stri – purush


ઘણી વખત મને મેસેજીસમાં ‘ તમે આ ફોટામાં બહુ સુંદર – અદભુત લાગો છો, શું આપણે ચેટ કરી શકીએ,,મારું ઇમેઈલ એડ્રેસ …, ફોન નંબર… છે ‘ આવું વાંચવા મળે ત્યારે વિચાર આવે છે કે ઃ

પોતાની સુંદરતાના વખાણ સાંભળીને અભિભૂત થઈને આવી રીતે ચેટ કરવા લલચાઈ જઈને પુરુષોનેઆવી ટેવ પાડતી સ્ત્રીઓની દયા ખાવી
કે
દરેક સ્ત્રીને વખાણ કરીને એની સાથે ચેટ કરીને ટાઈમપાસ કરી શકાય એવી નીચી કક્ષાની મેન્ટાલીટી ધરાવતા પુરુષવર્ગ ઉપર ગુસ્સે થવું…? સમજાતું નથી

આમ જોવા જઈએ તો બેય સરખાં જ કહેવાય.

-સ્નેહા પટેલ

લાગણીપ્રવાહ


 

 phoolchhab paper > 28-08-2013 > navrash ni pal column

દર્દ દિલનું પૂછનારું કોઈ તો મળશે ખરું

ચેહરો હસતો રાખીને એટલે ફરતાં રહ્યાં

શત્રુઓ કે મિત્રની તો વાત ક્યાં કરવી રહી

પોતિકા થઈને જ પોતાને અહીં છ્ળતાં રહ્યાં

-દિલીપ ગજજર

સ્વસ્તિકા લગભગ ચાલીસીએ પહોંચેલી ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતી, દિલ અને દિમાગનો સુપેરે સમન્વ્ય કરીને જીવતી બે બાળકોની માતા અને શહેરની પ્રતિષ્ઠિત કોલેજ ધીરુબાઈમાં સાયકોલોજીનો વિષય ભણાવતી પ્રોફેસર હતી.

 

આજે પહેલાં લેકચર દરમિયાન એનું ધ્યાન સતત ક્લાસની છેલ્લી બેન્ચ પર બેઠેલી સામાન્ય રુપરંગવાળી પણ અદભુત માસૂમિયત ધરાવતો ચહેરો અને એવી જ ભોળી સુંદર આંખો ધરાવતી સોનેરી પર જઈને જ અટકતું હતું. હરહંમેશ ખુશખુશાલ રહેતી અને કાયમ એના ગુલાબી હોઠ પર મીઠું નટખટ સ્મિત રેલાવતી એ વિદ્યાર્થીની સ્વસ્તિકાને બહુ જ પસંદ હતી પણ આજે એ માસૂમ નટખટ ચહેરો ચૂપચાપ ઉદાસીન હતો જાણે પૂનમના ચાંદને ઘનઘોર અંધારાએ એના કાળા ભરડામાં સમેટી લીધેલો. સ્વસ્તિકાને એની ચુપ્પીથી અકળામણ થતી હતી. જેમ તેમ કરીને એણે લેકચર પુરું કર્યું અને છેલ્લે છેલ્લે સોનેરીને સ્ટાફરુમમાં આવવાનું કહીને રુમની બહાર નીકળી.

 

લગભગ દસ મીનીટ પછી સોનેરી એની સામે સ્ટાફરુમમાં હાજર હતી. શાંતિથી વાત કરવાની ઇચ્છા હતી એથી સ્વસ્તિકાએ એને સામેની ખુરશીમાં બેસવાનું કહ્યું. ચૂપચાપ સોનેરીએ એના આદેશનું પાલન કર્યું.

‘સોનેરી, શું વાત છે ? આટલી ઉદાસ ઉદાસ કેમ છે ?’

‘હ..અ…અ..શું ..હા…ના..ના..કંઇ નથી મેમ, એ તો જસ્ટ તબિયત બરાબર નથી એટ્લે બસ.’

પોતાની અણિયાણી આંખોની તીખી નજર સીધી સોનેરીની આંખોમાં પૂરોવીને એકીટશે સ્વસ્તિકાએ બે પળ જોયા કર્યું. એની એ નજરનો સામનો ના કરી શકતી હોય એમ સોનેરીએ આંખ ઝુકાવી દીધી અને એના દુપટ્ટાના છેડાને આંગળી પર વીંટવા – ખોલવા લાગી.

‘ જો સોનેરી, કંઇક વાત તો છે જ. હું તને બે વર્ષથી ઓળખું છું. આવી ઉદાસ મેં તને ક્યારેય નથી જોઇ. તું મારી પર વિશ્વાસ મૂકીને તારી તકલીફ શેયર કરી શકે છે. કોઇ પણ સમસ્યા ઉકેલ વિનાની નથી હોતી.’

લાગણીભીના વાક્યોની હૂંફથી સોનેરી ઢીલી પડી ગઈ ને એની આંખો વરસી પડી.સ્વસ્તિકાએ એને રડીને મન હલકું કરી લેવા દીધું પછી એને પાણીનો ગ્લાસ ધર્યો. પાણી પી ને થોડી સ્વસ્થ થઈને સોનેરી બોલી,

‘મેમ, હું  અને આતિફ છેલ્લાં એક વર્ષથી પ્રેમમાં હતાં. અત્યાર સુધી તો બધું સરસ હતું પણ આતિફે એના ઘરનાંને મારા વિશે વાત કરી તો એના ફેમિલીએ અમારા ધર્મનું બહાનું વચ્ચે લાવીને એમની નામંજૂરી દર્શાવી દીધી. આતિફે પહેલાં તો ઘરનાંનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો પણ હમણાંથી એ બદલાઈ ગયો છે. કહે છે કે ઘરનાની નામંજૂરી હોય તો હું આ લગ્ન નહીં કરી શકૂં. મેમ, મારે મારો ધર્મ બદલીને એના ઘરમાં મુસ્લિમ બનીને રહેવાનું છે, મારે મારો ધર્મ બદલવાનો છે અને ખાસ તો મારા મા બાપનો તીવ્ર વિરોધ પણ સહન કરવાનો છે. હું એ બધી પરિસ્થિતીઓને પહોંચી વળવા મનોમન તૈયાર હતી પણ આતિફ જ જ્યાં આમ પાણીમાં બેસી ગયો તો હું શું કરું ? દિવસના સોળ કલાક જેની સાથે વાતોમાં વીતતા હતા આજે એના સોળ સેકન્ડ માટે દર્શન પણ દુર્લભ થઈ ગયા છે. મારાથી કોઇ ભૂલ થઈ હોય , કમી હોય તો મને બતાવે હું એને સુધારી લેવા તૈયાર છું પણ જેને મન મૂકીને જેને પ્રેમ કરેલો એ જ આજે મને કહે છે કે એને ભૂલી જઉં..સાવ જ અજનબી બની જાઉં..આ તો..આ તો..કઈ રીતે શક્ય બેન..’ આટલું બોલતા બોલતાં તો સોનેરી ધ્રુસકે ને ધુર્સકે રડી પડી.

સ્વસ્તિકાએ મનોમન આ જ પરિસ્થિતીની આશા રાખેલી એટલે એને નવાઈ ના લાગી. વાતનો ઉકેલ તો દેખીતો જ હતો. જ્યારે આતીફ જ મોઢું ફેરવી લે તો બીજાની શું આશા રખાય એટલે સોનેરી આ બધી હકીકત એક સુંદર ભ્રમ હતો એમ સમજીને ભૂલી જાય અને ભવિષ્ય સુખેથી જીવવા આ કાળા ભૂતકાળને ભૂલી જાય એ જ બહેતર હતું. સોનેરીના પોતાના સવાલનો જવાબ એના જ વાક્યોની ભીતરે છુપાયેલો હતો. સ્વસ્તિકાએ સોનેરીનો હાથ હાથમાં લઈને કહ્યું,

‘સોનેરી, આજથી લગભગ ૨૨-૨૩ વર્ષ પહેલાંની એક સત્યઘટના કહું છું, ધ્યાનથી સાંભળજે . સત્તર વર્ષની ભોળી ભાળી સુંદર છોકરીને એની પાડોશમાં રહેતાં વીસ વર્ષના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને ગળાડૂબ પ્રેમમાં હતાં. છ એક મહિના તો લોકોની નજરથી બચી બચીને એક બીજાને મળતા રહ્યાં હતાં પણ ઇશ્ક કદી છુપાઈ શક્યો છે કે આમનો પ્રેમ છૂપો રહે ! બંનેના ઘરવાળાના આકરા વિરોધ પછી છોકરાને એના ઘરવાળાએ આગળ ભણવાના બહાને અમેરિકામાં રહેલા એના અંકલને ત્યાં મોકલી દીધો અને છોકરો પણ ચૂપચાપ એ આદેશ માથે ચડાવીને જતો રહ્યો.છોકરીના માથે તો આભ જ તૂટી પડ્યું. એની મનોદશાથી અવગત એની દીદીએ એને વાસ્તવિકતા સમજાવવાનો અને છોકરાને ભૂલીને નવેસરથી જીંદગીનો કક્કો લખવા માટે બહુ સમજાવી. છોકરી મનોમન અકળાતી રહેતી કે આ વાત એટલી સીધી સાદી ક્યાં છે ? જેને મન મૂકીને ચાહયો જેની સાથે આખી જીંદગી વીતાવવાના સુંદર સપના જોયા, જેના વગર એક પળ પણ જીવી શકવાનું શક્ય નહતું એને આમ કેવી રીતે ભૂલી જવાય ? પોતાનો મનનો માનેલો સાવ આમ કાયર નીકળશે એવો એને અંદાજ પણ ન હતો. એના માટે બીજા કોઇ પુરુષનો વિચાર સુધ્ધા પાપ હતું. હવે એને કોઇની સાથે પરણાવશે તો એ એની જીંદગી પણ બરબાદ કરી દેશે..ના પોતે સુખી થઈ શકશે કે ના જેની સાથે પરણશે એ યુવકને…આખી જીંદગી લગ્ન જ ના ક્રરવા એવા નિર્ણય પર આવી. દીદી તો બોલ્યા કરે એમને આ બધી ઇમોશનલ વાતોમાં શું સમજ પડે ..એ તો સાવ જ લાગણીવિહીન…એ તો બધું માને કે હું બીજે લગ્ન કરીને સેટ થઈ જઈશ…આ બધું ભૂલીને જીંદગી નવેસરથી જીવી શકીશ..પંણ એ ક્યાં શક્ય એમને કોણ સમજાવે ? એને મનોમન એની પ્રિય દીદી પર ગુસ્સ્સો આવવા લાગ્યો.ધીરે ધીરે સમય વીતતાં એ છોકરીના ઘાવ ભરાતા ચાલ્યાં અને વીસ વર્ષની ઉંમરે પહોંચતા મા બાપે એના એક સુંદર મજાના છોકરા સાથે લગ્ન કરી દીધાં. આજે એ છોકરી એના પતિ અને બે બચ્ચાંઓ સાથે ખુશહાલ જીદગી વીતાવી રહી હતી. હા કોઈક વખત પેલાં છોકરાની યાદ આવી જતી પણ એ હવે એ આવી ને ચાલી જતી હતી દિલ પર ઘસરકા નહોતી કરતી. પરિસ્થિતી એણે માની લીધેલી એવી અશક્ય નહ્તી. જરુર હતી તો ફક્ત થોડો સમય, ઘરનાની લાગણીભર્યા સહારાની, સમજણની અને માનસિક રીતે થોડા મજબૂત થવાની.’

