પહેલો સગો પાડોશી


માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે..

-નયન દેસાઈ

‘સ્મૃતિબેન,, હું શાકભાજી લઈને કલાકે’ક્માં આવું છું. મારું એક પાર્સલ આવવાનું હતું પણ હજુ આવ્યું નથી. આવે તો સાઈન કરીને રીસીવ કરી લેજો ને પ્લીઝ.’

‘એ હારુ સોનલ, તું તારે બિલકુલ ચિંતા ના કરતી, અને હા તારા શાકની સાથે મારા ૫૦૦ ગ્રામ ટામેટાં લેતી આવજે ને. બળ્યું ક્યારની ટામેટા લેવા જઉં લેવા જઉં કરતી હતી પણ કામમાથી નવરી જ નહતી પડી શકતી’

સ્મૃતિબેનનો આ જવાબ અપેક્ષિત જ હતો પણ સોનલ બે ઘડી તો ઝંખવાઈ ગઈ. સ્મૃતિબેનની વસ્તુઓ લાવવામાં એને કોઇ વાંધો નહતો પણ આજકાલ શાકભાજીના ભાવ આસમાને હતાં એમાં આ ૫૦૦ ગ્રામ ટામેટા એટલે પૂરા રુપિયા ત્રીસનો ખર્ચો. વળી સ્મ્રુતિબેન પૈસા પાછા આપવાની બાબતમાં બહુ પંકાયેલા એટલે પાછા મળવાની કોઇ જ ગેરંટી નહીં. પણ સોનલને એના દરવાજાની બરાબર સામે જેનો દરવાજો પડતો હતો. સવાર સવારમાં જેમનું મોઢું જોવું પડતું હતું એવા પાડોશી સ્મૃતિબેનને સાચવ્યા વિના છૂટકો નહતો. નંદીશ એના પતિદેવનો ડાયલોગ યાદ આવી ગયો , ‘ પહેલો સગો એ પાડોશી, એને થોડો સાચવી લેવાનો ! કમને મોઢું હસતું રાખીને સોનલ એક્ટીવા ઉપર નીકળી.

રસ્તામાં પવનના થપાટે ઉડતા એના લુખ્ખાં સુંદર કેશ એના ચહેરા પર સંતાકૂકડી રમતા હતાં . એના મગજમાં ઢગલો વિચારો રમતા હતાં. ચાર મહિના પહેલાં જ્યારે એ અને નદીશ નવા ઘરની શોધમાં હતા ત્યારે એણે નદીશને શહેરના પૉશ એરીઆ એવા વ્યંકટેશ્વર રોડ ઉપર ઘર શોધવા બહુ વિનવેલો. વ્યંકટેશ્વર રોડ પર ઘર શોધવાનું એના પૉશ હોવા ઉપરાંત બીજું એ કે ત્યાં સોનલના મમ્મી પપ્પા અને એની જેઠાણીનું ઘર હતું.ઇન અને મીનના એના ઘરસંસારમાં નંદીશને તો બિઝનેસાર્થે આખો દિવસ ટુરીંગ રહેતું હોવાથી સોનલ ઘરમાં સાવ એકલી થઈ જતી હતી. આવા સમયે સગા વહાલાંના ઘર નજીક હોય તો પોતાને મન થાય ત્યારે એમની સાથે શોપિંગ કરવા, ફિલ્મ જોવા, વોક લેવા જઈ શકે. વળી પોતાના સાજે-માંદે એ લોકો અને એમના સાજે માંદે એ ઝટ દઈને દોડી શકે. પણ નંદીશે તીવ્ર શબ્દોમાં પોતાનો વિરોધ વ્યકત કર્યોં,

‘સોનલ, શરુરાતમાં તો નજીક નજીક સગાઓ સારા લાગે પણ જેમ સમય જશે તેમ આપણાં ઘરમાં એમનું ગમે ત્યારે ટપકી પડવું એ આપણી પ્રાઈવસીમાં દખલાંદાજી જેવું લાગશે. ના બાબા ના, ડુંગરા તો દૂરથી જ રળિયામણાં.’

