ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 24-07-2013
ઘટી ઘટનાનું તારણ કાઢશે ભેગા મળી સૌ લોક,
બીના પાછળનું એક કારણનું પણ હોવું જરૂરી છે.
-અશોક વાવડીયા
અંતરા અને ઇશાન આજે રવિવારની રજાના મૂડમાં હતાં. વર્કીંગ કપલને આજે બહુ વખત પછી એક સાથે રવિવારે ફુરસત મળી હતી એને દિલ ખોલીને માણી લેવાના ઉત્સાહમાં ગાડી લઈને રખડવા નીકળી ગયા.
કોલેજના સમયે જ્યાં હાથમાં હાથ પૂરોવીને પ્રેમીપંખીડાની જેમ ફરેલા એ રસ્તાઓ ઉપર ફરીથી એક લટાર મારીને એમનો સોનેરી ભૂતકાળ તાજો થઈ ગયો. બેય જણ ખૂબ ખુશખુશાલ હતાં. જોબના કારણે પોતાનાપિયરે પણ ના જઈ શકતી અંતરા આજે ઇશાનને લઈને ત્યાં પણ એક આંટો મારી આવી . દુનિયાભરની ખુશીઓથી પોતાની ઝોળી ભરીને હવે એ બેય જણ કોઇ સારી રેસ્ટોરન્ટમાં ડિનર લેવાનો વિચાર કરતાં હતાં. ઇશાન હોટલની જગ્યા નક્કી કરતો કરતો ડ્રાઈવ કરી રહેલો . અંતરા પણ મનોમન ઇટાલિયન, થાઈ, મેક્સીકન, ગુજરાતી..’આજે શું સ્પેશિયલ જમવું? ’ ના વિચારોમાં ખોવાઈ ગયેલી. ત્યાં જ શહેરના ટ્રાફિકથી ભરપૂર આઠ રસ્તાની મધ્યે ઇશાને ગાડીને જોરથી બ્રેક મારી. આઠ રસ્તાના ટ્રાફિકબૂથમાં કોઇ જ પોલીસ નહતો ઉભો અને સાંજનો સમય હતો એટલે લોકો મનફાવે એમ બેફામ ડ્રાઈવિંગ કરી રહેલાં હતાં. ગળામાં ગેરુ રંગનો પટ્ટો ભરાવીને એક 65 વર્ષની આસપાસની ઉઁમરના કાકા ખખડધજ સ્કુટર પર ઇશાનની ગાડીને ક્રોસ કરવા જતા હતાં. પહેલા એમણે સ્કુટર ધીમું પાડ્યું..પછી પાછું એક્સીલેટર આપીને ગીયર બદલ્યું. એમના નિર્ણય વગરના ડ્રાઇવિંગ અને બધી બાજુથી વાહનોનો બેકાબૂ ટ્રાફિક, ઇશાન સાવધ ના હોત તો એની ગાડી કાકાના સ્કુટર સાથે અથડાઈ જ જાત. ઇશાને એક રાહતનો શ્વાસ લીધો.
પણ ખરી વાત તો હવે જ ચાલુ થઈ.
ગળામાં બેલ્ટ હોવાથી આજુબાજુના લોકોના જોખમે પોતે ડ્રાઈવ કરી રહેલા, અધકધરા નિર્ણય લેવાની ટેવવાળા કાકા સ્કુટરને સ્ટેંડ પર ચડાવીને ઇશાનની ગાડી આગળ આવીને એને ધમકાવવા લાગ્યાં.
‘જરા રસ્તા ઉપર જોઇને ડ્રાઈવ કરતો હોય તો…મા-બાપના પૈસે ગાડી આવી જાય એટલે બેફામ ચલાવવાની, તમારી જુવાનિયાઓની આ જ ટેવ હોય છે. હમણાં એક્સીડંટ થઈ જાત તો…!’
ઇશાન અને અંતરા બે પળ તો બાઘા બની ગયાં. ઇશાનનું જુવાન લોહી ઉકળી ઉઠ્યું પણ અંતરાએ એનો હાથ પકડીને આંખોના ઇશારાથી જ નાહકના બખેડા ના કરવા જણાવ્યુ. ઇશાન સમસમીને બેસી રહ્યો.
‘છોડોને કાકા, નાહકની વાત વધારો નહી‘
ત્યાં તો કાકાએ વાત આગળ ચલાવી અને એમની આજુબાજુ ધીમે ધીમે ભીડ ભેગી થવા લાગી. બધા કાકાની વાત સાચી માનીને ઇશાનને સલાહ આપવા ચાલુ કર્યું. હવે ઇશાનનો પિત્તો ગયો. દરવાજો ખોલીને બહાર આવ્યો અને કાકાના સ્કુટર પાસે જઈને બોલ્યો,
‘કાકા, વાંક તમારો છે. તમે પ્રોપર ડ્રાઈવ નહતા કરતાં. મારી બાજુની લાઈન તો ચાલુ જ હતી તમે રોંગ સાઈડમાં હતાં.’
