કહેવાય છે


 

ધીમે ધીમે જે ખૂલે એને શરમ કહેવાય છે
બાકી સઘળા ભેદ છે અથવા ભરમ કહેવાય છે.

એ ન હો એવી ક્ષણોને માત્ર ગમ કહેવાય છે
પ્રિય છે એથી જ એને પ્રિયતમ કહેવાય છે.

એની ઋતુમાં જ વરસે તેને કહીએ વાદળા
સાદ દેતા ભીંજવે એને સનમ કહેવાય છે.

જન્મદિવસ જેમ નોંધી રાખવા જેવો જ છે
તું મળે ત્યારે થયેલો પણ જનમ કહેવાય છે.

રોજ મળીએ ને છૂટા પડીએ તો એવું થાય છે
કેટલું કહેવું હતું ને કેમ કમ કહેવાય છે !

હાથ પથ્થર પર મૂક્યો તો એને પણ ફુટી કૂંપળ
સખ્ત જે કહેવાય છે તે પણ નરમ કહેવાય છે.

એને ચાહું છું અને પૂજા કરું છું એમની
પ્રિય જે કહેવાય છે તે પણ પરમ કહેવાય છે.

-સ્નેહા પટેલ.

વુમન


16-10-2013 – phoolchhab paper -navrash ni pal column

 

વર્ષોથી ખુદને મળી શક્યો નથી,

કો’ક દી તો મારું મન સૂનુ પડે !

-બાલુભાઈ પટેલ

 

સુરાહીની નજર ટેબલ પર લેપટોપના સ્ક્રીન પર હતી અને જમણો હાથ ટ્ચપેડ ઉપર, પણ ધ્યાન…ધ્યાન ત્યાં નહતું. તો ક્યાં હતું ? સુરાહીના મગજના સ્ક્રીન પર તો સંપૂર્ણપણે એની દીકરી રેવાનો કબ્જો હતો. રેવા સુરાહી અને દેવની એકની એક સત્તર વર્ષની રુપકડી પરી.

આજે સવારે સુરાહીએ ઉઠીને એની  અને દેવની ચા બનાવી અને રેવા માટે ઓરેંજ જ્યુસ બનાવ્યો. સામે લટકતી ઘડિયાળમાં જોયું તો નાનો અને મોટો બે ય કાંટા સાતના આંકડાને ટચ થતાં હતાં. નોર્મલી સવારના સાડા છ-પોણા સાતે ઉઠી જનારી રેવા હજુ બેડમાં. એને થોડી નવાઈ લાગી. ગેસ પર કુકર ચડાવીને એ ફટાફટ રેવાના બેડરુમમાં ગઈ અને રેવાને ઉઠાડવા ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે રેવાનું શરીર તાવથી ધખતું  હતું. સુરાહીના પેટમાં ફાળ પડી. તરત જ એણે દેવને આ વાતની જાણ કરી. દેવે થર્મોમીટરમાં ટેમ્પરેચર ચેક કર્યું તો બે જેટલો તાવ હતો. હવે ! આજે તો સુરાહીને એક ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન હતું. ફોરેનની પાર્ટી સાથે છેલ્લાં છ મહિનાથી વાત ચાલતી હતી ત્યારે માંડ આજની મીટીંગ ફિકસ થઈ હતી. સુરાહીને આજે લગભગ ૯ વાગતાં’કને તો ઓફિસે પહોંચી જવાનું હતું. દેવને આ વાત ખ્યાલ હતી. એણે સુરાહીનો હાથ પકડી અને ઢાઢસ બંધાવતા કહ્યું,

‘સુરી, તું શાંતિથી ઓફિસે જા, હું રેવાને ડોકટર પાસે લઈ જઈશ. તું નાહકની ગભરાય છે અત્યારે બધે વાયરલ ફીવરનો વાવર છે જ અને એ તો બે દિવસમાં બધું નોર્મલ થઈ જાય છે. તું તારું પ્રેઝન્ટેશન પતાવીને આવ ત્યાં સુધી હું ઘરે રહીશ, વળી મારી સાથે મમ્મી પણ છે જ ને, નાહકની ચિંતા કર મા.’

