહતો થતો. એમને તો એ બધાં ફટાક્ડાં ઉપર પોતાનો અધિકાર સ્થાપવો હતો. ઓમ અને બાકીના બધા છોકરાંઓનું ધ્યાન ફટાકડાં ફોડવામાં હતું ત્યારે એ છોકરાંઓ ઓમની દારુખાનાની થેલી હળ્વેથી સેરવી લઈને ત્યાંથી છુ..ઉ…ઉ થઈ ગયાં. ઓમને આ વાતનો ખ્યાલ આવતાં જ એનું દિલ તૂટી ગયું અને રડી પડ્યો.

પાણી માંગતા આઇસ્ક્રીમના સ્કુપ ખવડાવીને મોટા કરેલ પોતાના લાડકવાયાને આમ દુઃખી જોઇને સંવેદનશીલ માતા – ધરા પણ રડી પડી. બે પળ એને ઓમની માસૂમિયત પર ગુસ્સો પણ આવ્યો પણ પછી થયું કે એ જે છે એ જ બરાબર છે, દુનિયા ભૂંડી હોય તો આપણે પણ એમની સાથે ભૂંડા બનવું જરુરી નથી. છેવટે એણે મનોમન એક નિર્ણય લઈ લીધો અને ઓમને બંગલાની બહાર એના મિત્રો સાથે રમવા જવાની મનાઈ ફરમાવી દીધી. બે ત્રણ દિવસ તો ઓમે કહ્યાગરા પુત્રની જેમ એની વાત માની પણ પછી એ સોરાવા માંડ્યો. પીંજરે પૂરાયેલા પંખીની જેમ એકલો એકલો અકળાવા લાગ્યો. ધરા એની સાથે થોડો વધુ સમય પસાર કરવા લાગી પણ એનાથી એને ફર્ક નહતો પડ્તો. ઘરની બહાર એના મિત્રોને ક્રિકેટ, સંતાકૂકડી, બેડમિંગ્ટન જેવી રમતો રમતાં જોઇને ઓમની એકલતા વધુ ઘેરી બની જતી.

શિવાંગ-ધરાનો પતિ અને ઓમનો ડેડી ચૂપચાપ અઠવાડિયાથી આ ઘટનાઓને નિહાળતો હતો. એકાએક એના મનમાં શું આવ્યું તો એણે બંગલાના ગાર્ડનમાંથી ગુલાબ, તુલસી, બધા સારા સારા પ્લાન્ટસ સાચવીને મૂળ સમેત કુંડામાંથી કાઢવા માંડ્યાં. શિવાંગનું આવું વર્તન જોઇને ધરા અવા્ચક થઈ ગઈ. એણે ખૂબ જતનથી આ બધા પ્લાન્ટ્સ ઉછેરેલા હતા અને શિવાંગ એની આવી અવદશા કરતો હતો એ એનાથી સહન ના થયું. એકદમ અકળાઈ જઈને એણે શિવાંગનો હાથ પકડી લીધો.

‘શિવાંગ, પાગલ થઈ ગયો છે કે શું ? અચાનક આ પ્લાન્ટ્સ તોડી કાઢવાનું ભૂત કેમ ભરાયું તારા મગજમાં ?’

‘ધરુ, પ્લાન્ટ્સ તોડતો નથી. જો તો ખરી દરેક પ્લાન્ટ્શ કાળજીથી એના મૂળ સાથે કાઢું છું.’

‘અરે પણ કેમ…શું કામ ?’

‘ધરુ, વાત એમ છે ને કે આજુ બાજુના લોકો કાયમ આપણા ગુલાબ, ચંપો, જાસ્મીન જેવા ફૂલો અને લીમડો તુલસી પણ તોડી જાય છે. આપણે આટલી કાળજી લઈને ઉછેરેલા છોડોની આવી અવદશા મારાથી સહન નથી થતી. આપણે છોડ પરથી ફૂલ તોડતાં બે વાર વિચારીએ છીએ ને બહારના લોકો સાવ બોડીબામણીના ખેતરની જેમ એને વાઢી જાય છે એ મારાથી સહન નથી થતું.. હું હવે આ બધા પ્લાન્ટ્સ આપણાં ડ્રોઈંગરુમની જમણી બાજુએ ક્યારો બનાવીને એમાં નાંખીશ અને ત્યાં જ ઉછેરીશ.’

