જીવ અને શિવ


 

 phoolchhab paper > Navrash ni pal column > 18-08-2013

મૈં જીસકો કહ રહા હૂં અપની હસ્તી,

અગર વો તૂં નહીં તો ઔર ક્યા હૈ

નહીં આયા ખ્યાલો મેં અગર તૂં

તો ફિર મૈં કૈસે સમજુ તૂ ખુદા હૈ ?

-નાઝ ખિયાલવી

 

‘રાહુલ બેટા, ચાલ તો, ફટાફટ તૈયાર થઈ જા. પેલું નવું જીન્સ લીધું છે એ અને સી ગ્રીન ટીશર્ટ પહેરી લે જે.’

‘મમ્મી, આપણે તો દહેરાસર જ જવાનું છે ને પણ, એમાં આટલા સજવા ધજવાનું શું વળી ?  આ જે પહેર્યા છે એ કપડાં શું ખોટા છે ? આ પહેરીને મારા ક્લાસીસમાં પણ જઉં જ છું ને ‘

‘ અરે બેટા, આ તો આપણું મહાપર્વ પર્યુષણ છે, એની ખુશી અને ઉમંગમાં આમ સજીધજીને આપણી ખુશી દર્શાવવાની, પર્વ ઉજવવાનો.’

‘મમ્મી, સાચું કહું તો મને આ બધું કંઇ સમજાતું જ નથી. વ્યાખ્યાન, પ્રતિકમણ, સામાયિક, દેવદર્શન , નવકાર – સૂત્રો …વગેરે વગેરે..ધર્મ એટલે શું ? ભગવાન એટલે શું ? જે દેખાતા જ નથી એમનામાં શ્રધ્ધા કેવી રીતે રાખવાની , અમેઝિંગ !’

દેવ્યાની પોતાના સાત વર્ષના લાડલા રાહુલના આ શબ્દો સાંભળીને સ્તબ્ધ જ થઈ ગઈ. કંઇક આ જ મતલબના વાક્યો એ પોતે પણ રાહુલની ઉંમરે પોતાની મમ્મીને કહેલાં અને સામે જવાબમાં મળેલી એક જડબેસલાક લપડાક.

‘જૈનની છોકરી થઈને આ શું બોલે છે ? કંઈ ભાન બાન પડે છે કે નહીં ? કાલે ઉઠીને સાસરે જઈશ તો સાસરીવાળા શું કહેશે – તારા મા બાપના આ જ સંસ્કારો કે, તૌબા આ નવી પેઢીથી તો ! ચાલ હવે, વધારે ચીબાવલી થયા વગર ફટાફટ તૈયાર થઈ જા અને ચાલ ઉપાશ્રયમાં.’