‘આ લો, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે..બાપના પૈસે લીલાલહેર કરતા જુવાનિયાઓ વડીલની સામે જેમ તેમ બોલો છો….’ વગેરેવગેરે…
તમાશાને તેડું ના હોય…બધા ઇશાનને મન ફાવેએમ સંભળાવવા લાગ્યાં. ઇશાનને આજે લાગતું હતું કે આજે એની પાસે ગાડી છે ને પોતે જુવાન છે એટલે એણે મોટો ગુનો કરી નાંખ્યો છે. એની અકળામણ વધતી જતી હતી. એ વધારે કંઈ પણ બોલે એ પહેલાં અંતરા ગાડીમાંથી બહાર નીકળી અને કાકાની સામે જઈને બોલી,
‘કાકા,વડીલ છો તો વડીલની જેમ સમજદારીભર્યુ વર્તન કરો. તમારી આવી હાલતમાંતમે સ્કુટર લઈને શહેરના ગીચ ટ્રાફિકવાળા રસ્તા ઉપર 20ની સ્પીડે બેજવાબદારીભર્યુ ડ્રાઈવ કરો છો અને પાછા વાંક બીજાનો કાઢો છો. તમે વડીલ હતાં એટલે હું કશુ બોલતી નહતી કે મારા ઘરવાળાને બોલવા પણ નહતી દેતી. પણ તમે તો વડીલાઈનો ફાયદો ઉઠાવીને બીજાઓ ઉપર દોષારોપણ કરો છો. કાકા,આવી જ તબિયત રહેતી હોય તો ઘરે બેસીરહો કાં તો રિક્ષામાં ફરવાનું રાખો..ક્યાંક કોઇ બેકાબૂ ટ્રક કે બાઈક ફાઈકની અડફેટે ચડી જશો તો ..’
આગળનું વાક્ય અંતરાએ જાણીજોઇને અધૂરું રાખ્યું. વાત હવે વડીલમાંથી એક સ્ત્રીનીથઈ ગઈ. આખી ય ભીડ હવે શાંત થઈ ગઈ ને કાકાને સમજાવવા લાગી.
‘જુઓ કાકા, તમે વડીલપણાનો ફાયદો ઉઠાવીને અમને ધમકાવી શકો છો તો હું પણ એક સ્ત્રી છું. મારી વાત ભીડ તમારાથી પણ પહેલા સાંભળશે .પણ હું ક્યારેય સ્ત્રી હોવાના ફાયદા ઉઠાવવામાં નથી માનતી. કારણ ભીડને અક્ક્લ – સમજણ નથી હોતી. આપણું માન કેમ સાચવવું એ આપણા જ હાથમાં હોય છે, ભીડના સહારામાં નહીં. તો મહેરબાની કરીને હવે સ્કુટર ચાલુ કરો ને અમને આગળ વધવા દો.ચાલ ઇશાન ..’
અને અંતરાની વાતમાં સચ્ચાઈનો રણકો સાંભળીને ભીડ અને કાકા બે ય સ્તબ્ધ થઈ ગયા.
અનબીટેબલ : Wrong is always wrong even if everybody is doing it right. Right is always right even if only u r doing it. –msg.
-sneha patel
છેલ્લું અનબિટેબલ વાક્ય ગમ્યું “Wrong is always wrong even if everybody is doing it right. Right is always right even if only u r doing it.”
જો સ્ત્રીનાં અવાજે સત્ય બહાર નાં અવત તો તે સત્ય હોત?
Sneha – બરાબર અવલોકન કર્યું છે સત્યની પ્રાથમિક ઓળખનું ….
ટોળાનું પણ સત્ય પક્ષપાતી હોય છે … જે બાળક–વૃદ્ધ-મહિલા તરફ પક્ષપાતી હોય છે …. નામદાર-કોર્ટ પણ આ ત્રણેને ઉમર-લીન્ગભેદનાં કારણે સત્ય માનતી પક્ષપાતી હોય છે-જ …
LikeLike
ખૂબ સરસ…..
LikeLike
Nice article.
LikeLike
આ વાર્તામાં વડીલોના વાંકે નાટક ભજવાઈ ગયું !
કાકાએ બગાડેલી ઇશાન અને અંતરાના રવિવારના ડીનરની મજા અંતરાએ સુધારી દીધી !
વાર્તા ગમી .
LikeLike
આવું અમેરીકામાં બન્યું હોત તો પોલીસ આવી હોત અને કાકાને બરાબર લબડધક્કે લઈ લીધા હોત….. બાકી ઘણાની ટેવજ એવી હોય છે કે પોતાની ખોટી વાતને પણ ખરી મનાવેજ એમને જંપ વળે….!!! અને સાચી વાત છે, ટોળાને તો વગર પૈસે નાટક જોવા મળતું હોય એટલે તેઓ તો વખત આવ્યે બે-ચાર ટપલા મારવાના “લાભ”નો “જન્મસિધ્ધ” અધિકાર પણ લઈ લ્યે. અને સમજદાર અંતરાની વાત તો એકદમ સાચી છે, “પણ હું ક્યારેય સ્ત્રી હોવાના ફાયદા ઉઠાવવામાં નથી માનતી. કારણ ભીડને અક્ક્લ – સમજણ નથી હોતી. આપણું માન કેમ સાચવવું એ આપણા જ હાથમાં હોય છે, ભીડના સહારામાં નહીં.”
LikeLike
સરસ વાર્તા છે..
LikeLike
અનબીટેબલ : Wrong is always wrong even if everybody is doing it right. Right is always right even if only u r doing it. –msg.આપણું માન કેમ સાચવવું એ આપણા જ હાથમાં હોય છે, ભીડના સહારામાં નહીં. .. agree.. n asusual … saras vat.. kai te..
LikeLike