ઈશ્વરે ખુદ લખી છે વિગત ડાયરીમાં,
છળ કરે આચરણ સત્યનું માનવીમાં.
માનવી જાત છે જાનવરની કહીને,
માનવી માનવીથી ડરે ખાનગીમાં.
– કીર્તિકાંત પુરોહિત
‘નવીનભાઈ, તમારી દીકરી રીધ્ધીમા તો બહુ હોંશિયાર છે, ગણિત અને વિજ્ઞાનમાં બહુ જ સુંદર માર્કસ લાવી છે વાહ, અભિનંદન !’
‘જી, ધન્યવાદ’ નવીનભાઈએ મિત્ર સુહાસને ટૂંકો અને ટચ વિનમ્ર ઉત્તર આપ્યો.
‘હવે આગળ શું વિચાર છે, કઈ લાઈન લેવડાવશો? મારું માનો તો સાયન્સ જ લેવડાવો દીકરીની લાઈફ બની જશે.’
‘ના રીધ્ધીને લોકોની સાયકોલોજી સમજવામાં બહુ જ રસ છે, એને એના રસ મુજબ અમે આર્ટસની લાઈન જ લેવા દઈશું. એની જીંદગીનું ઘડતર એ જાતે કરશે આપણે તો ચંચૂપાતો વગર એના ચણતરમાં બને એટલો ફાળો આપવાનો બસ.’
‘હે..એ..એ..સાવ છેલ્લી કક્ષાની મૂર્ખામી તે કરાતી હશે ? આર્ટસમાં આગળ જઈને એને શું મળશે ? એ તો નાસમજ છે પણ તમે તો જીંદગી જોઇ છે ને. શું કામ આવી મેઘાવી દીકરીની લાઈફ બરબાદ કરવા પર તુલ્યા છો ?’
નવીનભાઈને આ વિષય પર ચર્ચા આગળ ચલાવવાની સહેજ પણ ઇચ્છા ના હોવાથી મૌન સેવ્યું અને વાત ઉપર ફરજીયાતપણે પૂર્ણવિરામ આવી ગયું. બીજા રુમમાં હાથના નખ ઉપર ફ્લોરોસેન્ટ આસમાની નેઈલપોલિશ કરી રહેલી રીધ્ધીમાના કાને આ આખો સંવાદ શબ્દશઃ ઝીલી લીધેલો અને પોતાના પિતા મક્કમતા જોઇ એમની ઉપર માન વધી ગયું.
મનગમતા વિષય સાથે રીધ્ધીમાએ એમ.એ પાસ કર્યું અને એની સામે એક નવો સવાલ લઈને ઉભું રહ્યું.
‘ભણતર પતી ગયું હવે લગ્ન ક્યારે કરશો ?’
વારંવાર આ સવાલ પેટાપ્રશ્નો – સલાહો લઈને એના માથે ઝીંકાવા લાગ્યાં.
‘બાવીસ ત્રેવીસ વર્ષની છોકરીને કેટલા વર્ષ કુંવારી બેસાડી રખાય ? દીકરીઓ તો પારકી થાપણ ગણાય, સારો છોકરો શોધીને પરણાવી દો હવે.’
આપી શકાય એટલા નમ્ર ઉત્તરો આપીને રીધ્ધીમાના માતા પિતા બંનેએ મકકમ મૌન સેવીને રીધ્ધીમાને એની મરજી મુજબ સારી નોકરી શોધીને એની કારકીર્દી ઘડવાની છુટ્ટી આપી.રીધ્ધીમાએ પણ મા બાપનો પોતાની ઉઅપરનો મક્ક્મ વિશ્વાસ જાળવી રાખીને સરસ મજાની નોકરી શોધી લીધી. નવા નવા પડકારો નવી નવી તકો અને રીધ્ધીમા ધીમે ધીમે પોતાની કેરીઅરમાં આગળ ને આગળ વધતી ગઈ. ઓસ્ટ્રેલીઆમાં વધુ સારી જોબ મળતાં એ ત્યાં ચાલી ગઈ અને સમાજે નવા પ્રશ્નો ઉભા કર્યાં.