‘આર યુ ક્રેઝી શિવાંગ ! આ શું ધડ માથા વિનાની વાત કરે છે તું ? દરેક છોડને યોગ્ય સનલાઈટ, પાણી,ખાતર, કાળ્જી જોઇએ.એ બધું ઘરના ડ્રોઈંગરુમમાં કયાં શક્ય છે? એના માટે તો બંગલાનો બગીચો જ યોગ્ય છે. લોકો તોડી જાય એ એમની મેન્ટાલીટી, એમાં આપણે કશું ના કરી શકીએ. પણ આપણો છોડ એવા એકાદ બે ફૂલ તૂટી જવાથી મરી થોડો જવાનો? એના ઉપર બીજા ફૂલો આવશે અને એ કાયમ મઘમઘતો જ રહેશે. લોકોની બીકથી આપણાં છોડને વગર વાંકે ઘરમાં પૂરીને મારી તો ના જ કઢાય ને?’

‘ એ જ તો સમજાવું છું ધરા તને..’

અને ધરાને આખીય વાતનો સંદર્ભ સેકન્ડ્માં સમજાઈ ગયો. શિવાંગના બાહુમાં સમાઈ જઈને એના કાનમાં હળ્વેથી ‘સોરી’ કહીને માફી માંગી લીધી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એનું વચન આપ્યું.

અનબીટેબલ : દુનિયાને  બદલી નથી શકાતી  પણ તમારું વર્તન તો તમારી માનસિકતાને આધીન રહી જ શકે છે.

-સ્નેહા પટેલ

unbetable


ખુદના ડીપ્રેશન / ટેન્શનોના રસ્તા ખુદમાંથી જ શોધી કઢાય પછી મોટા ભાગે જીંદગી સરળ બની રહે છે.
-સ્નેહા પટેલ.

ફોરવર્ડેડ બુધ્ધિ


phoolchhab newspaper > navrash ni pal column > 13-11-2013

તમરાં અને આ આગિયાની એક્ધારી ફૂદડી,

શાની મચે છે ધૂમ આ અવકાશ કાળા મેશમાં !

કૈં વાયકાઓ સાથ ભેળી થાય દંતકથા અહીં,

ગઠરી બધી છોડે, ન ઓછું થાય કૈં લવલેશમાં.

-ધીરેન્દ્ર મહેતા.

‘આજની દુનિયા મેસેજીસમાં જ ઉઠે છે, મેસેજીસ સાથે જ બ્રેકફાસ્ટ – લંચ – ડીનર કરીને – ટીવીની સાથે મેસેજીસ જોતી જોતી જ રાતે મોબાઈલ કાન આગળ રાખીને સૂઈ જાય છે. ખરી છે !’

પીન્કીએ એનો એનરોઈડ ફોન સોફા પર ફેંકતા પ્રુથ્વી – એના સહકાર્યકર સમક્ષ પોતાની અકળામણ ઠાલવી.

‘શું થયું પીન્કી, આજે કેમ પારો આટલો ઉંચો ? વળી મેસેજીસમાં ખોટું શું છે ? આજની દુનિયામાં એણે આપણી લાઈફ ઉલ્ટાની સરળ બનાવી દીધી છે.  ફ્રેન્ડસ, ગ્રુપ્સ એ બધામાં મેસેજીસ તો હું પણ કરું છું. આપણા જર્નાલિઝમના ફિલ્ડમાં આ સુવિધા નજરઅંદાજ થાય એમ જ નથી.’