દૂર ક્યાંક ખોવાઈ ગયેલી સ્વસ્તિકાના મોઢા ઉપર થોડી પીડા અને થોડા સમાધાનની રેખાઓ વાંચતી સોનેરીએ સ્વસ્તિકાનો હાથ દબાવ્યો અને બોલી,

‘હા મેમ, આપની વાત સાથે પૂરેપૂરી સહમત છું. આપને હવે સ્વસ્થ થઈને ફરીથી પાછી ખિલખિલાતી સોનેરી પાછી મેળવી આપવાનું વચન આપું છું.’

બે સમદુઃખિયા સ્ત્રીઓ એક બીજાની આંખોમાં તૂટતા બંધાતા સંબંધોની છબી નિહાળતી રહી.

 

અનબીટેબલ ઃ લાગણીમાં ડૂબીને ગુંગળાઈને મરી જવાનું ના હોય,એમાં તો હલકાં થઈ તરવાની મજા માણવાની હોય.

-સ્નેહા પટેલ

અનિલકાકા અને સત્તર છક..


ટેક ઇટ ઇઝી –.

 

 

મારી સામે મારો 13 વર્ષનો દીકરો મોબાઇલમાં ગેમ રમતો હતો. એણે શીખેલા વૈદિક મેથ્સ અને એના ગણિતના વિષય ઉપર સુંદર પ્રભુત્વની મહેરબાનીથી એ ગેમમાં આવતી ગણત્રીઓ આરામથી કરી લેતો હતો. એની ગણિતમાં આવી શાર્પનેસ જોઇને મારી અંદર નવી -નવાઈનો ગર્વ પોસાતો હોય એમ લાગ્યું અને નજર સમક્ષ મારા  10 વર્ષની ઉંમરની એક ઘટના જાણે હમણાં જ બની હોય એવી લીલીછ્મ બનીને લહેરાવા લાગી.

નાનપણથી બધા જ વિષયોમાં હું બહુ હોંશિયાર પણ ગણિતનું નામ પડે એટલે મને ચક્કર આવવા લાગે ને ઉલ્ટી જેવું થવા લાગે. એક દિવસની સાંજની વેળાની આ વાત છે. મેરે પાસ આઓ મેરે દોસ્તો એક કિસ્સા સુનાઉં..

મારી સામે એક બચુકડી કાળી લંબચોરસ પાટી (સ્લેટ) પડેલી હતી જેમાં એક બાજુના છેડે તારમાં પૂરોવાયેલા લીસા, ચકચકીત, ચપટા લાલ –લીલા – પીળા મણકાં ભરાવેલા હતાં. મારા જમણાં હાથની તર્જની અને અંગૂઠાની વચ્ચે બે – એક સફેદ અને બીજી ગુલાબી –ભૂરા-પીળા પટ્ટાવાળી પેન પકડેલી હતી અને મારા  માસૂમ મોઢા પર દેશની ચૂંટણી વખતે કયા નેતાને ચૂંટવો જેવી દ્વિધા-રેખાઓ પથરાયેલી હતી, કઈ પેન વાપરું ? સફેદ ચોરસઆકારની પેન હતી મોટી પણ મને આજે એનાથી લખવાનું મન નહતું થતું અને જે ગુલાબી –ભૂરી –પીળીધારીવાળી પેન મને આકર્ષી રહેલી એ બહુ જ નાની હતી. 11 થી 20 ના ઘડિયા લખતા લખતા એની આયુની ઘડીઓ કયારે ખૂટી જાય એ કહેવાય એમ નહતું, આખરે રસ્તાની મજા માણવા કરતા હોમવર્ક પૂરું કરવાની મંઝિલને પામવાની ઇચ્છા સાથે સફેદ પેન પર પસંદનો કળશ ઢોળ્યો.

પ્રમાણમાં થોડી કડક અનુભવાતી સફેદ ઝગ જેવી પેન સ્લેટ પર સડસડાટ પાણીના રેલા સમી ચાલવા લાગી અને મને મારી પસંદગી પર ગર્વ થયો. મોટેથી ગણગણતા આ જ શતાબ્દી સ્પીડે મેં સોળ સુધીના ઘડિયા તો ફટાફટ લખી કાઢ્યાં પણ સત્તરની અધવચાળે જઈને મારી લેખનગાડીમાં પંકચર પડયું અને મગજમાંથી યાદશક્તિની બધી હવા ફુ..સ્સ…! સત્તર છ્ક કેટ્લાં થાય…? સ્કુલમાં ગણિતશિક્ષક દ્વારા ઘડિયા જોરજોરથી બોલીને લખવાની ટેવ પાડવામાં આવેલી હતી એથી પેનની સાથે સાથે મારું મોઢું પણ અટકી ગયું અને સામે બેઠેલા મારા અનિલકાકાની નજર તરત ટીવીના ચિત્રહારમાંથી ઉડીને મારા અધખુલ્લા ઉદાસ મુખારવિંદ પર આવીને અટકી ગઈ. અનિલકાકા – પપ્પાના સૌથી નાના ભાઈ- મારા નાના કાકા. એમનું અંગ્રેજી અને ગણિત બેયના જ્ઞાન ઉપર તમે મહારાણા પ્રતાપની ટેક જેવું ગર્વ લઈ શકો એવું. એમના ગમતા મુકેશના ગીતને જોવામાં વિક્ષેપ પડ્યો એટલે કે મને રોજ આંખોના ડોળાં કાઢી કાઢીને શીખવાડેલા આંકના ઘડિયામાં હું કાચી પડી એટલે – રામજાણે પણ એમની આંખોના ખૂણે એક નાનકડો બ્રાઉન તલ ધરાવતી વિશાળ અને સ્વચ્છ ધોળી ધોળી આંખોના ખૂણા લાલ થવા લાગ્યાં અને હું એ લાલાશથી વધુ ડરી ગઈ. તરત જ મેં એમની આંખોમાંથી નજર હટાવીને એ સંમોહનપ્રક્રિયાને તોડીને મારા હાથની સફેદ પેન પર નજર ખોડી દીધી કેમ જાણે એ પેન પર ત્રાટક કરવાથી એ આપમેળે ચાલવા માંડવાની હોય અને મારા આંકના ઘડિયા પૂરા કરી નાંખવાની હોય. પણ આ શું….લાલ આંખથી બી જઈને જ્યાં નજર પૂરોવી એ સફેદ પેન પણ મને રાતીચોળ લાગી. બે ય હાથની તર્જની વડે આંખો ચોળીને બરાબરધ્યાનથી ફરીથી જોયું તો પેન તો સફેદ જ નીકળી મારા ડર મને એની પર લાલ કોટીંગનો આભાસ આપતું હતું . છાતીમાં નાનકડું દિલ ધક..ધક કરવા લાગ્યું, એના ધબકારા કાનમાં પડઘાવા લાગ્યાં. હમણાં કાકાનો હાથ ઉઠશે અને પડશે મારા કોમળ ગોરા ગાલ ઉપર…ભયથીઆંખો મીંચાઈ ગઈ. આમ તો 11 થી 20 સુધીના બધા ઘડિયા મને કડકડાટ મોઢે હતા પણ આજે મૂર્હત સારું નહતું.શુભકાળના ચોઘડિયામાં પણ અશુભ ઘટના ઘટતી હતી. રોજ બહેનપણીઓ સાથે એકીશ્વાસે 300 દોરડા કુદી જવાની હરિફાઈમાં પણ આટલો શ્રમ નહતો પડતો.મારો શ્વાસ ઘુંટાવા લાગ્યો, અકળામણનો પારો એની ચરમસીમા ઉપર પહોંચી ગયો અને આંખમાંથી બોરબોર જેવડાં આંસુડાં સરી પડયાં. ભયના મારી આંખો બંધ થઈ ગઈ. બંધા આંખોમાં પેલી રિજેકટ કરેલી ગુલાબી-  વાદળી અને પીળી ધારીવાળી પેનના કલર એમનો બદલો વાળવા સ્પાર્કલીંગ ટ્વિંકલની જેમ આડા-ઉભા –ત્રાંસા ગંગમ સ્ટાઈલનો ડાંસ કરવા લાગ્યાં.ઉફ્ફ..!

ત્યાં તો મારા માથા ઉપર એક મોરપીંછસમો હળ્વો સ્પર્શ થયો અને ચમકીને મેં આંખો ખોલી તો અનિલકાકા મારી સામે હળવું સ્મિત ફરકાવતા હાથમાં પાણીનો ગ્લાસ લઈને ઉભા હતાં.એ વખતે મને એ હળવું  સ્મિત પણ રાવણના હરણ જેવું આભાસી લાગ્યું. માથું હલાવીને એ આભાસને ધરાર ઝટકી કાઢ્યો. મોઢામંઆવીગયેલું ધકધકતા દિલની ધડકનો મહાપરાણે કંટ્રોલ કરીને બે પળની રાહતનો શ્વાસ લેવાની એ ઘડીને આવકારી અને પાણીનો ગ્લાસ લઈને મોઢે માંડ્યો તે છેક એના અંતિમ ઘૂંટને ગળા નીચે ઉતારીને જ ઝંપી. થોડી હિંમત ભેગી કરીને કાકાને કહ્યું,

‘કાકા,તમે કહેલું તો મેં બધા આંક કડકડાટ મોઢે કરેલા…તમે કહો એના સમ…’ માંડ માંડ આટલા શબ્દોને ગળામાંથી ધક્કો મારીને બહાર મોકલ્યાં ને હિઁમત કાકાના ડરથી પાછી પડી ભાંગી ને આંખોમાંથી બેય કાંઠે છલકાતી ગાલ પર વહેવા લાગી.

‘મને ખબર છે બેટા, તું બહુ ડાહી અને હોંશિયાર છોકરી છે. આજે ભૂલાઈ ગયું તો કંઈ વાંધો નહીં.ચોપડીમાં ફરીથી જોઇ લે અને ફરીથી મોઢેકરી લે.’

