સો રાષ્ટ્ર બરાબર એક રાષ્ટ્ર – સૌરાષ્ટ્ર

‘સો રાષ્ટ્ર બરાબર એક રાષ્ટ્ર – સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રના લોકો બડા મોજીલા અને રંગીલા છે. અહીંના લોકોને ખુશીઓ  શોધવી નથી પડતી એ લોકો વાત વાતમાંથી ખુશી મેળવી લે છે. પૈસા નહીં પણ આત્મસંતોષને  જ મોટી ખુશી ગણાય એવી યુટોપિયા એટલે આદર્શરૂપ ધરા એટલે સૌરાષ્ટ્ર.

૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જુનાગઢ રાજ્ય સહિત કાઠીયાવાડનાં ૨૧૭ રજવાડાઓનું એકીકરણ કરી ને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. ત્યારે તેને ’યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડ’ તરીકે ઓળખાવાયું. નવેમ્બર ૧૯૪૮માં તેનું ’સૌરાષ્ટ્ર રાજ્ય’ તરીકે નવું નામકરણ થયું. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટોટલ રરર સ્થાનિક રજવાડાં અને સુબાઓને સહમત કરવા સરદાર વલ્લભભાઈ પટેલે ખુબ જહેમત ઉઠાવી હતી. જો કે ગોહિલવાડ રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમનું વિશાળ રાજ્ય સામેથી સરદાર પટેલને ભારતીય સંઘમાં ભેળવવા માટે અર્પણ કર્યું અને આમ ભાવનગર ભારતીય સંઘમાં ભળનાર પ્રથમ રાજ્ય બન્યું.સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું.

૧ નવેમ્બર ૧૯૫૬માં સૌરાષ્ટ્રનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું ત્યાર બાદ ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષા આધારીત ભાગલા પડ્યા અને ગુજરાત તથા મહારાષ્ટ્ર એમ બે નવા રાજ્યોની રચના થઈ. પૂર્વ સોરઠ કે જુનાગઢ રજવાડા સહીતનો સૌરાષ્ટ્ર વિભાગ અત્યારે ગુજરાત રાજ્યનો જ એક ભાગ છે.

સૌરાષ્ટ્રની ભૌતિક ઓળખાણ મુખ્યત્વે ડુંગરા, દરિયો ને નદીઓ;  એનાં પશુઓની ઓળખાણ સિંહ, કાઠિવાડી ઘોડાં અને ગીરની ગાયો; માનવીની પણ ત્રણ ઓળખાણ સતી, સંત અને શૂરવીરો; તીર્થોની ઓળખાણઃ દ્વારકા, સોમનાથ અને ગિરનાર છે.

સત, ધરમ અને શીલતા, વીર દાતારી વિખ્યાત,

કાશીથી કન્યાકુમારી કાઠીયાવાડ પ્રખ્યાત.

સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠીયાવાડ તરીકે ઓળખાતું.રાષ્ટ્રીય શાયર મેઘાણીભાઈએ કાઠીયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના મોંફાડ વખાણ કર્યા છે. વાણી અર્થાત્ લોહસાહિત્ય, પાણી અર્થાત્ શૂરવીરતા અને મહેમાનગતિ એટલે મહેમાનોનો થતો આતિથ્ય સત્કાર.

આ વખાણને સમર્થન આપતાં પાંચ દસકા પહેલાંની વાત કરીએ તો સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિપ્રેમી પ્રજા આંગણે આવતા મહેમાન-પરોણા માટે પ્રાણ પાથરતી. એને ‘આભી’ જેવડો આવકારો આપતી. મહેમાનોને આવા માનપાન આપનાર ઘરધણીનો રોટલો ને આબરું બેય પચ્ચીસ પચ્ચીસ ગાઉ દૂર પંકાતા.