‘વાત એમ નથી પૃથ્વી. આખો દિવસ સુવિચારો,  વધુ પડતા ઇમોશનલ  અને અમુક તો બુધ્ધિનું સાવ જ દેવાળું ફૂંક્યું હોય એવા મેસેજીસ આવે જ રાખે. લાંબા લાંબા મતલબ વગરના વીડીઓ પણ મોક્લાયે રાખે જેને સાફ કરતાં મારો દિવસનો કલાક બગડે છે. આખો દિવસ તો આવા ડાહ્યાં ડાહ્યાં વિચારોથી ના જીવી શકાય ને ? હું કોઇ ફની કે ઈન્ટરસ્ટીંગ કે કોઇ પંચલાઈન જેવા મેસેજીસ જોવાની ઉત્સુકતાથી મોબાઈલ જોઉં ને ભલીવાર વિનાના સંદેશા જોવા મળે. જાણે કે અમે એકલા જ આવા મેસેજીસ વાંચીને સમય બગાડીને હેરાન કેમ થઈએ ? લો તમે પણ ભેળા હેરાન થાવ, લેતાં જાવ.’

પ્રુથ્વી ખડખડાટ હસી પડ્યો. એણે ઇન્ટરકોમથી રિસેપ્શન પર બે કડક કોફી અને બિસ્કીટ્સ કેબિનમાં મોકલવાનું કહી પીન્કીને સામે પડેલો પાણીનો ગ્લાસ ધર્યો. પીન્કી એક જ શ્વાસે એ પી ગઈ.

‘હવે બોલ, એવો તો કયો ખતરનાક મેસેજ વાંચી કાઢ્યો આજે મેડમે ?’

‘તું પેલા ધ્વનિતીયાને તો ઓળખે છે ને ?’

‘હા, આપણી સાથે જર્નાલિઝમના ક્લાસમાં હતો એ જ ને – સૌથી કુલ એન્ડ ઇન્ટેલીજન્ટ ગાય ? ‘

‘હા, એ જ. એવા સ્માર્ટ ડ્યુડે આજે મને એક મેસેજ મોકલ્યો છે . હું તને ફોરવર્ડ નહીં કરું. જસ્ટ ટુંકાણમાં કહી દઉં છું.’

‘એક પ્રેગનન્ટ લેડી એની દીકરીને પૂછે છે- બેટા, તને શું જોઇએ – ભાઈ કે બેન ?’

‘ભાઈ’

‘કોના જેવો ?’

‘રાવણ જેવો’

‘શું, તું શું બકે છે તને કંઈ ભાન બાન છે કે ?’

‘ઓફકોર્સ મા, એણે એનું રાજપાટ એની બેનના સન્માન માટે છોડી દીધેલું. મારે એવા ભાઈની ઇચ્છા શું કામ ના કરવી જોઇએ?

વળી એક અભણ ધોબીની વાત સાંભળીને સદા પોતાની પરછાઈ બનીને હસતા મુખે વનવાસ સહન કરેલ, પુષ્કળ તકલીફોમાંથી પાર થયેલી પ્રેગન્ન્ટ પતિવ્રતા પત્નીને છોડી દે છે, અગ્નિપરીક્ષા આપવા મજબૂર કરે છે એવા રામ જેવા માણસની સાથે કોણ રહી શકે કે એવા પુત્રની ખેવના પણ કઈ મા કરી શકે ?’

વાત સાંભળીને માતાની આંખો છ્લકાઈ ગઈ.

છેલ્લે વાર્તાનું તારણ કાઢવામાં આવેલું,’રીશ્તા વહી, સોચ નઈ!’