અને દેવે આગ્રહ કરીને સુરાહીને ઓફિસે મોકલી.તન ઓફિસમાં અને મન ઘરે – ત્રિશંકુ જેવી હાલતમાં મૂકાયેલી સુરાહી પ્રેઝનટૅશન ઉપર છેલ્લી નજર નાંખવા માંગતી હતી પણ એ શક્ય થતું જ નહતું.અચાનક સુરાહીની બોસ સીમા એની કેબિનમાં આવી અને સુરાહીને કશુંક પૂછવા જતી હતી પણ સુરાહીની બેધ્યાની, બેચેની એનાથી છુપી ના રહી.

‘સુરાહી, એનીથીંગ રોંગ ડીઅર ?’

સુરાહીને સીમા મેમ એની કેબિનમાં આવીને એની સામે ક્યારે ઉભા રહી ગયા એનો સહેજ પણ ખ્યાલ ના રહયો. બે પળ એ ઓઝપાઈ ગઈ. સીમા એની બોસ કમ ફ્રેન્ડ જેવી હતી. જાતને થોડી સંયત કરીને એણે રેવાના તાવની વાત કરી અને પોતાનો અફસોસ જાહેર કર્યો,

‘સીમા, હું જોબ ના કરતી હોત તો રેવા આજે માંદી જ ના પડી હોત. બે દિવસ પહેલાં એણે મેક્સિકન ખાણું ખાવાની ઇચ્છા પ્રર્દશિત કરેલી અને મને સમય ના મળતાં ના બનાવી શકી તો રેવા એની બહેનપણીઓ સાથે બહાર જમી આવી. મારી જોબના કારણે હું મારી દીકરી અને ઇવન દેવની પણ ઘણી ઇચ્છાઓ પૂરી નથી કરી શકતી.’ અને સુરાહીની આંખમાંથી બે આંસુ ટપકી પડ્યાં.

‘સાવ પાગલ છે સુરાહી તું ! મમ્મી ઓ સો એ સો ટકા ફુલટાઇમ મમ્મી જ હોય છે, અમુક સમયે તો મને એમ થાય છે કે ચોવીસ કલાક ઘર સાચવીને બેસનારી, સંતાનોની પરવરીશ કરનારી સ્ત્રીઓ પણ જોબ કરતી સ્ત્રીઓ જેટલું સંતાનનું ધ્યાન નથી રાખી શકતી. આજના જમાનામાં હુતો -હુતી બે ય નોકરી ના કરે તો ઘરના છેડાં ક્યાં મળવાના ? વળી તું જોબ કરે છે તો પણ તારી દીકરીના ખાવાપીવાના સમય -મરજી,એના શોપિંગના સમય-મરજી, એના સ્કુલના ટીચર્સ સાથેના રેગ્યુલર કોન્ટેક્ટસ – એની મોસ્ટ ફેવરીટ હોબી સંગીતની કેળવળી અપાવવા સાથે સાથે એના સંગીતના  કાર્યક્રમ – આ બધું સરસ રીતે મેનેજ કરે જ છે ને.  આ ઉપરાંત તું તારા ઘરડાં સાસુના ખાવા પીવા, દેવદર્શન કરાવવાના, રાતે આંટો મરાવવાનો, રેગ્યુલર ફિઝિકલ ચેકઅપ કરાવવાનું કાર્ય પણ કેટલી સરળતાથી પાર પાડે છે. આનાથી વધુ તો શું હોય ? તું માણસ છું ભગવાન નહીં ડીઅર. હું મારી આજુબાજુ અનેકો ગ્રુહિણીઓને જોવું છું જે ઘરમાં બે ટાઈમ રાંધીને મૂકી દે એટલે પોતાની બધી જવાબદારી પૂરી એવું સમજે છે. બાકીનો આખો દિવસ ગોસીપ અને ટીવી જોવામાં જ ગાળે છે.  કોઇ પણ સ્ત્રી હાઉસ વાઈફ છે કે વર્કીંગ વુમન એ જોવા કરતાં એ નારી પોતાની જવાબદારીને સમજીને અને કેવી રીતે પરિપૂર્ણ કરે છે એ નિહાળવું વધુ મહત્વનું છે. આજ પછી ક્યારેય આવા પાગલ જેવા વિચારોને મગજમાં ઘૂસવા ના દઈશ. ફટાફટ મોઢું ધો , ફ્રેશ થા અને મીટીંગ માટે તૈયાર થઈ જા ચાલ.’