અને રાવણના ખોળિયામાં વસેલા વિભીષણના આત્માને જોઇને હું બે ઘડી ચક્કર ખાઈ ગઈ. આ કાકા બોલતાહતાં કે..ગુસ્સેલ અનિલકાકા! જે હોય એ  પણ અત્યારે તો મારા ખાવાની સજામાંથી મુક્તિ મળી ગ્યેલી અને એ તક હું ખોવાનહતી માંગતી. ફટાફટ ચોપડી ખોલીને વાંચ્યું તો તરત યાદ આવી ગયું કે સત્તર છ્ક એકસો ને બે થાય, બે પળ તો મને મારી ઉપર ગુસ્સો આવી ગયો. સાવ આમ આવડતા આંક કેવી રીતે ભૂલી ગઈ ? આંખો બંધ કરીને સત્તર છ્ક એકસો ને બે ની માળાના મણકાં એકસો ને આઠ વાર ગણીને માળા પૂરી કરી અને કાકા સામે જોઇને નિરાંતીયું સ્માઈલ ફરકાવ્યું. થમ્સ અપની નિશાની કરી ને ફરીથી આંક લખવા બેઠીતો પાછી પેન સત્તર છ્ક પર અટકી ગઈ. હવે..?

હાથ થરથર ધ્રૂજવાલાગ્યો, માથું એનું બેલેંસ ખોઇને આમથી તેમ ધૂણવા લાગ્યું. હવે હું ગઈ…વારંવાર રાવણ પાસેથી વિભીષણવેડાની આશા રાખવી એ માયાવીમ્રૂગ જેવી વાત હતી. ત્યાં અનિલકાકાએ મારા માથાપર હળ્વેથી હાથ ફેરવીને કહ્યું,

‘ સ્નેહા, સત્તર છ્ક એકનો ને બે થાય.ચાલ દસ વાર લખી કાઢ.’ નવાઈજનક પરિવર્તનનું  વિશ્લેષણ કરવાને બદલે મૂંગામંતર થઈને મેં પાટી પર પેન ચલાવવાનું વધુ પસંદ કર્યું.

દસવાર લખી લીધા પછી હવે મને સત્તરનો આંક બરાબર પાક્કો થઈ ગયો. હોમવર્ક કરીને ઉભી થઈ અને કાકા માટે ચા મૂકવા રસોડા તરફ વળી. આજે કાકા ઉપર બહુ પ્રેમ ઉભરાઈ આવતો હતો. દરેક માનવીની ભીતરે એક ભોળા શંભુ વાસ કરે છે એની ખાત્રી થઈ ગઈ. આદુ –ફુદીનાવાળી ચા બનાવી સાથે ખાખરા અને બિસ્કીટથી ટ્રે ભરીને કાકાની સમક્ષ ધરી. અનિલકાકા મારી સામે જોઇને મંદ મંદ હાસ્ય ફરકાવતા હતા. ટ્રે લઈને મને ધીમેથી પૂછ્યું, ‘ સત્તર છ્ક કેટલાં થાય..?

અને આઘાત – પ્રત્યાઘાતની જેમ મારા  મોઢામાંથી આપમેળે ’એકસોને બે’ નીકળી ગયું. અને ઘરમાં બધા ખડખડાટ હસી પડ્યાં.

અનિલકાકાના એ સ્વભાવપરિવર્તન વિશે હું હજુ અજાણ છું પણ આજે પણ અમે મળીએ ત્યારે અનિલકાકા અચૂક મને ‘સત્તર છ્ક..?’ પૂછે છે અને હું એકાએક દસ વર્ષની નાની બાળકી બની જાઉં છું !

-સ્નેહા પટેલ.

લિફ્ટ કરા દે !


ટેક ઈટ ઇઝી –51 -18-8-2013

રાતનો સમય હતો અને બહાર વરસાદ મન મૂકીને વરસી રહેલો. એના કડાકા – ભડાકા સાથે મારા ઘરમાં ચાલતી મહારાણા પ્રતાપ સીરીઅલના યુઘ્ઘનું કોમ્બીનેશન અદભુત હતું. હું લગભગ એના નશામાં ડૂબી ગયેલી, ઓતપ્રોત થઈ ગયેલી ત્યાં જ મારા કાનમાં ઝીણી ઝીણી વ્હીસલ વાગવા લાગી અને મારુ ‘સીરીઅલ ધ્યાન’ ભંગ થયું. માથાને હળવો ઝાટકો મારી જોયો. જગતના બહુ બધા ભ્રમની જેમ આ ‘વ્હીસલ’ પણ કદાચ મારો વહેમ હોઇ શકે ! પણ ના… એ હકીકત જ નીકળી. વરસાદની રીમઝીમ અને સીરીઅલની તલવારોની ઝમઝ્મ વચ્ચેથી રસ્તો કરીને મારા કાનને એ વ્હીસલનું અસલી કારણ જાણવાના રસ્તે લગાડ્યાં.

શોલે મૂવીનો એક અતિપ્રખ્યાત ડાયલોગ છે ને, ‘ સો જા બેટા, નહીં તો ગબ્બર આ જાયેગા.’ એ જ પ્રમાણે મારી શ્રવણશક્તિ માટે પણ અતિપ્રખ્યાત વાતો, કહાનીઓ છે,

‘શ.શ…ધીમેથી બોલ, એ તો દિવાલની આ પારની વાત પણ આસાનીથી સાંભળી જાય છે, એના કાનનો બહુ વિશ્વાસ ના કરવો. જોતી હોય કઈ બાજુ અને કાન કઈ બાજુ…બહુ ખતરનાક છે..વગેરે વગેરે..’’  આમ તો આ એક ગૌરવ લેવા જેવી વાત છે પણ એ જાહેર થઈ ગઈ છે એટલે મને પહેલાં લોકોની ખાનગી વાતો સાંભળી જવાનો પંચાતિયો રસ માણવા મળતો એ બંધ થઈ ગયો એનું દુઃખ થાય છે. પ્રસિધ્ધિ એની સાથે અનેકો તક્લીફો લેતી આવે એ આનું નામ !

વ્હીસલ સંભળાતી હતી, દિશા પકડાતી હતી પણ તકલીફ એ કે એ દિશામાં જોવા માટે મારે ઘરનું બારણું ખોલવું પડે અને બારણું ખોલીને દિશા શોધવામાં ‘ પકડાઈ જાય એ ચોર’ની જેમ  આમાં ‘કોઇ જોઇ જાય એ પંચાતિયણ’ . પંચાત કરવામાં કોઇ મને જોઇ જાય તો મારી ‘પંચાતિયણ’ની છાપ વધુ ગહેરી થઈ જાય. કોઇ ના જોતું હોય એમ ગૂપચૂપ પંચાત કરવાની મજા જ અલગ હોય છે. વ્હીસલનો અવાજ વધુ ને વધુ તીવ્ર થતો જતો હતો હવે મારાથી એ અવાજ સહન નહતો થતો. અવાજ બહુ જાણીતો હતો પણ ખ્યાલ નહતો આવતો. સેન્સીટીવ  કાનની આ મોટી તકલીફ !

ધીરેથી મેં બારણું ખોલ્યું ને દરવાજાની બહાર ડોકાચિયું કર્યું. બહાર કોઇ નહતું. વળતી પળે જ મેઁ મનને ટપાર્યું,’રે જીવ તું કંઇ કોઇનું ખૂન કરવા નથી જતો તો આમ સંકોચાય છે.’ અને મેં બહાદુરીથી ઘરનું બારણું ખોલીને બહારના પેસેજમાં આંટો માર્યો ને તરત મને ખ્યાલ આવી ગયો કે આ તો અમારી લિફ્ટનો અવાજ હતો જે અચાનક ખોટકાઈ ગયેલી અને  અવાજ કરતી હતી. ઓફ્ફો, આ લિફ્ટ પણ. હમણાં જ તો એને રીપેર કરાવી છે ને પાછું શું થઈ ગયું ? આ બાજુવાળાને લિફટના દરવાજા જોરથી બંધ કરવાની બહુ ખરાબ ટેવ છે, વળી ચોથે માળવાળા રોહિણીબેનને ત્યાં પણ લિફટનો કેટલો બધો વપરાશ…હજુ તો મારું મગજ બંધ પડેલ લિફ્ટના યથાયોગ્ય કારણો શોધતું હતું ત્યાં તો ગ્રાઉંડ ફ્લોર પરથી લિફ્ટનો દરવાજો જોરજોરથી ખખડાવવામાં આવ્યો અને સાથે  લિફ્ટની બખોલમાં મોઢું ઘુસાડીને એક ઓર્ડર તરતો મૂકાયો ,’ત્રીજોમાળ…લિફટ બંધ કરો’

‘લે આને તો ખબર જ નથી લાગતી કે લિફ્ટ બગડેલી છે અને લિફ્ટના બારણા ખખડાવીને ડબલ્યુ ડબલ્યુ એફનો રેસલર હોય એમ ‘ફેક’ જોર બતાવતો હતો. વળી એની ધારણાશક્તિ કાચી હતી અને લિફ્ટ ત્રીજા માળે નહતી એથી મેં એને પ્રત્યુત્તરમાં ‘ લિફ્ટ ત્રીજા માળે નથી’નો ટૂંકો ટચ જવાબ વાળ્યો ને પાડોશીધર્મ નિભાવી દીધો. રહસ્ય પરથી પડદો ઉચકાઈ ગયેલો અને મારી અતિજીજ્ઞાસા વ્રુત્તિ શાંત થઈ ગયેલી એથી ઘરમાં પાછા જવાનું જ હિતાવહ માન્યું.

એ પછી તો આખી રાત એ અવાજ ચાલુ જ રહ્યો. કોઇ લિફ્ટની સ્વીચ પણ બંધ નથી કરતું, લિફ્ટ રીપેર કરાવવા માટે લિફ્ટ્વાળાને ફોન પણ નથી કરતું… જેવા ટીપીકલ ટસલીયા વિધાનો અને દોષારોપણો સાથે લિફ્ટની આ હાલત બે દિવસ લાગલગાટ રહી. ત્રીજા દિવસે અચાનક જ લિફ્ટ ચાલુ થઈ ગઈ. કોઇએ લિફ્ટ્વાળાને પોતે ફોન કર્યો અને લિફ્ટ રીપેર કરાવી એ વાતનો જશ ના લેવાની ઇચ્છા સાથે કામ પૂર્ણ કરેલું. ડાબો હાથ દાન કરે અને જમણા હાથને પણ ખ્યાલ ના આવે જેવી મહાન કહેવત મને યાદ આવી ગઈ અને મનોમન એ મહાન માનવીને વંદન થઈ ગયા. બે દિવસ પછી અચાનક લિફ્ટ પાછી બંધ પડી પણ આ વખતે કોઇ તોફાની નવું સંશોધન કરી લાવ્યો કે,

‘લિફ્ટનો દરવાજો ખોલીને તમારે જે માળે જવું હોય એ માળનું બટન દબાવી અને લિફ્ટ બંધ કરી દો એટલે લિફ્ટ એ માળે જઈને ઉભી રહે.’ વન વે ટ્રાફિક – લિફ્ટ અંદરની બાજુથી જ ઓપરેટ થતી હતી. હવે તો નવી નવાઈના પર્સંગોની ઘટમાળ ચાલી. દર બે મીનીટે નીચેથી, ઉપરથી બૂમો સંભળાય,

‘ત્રીજે માળ..જરા લિફ્ટમાં ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવજો તો..ચોથે માળ જરા બીજા માળનું બટન દબાવજો તો..’

