કેલરી –હાય હાય !

 Gujarat Guardian paper > take it easy column.

ટેક ઈટ ઈઝી 

 

 

૧૦૦ ગ્રામ મગફળી – ૫૬૭ કેલેરી

૧૦૦ ગ્રામ ગોળ – ૩૮૩ કેલેરી

૧૦૦ ગ્રામ માવા સ્વીટ – ૪૨૦ કેલેરી

મકાઈની એક રોટલી – ૧૮૧ કેલેરી

દસ ગ્રામ દેશી ઘી – ૯૦ કેલેરી

દસ ગ્રામ માખણ – ૭૨ કેલેરી  ….વગેરે વગેરે.

 

આજે થોડી નવરાશ મળતાં જ બે મહિનાથી જેને મળી નહતી શકતી, એ મારી સખી અનુજાને મળવા ઉપડી ગઈ, સરસ મજાનું ગુલાબી ઝાંય સાથે  એવરેજથી થોડું વધારે ચમકીલું સૌષ્ઠ્વ ઐશ્વર્ય ધરાવતી અનુજાના રસોડામાં મેં ફ્રીજ ઉપર મીકી માઉસના લાલ –ભૂરા મેગ્નેટથી આવો કેલેરી-ચાર્ટ ચોંટાડેલો જોયો. નાનપણથી મેં એને હસતી રમતી અને આનંદી જોયેલી.  પહેલેથી જ એવરેજ કરતાં થોડું વધારે શરીર ધરાવતી હોવા છતાં એ બાબતે કાયમ દુર્લક્ષ સેવતી તે એના બે સંતાનો પછી વધતા ફુગાવાની જેમ નિરંકુશ વધારો થયા પછી પણ ક્યારેય સીરીઅસ થઈ નહતી. એના ઘરમાં અચાનક આવું વાતાવરણ જોઇને મને થોડી હેરાની થઈ ને કારણ પૂછતાં ઉપર દર્શાવેલા કેલેરીચાર્ટ સિવાય બીજા  ગોખેલા આંકડાની માહિતી મારી સામે પ્રસ્તુત કરીને મારા કેલેરીના સામાન્ય જ્ઞાનમાં ઉમેરણ કર્યું.

સામાન્ય રીતે પુરુષોને ૨૨૦૦ કેલેરી અને સ્ત્રીઓને ૧૮૦૦ કેલેરીની જરૂરિયાત હોય છે.  તમે એક મહિનામાં આઠ વખત વધારે ખાઓ દરેક અઠવાડિયે તમારા શરીરની અંદર ૫૦૦ કેલેરી વધારે જમા થાય છે જેના લીધે તમારું વજન દરેક મહિને અડધો પૌંડ વધી જાય છે.હવે હું રહી નાનપણથી જ સૂકલકડી. મારે આવા બધા આંકડા સાથે નાહવા નિચોવવાનો ય સંબંધ નહીં. એણે કહ્યું ને મેં ચૂપચાપ સાંભળ્યું.

ભરેલી શોપિંગબેગ જેવું થોડું ફૂલેલું શરીર અને ઉપર એક કિલોના સ્ટીલના ડબ્બાના ઢાંકણા જેવડું નાનકડું ગોળમટોળ મોઢું ધરાવતી અનુજાનો જઠરાગ્નિ પહેલેથી જ આશુતોષ ! થોડું ખાય અને તૃપ્તિના ઓડકાર આવી જાય. એથી ખાવાના કારણે એનું શરીર વધતું હોય એવું કમસેકમ મને તો ના જ લાગ્યું. કારણ ખાવાથી જ શરીર વધતું હોય તો એનાથી અડધી સાઈઝની હું ખટરસ ભોજન આરોગવા છતાં મારું શરીર જલકમલવત ખોરાકથી અલિપ્ત રહીને જરાય મેદ ધારણ નહતું કરતું.