સુરાહીના મોઢા પર એક સંતોષી સ્મિત રેલાઈ ગયું . પોતાની અંદરની પોતાને જાણવામાં આજે એની બહેનપણી સીમાએ એને બહુ મદદ કરી હતી.

અનબીટેબલ : Laughing faces do not mean that there is absence of sorrow. But it means that they have the ability to deal with it. – Shakespeare.

માનવ શું કામના ?


ઇચ્છાઓ પૂરી ના થાય ને દાનવ થઈએ એવા આપણે માનવ શું કામના ?
-સ્નેહા પટૅલ.

ગુસ્સાના ફળ.


 

બહી અટકળ, બધી ભ્રમણા, ખુલાસા પણ બધા ખોટા,

બધું છોડ્યા પછી તો આ જગત પણ બહુ મજાનું છે.

-સુરેન ઠાકર.

રોડની ડાબી બાજુ પાર્ક થયેલી એ.સી ગાડીમાં બેઠેલી વિસ્મયા વારેઘડીએ પોતાના નાજુક કાંડા ઉપર બંધાયેલી ગુચીની ડિઝાઈનર વોચમાં સમય જોતી હતી. મિનીટના કાંટાઓ સાથે સાથે એની અકળામણનો પારો એની ઉચ્ચતમ સપાટીને સ્પર્શતો જતો હતો.ભાદરવા મહિનાનું બાફવાળું વાતાવરણ એના પારાને ઓર છંછેડતું હતું. એસી ગાડીના ઠંડા વાતાવરણમાં પણ એના કપાળની બે ય બાજુએથી પસીના પતલી ધાર રેલાતી હતી. ટીશ્યુબોકસમાંથી સુગંધિત ટીશ્યુ કાઢીને વિસ્મયાએ એ પરસેવાને લૂછ્યો. મનોમન રાહુલને એ અંગ્રેજીમાં એને આવડતી બધી ગાળો આપતી જતી હતી.

‘સાત વાગ્યે આવવાની વાત થયેલી, સાત ને પંદર મિનીટ થવા આવી હજુ એ ST*** ના કોઇ ઠેકાણા જ ક્યાં છે ? પુરુષોની જાત જ એવી. મને મારી જીંદગીમાં કોઇએ રાહ જોવડાવી નથી અને હું પણ સમયની એકદમ નિયમીત, આ રાહ બાહ જોવાનું મારું કામ નહીં. રાહુલ આ વાત સારી રીતે જાણે છે એમ છતાં લેટ ! આજે તો હું એની સાથે બોલવાની જ નથી. રાહ જોવડાવીને રામજાણે એ શું ‘પ્રૂવ’ કરવા માંગે છે ? સામેવાળાના સમયનું કોઇ મૂલ્ય જ નથી લાટ્સાહેબને !’

અકળામણ અને ગુસ્સાથી સમય અટકતો નહતો અને રાહુલના આવવાના સમયમાં કોઇ ફેરફાર થવાનો નહતો. ફરક ફક્ત વિસ્મયાના મગજને જ પડવાનો હતો અને એ જ થઈ રહ્યું હતું. સાત ને ચાલીસે રાહુલની બાઈક વિસ્મયાની ગાડી પાસે બ્રેક મારીને ઉભી રહી. રાહુલને ઘેરાયેલા વાતાવરણનો અંદાજ તો હતો જ એટલે અવાજમાં બને એટલી ચાસણી ભેળવીને બોલ્યો,

‘હાય ડાર્લિંગ, સોરી આજે જરા…’ વિસ્મયાએ રાહુલને આગળ કશું જ બોલવા ના દીધું અને એના પર વરસી પડી. રાહુલે આવી જ કંઈક ધારણા બાંધેલી પણ આ જરા એની ધારણા કરતાં વધારે થતું જતું હતું. વિસ્મયાના શબ્દો એના દિલ પર આરીની જેમ ફરી રહ્યાં હતાં. વાત એના કંટ્રોલ બહાર જતી લાગી. ગમે એમ કરીને રાહુલે પોતાના મગજને કંટ્રોલમાં રાખ્યું અને વિસ્મયાને પૂરેપૂરું બોલી લેવા દીધું. વિસ્મયાનો ગુસ્સો પળભરમાં ખતમ. હવે એને ભાન થયું કે પોતે ગુસ્સામાં રાહુલને કેવા કેવા શબ્દો બોલી ગઈ હતી. એને પોતાની જાત ઉપર બહુ જ ગુસ્સો આવ્યો અને પરિણામે એ રડી પડી. પછી ચાલુ થયો ‘સોરી રાહુલ..સોરી , મારું મગજ ઠેકાણે નહતું..તું તો જાણે છે કે મને રાહ જોવાની સહેજ પણ ટેવ નથી…’વગેરે વગેરે.