દર ફ્લોર પર આઠ ફ્લેટ..અને એ આઠેય ફ્લેટ વચ્ચે એક કોમન નેમ. જે માળ હોય એ બધાનું પેટ્નેમ  ‘જે-તે માળવાળા !’  મતલબ પહેલા માળના આઠ ફ્લેટ્ના લોકોનું પેટનેમ ‘પહેલો માળ’.આવા અજબ – ગજબના પરાણેના સંયુકત સંપની વાતો સાથે બીજા બે દિવસો પસાર થયાં. મારા જેવા હેલ્થ કોંસિયસ લોકો,’ એ બહાને દાદરાની ચડ ઉતર થશે’, તો બીજાઓ ‘આપણે જ દરવખતે લિફ્ટવાળાને ફોન કરવાનો…નથી કરવો..બધા હેરાન થાય છે, જોવા તો દો કેટલું ચાલે છે આ બધું.’, તો અમુક કરકસરીયા ‘ આ બહાને લિફ્ટનો વપરાશ ઘટશે અને ‘મેંટેનન્સ’ ઓછું આવશે’ વિચારીને ‘ ગામનું કામ એ કોઇનું નહીં’ની વાત સાચી પાડી રહેલા. રોજ રોજ બૂમો પાડી પાડીને લિફ્ટ પોતાના માળે બોલાવાતી. દરેક જણે સ્વેચ્છાએ પાર્ટટાઇમ લિફ્ટમેનની સેવા આપવાનું સ્વીકારી લીધેલું.

સ્વેચ્છાની સેવાનું આયુષ્ય કેટલું?

હવે લોકો બૂમો સાંભળીને પણ નાસાંભળ્યું કરી દેતા હતાં. એમના નોકર છીએ કે એ બૂમો પાડે એટલે આપણે બધા કામ પડતા મૂકીને એમના માટે લિફ્ટના બટનો દબાવવા જવાના, મેં કાલે કેટલી બૂમો પાડેલી તો ય કોઇએ લિફ્ટ નીચે ના મોકલી..મારે તો દાદરા ચડીને જ ઉપર આવવું પડ્યું હવે મારે શું કામ બીજાઓની મદદ કરવી..?’ જેવા માણસોના સારપના કોચલામાંથી અતિકોમન સ્વભાવ બહાર આવવા લાગ્યાં. લોકોના પાડોશી સંબંધો તૂટવાના આરે આવીને ઉભા રહ્યાં.

સંદીપ ભાટીયાના ગીત

‘માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ ગયો ,એ જેવી તેવી વાત નથી’ ઉપરથી’

‘એક બે દસકાનો પાડોશી સાવ પારકો થઈ ગયો, એ જેવી તેવી વાત નથી’ જેવી પંક્તિ સૂઝી.

ઘરડાંઓ અને બચ્ચાઓની તક્લીફો જોઇને મારો અંતરાત્મા કકળવા લાગ્યો. આખરે બધી વાતો કોરાણે મૂકીને લોકોનો સંપ બરકરાર રહે એ હેતુથી મોબાઈલમાંથી ફોનનંબર શોધીને મેં લિફ્ટમેનને ફોન કરીને બોલાવી જ લીધો, જાતે ઉભા રહીને લિફ્ટ ચાલુ કરાવી અને છેલ્લે એને ધમકી પણ આપી કે જો હવે લિફ્ટ બંધ થઈને તો આ પછીનો કોંટ્રાક્ટ રીન્યુ જ નહી કરાવીએ. લિફ્ટમેન કશું જ બોલ્યા વગર મારી સામે એક રહસ્યમય સ્મિત રેલાવીને પોતાના ઓજારો સમેટીને ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવીને લિફ્ટમાં નીચે ઉતરી ગયો.

સ્નેહા પટેલ.

પહેલો સગો પાડોશી


માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે..

-નયન દેસાઈ

‘સ્મૃતિબેન,, હું શાકભાજી લઈને કલાકે’ક્માં આવું છું. મારું એક પાર્સલ આવવાનું હતું પણ હજુ આવ્યું નથી. આવે તો સાઈન કરીને રીસીવ કરી લેજો ને પ્લીઝ.’

‘એ હારુ સોનલ, તું તારે બિલકુલ ચિંતા ના કરતી, અને હા તારા શાકની સાથે મારા ૫૦૦ ગ્રામ ટામેટાં લેતી આવજે ને. બળ્યું ક્યારની ટામેટા લેવા જઉં લેવા જઉં કરતી હતી પણ કામમાથી નવરી જ નહતી પડી શકતી’

સ્મૃતિબેનનો આ જવાબ અપેક્ષિત જ હતો પણ સોનલ બે ઘડી તો ઝંખવાઈ ગઈ. સ્મૃતિબેનની વસ્તુઓ લાવવામાં એને કોઇ વાંધો નહતો પણ આજકાલ શાકભાજીના ભાવ આસમાને હતાં એમાં આ ૫૦૦ ગ્રામ ટામેટા એટલે પૂરા રુપિયા ત્રીસનો ખર્ચો. વળી સ્મ્રુતિબેન પૈસા પાછા આપવાની બાબતમાં બહુ પંકાયેલા એટલે પાછા મળવાની કોઇ જ ગેરંટી નહીં. પણ સોનલને એના દરવાજાની બરાબર સામે જેનો દરવાજો પડતો હતો. સવાર સવારમાં જેમનું મોઢું જોવું પડતું હતું એવા પાડોશી સ્મૃતિબેનને સાચવ્યા વિના છૂટકો નહતો. નંદીશ એના પતિદેવનો ડાયલોગ યાદ આવી ગયો , ‘ પહેલો સગો એ પાડોશી, એને થોડો સાચવી લેવાનો ! કમને મોઢું હસતું રાખીને સોનલ એક્ટીવા ઉપર નીકળી.

રસ્તામાં પવનના થપાટે ઉડતા એના લુખ્ખાં સુંદર કેશ એના ચહેરા પર સંતાકૂકડી રમતા હતાં . એના મગજમાં ઢગલો વિચારો રમતા હતાં. ચાર મહિના પહેલાં જ્યારે એ અને નદીશ નવા ઘરની શોધમાં હતા ત્યારે એણે નદીશને શહેરના પૉશ એરીઆ એવા વ્યંકટેશ્વર રોડ ઉપર ઘર શોધવા બહુ વિનવેલો. વ્યંકટેશ્વર રોડ પર ઘર શોધવાનું એના પૉશ હોવા ઉપરાંત બીજું એ કે ત્યાં સોનલના મમ્મી પપ્પા અને એની જેઠાણીનું ઘર હતું.ઇન અને મીનના એના ઘરસંસારમાં નંદીશને તો બિઝનેસાર્થે આખો દિવસ ટુરીંગ રહેતું હોવાથી સોનલ ઘરમાં સાવ એકલી થઈ જતી હતી. આવા સમયે સગા વહાલાંના ઘર નજીક હોય તો પોતાને મન થાય ત્યારે એમની સાથે શોપિંગ કરવા, ફિલ્મ જોવા, વોક લેવા જઈ શકે. વળી પોતાના સાજે-માંદે એ લોકો અને એમના સાજે માંદે એ ઝટ દઈને દોડી શકે. પણ નંદીશે તીવ્ર શબ્દોમાં પોતાનો વિરોધ વ્યકત કર્યોં,

‘સોનલ, શરુરાતમાં તો નજીક નજીક સગાઓ સારા લાગે પણ જેમ સમય જશે તેમ આપણાં ઘરમાં એમનું ગમે ત્યારે ટપકી પડવું એ આપણી પ્રાઈવસીમાં દખલાંદાજી જેવું લાગશે. ના બાબા ના, ડુંગરા તો દૂરથી જ રળિયામણાં.’

સોઅન્લ હક્કી બક્કી રહી ગઈ. એને મનમાં થયું કે ડુંગરા અને માનવીમાં કંઈ ફર્ક જ નથી કે ? વળી સગાઓ તો વ્હાલાં જ હોય ને એમનાથી દૂર શું કામ ભાગવાનું ? નાનપણમાં નંદીશ એક જ છત નીચે એના મોટાભાઈ સાથે રહેતો હતો ત્યારે એમને ઝગડાં નહતાં થતાં તો અત્યારે પણ થશે જ એવું માની લેવાની શું જરુર ? ઉંમર વધતાં ઉલ્ટઅાનું હવે બધા વધુ મેચ્યોર થયા હોય. વળી સંતાનોના ઉછેર પાછળ પોતાની પ્રાઇવસીના અનેકો વર્ષો કુરબાન કરી દેનારા મા – બાપને આપણી થોડી સાંત્વના ભરી પળો આપી દેતાં કયં મોટું આભ તૂટી પડવાનું, વળી એ લોકો પણ આપણી પ્રાઇવસીની કિંઅમ્ત તો સમજતાં જ હોય ને..?ત્યાં તો એના કર્ણપટ ઉપર નંદીશનો અવાજ અથડાયો.

‘જો સોનલ, નજીક હોઇએ એટલે વારંવાર એ લોકોની અપેક્ષા ઉભરાય. કોઇના સાજે માંદે ડોકટરને ત્યાં લઈ જવું કે ટીફીન મોકલવું એમના ઘર સાચવા જેવી જવાબદારીઓનો પહાડ આપણા માથે આવીને ઉભો રહે.’

‘નંદીશ, એવી જ રીતે આપણે પણ સાજા માંદા હોઇએ તો એ લોકો આપણને કામ લાગવાના જ ને..પોતાકાને હૂંફ આપવા લેવામાં બોજા ક્યંથી લાગવા માંડ્યા ?’