‘હવે બોલ પૃથ્વી, રામનો પર્યાય રાવણ ? રાવણ એક ભાઈ તરીકે સારો હતો તો રામ એનાથી પણ ઉત્તમ ભાઈ હતાં ને .., વળી માનવી ફક્ત ભાઈ જ હોય એવું થોડી હોય ? દરેક માનવી એક ભાઈ ઉપરાંત એક માનવી, પતિ, દોસ્ત,પુત્ર હોય છે. એ બધામાં તો રાવણ ફેઈલ હતો. સવાર સવારમાં  લોકો  લાંબુ વિચાર્યા વગર કોઇ જ મતલબ વગરના આવા મેસેજીસ  ફોર્વર્ડ કરે જ રાખે છે અને સાથે સાથે એ મેસેજ આપણે બીજાઓને પણ ફોરવર્ડ કરીએ એવી સલાહ આપતાં હોય છે. મેસેજીસમાં પોતાના કોઇ જ વિચારો કે  એક અક્ષરનું એડીટીંગ પણ નહીં. વિચારોનો કચરો નકરો! પોતાને સતત વ્યસ્ત અને દોસ્તોથી ઘેરાયેલી રાખવા મથતા, લેટેસ્ટ એપ્લીકેશન્સ વાપરી વાપરી મિત્ર-સગા સંબંધીના વર્તુળમાં પોતાની જાતને સુપરસ્માર્ટ ગણાવવાના ધખારામાં પોતાની સામાન્ય બુધ્ધિના નામનું તો સાવ નાહી જ નાંખે છે ને!’

આખીય વાત સાંભળીને પ્રૂથ્વીનું માથું પણ ભમી ગયું. એને થયું સવાર સવારમાં રામના પર્યાય તરીકે રાવણ જેવા ભાઈની પ્રાર્થના કરનારો મેસેજ એને વાંચવા મળે તો એની હાલત પણ કદાચ પીન્કી જેવી જ થાય.

અનબીટેબલ : દરેક માનવી પોતાના ગજા અનુસાર મૂર્ખા બનવાનું સ્વીકારતો હોય છે, જોકે એની પણ એક હદ હોય છે.

-સ્નેહા પટેલ.

રોજ નવું વર્ષ


રોજ નવું વર્ષ

તમારું વર્તમાન નું વર્તન તમારી જન્મકુંડળીના ચોકઠા દોરીને એમાં એમાં ‘ભવિષ્ય’ નામના આંકડાં ભરે છે. નવું વર્ષ એ રોજ સવારે ઉઠીને આંખો બંધ કરીને આ રુધિરાભિસરણની પ્રક્રિયા હજુ પણ યથાવત છે, સૂરજના તાજા તાજા  કિરણો તમને હૂંફ આપે છે, તાજા ખીલેલા ફૂલો ગઈ કાલે મુરઝાઈને ખરી ગયેલા ફૂલોની સ્મશાનયાત્રા કાઢીને રોવાના બદલે ‘ આ અને અત્યારની પળ જ  હકીકત છે અને એ ખૂબ સુંદર છે ‘ની વાતમાં આપણી માન્યતા દ્રઢ કરવા સસ્મિત મંદ મંદ વહી રહેલા સમીરની સંગાથે ડોલી ડોલીને વાતાવરણમાં તાજગી અને સુવાસનો છંટકાવ કરે છે, અસિત્ત્વને તરબતર કરે છે, રોજ સવારે ભૂખ્યાં ઉઠાડે છે પણ ભૂખ્યો સુવાડતો નથી અને એથી જ આ સૃષ્ટિના સર્જનહાર પર જેનો ભરોસો અકબંધ છે એ પંખીઓ પણ સઘળી ચિંતાનો ભાર એના માથે નાંખીને પોતાના ભાઈ-ભાંડુઓ સાથે ખાવાનું શોધવા નીકળી પડતા  એમની જ મસ્તીમાં ઉડતા ઉડતા એમના મધુર અવાજથી, ગીતોથી ચોમેર જીવંતતા ભરી દે છે અને આ બધાની વચ્ચે તમે  ઉમંગસભર એક નવા દિવસની શરુઆત કરો છો એના માટે ઇશ્વરનો આભાર માનવાની એક પ્રક્રિયા (જેને આમ તો પ્રાર્થના જેવું પણ કહી શકાય ) એ છે.