‘આવી જુવાનજોધ છોકરીને સાવ આમ એકલી પરદેશ થોડી મોકલી દેવાય ? ક્યાંક કોઇ કુંડાળાંમાં પગ પડી જશે તો આખી જીંદગી રડવાનું થશે, સાવ મૂર્ખામી કરો છો નવીનભાઈ.’
નવીનભાઈ ફરીથી મૌન.
રીધ્ધીમાએ ભરપૂર પૈસા – નામ કમાઈ લીધું હવે એને લગ્ન કરવાની ઇચ્છા થઈ. પોતાની સ્વતંત્રતા, વિચારોને માન આપતો – પ્રેમાળ છોકરો મળતાં લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ. મધુર લગ્નજીવનના સુખદ બે વર્ષ વીત્યાં ના વીત્યાં રીધ્ધીમાના માથે નવા પ્રશ્નો ઠોકાયા.
‘લગ્નના બે બે વર્ષ થયાં હજી ઘરમાં પારણું નથી બંધાયું ? આ નવી પેઢીના છોકરાંઓ કંઇ જ સમજતાં નથી અને આમ ને આમ છોકરીની ઉંમર વધી જશે અને પછી સંતાન પ્રાપ્તિમાં બહુ તકલીફો પડશે, કોણ સમજાવે આમને ?’
રીધ્ધીમાના પતિને સમાજના આવા સવાલોથી કોઇ ફર્ક નહતો પડતો એણે પણ નવીનભાઈની જેમ મૌન સેવ્યું પણ રીધ્ધીમાની ધીરજ હદ વટાવી ગઈ, અંદરખાને એક જાતનું ડીપ્રેશન ઘર કરતું ગયું. પોતાની મરજીથી જીવન જીવવામાં, મોડેથી પ્રણવાના નિર્ણયમાં ક્યાંક પોતે કાયમ માટે તો માતાના સુખથી વંચિત તો નહી રહી જાય ને ?
ત્યાં તો એ બધી ચિંતા પર સુખના કિરણો પાથરતો સૂરજ ઉગ્યો અને રીધ્ધીએ ગર્ભ ધારણ કર્યો અને થોડા સ્મયમાં એક સુંદર દીકરીની માતા બની ગઈ. રીધ્ધીમાના સુખની સીમા ના રહી.. ત્યાં તો એ સુખ ઉપર પ્રશ્નોની કાળી છાયા પાથરતો સમાજ સામે આવીને ઉભો રહ્યો,
‘પહેલાં ખોળે તો દીકરો જ અવતરવો જોઇએ. દીકરા વગર તો થોડી ચાલે, ઠીક છે બીજી વાર પ્રયત્ન કરવામાં બહુ સમય ના લગાવશો હવે તમારી બે ય ની ઉંમર પણ વધતી જાય છે. સમયસર નિર્ણય લઈ લેજો.’
આ વખતે રીધ્ધીમાથી ચૂપ ના રહેવાયું અને બધાને મકક્મતાથી જવાબ વાળ્યો કે,
‘આ અમારો સંસાર છે અને આ અમારું લાડકું સંતાન. જે દીકરો હોય કે દીકરી એનાથી અમનો કોઇ જ ફર્ક નથી પડતો. એણે અમને માતા પિતા બનવાનું ગૌરવ આપ્યું છે અમે એને આખી જીંદગી હૂંફ,સ્નેહની વર્ષામાં નવડાવીશું. અમારો અંગત મામલો છે.. પ્લીઝ તમારા ચંચૂપાતો બંધ કરો અને અમને શાંતિથી જીવવા દો.’
આ વખતે એના જવાબ પાછ્ળની મક્કમતા જોઇને એના પતિ અને નવીનભાઈ બે યના જીવને શાતા વળી. રીધ્ધીમાએ વર્ષોના એમના મૌનનો સજ્જડ બદલો વાળ્યો હતો.
અનબીટેબલ ઃ આપણું જીવન આપણી સમજ, તાકાત અને જાત અનુભવો પર જીવવાનું હોય છે. સમાજની અક્ક્લ, અભિપ્રાયો કે સવાલોના જવાબ આપવામાં આપણી શક્તિ અને સમય ક્યારેય ના વેડફાય.
Like this:
Like Loading...