ગૃપ…


ગૃપ..ગૃપ..ગૃપ…ગૃપ હોય તો તમે અહીં બહુ જ આસાનીથી આગળ વધી શકો છો અને બેમત એમાં કંઈ જ ખોટું નથી.

પણ મિત્રો,

આ બાબતમાં મને માફ કરશો. હું ફેસબુક કે બહારની દુનિયામાં પણ કોઇ જ ગૃપમાં નથી અને એવો કોઇ જ ઇરાદો છે પણ નહીં. કોઇ એવો દાવો કરતાં હોય કે સ્નેહાબેન અમારા ગૃપમાં છે તો એ વાત તદ્દન ખોટી માનજો. હું અહીં મારી પોસ્ટસ લાઈક કરવા કોઇને વિનંતી નથી કરતી કે કોઇ સારી સુંદર શબ્દોવાળી, અનુભૂતિવાળી, રચનાત્મક, નિંદા કે અતિવખાણ વિનાની તટસ્થ પોસ્ટ જોવામાં આવી જાય તો કોઇના ઇન્વીટેશનની રાહ પણ નથી જોતી. અહીં ઘણા મિત્રોને મારી પોસ્ટ ગમે છે, ઘણા એની વિરોધમાં પણ હોય છે, કોઇને અતિરેક લાગે છે તો કોઇને નમ્રતા-સાદગી…તમે તમારી સમજ મુજબ મને જે પણ સમજી શકો બધું ય સર આંખો પર..મોસ્ટ વેલકમ ! જેવી આપની વિચારસરણી – સમજદારી.

આગળ વધવા માટે લોકોના સતત સંપર્કમાં રહો, એ તમારા વખાણ કરે તમે એમના- વળી છૂટા પડીને એકબીજાની નિંદા કરવી અને પોતે જ બોલેલા એકે એક શબ્દથી ફરી જવું..ઉફ્ફ… એ બધા પાછળ સમય ફાળવવાને બદલે હું મારા ઘરની સાફસફાઈ કરવું, દીકરાની સાથે થોડો સમય કાઢવો, ડ્રોઈંગ કરવું, મારા કુંડાના છોડની દેખભાળ કરવી, કંઈ સરસ ખાવાનું બનાવવું, મારા પેરેન્ટ્સ માટે થોડો વધુ સમય કાઢવો.. એ બધું વધુ મહત્વનું ગણું છું. મારો સંતોષ એનાથી સંતોષાય છે.

એનો મતલબ એવો સહેજ પણ નથી કે જે લોકો આ બધા માટે સમય કાઢી શકે છે એ બધા ખોટ્ટા. ના, સહેજ પણ નહીં. આ દુનિયામાં તમારે જે જોઇએ એની કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડે છે. એ તમારે નક્કી કરવાનું હોય કે તમારો સંતોષ શેમાં છે, તમારે શોધવાનું હોય. મારો સંતોષ મને બરાબર ખબર છે અને એટલે હું મારી જાતને બહુ જ ખુશનસીબ માનું છું.

હું અહીં કોઈની સામે મારો વિરોધ નથી નોંધાવતી એ વાત સો ટચના સોના જેવી. મને એવો કોઇ જ હક્ક નથી અને એવો સમય પણ નથી.
હા મારા અમુક સિલેક્ટેડ મિત્રો છે એમને અવારનવાર મળવાનું ચોક્કસ બહુ ગમે છે. એમને મળીને મજા મજા કરું છું.

 

હું અને મારા શબ્દો, મારી અનુભૂતિનું વિશ્વ…બસ !

– સ્નેહા પટેલ.