પણ આપણે તો હિસાબોના પાક્કા. આપણા માટે તો ૩૬૫ દિવસે એક જ  વાર નવું વર્ષ આવે, બાકી બધાં તો વાસી દિવસો જ કહેવાય. આવી બધી કુદરતની રોજેરોજ બદ્લાતી કરામતો સાથે આપણે શું લેવા દેવા ? જે જેનું કામ કરે. આટલી જીવંતતા આપણને થોડી પોસાય ? આપણે તો એદી માનવીઓ…રોજે રોજ બહારથી તનને સાફ કર્યા કરીએ પણ મનમાં તો ઇર્ષ્યા, વેર, ગુસ્સાનો કચરો ભેગો જ કર્યા કરીએ. એ બધી મોંકાણો કાઢવા માટે સમય જ નથી મળતો.

એક ક્ષણ થોભી જાઓ મિત્રો અને વિચારો તો ખ્યાલ આવશે,

ઇશ્વરના આ સૃષ્ટિમંદિરમાં આપણે પૂજારી થઈને એક ચોકકસ હેતુ સાથે આ પ્રુથ્વી પર અવતર્યા છીએ. આપણા હેતુ -કાર્યની રોજેરોજ આરતી ના ઉતારીએ તો સહસ્ત્ર દીવડાં બંધ થઈ જશે, એમાં ભજન નહીં ગાઈએ તો દસે દિશામાં અકળાવી કાઢતો શૂનકાર છવાઈ જશે. પર્વતો, ખીણ, વરસાદ, તાપ,તોફાન, લહેર, વૃક્ષ, બીજ સર્વત્ર ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ આપણા જીવનપૂજારીઓની પૂજા. એમાં આપણી શ્રધ્ધાનો શંખનાદ હંમેશા વાગતો રહેવો જોઇએ, આપણી નિર્મળ ઉર્મિઓનો અખંડદીપ સદા જલતો રહેવો જોઇએ, આપણી પ્રાર્થનાનો ઘંટનાદ પળે પળે રણઝણવો જોઇએ. આ બધી ક્રિયાઓ માટે નવું વર્ષ આવવાની રાહ ના જોવાય રે નાદાનો !

કોઇ પણ કાર્ય કરવાની પૂર્વશરત સંતોષ અને શાંતિ હોવી જોઇએ. કારણ એ જ શાશ્વત છે. આ બધાંયને મદદ કરવા માટે ઇશ્વરે મનુષ્યને અદભુત ગુણ આપ્યો છે અને એ છે પ્રેમ. કોઇને પણ ફકત આપવાની ભાવના સાથે તન્મયતાથી પ્રેમ કરશો તો એ વર્ણવવા ભલભલાં શબ્દો પણ ફીકા પડી જશે. એને સાબિત કરવા માટે કોઇ જ સાબિતીઓની જરુર નહી પડે.એ પ્રેમ તમારા રુધિરમાં ઓકસીજનની માત્રા વધારી દેશે, ભાવજગતને અલૌલિક વળાંક મળશે, સર્વત્ર આનંદની છોળો ઉડશે, થાક -દુઃખ-કલેશ જેવા કકળાટ કાયમ તમારાથી જોજનો દૂર રહેશે અને એને કાઢવા નવા વર્ષની પૂર્વે કાળીચૌદશની રાહ નહી જોવી પડે. તો મિત્રો આજથી ને અત્યારથી જ પ્રક્રુતિના સર્જનહાર પ્રત્વે પ્રેમ, આદર, શ્રધ્ધા રાખીને પૂર્ણ રીતે સમર્પિત થઈને પ્રભુ ના આશીર્વાદ લઈ તમારી મહેનત, વિશ્વાસ અને આવડતના પાયા પર તમારા માટે નિર્ધારીત કરાયેલા કાર્યની ઇમારત ચણવાનું શરુ કરી દો તો આજ જ નહીં પણ જીવતરનો એકે એક દિવસ આપણા માટે નવું વર્ષ છે, મંગળમય છે !

આપના દરેક કાર્ય સફળ થાય-આમીન !

-સ્નેહા પટેલ.