રાહુલ બે ઘડી વિસ્મયાના નાજુક મનમોહક વદન સામે તાકી રહ્યો અને પછી હળવેથી બોલ્યો,

‘વિસ્મયા, રાહ જોવાની ટેવ નથી તો થોડી મહેનત કરીને એ ટેવ પાડ ડીઅર. રાહ જોવાથી ધીરજ વધે છે અને ધીરજથી આપણા બહુ બધા કાર્યો બગડતા અટકે છે. જેમ કે તેં આજે ધીરજ રાખી હોત તો હું આવ્યો ત્યારે મારી પર ગુસ્સે થઈ જવાના કાયમ સમયસર આવી પહોંચતા તારા રાહુલને આજે એના મોડા પડવાનું કારણ પૂછવાનો પ્રયત્ન કરત.ધીરજના ફળ મીઠાં હોય છે કે નહીં એ વાતે હું બહુ શ્યોર નથી પણ ગુસ્સાના ફળ હંમેશા હાનિકારક જ હોય છે ડીઅર.’

અને વિસ્મયાને એની ભૂલ સમજાઈ. તરત એણે રાહુલને પૂછ્યું ,

‘અરે હા, પણ આજે મોડો કેમ પડ્યો એ તો બોલ’

‘વિસ્મયા, મમ્મીને સવારથી તબિયત નહતી સારી, એમનું પ્રેશર હાઈ હતું અને એમને બહુ જ અકળામણ થતી હતી. એમને ડોકટરની પાસે લઈ ગયો હતો. ત્યાં બહુ જ ભીડ હતી. એમનો ઇસીજી કાઢ્યો બહુ ચિંતા જેવું નથી.બે  દવા આપી છે ડોકટરે, અઠવાડીઆ પછી ફરી ચેકઅપ કરાવવાનું છે.’

‘ઓહ્હો…પણ આ વાત તું મને ફોન કરીને કહી ના શકે ? જેથી મને ખ્યાલ આવે.’

‘વિસ્મયા, ફોન કરવાનો સમય જ ના મળ્યો, એમ છતાં મેં તને બે થી ત્રણ મેસેજ કર્યા છે . ફોન જો તારો.’

વિસ્મયાએ તરત પોતાનો ફોન ચેક કર્યો તો એનો ફોન બંધ હતો. બેટરી ખતમ થઈ ગયેલી અને ગુસ્સામાં એને ફોન ચાર્જ કરવાનું ધ્યાન જ ના રહ્યું. વળતી પળે એને એવો પણ ખ્યાલ આવ્યો કે એ પોતે પણ રાહુલને ફોન કરીને એના મોડા પડવાનું કારણ પૂછી જ શકત ને ! ગુસ્સામાં ને ગુસ્સામાં આખી ય વાત બગાડીને મૂકી દીધેલી. રાહુલને મળવાનો માંડ કલાકનો સ્મય મળતો હતો એમાંથી અડધો કલાક તો ઝગડવામાં જ નીકળી ગયો. પારાવાર અફસોસ સાથે વિસ્મયાએ રાહુલનો હાથ પકડીને એને ‘સોરી’ કહ્યું અને કોઇ પણ સંજોગોમાં ધીરજ ખોઈને પોતાના મગજ પરનો કાબૂ ના ખોવાયેવો પ્રયત્ન કરવાનું વચન આપ્યું.

રાહુલે એનો હાથ દબાવીને શેતાની હાસ્ય સાથે બોલ્યો,

 

‘તો ડીઅર, આપણા લગ્નની વાત આ અઠવાડીઆને બદલે બે મહિના પછી ઘરમાં કરું તો ચાલશે ને?’

