દિલ-પ્રવેશ


Phoolchhab paper > Navrash ni pal column > 4-09-2013

‘કેવા રે મળેલાં મનનાં મેળ,

રુદિયાના રાજા !

કેવા રે મળેલાં મનનાં મેળ.’

-બાલમુકુન્દ

રાગિની ટી.વાય.બી.એમાં ભણતી નાજુક,નમણી ગોરીચિટ્ટી સુંદર મજાની ઢીંગલી જેવી છોકરી હતી. હંમેશા પતંગિઆની જેમ ઉડાઉડ કરતી, હસતી -હસાવતી આ ઢીંગલી એના મીઠ્ડા સ્વભાવથી એની આજુબાજુનું વાતાવરણ એક પોઝીટીવ એનર્જીથી ભરી દેતી. લોકો એની કંપનીમાં બધા દુઃખ ભૂલીને હળવા-ખુશખુશાલ થઈ જતાં. આ જ કારણથી એનું મિત્રવર્તુળ ઝાઝું હતું અને બધાની એ લાડલી હતી.

આજકાલ પતંગિયા જેવી છોકરીના બધા રંગ ઝાંખા પાંખા થઈને ખરી પડેલાં, હાસ્યની રેલમછેલ કરાવનાર ચહેરા ઉપર વેદનાનો કાળો રંગ લીંપાઈ ગયેલો હતો.કાયમ બીજાના દુઃખ દૂર કરવામાં પહેલો નંબર એવી રાગિનીને પોતાના દુઃખ કોઇનીય સાથે વહેંચવાની ટેવ નહતી. એ કાયમ સુખ ફેલાવવામાં જ માનતી અને દુઃખના સમયે કોચલું બનીને પોતાનામાં જ સમેટાઈ જતી. એના આ બદલાવથી એનું મિત્રવૃંદ ચિંતામાં મૂકાઈ ગયેલું. આ હસમુખી પરીના એક હાસ્ય માટે એ લોકો કંઇ પણ કરવા તૈયાર હતાં પણ પહેલાં એનું કારણ તો ખ્યાલ આવે !

રાગિનીની એક ગાઢ સખી હતી અંજના. નાનપણથી જ એની સાથે રમીને ઉછરી હતી. એ રાગિનીને નખશિખ ઓળખતી હતી.રાગિનીના મિત્રવૃંદે છેલ્લા ઉપાય તરીકે અંજનાને રીકવેસ્ટ કરીને એની તકલીફનું કારણ જાણી લાવવાનું કામ સોંપ્યું. અંજના પોતે પણ રાગિનીની આ ચુપ્પીથી વલોવાતી હતી પણ રાગિનીના મોઢામાં આંગળા નાંખીને એની તકલીફ કઢાવો નહીં ત્યાં સુધી તો એ એની પાસે પણ નહતી બોલવાની. છેવટે એક્ દિવસ મન મક્કમ કરીને એ બપોરના સમયે રાગિનીના ઘરે ગઈ. આ સમયે રાગિનીના મમ્મી પપ્પા ઓફિસે હોઇ એ સાવ એકલી જ હોય એ વાત અંજનાને ખબર હતી.

અજ્ઞાત આશંકા સાથે ધડકતા દિલે અંજનાએ ડોરબેલ વગાડી. બારણું ખૂલતાં જ એનું દિલ ધક્ક રહી ગયું. સામે રાગિનીની રડી રડીને સૂઝી ગયેલી લાલચોળ આંખો હમણાં જ રડીને થાકી ગયાની ચાડી ખાતી હતી, ચહેરા ઉપર લૂછી કઢાયેલા આંસુની નિશાનીઓ સ્પષ્ટ દેખાતી હતી. એના લીસા રેશમી વાળ અને કપડાં બધુ ય અસ્ત વ્યસ્ત હતું. ઘરમાં પ્રવેશીને અંજના પાંચ મીનીટ રાગિનીનો હાથ પકડીને ચૂપચાપ સોફા ઉપર બેસી રહી અને એની આંખોમાં એકીટશે નિહાળતી રહી. રાગિની બહુ સમય સુધી આ તારામૈત્રક સહન ના કરી શકી અને આંખો છલકાઈ આવી. અંજનાએ એના વાળમાં હાથ ફેરવ્યા કર્યો અને એના બરડા પર હાથ ફેરવીને એને છૂટથી રડવા દીધી.  થોડીવાર રહીને એ ફકત ચાર શબ્દો જ બોલી,

‘આ બધાની પાછળનું કારણ ?’

જવાબમાં રાગિની એના બેડરુમમાં ગઈ અને બે ચાર દિવસના વાસી ફૂલોનો બુકે લઈને અંજનાને પકડાવી દીધો. અંજનાને એની આ વર્તણૂકનું કારણ ના સમજાયું, ચૂપચાપ એણે બુકેને ગોળ ગોળ ફેરવતા એમાંથી એક કાર્ડ હાથમાં આવ્યું જેમાં કાળી સ્કેચપેનથી ‘બ્રેક અપ બુકે – ફ્રોમ અંતિમ ‘ લખેલું નજરે ચડ્યું.