‘સોનલ એ બધી ભાંજગડ છોડ. આ બધું તો આજુ બાજુના પાડોશી સાથે થોડા સારા સંબંધ રાખી લેતા પણ થઈ જ શકે ને. એમને સાચવી લેવાના. પહેલો સગો એ પાડોશી કહેવત સાંભળી છે ને ?’

અંતે દરેક ઝગડાંની જેમ સમજવાનું -કોમ્પ્રોમાઇઝ કરવાનું સમજદાર પક્ષ – સોનલના માથે જ આવ્યું. એમણે વયંકટેશ્વર રોડથી કલાકે’કના અંતરે આવેલ રોડ પર ઘર ખરીદ્યું. સોનલને સ્મ્રુતિબેન જેવ લાલચુ અને નકટા પાડોશીને સાચવી લેતાં નવ ના તેર થઈ જતાં હતાં મહિને દા’ડે હજારેક રુપિયાનું નક્કામુ આંધણ આ બધી વિધિમાં સ્વાહા થઈ જતું. પણ નંદીશ ખુશ હતો.

શાકવાળાની દુકાન આવી જતા એકટીવાને બ્રેક મારીને સોનલ મનોમન બોલી ઉઠી,

‘નંદીશ, લાલચુડા પારકા પાડોશીઓને પોતાના બનાવવાની આફોગટની કવાયત કરાવે છે એના બદલે સગાંઓને જ સાચવી લેવાની મારી વાત ક્યાં  ખોટી હતી ? રહી મનદુઃખ ની વાત એ તો આપને પતિ પત્નીને પણ ક્યાં નથી થતો , સાચો પ્રેમ – લાગણી હોય ત્યાં જ આવી અપેક્ષાઓ  રહે ને !’

અનબીટેબલ ઃફૂલોનું આત્મવિલોપન દિવ્ય સુગંધ જ પ્રસરાવે છે.

સ્નેહા પટેલ.

ગેજેટ્સ મંથન :


 

ટેક ઈટ ઈઝી – 50

ઘનઘોર કાળી,અંધારી રાત હતી. પવન જોરજોરથી ફૂંકાઈ રહેલો. ટ્રીન..ટ્રીના..ટ્રીન જેવા વિચિત્ર અવાજોના સૂસવાટા સંભળાઈ રહેલા હતાં પણ વાતાવરણમાં આ સ્થિતીને વિરોધાભાસી રીતે નીરવ એકાંત નહતું. માણસોના કીડીઆરા ઉભરાઈ રહેલાં અને એમાં એક અજબ પ્રકારનું સાય્યુજ્ય જોવા મળતું હતું . દરેક માનવીનો જમણો હાથ,જમણો કાન અને બે આંખો એની સામે રહેલા ચોરસ,લંબચોરસ જેવા આકારના વિદ્યુતીય ઉપકરણમાં અટવાયેલા હતાં.માનવીના બેય મગજ બહારથી દેખાય એવી વ્યવ્સ્થા ઉપરવાળાએ નથી આપી એથી મગજનો ખ્યાલ ના આવ્યો.

અચાનક જ આકાશમાંતેજ લિસોટો થયો અને નભમાંથી વીજળી ધરા પર ત્રાટકી એ સાથે જ દરેક માનવીના હાથના ઉપકરણો બંધ થઈ ગયા અને બધાંયના મોઢા નીચોવી કાઢેલા લીંબુની જેમ લટકી ગયા. અતિવ્યસ્ત દુનિયા અચાનક જ બેકાર થઈ ગઈ, રસહીન થઈ ગઈ. દરેક માનવીના મોઢા પર તીવ્ર નિરાશા ઝળકવા લાગી. એમનો ભવોભવનો એક્ઠો કરેલો મૂલ્યવાન ખજાનો ‘વીજળીના ચમકારે’લૂંટાઈ ગયો. આખું વાતાવરણ નિસાસાઓથી ઉભરાવા માંડ્યું. નિસાસાની ગરમીથી વાતાવરણ ગરમ લાહ્ય જેવું થવા લાગ્યું. ગરમી વધતી ગઈ…વધતી ગઈ અને મારાથી રાડ નંખાઈ ગઈ,

’આ કોણે એસી બંધ કરી દીધું છે ? ફાસ્ટ કરો થોડું.’

મારા જ અવાજથી મારી આંખો ખૂલી ગઈ. નિંદ્રાભંગ પછીની ખાસી એક મીનીટ પછી મને ખ્યાલ આવ્યો કે આ બધું મારું સ્વપ્ન હતું. અજબ ગજબનું સ્વપ્ન ! દરેક સ્વપ્ન પાછ્ળ ચોક્ક્સ કોઇ કારણ છુપાયેલા હોય છે એવી સમજ ફેણ ઉઠાવીને મારા મગજમાં ઉંચી થતી હતી પણ મારી બાકી રહેલી ઉંઘે એ ફેણને કચડી કાઢી અને એસી ફાસ્ટ કરીને પાછી હું સૂઈ ગઈ.

સવારે ઉઠીને આદુફુદીના વાળી ચા સાથે છાપાનું મનપસંદ કોમ્બીનેશનવાળું વાતાવરણ રચાયેલું હતું અને ત્યાંજ મારા પાડોશીએ બૂમ પાડી. વાતાવરણ વેરણછેરણ થઈ ગયું, મસ્તીના મૂડની ચામાં કર્કશ અવાજની માખી પડી !

‘સ્નેહા,તારી પાસે પતલી પીનનું ચાર્જર છે ? અમારા ઘરે આ મહેમાન આવ્યાં છે એમના ફોનમાં અમારું ચાર્જર લાગતું નથી.’

‘માસી, મારી પાસે જે છે એ તમે જોઇ લો કદાચ તમને કામ આવી જાય’

ચાનો ટેસ્ટ ચાખી ચૂકેલી જીભ અને સમાચારપત્રોના હેડીંગનો નશો કરી ચૂકેલી આંખો બેયને મહાપરાણે કંટ્રોલમાં રાખી ‘ટાઈમપ્લીઝ’ કહીને હું મારા વાયરોના ખજાના તરફ વળી. નાના-મોટા –ટૂંકા-લાંબા- પતલા – જાડા –સફેદ – કાળા – એક્સ્ટેંશનવાળા- થ્રી પીનના પૂંછ્ડાવાળા- મારા ઘરમાં ચાર્જરોમાં આટલી બધી વૈવિધ્યતા છે એ વાતની મને આજે જ ખબર પડી, અને કરુણતા એ કે જે ફોન માટેચાર્જર શોધતી હતી એ ફોન 5-7 વર્ષ જૂનો પુરાણો હતો. હવે આપણે દર વર્ષે કોઇક્ને કોઇકના મોબાઈલ બદલાતા હોય તો છ વર્ષ પહેલાના ચાર્જર આપણા ખજાનામાં હજુ સુધી સચવાયેલ હોય એની શક્યતા કેટલી! પાડોશીના મહેમાનને ચોક્ક્સપણે કેવા પ્રકારના ફોન ચાર્જરની જરુરિયાત હશે એ મને ખ્યાલ ના આવ્યો એથી મેઁ એમને મારા ખજાનાનો ગુપ્ત રસ્તો બતાવ્યો અને એમાંથી યથામરજી વાયર શોધી લેવા કહ્યું. પાડોશી પાછા ‘પા-અક્કલ’ ધરાવતા ( ચાર આના)! બધા વાયરો અમથી તેમ ફેરવ્યાં અને ફોનમાં નાંખવાના પ્રયત્ન કરવા લાગ્યાં. એમની એ અદભુત ક્રિયાવિધીથી અભિભૂત થઈને મારાથી બોલાઈ ગયું, ‘ તમે વાયર જ્યાં નાંખવાનો પ્રયત્ન કરો છો એ ફોનનો ઇઅયરપ્લ્ગ ભરાવવાનો  ‘હૉલ’ છે. ચાર્જર તો નીચેની બાજુએ મધ્યમાં છે. બે પળની ખિસીયાણી પરિસ્થિતીમાં મૂકાઈને ‘ખિસિયાણી બિલ્લી ખંભા નોંચે’ ની જેમ બધા વાયરો આમથી તેમ ઉંચા નીચા કરી, પ્લગમાં ભરાવવાનો અભિનય કરીને પાડોશીએ , ‘આમાંથી એક પણ કામ નહી લાગે’ ના વાક્ય સાથે વિદાય લીધી.

એમના ગયા પછી મે સૌપ્રથમ મારી ચા પતાવી અને પછી નિરાંતે એ વાયરોના ગૂંચળા તરફ વળી. ઘરમાં આટલા બધા ગેજેટસની – વાયરોની જરુર પડે છે એ મહાગ્યાન મને અત્યારે પ્રાપ્ત થયું. મોબાઇલમાં આવેલો એક મેસેજ મારી આંખો સામે તરવરવા લાગ્યો.

‘આપણે નાના હતાં ત્યારે કાયમ આપણે ચંદ્ર અને તારા નજરે પડે એવી બારી બાજુ સૂવાનું પસંદ કરતાં હતાં જ્યારે આજે ફોનના ચાર્જર લગાવી શકીએ એ તરફ સૂવાનું પસંદ કરીએ છીએ.’

અત્યારે એ મેસેજનો સાક્ષાત્કાર કરી રહી હતી. મારી નજર ઘરના એકે એક ઇલેક્ટ્રીક બોર્ડ પર ફરી વળી. ક્યાંક મારા મોબાઈલનો-લેપટોપનો, ક્યાંક અક્ષતના ટેબનો,ફોનનો, ક્યાંક પતિદેવના લેપટોપનો –ફોનનો વાયર લટકતો હતો. એનાથી પણ વધુ આઘાતની વાત એ કે એમાંથી અડધાની સ્વીચ ચાલુ હતી અને વાયરમાંથી ગેઝેટ કાઢી લેવાયેલું. ચાર્જર એકલા એકલા ઇલેક્ટ્રીક બોર્ડ પર સળગતા હતા. મેં ફટાફટ બધી સ્વીચ બંધ કરી અને વાયરોને વ્યવસ્થિત વાળીને એની નિર્ધારીત જગ્યાએ મૂક્યાં. મનોમન એક વિચાર પણ આવી ગયો કે વસ્તુ વાપરનારા ઉપર જ એની એસેસરીઝ સાચવવાની જવાબદારી કેમ ના હોય ? વળતી જ પળે સુખી દાંપત્યના સપના સેવતી સ્ત્રીઓએ આવી નાની નાની બાબતોએ બહુ વિચારવું કે વિવાદો કરવા નહીં વિચારીને એ વિચારને એક ઝાટકે ખંખેરી કાઢ્યો.