‘ગહના કર્મણો ગતિ: ’

આસ્ચ્ર્યના વમળોમાં ગોતા લગાવીને જાત પર થોડો કાબૂ મેળવીને મેં અનુજાને એકાએક આ આવેલા બદલાવ પાછળનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે આજકાલ એના ‘યંગ’ થઈ રહેલા સંતાનોને એના અદોદળાપણાથી શરમ આવતી હતી અને એમના સ્કુલના કોઇ પણ પ્રોગ્રામોમાં એને સાથે લઈ જતા અચકાતા હતાં.’ જેને કોઇ ના પહોંચે એને પહોંચે પેટ’ એ કહેવત આવા જ સંજોગોમાં લખાઈ હશે. સંતાનો એને જીન્સ –કુર્તી – સ્કર્ટ જેવા ફેશનેબલ કપડાંમાં જ જોવા ઇચ્છતા હતાં. રોજ રોજ

‘ફ્લાણા મિત્રની મમ્મીએ ફકત ડાયેટીંગ કરી કરીને બે મહિનામાં પંદર કિલો વજન ઉતારી નાંખ્યું, ઢીંકણાની મમ્મીએ જીમ –યોગાથી એક મહિનામાં પાંચ કિલો વજન ઓછું કરી નાંખ્યું. મમ્મી તું પણ એવું કંઈક કર અને થોડું વજન ઉતાર’ કહી કહીને અનુજાનું માથુ ખાઈ જતા હતાં. છેલ્લાં ચાર મહિનાથી સ્ટ્રીક્ટલી બધા ડાયેટ અને કસરતના પ્રોગ્રામોમાં જીવતી અનુજા હજુ કિલો વજન પણ નહતી ઉતારી શકી. થોડી ડીપ્રેસ્ડ અનુજાને મેં સહાનુભૂતિથી સમજાવી.

’જો અનુજા, જન્મજાત જે બાંધો હોય એને ઉતારવું એ આંગળીમાંથી વીંટી ઉતારી કાઢવી કે દિવાલ પરથી પેઈંટીંગ ઉતારવા જેવી સામાન્ય વાત નથી. છોકરાઓ તો બચ્ચા છે હજુ, એ લોકો તને શું કહી રહ્યાં છે એનું ભાન નથી. પ્રભુ એમને માફ કરે એમને! જે વસ્તુ તેં ચઢાવી જ નથી એ તું ઉતારી કઈ રીતે શકવાની ? જન્મથી જ સૂકલકડી એવી મને તું  બે મહિનામાં પાંચ – સાત કિલો  વજન વધારવાનું કહે એટલી જ તકલીફવાળી આ વાત છે.

‘સ્નેહા,એ લોકો કહે છે કે મારે ભાજી, ટામેટા અને ગાજર જેવા સલાડ અને એ પણ એક જ વાર ખાવાના. રોટલી પણ ઘી વગરની એકાદ લેવાય. હવે તું જ કહે એક રોટલીના ઘીથી મારું વજન વધી જવાનું કે..?’

સામે રહેલ ભજિયા, ચકરી અને મારા અતિપ્રિય સમોસાવાળી ડિશમાંથી નાસ્તો લેતો મારો હાથ અટકી ગયો. મેં સમોસું નીચે મૂકીને ‘હમ્મ…’ કહીને ના કૌંસમાં ના કૌંસની બહારની જેમ મારો જવાબ વાળ્યો.

‘હાથ કો આયા મુંહકો ના લગા.’

લગભગ અડધો કલાકથી અવિરતપણે ચાલતા એના સતત કેલેરીના પ્રવાહમાં તણાતી મને હવે લાગ્યું કે એ કોઇ તેલવાળા ખાદ્યપદાર્થનું નામ બોલશે તો પણ એ કેલરિઝ એને ચડી જશે. એની હાલત જોઇને મને થયું કે તાવ આવતો હોય ને દવા લઈ લઈએ તો મટી જાય એમ આ ‘સ્થૂળતા’ના ઇંજેક્શનનો કોર્સ કરી લેવાથી એના ઉપર કાબૂ પામી શકાય તો કેવું સારું…! આજે અનુજા જેવી કેટલીય વ્યક્તિઓ આમ માનસિક તાણથી તો બચી જાત ને !