સોઅન્લ હક્કી બક્કી રહી ગઈ. એને મનમાં થયું કે ડુંગરા અને માનવીમાં કંઈ ફર્ક જ નથી કે ? વળી સગાઓ તો વ્હાલાં જ હોય ને એમનાથી દૂર શું કામ ભાગવાનું ? નાનપણમાં નંદીશ એક જ છત નીચે એના મોટાભાઈ સાથે રહેતો હતો ત્યારે એમને ઝગડાં નહતાં થતાં તો અત્યારે પણ થશે જ એવું માની લેવાની શું જરુર ? ઉંમર વધતાં ઉલ્ટઅાનું હવે બધા વધુ મેચ્યોર થયા હોય. વળી સંતાનોના ઉછેર પાછળ પોતાની પ્રાઇવસીના અનેકો વર્ષો કુરબાન કરી દેનારા મા – બાપને આપણી થોડી સાંત્વના ભરી પળો આપી દેતાં કયં મોટું આભ તૂટી પડવાનું, વળી એ લોકો પણ આપણી પ્રાઇવસીની કિંઅમ્ત તો સમજતાં જ હોય ને..?ત્યાં તો એના કર્ણપટ ઉપર નંદીશનો અવાજ અથડાયો.

‘જો સોનલ, નજીક હોઇએ એટલે વારંવાર એ લોકોની અપેક્ષા ઉભરાય. કોઇના સાજે માંદે ડોકટરને ત્યાં લઈ જવું કે ટીફીન મોકલવું એમના ઘર સાચવા જેવી જવાબદારીઓનો પહાડ આપણા માથે આવીને ઉભો રહે.’

‘નંદીશ, એવી જ રીતે આપણે પણ સાજા માંદા હોઇએ તો એ લોકો આપણને કામ લાગવાના જ ને..પોતાકાને હૂંફ આપવા લેવામાં બોજા ક્યંથી લાગવા માંડ્યા ?’

‘સોનલ એ બધી ભાંજગડ છોડ. આ બધું તો આજુ બાજુના પાડોશી સાથે થોડા સારા સંબંધ રાખી લેતા પણ થઈ જ શકે ને. એમને સાચવી લેવાના. પહેલો સગો એ પાડોશી કહેવત સાંભળી છે ને ?’

અંતે દરેક ઝગડાંની જેમ સમજવાનું -કોમ્પ્રોમાઇઝ કરવાનું સમજદાર પક્ષ – સોનલના માથે જ આવ્યું. એમણે વયંકટેશ્વર રોડથી કલાકે’કના અંતરે આવેલ રોડ પર ઘર ખરીદ્યું. સોનલને સ્મ્રુતિબેન જેવ લાલચુ અને નકટા પાડોશીને સાચવી લેતાં નવ ના તેર થઈ જતાં હતાં મહિને દા’ડે હજારેક રુપિયાનું નક્કામુ આંધણ આ બધી વિધિમાં સ્વાહા થઈ જતું. પણ નંદીશ ખુશ હતો.

શાકવાળાની દુકાન આવી જતા એકટીવાને બ્રેક મારીને સોનલ મનોમન બોલી ઉઠી,

‘નંદીશ, લાલચુડા પારકા પાડોશીઓને પોતાના બનાવવાની આફોગટની કવાયત કરાવે છે એના બદલે સગાંઓને જ સાચવી લેવાની મારી વાત ક્યાં  ખોટી હતી ? રહી મનદુઃખ ની વાત એ તો આપને પતિ પત્નીને પણ ક્યાં નથી થતો , સાચો પ્રેમ – લાગણી હોય ત્યાં જ આવી અપેક્ષાઓ  રહે ને !’

અનબીટેબલ ઃફૂલોનું આત્મવિલોપન દિવ્ય સુગંધ જ પ્રસરાવે છે.