આ સાથે જ મને મારા લેખની શરુઆતમા આવેલ ચિત્ર વિચિત્ર સપનાંનો સંદર્ભ સ્પષ્ટ થઈ ગયો. એ  બધા નિરાશ અને દુ:ખી લોકો આધુનિક ગેજેટસના વ્યસની હતાં અને ગેજેટસ અચાનક ચાલતા બંધ થઈ જતા એ લોકોના અનેકો મહામૂલા – મહત્વના કામકાજ અટકી ગયેલાં. ત્યાં જ મને વિચાર આવ્યો કે નાના હતાં ત્યારે અમારી પાસે મોબાઈલ , કોમ્પ્યુટર જેવી કોઇ સુવિધા નહતી એ વખતે અમે આખો દિવસ બહેનપણીઓના ઘરે , ક્લાસીસમાં –સંબંધીઓના ઘરે – બજારમાં – સ્કુલમાં બધે જતાં હતાં અને નિર્ધારીત સમયની આસપાસ લગભગ ઘરે આવી જ જતાં. હા ઘરઆંગણે રમવાના સમયમાં થોડી અંચઈ કરી દેતાં હતા , જેનાથી કોઇ આભ નહોતું તૂટી પડતું ઉલ્ટાનું આવા બધા વધારાના કામ ના હોવાથી અમને રમવાનો અને ભણવાનો સમય વધારે મળતો. વળી બે હાથમાં ડબલા પકડીને એક ની એક જગ્યા પર બેસીને અદોદળા પણ નહતા થઈ જતા..ઘરની બહાર ખુલ્લા વાતાવરણમાં રમી રમીને ઓર સ્ફૂર્તિલા થતા હતા. મોબાઈલ કે લેપટોપ વગર કોઇના બહેનપણા તૂટયાં કે કામ અટક્યા કે ક્યારેય ખોવાઈ ગયા હોય એવી વાત પણ ધ્યાનમાં ના આવી. એ વાત પણ એટલી જ સત્ય હતી કે આ બધા ગેજેટસના પરિણામે જીવનમાં સહૂલિયતો પણ ખાસી વધી હતી અને અમારી અંદરના આલસુજીવડાઓને પ્રોત્સાહન મળતું હતું.

સૂર્યમંડળના પ્રત્યેક ગ્રહ પરથી જાણે મારા જ ઘર ઉપર ગેજેટસની અક્ષૌહિણી સેનાઓ છોડી મૂકી હોય એવા ભાવ સાથે મેં આજના મારા મહાવિચાર પર ‘અતિ વર્જયતે’ શબ્દો દ્વારા જબરદસ્તી પૂર્ણવિરામ મૂકીને તિલાંજલી આપી.

-સ્નેહા પટેલ.

my first book.


601988_490732337687559_377649700_n1003063_490733597687433_769512023_n

સૌરાષ્ટના પ્રતિષ્ઠિત દૈનિક અખબાર ‘ફૂલછાબ’માં ‘નવરાશની પળ’ કોલમના લેખ ‘વાત થોડી હૂંફની’ અને ‘વાત બે પળની’ પુસ્તકોરુપે પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે અનુભવાતી મારી ખુશી કાયમની જેમ જ એક વાર ફરીથી આપ સૌ મિત્રો સાથે વહેંચું છું.

જેમના સહયોગ વગર આ કામ મારા માટે કદાચ બહુ જ અઘરું થઈ પડત એવા
-ફૂલછાબના તંત્રીશ્રી કૌશિકભાઈ  મહેતા
-બુકશેલ્ફ પ્રકાશનના હીરેનભાઈ શાહ
-બુકડિઝાઇનર રણમલભાઈ સિંધવ
– પ્ર્રૂફરીડર કેયુરભાઈ

આ સર્વેનો અને સદાથી મારું લખાણ વાંચીને મને પ્રોત્સાહન આપનારા મિત્રો -વાંચકો સર્વેનો દિલથી આભાર.
-સ્નેહા પટેલ

હોઈ શકે – ના પણ હોઇ શકે


gujarat guardian paper > take it easy column > 5-08-2013

ટેક ઈટ ઇઝી – 

‘ભાગ મિલ્ખા ભાગ’ ચલચિત્ર કેવું છે ?’ એ ફિલ્મ જોઇને આવેલા એક મિત્રને મેં પ્રશ્ન પૂછ્યો.

‘તમે ‘યે જવાની હૈ દિવાની’ જોયેલું ?’ એમણે પ્રતિપ્રશ્ન પૂછ્યો.

‘હા, પણ કેમ ?’ મેં સહઆશ્ચ્ર્ય જવાબ વાળ્યો.

‘એ તમને ગમેલું ?’ બીજો પ્રશ્ન.

‘હા, ગમેલું ‘ થોડી અસમંજસ સાથે મેં જવાબ વાળ્યો.

‘જો તમને એ ફિલ્મ ગમી હશે તો ‘મિલ્ખાસિઘ’નહી ગમે.’ મારી અસમંજસમાં ઓર વધારો કરતો અભિપ્રાય ઠપકારીને કોઇ મૂંજીની જેમ એ મારી સામે નિહાળતો મંદ મંદ હસતો ઉભો રહ્યો  રણબીરકપૂરના તોફાની નખરાવાળા ચિત્રને આવા ‘ઇંસ્પીરેશંલ’મૂવી સાથે શો સંબંધ હોઇ શકે એ ધારણા બહારની વાત હતી. જોકે બહુ કંટાળેલી હતી એવા સમયે યે જવાની હૈ દિવાની ચિત્રએ મૂડ ફ્રેશ કરવામાં બહુ મદદ કરી હતી. મારા મિત્રના દિવાલતોડ આતમવિશ્વાસના રણકાથી બે પળ તો મારું ‘ભાગ મિલ્ખા..’ ચિત્ર જોવાનો નિર્ણય ઢચુપચુ થઈ ગયો એ વાત ચોક્કસ. પણ ભારતના રીઅલ હીરોનું આ ચિત્ર જોવાની ઇચ્છા સાવ મરી ના પરવારી. બીજી એક સખીને મેં આ ફિલ્મ વિશે પૂછ્યું ’ભાગ મિલ્ખા..’ કેવું લાગ્યું? એણે સામો પ્રશ્ન પૂછ્યો.

‘તેં  નવું ‘ડોન’ જોયેલું ?’

અને મેં સીધા જ પોઈંટ પર આવવાના વિચાર સાથે જવાબ વાળ્યો,

‘સમજી ગઈ.’

‘શું સમજી ગઈ ?’ સખીએ ડોળા તતડાવીને આવા વિસંગતજવાબ વાળવા સામે રોષ પ્રર્દ્શિત કર્યો.

‘નવું ડોન ગમ્યું હશે તો આ ચિત્ર મને નહીં ગમે ‘ એમ જ ને. આગલો અનુભવ યાદ કરીને મેં જવાબ વાળ્યો ને સામેથી ધારણાબહારનો જવાબ આવ્યો,

‘ના એમ નહીં. જો તને ડોન ગમ્યું હશે તો ભાગ મિલ્ખા જરુરથી ગમશે .’

‘હેં…એ…એ…’ સિવાય બીજા કોઇ ઉદગારો મારા મુખમાંથી ના નીકળી શક્યાં. આ ગમ્યું તો પેલું નહી ગમે, પેલું ગમ્યું તો આ ગમશે  જેવા ચલચિત્રોના તુલનાત્મક અભિપ્રાયોમાં તુલના માટે  જે આધાર પસંદ કરાતો હતો એના ધારાધોરણો વિશે બહુ સમજ ના પડી.

તમને વિનોદભટ્ટ વાંચવા ગમતા હોય તો બક્ષી નહી ગમે કે  શેલીના પ્રણયકાવ્યો વાંચ્યા હશે તો રામાયણ પુસ્તક વાંચવું પણ ગમશે આમ કોઇ કહે તો તમારી શી દશા થાય ? અમુક વિષયો એવા હોય છે જેમાં પ્રત્યેક માનવી પોતાની આખે આખી ચાંચ એમાં ડૂબે જ છે એમ છાતી ઠોકીને સિધ્ધ કરીને એના વિશે પોતાના મહાન અને મૂલ્યવાન અભિપ્રાયો આપતો જ રહે છે. ટીવી – મોબાઈલ જેવા મનોરંજનના સાધનો દરેક વર્ગના – સમજના લોકોને આસાનીથી હાથવગા થતાં અભિપ્રાયનો વ્યાપ વિશાળ પાયે વધ્યો છે. મારા ઘરે આવતી 20 વર્ષની ટબુકડી કામવાળી મને કહે, ‘બેન, મોબાઈલમાં આ ગેમ્સની એપ્લીકેશનો સિવાય બધી નક્કામી. તમે આખો દિવસ શું આ ‘ સમાચારપત્રો – સંગીત’ જેવી એપ્સ નાંખ્યા કરો છો ?’ બે ઘડી એના અતિજ્ઞાનથી ભાવવિભોર થઈને મેં વિચાર્યુ કે આવા ને આવા લોકો એપ્સને રેટીંગ કરે રાખે તો દરેક એપ્સની લોક્પ્રિયતા પાછળ કયા વર્ગની સમજણ કામ કરતી હશે  એ સમજવું સહેજ પણ અઘરું નથી.

મારી સામેના ઘરમાં રહેતાં 75 વર્ષના માજી, એમના ઘરમાં ‘સેટ બોકસ’ સેટ ના કર્યુ હોવાથી મારા ઘરે ટીવી જોવા આવે અને એ સમયે મારા ટીવીમાં ચાલતી ડિસ્કવરી- ન્યૂઝ –  કે ઇંગ્લીશ ચેનલો સામે એમનો તીવ્ર વિરોધ. એમના અભિપ્રાયોનો ધોધ વછૂટે. ‘આ શું નંગધડંગ ફરતા લોકોની ચેનલો જોવે છે ? જુવાનજોધ દીકરા સાથે બેસીને આવા પ્રોગ્રામો જોતા લાજ નથી આવતી? સંતાનો સાથે બેસીને આસ્થા જેવી ચેનલો , કયાં તો આપણા ભારતીય સંસ્ક્રુતિને દર્શાવતી સાસુવહુ વાળી સિરીઅલોજ જોવાય..તમને જુવાનિયાઓને કંઈ ગતાગમજ નથી પડતી. બસ પોતાની મસ્તીમાંમસ્ત . હવે ‘મેન વર્સીસ વાઈલ્ડ’જેવા પ્રોગ્રામોમાં જંગલોમાં રખડનારા લોકો શોર્ટસમાં ફરે છે, એનો પોતાના ઘરમાં ટૂંકી શોર્ટ્સ પહેરીને ફરતી પૌત્રીના દાદીમા વાંધો ઉઠાવીને એમના અભિપ્રાયો રજૂ કરે ત્યારે કેવું વરવું અને અસહ્ય લાગે. ! વળી એમના અભિપ્રાય સાચા માનીને મારા કોંન્વેંટીયા દીકરાની સમજમાં સાસુ –વહુ જેવી ખોટી સમજના ખાતર નાંખી એના મૂળીયા ખોદી કાઢવા જેવું તદ્દન છેલ્લી કક્ષાનું કાર્ય મારાથી કેવી રીતે થાય ?