 

અનબીટેબલ ઃ આપણી ધીરજ એ આપણું આભૂષણ છે.

 

સો રાષ્ટ્ર બરાબર એક રાષ્ટ્ર – સૌરાષ્ટ્ર


‘સો રાષ્ટ્ર બરાબર એક રાષ્ટ્ર – સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રના લોકો બડા મોજીલા અને રંગીલા છે. અહીંના લોકોને ખુશીઓ  શોધવી નથી પડતી એ લોકો વાત વાતમાંથી ખુશી મેળવી લે છે. પૈસા નહીં પણ આત્મસંતોષને  જ મોટી ખુશી ગણાય એવી યુટોપિયા એટલે આદર્શરૂપ ધરા એટલે સૌરાષ્ટ્ર.

૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જુનાગઢ રાજ્ય સહિત કાઠીયાવાડનાં ૨૧૭ રજવાડાઓનું એકીકરણ કરી ને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. ત્યારે તેને ’યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડ’ તરીકે ઓળખાવાયું. નવેમ્બર ૧૯૪૮માં તેનું ’સૌરાષ્ટ્ર રાજ્ય’ તરીકે નવું નામકરણ થયું. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટોટલ રરર સ્થાનિક રજવાડાં અને સુબાઓને સહમત કરવા સરદાર વલ્લભભાઈ પટેલે ખુબ જહેમત ઉઠાવી હતી. જો કે ગોહિલવાડ રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમનું વિશાળ રાજ્ય સામેથી સરદાર પટેલને ભારતીય સંઘમાં ભેળવવા માટે અર્પણ કર્યું અને આમ ભાવનગર ભારતીય સંઘમાં ભળનાર પ્રથમ રાજ્ય બન્યું.સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું.

૧ નવેમ્બર ૧૯૫૬માં સૌરાષ્ટ્રનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું ત્યાર બાદ ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષા આધારીત ભાગલા પડ્યા અને ગુજરાત તથા મહારાષ્ટ્ર એમ બે નવા રાજ્યોની રચના થઈ. પૂર્વ સોરઠ કે જુનાગઢ રજવાડા સહીતનો સૌરાષ્ટ્ર વિભાગ અત્યારે ગુજરાત રાજ્યનો જ એક ભાગ છે.

સૌરાષ્ટ્રની ભૌતિક ઓળખાણ મુખ્યત્વે ડુંગરા, દરિયો ને નદીઓ;  એનાં પશુઓની ઓળખાણ સિંહ, કાઠિવાડી ઘોડાં અને ગીરની ગાયો; માનવીની પણ ત્રણ ઓળખાણ સતી, સંત અને શૂરવીરો; તીર્થોની ઓળખાણઃ દ્વારકા, સોમનાથ અને ગિરનાર છે.

સત, ધરમ અને શીલતા, વીર દાતારી વિખ્યાત,

કાશીથી કન્યાકુમારી કાઠીયાવાડ પ્રખ્યાત.

સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠીયાવાડ તરીકે ઓળખાતું.રાષ્ટ્રીય શાયર મેઘાણીભાઈએ કાઠીયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના મોંફાડ વખાણ કર્યા છે. વાણી અર્થાત્ લોહસાહિત્ય, પાણી અર્થાત્ શૂરવીરતા અને મહેમાનગતિ એટલે મહેમાનોનો થતો આતિથ્ય સત્કાર.

આ વખાણને સમર્થન આપતાં પાંચ દસકા પહેલાંની વાત કરીએ તો સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિપ્રેમી પ્રજા આંગણે આવતા મહેમાન-પરોણા માટે પ્રાણ પાથરતી. એને ‘આભી’ જેવડો આવકારો આપતી. મહેમાનોને આવા માનપાન આપનાર ઘરધણીનો રોટલો ને આબરું બેય પચ્ચીસ પચ્ચીસ ગાઉ દૂર પંકાતા.