સ્નેહા પટેલ.

ગેજેટ્સ મંથન :


 

ટેક ઈટ ઈઝી – 50

ઘનઘોર કાળી,અંધારી રાત હતી. પવન જોરજોરથી ફૂંકાઈ રહેલો. ટ્રીન..ટ્રીના..ટ્રીન જેવા વિચિત્ર અવાજોના સૂસવાટા સંભળાઈ રહેલા હતાં પણ વાતાવરણમાં આ સ્થિતીને વિરોધાભાસી રીતે નીરવ એકાંત નહતું. માણસોના કીડીઆરા ઉભરાઈ રહેલાં અને એમાં એક અજબ પ્રકારનું સાય્યુજ્ય જોવા મળતું હતું . દરેક માનવીનો જમણો હાથ,જમણો કાન અને બે આંખો એની સામે રહેલા ચોરસ,લંબચોરસ જેવા આકારના વિદ્યુતીય ઉપકરણમાં અટવાયેલા હતાં.માનવીના બેય મગજ બહારથી દેખાય એવી વ્યવ્સ્થા ઉપરવાળાએ નથી આપી એથી મગજનો ખ્યાલ ના આવ્યો.

અચાનક જ આકાશમાંતેજ લિસોટો થયો અને નભમાંથી વીજળી ધરા પર ત્રાટકી એ સાથે જ દરેક માનવીના હાથના ઉપકરણો બંધ થઈ ગયા અને બધાંયના મોઢા નીચોવી કાઢેલા લીંબુની જેમ લટકી ગયા. અતિવ્યસ્ત દુનિયા અચાનક જ બેકાર થઈ ગઈ, રસહીન થઈ ગઈ. દરેક માનવીના મોઢા પર તીવ્ર નિરાશા ઝળકવા લાગી. એમનો ભવોભવનો એક્ઠો કરેલો મૂલ્યવાન ખજાનો ‘વીજળીના ચમકારે’લૂંટાઈ ગયો. આખું વાતાવરણ નિસાસાઓથી ઉભરાવા માંડ્યું. નિસાસાની ગરમીથી વાતાવરણ ગરમ લાહ્ય જેવું થવા લાગ્યું. ગરમી વધતી ગઈ…વધતી ગઈ અને મારાથી રાડ નંખાઈ ગઈ,

’આ કોણે એસી બંધ કરી દીધું છે ? ફાસ્ટ કરો થોડું.’

મારા જ અવાજથી મારી આંખો ખૂલી ગઈ. નિંદ્રાભંગ પછીની ખાસી એક મીનીટ પછી મને ખ્યાલ આવ્યો કે આ બધું મારું સ્વપ્ન હતું. અજબ ગજબનું સ્વપ્ન ! દરેક સ્વપ્ન પાછ્ળ ચોક્ક્સ કોઇ કારણ છુપાયેલા હોય છે એવી સમજ ફેણ ઉઠાવીને મારા મગજમાં ઉંચી થતી હતી પણ મારી બાકી રહેલી ઉંઘે એ ફેણને કચડી કાઢી અને એસી ફાસ્ટ કરીને પાછી હું સૂઈ ગઈ.

સવારે ઉઠીને આદુફુદીના વાળી ચા સાથે છાપાનું મનપસંદ કોમ્બીનેશનવાળું વાતાવરણ રચાયેલું હતું અને ત્યાંજ મારા પાડોશીએ બૂમ પાડી. વાતાવરણ વેરણછેરણ થઈ ગયું, મસ્તીના મૂડની ચામાં કર્કશ અવાજની માખી પડી !

‘સ્નેહા,તારી પાસે પતલી પીનનું ચાર્જર છે ? અમારા ઘરે આ મહેમાન આવ્યાં છે એમના ફોનમાં અમારું ચાર્જર લાગતું નથી.’