સવારથી આંગણામાં ઢોલિયા ઢાળીને હુક્કા ગગડાવતો ડાયરો બપોરની વેળાએ ડેલીએથી જમવા ઊભો થાય કે ઓરડામાં આસનિયું નંખાય. સાથે પિત્તળના બાજોઠ અને પિતળની બેશેર વજનની બેસણી મૂકાતી. સાથે સાથે જમતાં પગને આરામ મળે એ માટે ઢીંચણયું પણ મુકાય. મહેમાનોની જમણી બાજુ એમની નજર સામે જ દરેક વસ્તુઓ મુકવામાં આવે જેથી કોઈને માગતાં સંકોચ ન થાય. શેડકઢા દૂધનું બોઘરણું, દહીં, બે શાક, તીખું અને ખાટું. સાથે મિષ્ટાન્ન, અથાણાં આવે. બાજોઠ ઉપર થાળ, થાળમાં રોટલા, રોટલી, ઘીની વાઢી, ખાડેંલાં મરચાં, મીઠું થાળમાં હોય. ઓરડામાં વીસ મહેમાન જમવા બેઠા હોય તોય બાજરાના રોટલા તો ગરમ ગરમ જ આવે. કાઠીયાણીઓ બાજરાના રોટલા ચડી જાય પછી એને ચુડાની બડે ઉપર ઊભા મૂકી દે. ચુલો ચાલતો હોય એટલે રોટલા ગરમ જ રહે અને ગરમ ગરમ જ પીરસાય. ચતુર કાઠીયાણીઓની આ કોઠાસૂઝ કહેવાય છે. એમના હાથે બનતા બાજરાના રોટલાની મીઠાશ પણ કંઈક અનોખા પ્રકારની હોય છે. એક સરખો ગોળ ઘડાયા પછી ઝડપથી તાવડમાં એવી રીતે નાખે કે એમાં હવા ન રહે. હવા રહી જાય તો ભમરા પડે. આ ભમરા માટે કણબી પટેલોમાં કહેવાય છે કે દીકરી બાજરાના રોટલા ઘડતાં શીખતી હોય અને ભમરો પડે તો મા એને તરત જ સભંળાવે છે ‘આ ભમરાવાળો રોટલો તારો બાપ ખાશે પણ તારો સસરો નહીં ખાય.’

પાલર વભા પાલીયાનો પ્રખ્યાત દુહો યાદ આવી ગયો

‘કાઠીયાવાડમાં કોક’દિ ભુલો પડય ભગવાન

મોળા કરું મેમાન (તને) સ્વર્ગ ભુલાવુ શામળા’

ભગવાન શ્રીકૃષ્ણ આ મહેમાનગતિના પ્રતાપે જ તો કાઠીયાવાડમાં  ભૂલા પડેલાં. અને ગોકૂળ મથુરા મૂકીને જીવનભર આ ધરતી પર રહ્યા હતા.

સૌરાષ્ટ્રના નેચરલ રીસોર્સીસ ખૂબ ઓછાં છે. એ કારણે આ પ્રજા સતત સંઘર્ષ કરતી આવી છે. કુદરતનો નિયમ છે કે ટાંચા સાધનોની હાજરીમાં માનવીની કોઠાસૂઝ વિકસે અને એ કારણે એનો શારિરીક અને માનસિક વિકાસ મજબૂતાઈથી થાય. આ જ કારણથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર જેટલી ભાતીગળ અને પરંપરાગત સંસ્કૃતિનો વિકાસ બીજે ક્યાંય નથી જોવા મળતો. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસત વિશાળ છે. આઝાદી પછી સૌરાષ્ટ્રમાં ભૂખમરાની સ્થિતી હતી. દસ વીઘા ખેતીની જમીન હોય અને કુંટુંબમાં દસ સંતાનો. ૧૯૫૦ના અરસામાં સુરતમાં ડાયમંડ ઉધ્યોગ વિકાસ પામેલો. આ મહેનતુ પ્રજાનાં દસમાંથી લગભગ ત્રણ સંતાન હીરાઉધોગમાં જોડાવા લાગ્યાં. આજે હાલાત એ છે કે વિશ્વભરના હોંગકોંગ, જર્મની, બેલ્ઝિયમ, લંડન, આફ્રિકા જેવા અનેકો દેશમાં આ પ્રજા પોતાની ડાયમંડની ઓફિસો ખોલીને બેઠી છે.

ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી, નરસિંહ મહેતાં, ગંગા સતી , લોયણ, લીરબાઈ, રૂપાંદે, રામ દે પીર, રવિસાહેબ, મૂળદાસ, મીરાંબાઈ, પ્રીતમદાસ, પ્રેમાનંદ,દેવીદાસ, દયારામ, સતી તોરલ, જેસલ, ગંગાસતી, કબીર, અખો જેવા અનેકો સંત કવિ અને કવિયત્રીઓની  અનેક મોંઘેરી જણસ આપનાર આ ધરાનો સિંહફાળો છે.