‘ઓહ…’ હવે વાતની ગડ બેસતી હતી. અંજના અંતિમને ઓળખતી હતી. એના જેવા બેજવાબદાર, માલદાર બાપના નબીરા પાસેથી આ જ વર્તનની અપેક્ષા રાખી શકાય. એણે રાગિનીને આ સંબંધ ના બાંધવા માટે બહુ જ સમજાવેલી પણ એ સૌમ્ય સ્વભાવની છોકરી એ નટખટ સ્વભાવના છોકરાના આકર્ષણથી એની જાતને બચાવી નહતી શકી અને લાગણીના બંધને બંધાઈ ગઈ હતી.

આસ્તે આસ્તે વાત પૂછતાં બ્રેક અપનું મેઈન રીઝન અંતિમનો  લાપરવાહ – ભ્રમર જેવો સ્વભાવ ખ્યાલ આવ્યું. અંતિમ માટે આ સંબંધ એક ટાઇમ પાસ હતો. રાગિનીએ એને નામ આપવાની જીદ કરતાં જ એ વિફર્યો. એને રાગિની સાથે કોઇ જ કમીટ્મેન્ટ કરવાં નહતા , કોઈ બંધનમાં બંધાવવું નહતું અને લાંબી ચર્ચાના પરિણામે એ બે અબોલાના રસ્તે જઈને ઉભા રહી ગયેલાં. અબોલાના દરિયામાં સાત આઠ દિવસથી સતત ઝોલાં ખાતી રાગિની બ્રેકઅપની મહોર મારેલો બુકે મળતાં જ સાવ તૂટી ગઈ. અંતિમ સાથે લગ્નજીવનના જોયેલાં હજારો સપનાં ઘૂળમાં મળી ગયાં.વારંવાર આત્મહત્યા કરી લેવાના વિચારો એનો ભરડો લેતા હતાં.

અંજનાએ પ્રેમપૂર્વક રાગિણીનો હાથ પોતાના હાથમાં લઈને એને પંપાળતા કહ્યું,

‘જો રાગુ, જે થઈ ગયું એ નહતું તો નથી થઈ શકવાનું ને ? તો એને હિંમત રાખીને સ્વીકારી લે. આની પાછળ તારી ખૂબસૂરત જીંદગી હોમી દેવાનો કોઇ મતલબ નથી. વળી અંતિમ તો તારા નિશ્છ્લ પ્રેમને લાયક જ નહતો. તેં તો હંમેશા આ સંબંધને તારી તાકાત કરતાં પણ વધુ આપ્યું છે. તારો તો આ બ્રેકઅપમાં કોઇ જ વાંક નથી તો શું કામ આ ‘સેલ્ફ ડીસ્ટ્રોઈંગ’ની પ્રક્રિયામાં લોહી બાળે છે ?  એના પર પૂર્ણવિરામ મૂક. આ સંબંધનું આ જ પરિણામ હતું – દુઃખ ભર્યો ખાલીપો ! આવા સ્વાર્થી સંબંધોમાં જીંદગીભર બંધાઈ રહેવા કરતાં એ તૂટી જાય અને એમાંથી મુકત થઈ જઈએ એ જ વધારે સારું છે. એની નિષ્ફળતાનો બોજ તારા શિરે લઈને ના ફર. જ્યારે તું સર્વસ્વ અર્પતી હોવા છતાં પ્રત્યુત્તર પાંગળો આવતો ત્યારે જ તારે ચેતી જવાની જરુર હતી પણ હવે જ્યારે આ પરિણામ આવ્યું છે તો એને મ્રુત્યુ જેવા અંતિમ પગલાં સુધી ના ખેંચ. આ ઘટના ઉપરથી શીખ લે કે તારા દિલના દ્વારે ટકોરાં મારનારા તો ઘણાં મળી રહેશે પણ તારા માટે કોણ સર્વ્શ્રેષ્ઠ છે એ સમજતાં શીખ. જે તને અનહદ, નિઃસ્વાર્થપણે ચાહી શકે એને જ તને હર્ટ કરવાનો હક આપજે.બહુ જ સમજી વિચારીને ટ્કોરાં મારનારાઓને સમજીને, જરુર પડે તો મા બાપનો સહારો પણ લઈ શકે છે – એમના જેવો સાચો રાહ ચીંધનારો બીજો કોઇ નથી એવો વિશ્વાસ રાખજે અને પછી જ તારા માટે જ સ્પેશિયલ ઘડેલો છે એને તારી જીંદગીમાં પ્રવેશ આપજે. આ દિલ-પ્રવેશ તારી આખી જીંદગીનો સૌથી મહત્વનો નિર્ણય છે યાદ રાખજે..ચાલ હવે કપડાં બદલ ફ્રેશ થા અને બધા મિત્રો તારી રાહ જોવે છે આપણે ભોળાની  ચા અને મસ્કા બન ખાવા જવાનું છે.’

વાતાવરણ્માંથી ધુમ્મસ દૂર થઈ જતાં સૂર્યની હૂંફાળી ગરમી તેજ રેલાવી રહેલી. અંજના સાથે વાત કરીને હળવી થઈ ગયેલી રાગિની અંતિમ સાથેના સબંધને મનોમન અંતિમ અંજલી આપતી સોફા ઉપરથી ઉભી થઈ.

અનબીટેબલ – કોઇના દિલમાં પ્રવેશ એ મંદિરપ્રવેશથી પણ વધારે પવિત્ર છે, એનું જવાબદારીપૂર્વક જતન કરવું  જોઇએ.

sneha patel