‘માસી, મારી પાસે જે છે એ તમે જોઇ લો કદાચ તમને કામ આવી જાય’

ચાનો ટેસ્ટ ચાખી ચૂકેલી જીભ અને સમાચારપત્રોના હેડીંગનો નશો કરી ચૂકેલી આંખો બેયને મહાપરાણે કંટ્રોલમાં રાખી ‘ટાઈમપ્લીઝ’ કહીને હું મારા વાયરોના ખજાના તરફ વળી. નાના-મોટા –ટૂંકા-લાંબા- પતલા – જાડા –સફેદ – કાળા – એક્સ્ટેંશનવાળા- થ્રી પીનના પૂંછ્ડાવાળા- મારા ઘરમાં ચાર્જરોમાં આટલી બધી વૈવિધ્યતા છે એ વાતની મને આજે જ ખબર પડી, અને કરુણતા એ કે જે ફોન માટેચાર્જર શોધતી હતી એ ફોન 5-7 વર્ષ જૂનો પુરાણો હતો. હવે આપણે દર વર્ષે કોઇક્ને કોઇકના મોબાઈલ બદલાતા હોય તો છ વર્ષ પહેલાના ચાર્જર આપણા ખજાનામાં હજુ સુધી સચવાયેલ હોય એની શક્યતા કેટલી! પાડોશીના મહેમાનને ચોક્ક્સપણે કેવા પ્રકારના ફોન ચાર્જરની જરુરિયાત હશે એ મને ખ્યાલ ના આવ્યો એથી મેઁ એમને મારા ખજાનાનો ગુપ્ત રસ્તો બતાવ્યો અને એમાંથી યથામરજી વાયર શોધી લેવા કહ્યું. પાડોશી પાછા ‘પા-અક્કલ’ ધરાવતા ( ચાર આના)! બધા વાયરો અમથી તેમ ફેરવ્યાં અને ફોનમાં નાંખવાના પ્રયત્ન કરવા લાગ્યાં. એમની એ અદભુત ક્રિયાવિધીથી અભિભૂત થઈને મારાથી બોલાઈ ગયું, ‘ તમે વાયર જ્યાં નાંખવાનો પ્રયત્ન કરો છો એ ફોનનો ઇઅયરપ્લ્ગ ભરાવવાનો  ‘હૉલ’ છે. ચાર્જર તો નીચેની બાજુએ મધ્યમાં છે. બે પળની ખિસીયાણી પરિસ્થિતીમાં મૂકાઈને ‘ખિસિયાણી બિલ્લી ખંભા નોંચે’ ની જેમ બધા વાયરો આમથી તેમ ઉંચા નીચા કરી, પ્લગમાં ભરાવવાનો અભિનય કરીને પાડોશીએ , ‘આમાંથી એક પણ કામ નહી લાગે’ ના વાક્ય સાથે વિદાય લીધી.

એમના ગયા પછી મે સૌપ્રથમ મારી ચા પતાવી અને પછી નિરાંતે એ વાયરોના ગૂંચળા તરફ વળી. ઘરમાં આટલા બધા ગેજેટસની – વાયરોની જરુર પડે છે એ મહાગ્યાન મને અત્યારે પ્રાપ્ત થયું. મોબાઇલમાં આવેલો એક મેસેજ મારી આંખો સામે તરવરવા લાગ્યો.

‘આપણે નાના હતાં ત્યારે કાયમ આપણે ચંદ્ર અને તારા નજરે પડે એવી બારી બાજુ સૂવાનું પસંદ કરતાં હતાં જ્યારે આજે ફોનના ચાર્જર લગાવી શકીએ એ તરફ સૂવાનું પસંદ કરીએ છીએ.’