અત્યારે નેટ પર ગુજરાતી ટાઈપ કરનાર દરેક ગુજરાતી ગુજરાતી ભાષાના શબ્દકોશ ‘ભગવદ્રોમંડળ’ નામથી અજાણ્યો નહીં જ હોય.આની રચના  ગોંડલના રાજા ્સગરામજી બીજાના પુત્ર ભગવતસિંહજીએ કરી છે. લગભગ ૨૬ વર્ષના અથાગ પરિશ્રમને અંતે ૧૯૪૪થી ૧૯૫૫ એમ ૧૧ વર્ષ દરમ્યાન એના નવ ગ્રંથોના નવહજારથી પણ વધુ પેઇજીસમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે. ગુજરાતી ભાષામાં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ કદાચ આ કોશ દ્વારા જ વિશ્વને થઈ. એને ફકત શબ્દકોશ તરીકે નહીં પણ જ્ઞાનકોશ તરીકે ઓળખાય છે.

સૌરાષ્ટ્રમાં ઋતુ પ્રમાણે માધવપુરનો મેળો, તરણેતરનો મેળો, ભવનથનો મેળો,  કાલાવડ રણુજાનો મેળો વગેરે જેવા મેળાઓ યોજાય છે. રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો મુખ્યત્વે ભકિત-કીર્તનનો મેળો છે, શિવરાત્રિના દિવસે ભરાતો ભવનાથનો મેળામાં ભારતભરના સાધુ સંતો ભેગાં થાય છે –  અલખના આરાધકોનું મિલન સ્થળ છે . ઋષિપંચમીના દિવસે ભરાતો તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની  સમૃધ્ધ લોક સંસ્કૃતિને નજીકથી સમજવા અને માણવા માટે તરણેતરનો મેળો એક માત્ર સ્થાન છે.

હવે આજના જમાનામાં ગામડાં  ગામડાં નથી રહ્યાં ગ્લોબલાઇઝેશનના ગરમ પવને આ ગામડાંની નિર્દોષ- સ્વચ્છ હવાને શહેરીકરણના રંગે રંગી  મૂકી છે. પ્રકૃતિના ખોળે રહીને ઉછ્રરતી મહેનતુ, ભોળી, કર્મઠ પ્રજા આધુનિક ટેકનોલોજીના ફાયદા મેળવવા માટે  વધુ ને વધુ પૈસો કમાવા માટે આંધળી દોટ મૂકે છે. પરિણામે દુનિયાના દરેક આધુનિક દેશની સોનાની થાળીમાં લોઢાના મેખરુપી અવગુણો અહીં પણ દેખા દે છે. સતત સંઘર્ષમય હરિફાઈને કારણે ભોળી પ્રજા ચતુર – ગણત્રીબાજ થઈ ગઈ છે. સાંજ પડે ખાટલા ઢાળીને વડલાં, લીમડાં, ગાય, ભેંસ, ખેતર, દીકરી-દીકરાના વેવિશાળ,સ્કુલ વગેરેની ચર્ચા કરનારા લોકો આજકાલ કોને પાડી દેવો છે ને રાજકારણમાં કોને જીતાડી દેવા છે ને કોને ટાલ પાડી દેવી છે ની વાતોમાં જ રમમાણ દેખાય છે. જે મહેમાનગતિના કારણે વખણાતા હતા એ બધું જાણે એક વાર્તા થઈ ગઈ છે. આજે આતિથ્યનું સુખ દરવાજો ખખડાવતું ઉભું હોય અને યજમાન મોબાઈલમાં વોટસ એપમાં મિત્રો સાથે વાત કરવામાં કે વિડિઓ ગેમ્સ રમવામાં મશગુલ હોય છે.

-સ્નેહા પટેલ.

5 comments on “સો રાષ્ટ્ર બરાબર એક રાષ્ટ્ર – સૌરાષ્ટ્ર

  1. Pingback: સૌરાષ્ટ્ર વિશે | અલ્પ...લીંબડીવાળા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s