દેવ્યાનીના મનમાં લપડાકની સાથે જ ગુસ્સાની તીખી લહેર ઉઠી હતી. મમ્મી પર તો વળતો ગુસ્સો થાય નહીં પણ આ બધાની પાછળ જે કારણ હતું એ ‘ધર્મ’ માટે એના મનમાં વિદ્રોહ ઉતપ્ન્ન થઈ ગયો હતો. મમ્મીએ ફોર્સ કર્યો એટલે તૈયાર થઈને દહેરાસર – ઉપાશ્રય-પ્રતિકમણ જેવી વિધીઓ ચૂપચાપ કરતી રહી. પોતે જે વિધીઓ કરી રહી હતી કે જે ધાર્મિક સૂત્રો સાંભળી રહી હતી એ બધાની પાછળનો આશય કે એનો અર્થ એને કદી સમજાતો જ નહતો અને એના પારંપરિક વડીલોને એ સમજાવવાની ફુર્સત પણ નહતી. આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ, મહાવીર સ્વામી આપણા ભગવાન છે, આપણી આ બધી ધાર્મિક વિધીઓ હોય છે અને  એ આપણે કરવી જ રહી. કોઇ જ ચૂં કે ચા ક્યારેય ના કરાય નહીં તો પાપ લાગે, આપણી પ્રભુમાં આસ્થા નથી એવો મતલબ નીકળે. ફરજીયાતપણે પાળવા પડતા આ ધર્મ માટે દેવ્યાનીના મનમાં ક્યારેય પ્રેમ કે આદરભાવ ઉતપ્ન્ન નહતો થતો. એક ઢીંગલીની જેમ જ એ વ્ડીલોના ચીંધ્યા માર્ગે ચાલતી રહી. ઉંમર વધતા સમજણ પણ વધતી ચાલી. ભગવાનને જોયા હોય કે ના જોયા હોય પણ એક અદ્ર્શય શક્તિ આ સંસાર ચલાવી રહી છે અને એ શક્તિ બીજે ક્યાંય નહીં પણ સતત આપણી આજુબાજુ જ ફરતી હોય છે જરુર હોયુ છે તો ફક્ત વિશ્વાસ રાખીને એને શોધી કાઢવાની અને એના માટે ઇશ્વરમાં શ્રદ્ધા રાખવી અનિવાર્ય છે. પ્રભુમાં શ્રધા રાખવાથી આપણને ફરક પડે છે નહીં રાખીએ તો પ્રભુને કે આખી દુનિયામાં કોઇને યુ કોઇ જ ફર્ક નથી પડવાનો. વળી સદભાગ્યે એને સાસરું અને પતિ બેય સારા અને સમજુ મળ્યાં, જેમ્ની પ્રેમ ભરી વાણી અને વર્તઅનથી ધર્મનો સાચો મતલબ એ સ્મજી શકી, એની મજા માણી શકી અને પરિણામે બાળપણના મૂળીયા નાંખી ગયેલ ધર્મ પ્રત્યેના વિદ્રોહના વાદળો વિખરાઈ ગયા અને સમજણનો – શ્રધ્ધાનો ઉદય થયો . પણ આ બહુ જ લાંબી અને ધીરજ માંગી લેતી પ્રોસિજર હતી. જેમાં એના માવતરની ભૂલ અને અણસમજુ પરવરિશનો એ અજાણતાં જ  ભોગ બનતી રહેતી હતી. એ પોતાના સંતાન સાથે એવા ભૂલ ભર્યા વર્તનનું રીપીટેશન કરવા નહતી માંગતી. અત્યારથી જ એ કુમળા છોડને એ ધીરજ અને પ્રેમથી સમજાવીને ધાર્મિક્ બીજ નાંખવા માંગતી હતી જેથી ભવિષ્યમાં એ એક ખૂબસૂરત છોડ બનીને સારા માનવી તરીકે નીખરી ઉઠે.

ફ્લેશબેક્માંથી વર્તમાનમાં પ્રવેશતાં દેવ્યાની રાહુલના વાળમાં હાથ ફેરવતી બોલી,

‘બેટા, તને જે ઇચ્છા થાય એ કપડાં પહેર અને મમ્મીના વેણમાં વિશ્વાસ હોય તો આ દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ છે અને આપણે એનામાં આપણી શ્રધ્ધા દર્શાવવા આવી પ્રાર્થના અને ધાર્મિક સૂત્રોનો સહારો લઈએ છીએ. તને સમજાય તો ચાલ મારે મોડું થાય છે, ના સમજાય તો કોઇ વાંધો નહીં બેટા ના આવીશ. ધર્મમાં જબરદસ્તી ના હોય . તારા મનમાં ઇશ્વર પ્રત્યે સાચી શ્ર્ધ્ધા ઉતપ્ન્ન થાય ત્યારે આવજે હું એ સમય સુધી ધીરજ રાખીશ, રાહ જોઇશ. અને હા, ક્યાંય પણ કોઇ પણ પ્ર્શ્નો આવે તો હું, તારાદાદા- દાદી, ડેડી બધાંય સદા તારી સાથે જ છીએ બેઝિઝક પૂછી લેજે.

મમ્મીની અડધી પડધી વાતો રાહુલને ના સમજાઈ પણ મમ્મીના પ્રેમભર્યા અને ધૈર્યયુકત ઉત્તર, સમજાવટથી એને મમ્મી માટે આદર ઉતપન્ન થયો અને એ મમ્મી સાથે દેવદર્શને જવા તૈયાર થઈ ગયો. સંસ્કારના સીંચનની શુભ શરુઆત થઈ ચૂકી હતી અને દેવ્યાની પોતાના સફળ ઉછેરના પ્રથમ ચરણની સફળતા ઉપર મનોમન પોરસાઈ ઉઠી.

અનબીટેબલ : તર્કની હદ પૂરી થાય ત્યાં શ્રધ્ધાનો દીપ ઝળહળી ઉઠે છે.

-સ્નેહા પટેલ.

unbetable


ચમત્કારો અને અકસ્માતોને ઘટના કહેવાય – જીવન નહીં.
-સ્નેહા પટેલ.