છાપા,નેટ,મેગેઝિન બધે આજકાલ કેલરી, ડાયેટ-કટ્રોલ જેવા લેખોની ભરમાર ભરી હોય છે ત્યાં કોઇ પણ  છગનિયો મગનિયો આજકાલ જાણે એ પ્રખર આહારશાસ્ત્રી હોય એમ લેકચરઆપતા થઈ જાય છે. અનુજા જેવી વ્યક્તિઓ જમવા બેસે તો ખાવાની વઅસ્તુઓના બદલે કેલરી જ ખાતી જ થઈ જાય છે. વગર વાંકગુનાએ એકાદ કેડબરીનો ટુકડો કે ડાયેટપ્લાનની બહાર ખવાઈ જાય તો વગર વાંકગુનાએ ‘ગિલ્ટી’ ફીલ કરીને માનસિક તાણ અનુભવતી થઈ જાય છે અને એના બદલારુપે હવે ક્યાં – શું ના ખાઈને આ ગુનાનું પ્રાયસ્ચિત કરવું એના વિચારે ચડી જાય છે.આ ટેંશનથી કદાચ શરીર ઘટે કે બગડે એમ ચોકકસ બની શકે બાકી શરીરને જરુર પૂરતો ખોરાક ના ખાઈને શરીરની આ વિસ્તારવાદી પ્રવ્રુતિ અટકે ને કાયમ જળવાઈ રહે એ તો બહુ ‘રેર’વાત છે. મારા અનુભવે તો સૂકલકડી માણસો નિરાંતથી, આસાયેશથી, નિર્ભયતાથી અને અતિશય તૃપ્તિથી ખાઈ શકે છે, જ્યારે સ્થૂળ મનુષ્યો બિચારા એક ચમચી ખાંડની ને ચમચી તેલની કેલરીઓ જ ગણતાં ફરે છે. નવાઈ તો એ કે આ કેલેરી ગણવાના અતિશ્રમ પૂર્ણ કાર્યથી પણ એમનું શરીર નથી ઉતરતું.

અનેક પ્રયોગો અને નિરીક્ષણ પછી મને લાગ્યું કે મોટાભાગે વિજ્ઞાન આ સ્થૂળતાનું કોઇ લાગલું કારણ શોધવામાં નિષ્ફળ જ જાય છે.બાકી કોઇકના દેહમાં ખોરાક કયાં જાય છે તે જ સમજાતું નથી અને કોઇ બિચારો સર્પની જેમ પવન પી ને પણ ‘ન ચા દુર્બલાસ્તે’. માટે કાચું ખાઓ, બાફેલું ખાઓ,ખાંડ મીઠું બંધ, નાળિયેરના પાણી પર જીવો જેવી પરપીડક આજ્ઞાઓ માનવી નહીં. સ્થૂળતાને ખોરાક સાથે કોઇ ખાસ સંબંધ નથી અને હોય તો હજુ શોધાવાની બાકી છે એ જ પરમોસૂત્ર.

-સ્નેહા પટેલ.

2 comments on “કેલરી –હાય હાય !

 1. શિર્ષક “કેલરી-હાય હાય” કદાચ વાંચકોને આકર્ષવા રાખ્યું/રખાયું હશે-હું એમાં સપડાઇ ગયો!, પણ જો ‘કેલરી-બાય બાય’ રાખ્યું હોત તો!?
  ભાષાની દ્રષ્ટિએ પણ ‘હાય હાય’ તમને ન ખૂંચ્ચું? ખોટુ લાગેતો એક રોટલી વધારે ખાઇ લેશો.તમારે વજનનો ‘પ્રોબ્લેમ’ નથી એટલે સ્નેહાજી.
  ખોટુ ન લગાડતા. હું હાસ્ય લેખક છું; જો ન જાણતા હોવ તો જણાવી દઉ!

  ચીમન પટેલ ‘ચમન’

  Like

 2.  સંતાનો પછી વધતા ફુગાવાની જેમ નિરંકુશ વધારો થયા……….ભરેલી શોપિંગબેગ જેવું થોડું ફૂલેલું શરીર અને ઉપર એક કિલોના સ્ટીલના ડબ્બાના ઢાંકણા જેવડું નાનકડું ગોળમટોળ મોઢું ધરાવતી …….aa badha vaakyo barabar nathi lagata sneha bahen. મને લાગે છે કે ભારતીય….ભારતીયમાં ક્યારેય અન્ય લોકોની વ્યથા સમજવામાં નથી આવતી. દુઃખ થયું લેખમાંના આ વાક્યો વાંચીને.  

  ________________________________

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s