થોડા સમય પહેલાં અમારા સાહિત્યના જાણકારોની મીટીંગમાં એક મિત્રએ કહ્યુંકે’સ્નેહા,તમારી વાર્તા અને કવિતાઓમાં તમે શબ્દો સારા વાપરો છો હોં કે..’ હવે ‘સારા શબ્દો અને ખરાબ શબ્દો નું વર્ગીકરણ કેવી રીતે કર્યુ ને એમનો મત રજૂ કર્યો એ જ મને નવાઈ લાગી. ભલા માણસ શબ્દો તો શબ્દો જ હોય છે હું કંઈ ગાળો જેવા અસભ્ય શબ્દો તો વાપરતી નથી.તો લેખ – કવિતામાં ગાળ સિવાયના તો બધા શબ્દો મારી અલ્પમતિ મુજબ સારા જ કહેવાય. ટેવવશ એમના અભિપ્રાય ઉપર થોડું ચિંતન કરતાં એમ લાગ્યું કે  કદાચ એ મિત્રને એમ કહેવું હશે કે તમે ભાવ મુજબ શબ્દોની પસંદગી કરીને એને સહજ્તાથી સમજાવી શકો છો એટલે તમારા શબ્દો સારા લાગે છે. હવે એ મિત્રને કોણ સમજાવે કે તમારા અભિપ્રાયમાં તમે તમારા ભાવ મુજબ શબ્દો વાપરીને સામેવાળાને સહજતા તો શું પણ કઠીનતાથી પણ નથી સમજાવી શકતા તો એમની શું હાલત થાય ?

રાજકારણ તો અભિપ્રાયો ઉપર જ ચાલે છે. અમુક અભિપ્રાયીઓ વળી ‘નરો વા કુંજરો વા’ વાળી કેટેગરીના હોય છે. પોતાના અભિપ્રાયોની જવાબદારી ખુદ લેવા તૈયાર જ ના હોય. એમને તમે પૂછો કે ‘ પેટ્રોલના ભાવમાં પાછો વધારો થવાનો છે એ વાત સાચી કે?’ તો એ તરત કહેશે કે ‘હા, ટીવીમાં ન્યુઝમાં હમણાં વાંચ્યું. થઈ પણ શકે , ના પણ થાય.’ ‘ઉત્તરાખંડમાં મૃતકોની સંખ્યા હજારોનો આંકડો વટાવી જશે તમે શું માનો છો?’ તો કહેશેકે ‘હા કાલે છાપામાં આંકડાઓ તો એવા જ હતાં. હોય પણ ખરા ને ના પણ હોય..આ ટીવી ને ન્યુઝવાળાઓના શું ભરોસા…કંઈ પણ છાપી મારે ,કંઈ પણ આંકડાઓ સમાચારમાં બોલી કાઢે..’ આમ સમાચારની વિસ્વસનીયતા પર ભરોસો ના મૂકીને પોતે બોલેલાની જવાબદારી ખુદ ઉઠાવવા તૈયાર જ ના થાય. આવા લોકોને મેચના એમ્પાયર બનાવી દો તો કેવી મજા પડે !

‘ભાઈ, બોલ સ્ટ્મ્પને લાગેલો ને સ્ટ્મ્પ ઉડી ગયા. હવે એમાં ખેલાડી આઉટ હોઇ પણ શકે ને ના પણ હોય !”

-સ્નેહા પટેલ

બિમારીની વાસ્તવિકતા


foolchhab paper > navrash ni pal column > 3-08-2013

વાવાઝોડું તો પસાર થઈ જશે

સમય પડખું પણ બદલશે
શનિ દશા, રાહુ અન્તર દશા જશે ને
ગુરુ ધીમાં ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં
વાદળો તો ખસશે આકાશમાંથી
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?
-વિપિન પરીખ

‘તમને શરદી થઈ છે બસ, એનાથી વધુ કોઇ રોગના લક્ષણો દેખાતા નથી.’

‘આર યુ શ્યોર ડોકટર, નોર્મલી શરદી તો 3 દિવસમાં મટી જાય પણ આ તો મૂઇ છ દિવસ થયા તો ય પીછો નથી છોડતી. આજકાલ પેલો નવો વાયરલ ‘સ્વાઈન ફ્લ્યુ’ ફીવર આવ્યો છે એને ને આ શરદીને તો કોઇ લેવા દેવા નથી ને ?’ સોહીનીના સ્વરમાં થોડી ગભરામણ, બીક હતી.

અને ડોકટર શાહ એમની મેંટાલીટી , મૂળ રોગ સમજી ગયા. આવા રોજ 10-12 પેશન્ટ્સનો સામનો તો એમને થતો જ હતો.

‘હ્મ્મ…ગભરાઓ નહીઁ બેન,  અત્યારે તો બધા જ રોગની દવાઓ – વેક્સીન -અક્સર ઇલાજો છે.જુઓ આ એંટીબાયોટીક છે સવાર – બપોર -સાંજ દૂધ સાથે લઈ લેજો અને આ શક્તિનો પાઉડર છે  ‘વાઈટલ ઝેડ’ દિવસમાં ત્રણ વખત લઈ લેજો. બે દિવસ રહીને મને બતાવી જજો.’

સોહીની ખુશ થઈને પૈસા ચૂકવીને ડોકટરની કેબિનની બહાર નીકળી.

એમના પછી એક 17-18 વર્ષનો હસતો રમતો નવજુવાન પ્રતીક એમની કેબિનમાં પ્રવેશ્યો. એના પ્રવેશથી જ ડોકટરની કેબિનમાં એક તીખી, કડવી સ્મેલ પથરાઈ ગઈ. ડોકટર શાહ પોતે તો સિગારેટ્થી કોસો દૂર રહેનારા વ્યક્તિ પણ આ સ્મેલ એમનાથી સહેજ પણ સહન ના થતી. પોતાનો અણગમો દબાવીને એમણે એ ફૂલગુલાબી છોકરાના વદન સામે બે મીનીટ ધરાઈને જોયા કર્યું, મસ્ત મજાનો છોકરો હતો. લાંબા લીસા કાળા ભમ્મર વાળ, ગોરો વાન, રોમન જેવું તીખું અણીદાર નાક, ગુલાબી ઝાંયવાળા ગાલ..ડોકટર બે મીનીટ્માં તો ફ્રેશ થઈ ગયા. પેલી તીખી સ્મેલ પણ ભૂલી ગયા.

‘બેટા, તને તારો રીપોર્ટ્ કઢાવવાનો કહેલું તો કરાવ્યો છે ?’

‘હા ડોકટર લો, આ રહ્યો’ હાથમા રહેલા કાગળ એમની સામે ફરફરાવીને એણે બેફિકરાઈથી પોતાના ઝુલ્ફામાં હાથ ફેરવીને વિશેષ અંદાજમાં માથું ઝટક્યું જેથી સિલ્કી વાળ એક સરસ મજાની સટાઈલમાં ગોઠ્વાઈ ગયા.રીપોર્ટ જોઇને ડોકટૃર ચમક્યા,

‘અરે બેટા, તને તો ડાયાબિટીસ છે…આ ઉઁમરે આટ્લો બધો ડાયાબિટીસ ? ‘

‘હોય જ નહીઁ ને ડોકટર, રીપોર્ટ ખોટો હશે. હું રેગ્યુલર વ્યાયામ કરનારો, પૌષિટ્ક ખોરાક લેનારો હટ્ટો કત્ટો જુવાન. મને વળી ડાયાબિટીઝ કેમનો થાય..?’

ડોકટર શાહ આગળ જ પતાવેલા સોહિનીના કેસમાંથી હજુ માંડ બહાર આવેલા ત્યાં વળી આ બીજો દર્દી…ઉફ્ફ…

‘સારું લો આ દવા લેજો અને અઠવાડીઆ પછી મને મળજો’.

‘ઓ.કે.’

થોડા સમય પછી ડોકટરની કેબિનમાં પેલો જુવાન અને સોહિની પાછા એક્સાથે ભેગા થઈ ગયેલાં. સોહિનીએ ખોતરી ખોતરીને જાતજાતના ડરના ઓથા હેઠળ ઢગલો દવાઓ ખાઈ ખાઈને પોતનો કેસ સાવ જ કન્ફ્યુઝિઁગ કરી દીધેલો. પોતાને જે રોગ હતો જ નહી એને વિચારી વિચારીને બીકમાં ને બીકમાં એ રોગને અજાણતા પોતાના જીવનમાં વાસ્તવિક સ્થાન આપી બેઠેલી.

પરિણામ, એક તંદુરસ્ત યુવતી જાતજાતના રોગોના હવાલે હતી.

જ્યારે પેલા જુવાને ડોકટરની ડાયાબિટીસ વાળી વાતને ગણકારી જ નહીં. પોતાને ડાયાબિટીસ થાય જ નહીઁ અને થયો હશે તો યોગા અને એકસરસાઇઝથી એની જાતે જતો રહેશે પોતેદવાઓ લેવાની કોઇ જરુર નથી ડોકટરો તો દવાઓ લખ્યા કરે, આ યુવાનીમાં દવાઓના સહારે થોડી જીવવાનું હોય ? જેવા ભ્રમમાં રહેલો. એક વખત ઇંફેક્શન થતા એ કંટ્રોલમાં જ ના આવ્યું ત્યારે એણે ડોકટર શાહની વાતને ગંભીરતાપૂર્વક લેવી પડી. પણ હવે બહુ મોડું થઈ ગયેલું. એનો ડાયાબિટીસ માંડ માંડ કંટ્રોલમાં આવ્યો અને એ પણ કાયમની દિવસની આઠ ગોળીઓના સથવારે. એ સાયકોલોજીક્લ ડિનાયલ સમસ્યાથી પીડાતો હતો – પલાયન -શાહમ્રુગ વ્રુતિનો શિકાર હતો.

બંને દર્દીઓના મગજ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર જ નહતાં. પોત- પોતાના રોગને સમજવામાં તદ્દ્ન નિષ્ફળ.

અનબીટેબલ :- આપણને દુઃખી – હતાશ કરતી અમુક માંદગીઓ તો આપણે જીવનમાં સાચેસાચ સહન કરી હોય છે.

-સ્નેહા પટેલ.

આપણું સંતાન :


સ્મ્રુતિ ખોડલધામ – ઓગસ્ટમાસનો લેખ.