સવારથી આંગણામાં ઢોલિયા ઢાળીને હુક્કા ગગડાવતો ડાયરો બપોરની વેળાએ ડેલીએથી જમવા ઊભો થાય કે ઓરડામાં આસનિયું નંખાય. સાથે પિત્તળના બાજોઠ અને પિતળની બેશેર વજનની બેસણી મૂકાતી. સાથે સાથે જમતાં પગને આરામ મળે એ માટે ઢીંચણયું પણ મુકાય. મહેમાનોની જમણી બાજુ એમની નજર સામે જ દરેક વસ્તુઓ મુકવામાં આવે જેથી કોઈને માગતાં સંકોચ ન થાય. શેડકઢા દૂધનું બોઘરણું, દહીં, બે શાક, તીખું અને ખાટું. સાથે મિષ્ટાન્ન, અથાણાં આવે. બાજોઠ ઉપર થાળ, થાળમાં રોટલા, રોટલી, ઘીની વાઢી, ખાડેંલાં મરચાં, મીઠું થાળમાં હોય. ઓરડામાં વીસ મહેમાન જમવા બેઠા હોય તોય બાજરાના રોટલા તો ગરમ ગરમ જ આવે. કાઠીયાણીઓ બાજરાના રોટલા ચડી જાય પછી એને ચુડાની બડે ઉપર ઊભા મૂકી દે. ચુલો ચાલતો હોય એટલે રોટલા ગરમ જ રહે અને ગરમ ગરમ જ પીરસાય. ચતુર કાઠીયાણીઓની આ કોઠાસૂઝ કહેવાય છે. એમના હાથે બનતા બાજરાના રોટલાની મીઠાશ પણ કંઈક અનોખા પ્રકારની હોય છે. એક સરખો ગોળ ઘડાયા પછી ઝડપથી તાવડમાં એવી રીતે નાખે કે એમાં હવા ન રહે. હવા રહી જાય તો ભમરા પડે. આ ભમરા માટે કણબી પટેલોમાં કહેવાય છે કે દીકરી બાજરાના રોટલા ઘડતાં શીખતી હોય અને ભમરો પડે તો મા એને તરત જ સભંળાવે છે ‘આ ભમરાવાળો રોટલો તારો બાપ ખાશે પણ તારો સસરો નહીં ખાય.’

પાલર વભા પાલીયાનો પ્રખ્યાત દુહો યાદ આવી ગયો

‘કાઠીયાવાડમાં કોક’દિ ભુલો પડય ભગવાન

મોળા કરું મેમાન (તને) સ્વર્ગ ભુલાવુ શામળા’

ભગવાન શ્રીકૃષ્ણ આ મહેમાનગતિના પ્રતાપે જ તો કાઠીયાવાડમાં  ભૂલા પડેલાં. અને ગોકૂળ મથુરા મૂકીને જીવનભર આ ધરતી પર રહ્યા હતા.

સૌરાષ્ટ્રના નેચરલ રીસોર્સીસ ખૂબ ઓછાં છે. એ કારણે આ પ્રજા સતત સંઘર્ષ કરતી આવી છે. કુદરતનો નિયમ છે કે ટાંચા સાધનોની હાજરીમાં માનવીની કોઠાસૂઝ વિકસે અને એ કારણે એનો શારિરીક અને માનસિક વિકાસ મજબૂતાઈથી થાય. આ જ કારણથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર જેટલી ભાતીગળ અને પરંપરાગત સંસ્કૃતિનો વિકાસ બીજે ક્યાંય નથી જોવા મળતો. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસત વિશાળ છે. આઝાદી પછી સૌરાષ્ટ્રમાં ભૂખમરાની સ્થિતી હતી. દસ વીઘા ખેતીની જમીન હોય અને કુંટુંબમાં દસ સંતાનો. ૧૯૫૦ના અરસામાં સુરતમાં ડાયમંડ ઉધ્યોગ વિકાસ પામેલો. આ મહેનતુ પ્રજાનાં દસમાંથી લગભગ ત્રણ સંતાન હીરાઉધોગમાં જોડાવા લાગ્યાં. આજે હાલાત એ છે કે વિશ્વભરના હોંગકોંગ, જર્મની, બેલ્ઝિયમ, લંડન, આફ્રિકા જેવા અનેકો દેશમાં આ પ્રજા પોતાની ડાયમંડની ઓફિસો ખોલીને બેઠી છે.

ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી, નરસિંહ મહેતાં, ગંગા સતી , લોયણ, લીરબાઈ, રૂપાંદે, રામ દે પીર, રવિસાહેબ, મૂળદાસ, મીરાંબાઈ, પ્રીતમદાસ, પ્રેમાનંદ,દેવીદાસ, દયારામ, સતી તોરલ, જેસલ, ગંગાસતી, કબીર, અખો જેવા અનેકો સંત કવિ અને કવિયત્રીઓની  અનેક મોંઘેરી જણસ આપનાર આ ધરાનો સિંહફાળો છે.

અત્યારે નેટ પર ગુજરાતી ટાઈપ કરનાર દરેક ગુજરાતી ગુજરાતી ભાષાના શબ્દકોશ ‘ભગવદ્રોમંડળ’ નામથી અજાણ્યો નહીં જ હોય.આની રચના  ગોંડલના રાજા ્સગરામજી બીજાના પુત્ર ભગવતસિંહજીએ કરી છે. લગભગ ૨૬ વર્ષના અથાગ પરિશ્રમને અંતે ૧૯૪૪થી ૧૯૫૫ એમ ૧૧ વર્ષ દરમ્યાન એના નવ ગ્રંથોના નવહજારથી પણ વધુ પેઇજીસમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે. ગુજરાતી ભાષામાં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ કદાચ આ કોશ દ્વારા જ વિશ્વને થઈ. એને ફકત શબ્દકોશ તરીકે નહીં પણ જ્ઞાનકોશ તરીકે ઓળખાય છે.

સૌરાષ્ટ્રમાં ઋતુ પ્રમાણે માધવપુરનો મેળો, તરણેતરનો મેળો, ભવનથનો મેળો,  કાલાવડ રણુજાનો મેળો વગેરે જેવા મેળાઓ યોજાય છે. રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો મુખ્યત્વે ભકિત-કીર્તનનો મેળો છે, શિવરાત્રિના દિવસે ભરાતો ભવનાથનો મેળામાં ભારતભરના સાધુ સંતો ભેગાં થાય છે –  અલખના આરાધકોનું મિલન સ્થળ છે . ઋષિપંચમીના દિવસે ભરાતો તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની  સમૃધ્ધ લોક સંસ્કૃતિને નજીકથી સમજવા અને માણવા માટે તરણેતરનો મેળો એક માત્ર સ્થાન છે.

હવે આજના જમાનામાં ગામડાં  ગામડાં નથી રહ્યાં ગ્લોબલાઇઝેશનના ગરમ પવને આ ગામડાંની નિર્દોષ- સ્વચ્છ હવાને શહેરીકરણના રંગે રંગી  મૂકી છે. પ્રકૃતિના ખોળે રહીને ઉછ્રરતી મહેનતુ, ભોળી, કર્મઠ પ્રજા આધુનિક ટેકનોલોજીના ફાયદા મેળવવા માટે  વધુ ને વધુ પૈસો કમાવા માટે આંધળી દોટ મૂકે છે. પરિણામે દુનિયાના દરેક આધુનિક દેશની સોનાની થાળીમાં લોઢાના મેખરુપી અવગુણો અહીં પણ દેખા દે છે. સતત સંઘર્ષમય હરિફાઈને કારણે ભોળી પ્રજા ચતુર – ગણત્રીબાજ થઈ ગઈ છે. સાંજ પડે ખાટલા ઢાળીને વડલાં, લીમડાં, ગાય, ભેંસ, ખેતર, દીકરી-દીકરાના વેવિશાળ,સ્કુલ વગેરેની ચર્ચા કરનારા લોકો આજકાલ કોને પાડી દેવો છે ને રાજકારણમાં કોને જીતાડી દેવા છે ને કોને ટાલ પાડી દેવી છે ની વાતોમાં જ રમમાણ દેખાય છે. જે મહેમાનગતિના કારણે વખણાતા હતા એ બધું જાણે એક વાર્તા થઈ ગઈ છે. આજે આતિથ્યનું સુખ દરવાજો ખખડાવતું ઉભું હોય અને યજમાન મોબાઈલમાં વોટસ એપમાં મિત્રો સાથે વાત કરવામાં કે વિડિઓ ગેમ્સ રમવામાં મશગુલ હોય છે.

-સ્નેહા પટેલ.

સળ


એક પણ સળ વિનાની ચાદર ઉપર
ભારે હૈયે હાથ ફેરવે છે
ઢગલો સળથી ભરેલું વદન !
-સ્નેહા પટેલ