અત્યારે એ મેસેજનો સાક્ષાત્કાર કરી રહી હતી. મારી નજર ઘરના એકે એક ઇલેક્ટ્રીક બોર્ડ પર ફરી વળી. ક્યાંક મારા મોબાઈલનો-લેપટોપનો, ક્યાંક અક્ષતના ટેબનો,ફોનનો, ક્યાંક પતિદેવના લેપટોપનો –ફોનનો વાયર લટકતો હતો. એનાથી પણ વધુ આઘાતની વાત એ કે એમાંથી અડધાની સ્વીચ ચાલુ હતી અને વાયરમાંથી ગેઝેટ કાઢી લેવાયેલું. ચાર્જર એકલા એકલા ઇલેક્ટ્રીક બોર્ડ પર સળગતા હતા. મેં ફટાફટ બધી સ્વીચ બંધ કરી અને વાયરોને વ્યવસ્થિત વાળીને એની નિર્ધારીત જગ્યાએ મૂક્યાં. મનોમન એક વિચાર પણ આવી ગયો કે વસ્તુ વાપરનારા ઉપર જ એની એસેસરીઝ સાચવવાની જવાબદારી કેમ ના હોય ? વળતી જ પળે સુખી દાંપત્યના સપના સેવતી સ્ત્રીઓએ આવી નાની નાની બાબતોએ બહુ વિચારવું કે વિવાદો કરવા નહીં વિચારીને એ વિચારને એક ઝાટકે ખંખેરી કાઢ્યો.

આ સાથે જ મને મારા લેખની શરુઆતમા આવેલ ચિત્ર વિચિત્ર સપનાંનો સંદર્ભ સ્પષ્ટ થઈ ગયો. એ  બધા નિરાશ અને દુ:ખી લોકો આધુનિક ગેજેટસના વ્યસની હતાં અને ગેજેટસ અચાનક ચાલતા બંધ થઈ જતા એ લોકોના અનેકો મહામૂલા – મહત્વના કામકાજ અટકી ગયેલાં. ત્યાં જ મને વિચાર આવ્યો કે નાના હતાં ત્યારે અમારી પાસે મોબાઈલ , કોમ્પ્યુટર જેવી કોઇ સુવિધા નહતી એ વખતે અમે આખો દિવસ બહેનપણીઓના ઘરે , ક્લાસીસમાં –સંબંધીઓના ઘરે – બજારમાં – સ્કુલમાં બધે જતાં હતાં અને નિર્ધારીત સમયની આસપાસ લગભગ ઘરે આવી જ જતાં. હા ઘરઆંગણે રમવાના સમયમાં થોડી અંચઈ કરી દેતાં હતા , જેનાથી કોઇ આભ નહોતું તૂટી પડતું ઉલ્ટાનું આવા બધા વધારાના કામ ના હોવાથી અમને રમવાનો અને ભણવાનો સમય વધારે મળતો. વળી બે હાથમાં ડબલા પકડીને એક ની એક જગ્યા પર બેસીને અદોદળા પણ નહતા થઈ જતા..ઘરની બહાર ખુલ્લા વાતાવરણમાં રમી રમીને ઓર સ્ફૂર્તિલા થતા હતા. મોબાઈલ કે લેપટોપ વગર કોઇના બહેનપણા તૂટયાં કે કામ અટક્યા કે ક્યારેય ખોવાઈ ગયા હોય એવી વાત પણ ધ્યાનમાં ના આવી. એ વાત પણ એટલી જ સત્ય હતી કે આ બધા ગેજેટસના પરિણામે જીવનમાં સહૂલિયતો પણ ખાસી વધી હતી અને અમારી અંદરના આલસુજીવડાઓને પ્રોત્સાહન મળતું હતું.

સૂર્યમંડળના પ્રત્યેક ગ્રહ પરથી જાણે મારા જ ઘર ઉપર ગેજેટસની અક્ષૌહિણી સેનાઓ છોડી મૂકી હોય એવા ભાવ સાથે મેં આજના મારા મહાવિચાર પર ‘અતિ વર્જયતે’ શબ્દો દ્વારા જબરદસ્તી પૂર્ણવિરામ મૂકીને તિલાંજલી આપી.

-સ્નેહા પટેલ.