 

‘ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય – દીકરી એટલે વ્હાલનો દરિયો વગેરે વગેરે…જેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. જે આપણી પાસે કાયમ ના રહેવાનું હોય એની પર વધારે જ મમત્વ હોય એ વાત સાચી પણ એ મમત્વમાં આપણે જે કાયમ આપણી પાસે રહેવાનું હોય એને ‘ ઘર કી મુર્ગી દાલ બરાબર ગણીએ’ એ વાત કેટલી ન્યાયપૂર્ણ ?

મને ખબર છે કે આટલો પેરા વાંચીને જ અનેકો લોકોના નાકના ટીચકાં ચડી જશે, સ્ત્રી –પુરુષોના ભેદભાવમાં બંધાયેલો આપણો સમાજ એક લિમીટથી આગળ જોઈ શકવાની વિચારવાની તસ્દી લેવા જ નથી માંગતો એ બાબતે મને બહુ નવાઈ લાગે છે. હમણાં જો મેઁ અહીં દીકરી ઉપર લેખ લખ્યો હોત તો પ્રસંશાના ઢગલે ઢગલા થઈ જાત,

પણ ના…મારે દીકરા કે દીકરી કોઇ એકની તરફ્દારીમાં લેખ નથી લખવો.

આખો લેખ શાંતિથી ઉદારતાથી વંચાતો જશે એમ એમ ખ્યાલ આવતો જશે કે મેં આ લેખ આપણાં સંતાન ઉપર લખ્યો છે. એક નવા દ્રષ્ટીકોણ સાથે. આજે કદાચ આનો વિરોધ કરનારા લોકો પણ મનોમન આની પર વિચારશે તો જરુર એવો વિશ્વાસ છે.

સંતાનો તો આખરે સંતાનો જ છે. એ પછી છોકરો હોય કે છોકરી, એમના ઉછેરમાં ભેદભાવ રાખીને ઉછેરવાની આપણી સામાજિક કુપ્રથા કયારે બંધ થશે ? છોકરો અને છોકરી બે ય પોતપોતાનામાં અતુલ્ય છે. કોઇ એક માનવીની બીજા માનવી સાથે તુલના કરવી એ જ ધ્રુણાજનક વાત છે. દરેક માનવીના ગુણ –અવગુણ અલગ અલગ હોય છે. એમાં છોકરો ને છોકરી જેવી જાતિ નજરમાં રાખીને નિર્ણય કેમ લેવાય છે એ જ મને સૌથી તકલીફ પહોંચાડે છે ! ‘તમારું સંતાન એટલે તમારું લોહી’ બસ એટલું જ કાફી નથી ?

હવે ,આ લેખની પહેલી લાઈન વાંચો. વારંવાર આ વાત દોહરાવાય છે. આજના જમાનામાં જ્યારે ‘એક દંપતિ અને એક સંતાનનું સૂત્ર’ અપનાવીને ચાલતું હોય ત્યારે એક માત્ર સંતાન છોકરો હોઈ શકે છે. (અહીંઆ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી બહુચર્ચિત વાતોથી મહેરબાની કરીનેદૂર રહેવું ) હવે એ દંપતિએ એમની આર્થિક, સામાજીક સ્થિતીને અનુરુપ એક જ સંતાનને જન્મ આપવાનું પસંદ કર્યુ હોય અને એને કોઇ આવીને કહે કે ‘જેણે બહુ પુણ્ય કર્યા હોય એવા નસીબદારને જ ભગવાન છોકરી આપે – કન્યાદાન તો સદભાગીના નસીબમાં જ હોય ‘ ત્યારે પેલા દંપતિના દિલમાં શું ભાવ આવશે એ વિચારો તો..શું અમારે સંતાનમાં છોકરો એટલે અમે કમનસીબ ? અમે પ્રભુને પ્યારા નહીં હોઇએ ? અમારે બીજા સંતાન માટે પ્રયત્ન કરવો જોઇએ કે ? આ બધાથી ય ઉપર પેલું સંતાન –છોકરો  ( છોકરો અને છોકરીની જાતિ છોડીને એક વિશાળ અર્થમાં એમને‘ સંતાન’ની જેમ લેતા આપણે કયારે શીખીશું?) સમજણો થયો હશે તો શું વિચારશે? નાનપણથી એ કાયમ એવી વાતો સાંભળતો હશેકે, ‘ મોટા થઈને એણે મા –બાપનો સહારો બનવાનો છે, એમને સાચવવાના છે, આવનારી પણ એનું માન સન્માન સાચવે એનું ધ્યાન રાખવાનું છે.  જો ભગવાને પોતાને આ ઘરમાં જન્મ આપીને   એના પાલનહારને દીકરીના વરદાનથી દૂર રાખ્યા છે તો પોતે પોતાના પાલનહાર માટે શ્રાપ છે કે ? જવાબદારીઓ પૂરી કરવા સાથે અપજશના ટોપલા પણ માથે લઈને ફરવાના !’

અહીં મુખ્ય ધ્યાન આપણે દીકરા કે દીકરી ના રાખતા  એમના સંસ્કારો પ્રતિ કેમ નથી રાખતા ? દીકરીઓને પારકાનું ઘર પોતાનું કરવાની ટ્રેનિંગ અપાય છે એમ દીકરાઓને પારકીજણી પોતાનાઘરે આવે ત્યારે એને પોતીકી કરીને પોતાના કુંટુંબમાં દૂધમાં સાકરની જેમ કેમ ભેળવી દેવી એવી સમજણ કેમ ના અપાય? ઘણાં ઘરડાં મા બાપ પોતાની દીકરીને પ્રેમથી સાસરે વળાવી દે છે અને પોતાની વહુઓની સાથે દુશ્મનો કે ન્નોકર જેવો વ્યવહાર કરે છે, વળી એ ગમે એટલી સેવા કરે તો પણ રહેવાની તો પારકી જણી જ ! જો દીકરી જાતિ માટે એટલો જ અહોભાવ હોય તો તમારે વહુ પણ કોઈની દીકરી છે એના માટે .’પોતાની જણી’ જેવી લાગણી  કેમ ના ઉદભવી શકે ? દરેક વાતોના હક મારી મચડીને પોતાની બાજુ લેવાની વડીલોની આ રીત ક્યારે બદલાશે ?

થોડા સમય પહેલાં જ મારે સંબંધીની દીકરીના લગ્નપ્રસંગમાં જવાનું થયું હતું. ત્યાં કન્યાવિદાય વખતે આ ની આ જ વાતો…જેમને દીકરી હોય એમને જ આ પ્રસંગની કરુણતાનો ખ્યાલ આવે., દુ:ખના ખારા અને સુખના મીઠા આંસુડાના કોમ્બીનેશનનો સ્વાદ એમને જ ચાખવા મળે પણ જેમને છોકરો હોય એમને શું સમજાય આ બધું? એ સમયે મને પ્રશ્ન થયો કે દીકરાને જન્મ આપનારી જનેતા જનેતા ના કહેવાય ? શું એ  વહુ બનતા પહેલાં કોઇની દીકરી નહી રહી ચૂકી હોય ? એણે પોતાના લગ્નપ્રસંગે આવી તીવ્ર વેદના અને સુખીની લહેરોનો અનુભવ એકસાથે નહી કર્યો હોય ? અને જો એનો જવાબ હા હોય તો પછી એને કેમ એવું કહેવાય કે તમને આ વાત નહી સમજાય – રહેવા દો !

હકીકતે આપણે દીકરીઓની સલામતીને લઈને એટલા બધા લાગણીશીલ થઈ જઈએ છીએ કે એની પ્રસંશામાં, અછો અછો વાના કરવામાં એને વધારે પાંગળી બનાવી દઈએ છીએ. નાનપણથી જ એને આવનારા સુપરસોનિક જમાનામાં એના ભાગે આવનારી સહિયારી જવાબદારીના પાઠો ભણાવીને એને મજબૂત બનાવવાની છે નહીં કે નાની નાની વાતોમાં એની આંગળી પકડીને, સહારો આપી આપીને માયકાંગલી. બાપડી, બિચારી, પુરુષોની સાથે બરોબરી કરીને પોતાની જાતને પુરુષ સમોવડી બનાવવા જેવા શબ્દો – વાતોથી એને દૂર જ રાખો તો વધારે સારું. એ જ વસ્તુ છોકરાઓના ઉછેરમાં પણ ધ્યાન રખાવી જોઇએ. સહિયારી જવાબદારીરુપે એના માથેઘરના કામકાજ રસોઇ, કચરા ,પોતા સાફસફાઈ જેવા કામ આવી શકે છે તો નાનપણથી જ એને સ્વનિર્ભર થવા સાથેસાથે આ બધા કામની નાનપમાંથી દૂર હટાવવાનો છે. દીકરી એટલે સાપનો ભારો જેવી બુધ્ધિના બીજા છેડાને પણ ના અડકતી હોય એવી વાહિયાત વાતો –માન્યતાઓની બને એટલી ત્વરાથી સમાજમાંથી નાબૂદી જરુરી છે.

દીકરો હોય કે દીકરી એ તમારું પોતીકું સંતાન છે. તમે એમાં તમારા વર્તનથી તમારા સંસ્કારો, વિચારો એનામાં આરોપવાના સંનિષ્ઠ પ્રયાસો કરો અને એને પોતાના વિચારો મુજબ જીવવા દેવાની છૂટ પણ આપો. જમાનો ગમે એટલો બદલાય પણ મા બાપની બે આંખની શરમ, પ્રેમ અને લાગણી હશે તો તમારું સંતાન તમારી સાથે અદ્રશ્ય રેશમી તાંતણે બંધાયેલુ જ રહેશે.એ એની જાતે બંધાય એ વધુ મહત્વનું.બાકી એને જવાબદારીઓ –ફરજો સમજાવીને જબરદસ્તી બાંધવાનો પ્રયાસ કરશો હંમેશા નિષ્ફળ જશો. પારકાની દીકરીને પોતાની દીકરી સમજી એના મા બાપની તકલીફોમાં એને સાથ આપવા માટે પ્રેરણા આપતા રહો અને બની શકે તો તમે પોતેપણ તમારા વેવાઈ વેવાણના સંબંધોની વાડમાંથી વિસ્તરીને હમઉમ્ર મિત્રો બનીને રહો. પછી શું દીકરી ને શું દીકરો – શું પારકી જણી ને શું પારકી થાપણ ગણાતી પોતાની જણી..!

આ લેખ પર હજુ તો બહુ બધુ લખી શકાય એમ છે..ફરી ક્યારેક આમ જ મળી જઈશ મારી તટ્સ્થતાભરી લેખની સાથે આવો જ કોઇ વિષય લઈને !

-સ્નેહા પટેલ.