હાસ્ય તારા રુપ છે હજાર !


 

gujarat guardian paper > take it easy column > article no -47

ટોમ એન્ડ જેરી…આ નામથી તો ભાગ્યે જ કોઇ માનવી અજાણ્યો હશે. ક્યારેય અળગા ના રહી શકે એવા જીગરજાન દુશ્મનો ! જીગરજાન દોસ્તી તો આપણે જોઇ હોય-જાણી હોય, પણ આ જીગરજાન દુશ્મનીના વિષય સાથે આટ્લા વિશાળપાયે લોકપ્રિયતા હાસલ કરનારું આ કાર્ટુન ફક્ત અને એક જ એક સિધ્ધાંત પર નિર્માયેલું છે – હાસ્ય !

હાસ્ય ભલભલા દુશ્મનોને પણ દોસ્ત બનાવી શકે છે.એની તાકાત અદ્ભુત છે.

આપણે બાળકોની રસ – રુચિ પ્રમાણે નાનપણથી જ એને વધારે ઓપ આપવાના ઇરાદાથી જે –તે વિષયના ક્લાસીસ કરાવીએ છીએ, નિયમિત તાલીમ આપીએ છીએ. પણ કયાંય હાસ્ય શીખવવાના ક્લાસીસ ચાલતાહોય , શિખવાડાતું હોય એવું ધ્યાનમાં નથી. આ જ કારણથી હાસ્યને એ ઇશ્વરદત્ત વરદાન ગણી શકાય. જો કે આ વાત વિનોવૃતિ –હાસ્યને  માણનારાઓને પણ એટલાં જ અંશે લાગુ પડતી હોય છે. આખી દુનિયાના હાસ્યલેખકોની કૃતિઓનું દ્રાવણ બનાવીને અમુકના ભેજાં એમાં બે દિવસ સતત ડૂબાડી રાખો તો પણ અમુક લોકોના મુખારવિંદ પર હાસ્યનીએક રેખાપણ ના જોવા મળે. થાકીને એનું કોંન્સંટ્રેટ  પ્રવાહી સીધું એમના ભેજામાં ઇંકજેટ કરાય તો પણ આખરે હાર જ માનવી પડે. હાસ્ય નિપજાવવું અને પચાવવું એ ‘જેવા તેવા’ નું કામ તો નહી ને નહીઁ જ ! ખબર નહીઁ મા શારદાની વીણાના કયા તાર ઝંકૃત થતાં હશે અને ક્યા સૂર નીકળતા હશે ત્યારે આ હાસ્યની બક્ષિસ આપણા ખોળામાં આવીને પડે છે.

અમુક લોકો માને છે કે દરેક હાસ્ય એ નરી ઠઠ્ઠા – મશ્કરી અને ટીકાથી ભરપૂર જ હોય પણ હકીકતે દરેક હાસ્ય એવું નથી હોતું. ઘણી વખત બોલ્યાં વગર જ હાસ્ય કરી શકાય છે. જેમ કે કોઇ પણ મિત્રની સામે એક દિવસ પૂરતું કોઇ જ કારણ વગર થોડા થોડા સમયના અંતરાલે તાકી રહેવાનું અને પછી મોનાલિસાની જેમ હોઠનો એક ખૂણો દબાવીને એક રહસ્યમય સ્મિત રેલાતું મૂકવાનું ( પુરુષોએ મૂછમાં હાસ્ય રમતું મૂકવું ). છે ને એકદમ અફલાતૂન અને નિર્દોષ હાસ્ય ! જોકે મિત્રની અસ્વસ્થતા રૌદ્રસ્વરુપ પકડી લે તો એ હાસ્ય ગુજરાતી સાહિત્યના અખા જેવું ધારદાર વ્યંગાત્મ્ક બનીને શારડી પેઠે વહેરી શકે.

અમુક હાસ્યલેખકો દરેક વાત – ઘટના ને ‘ટેક ઈટ ઇઝી’ લેતાં હોય છે. આ જે પરિસ્થિતી છે એ કાયમી નથી એમ વિચારીને સાપેક્ષતાપૂર્ણ  સ્થિતીમાં રહેવાનું પસંદ કરે છે. જીવનની દરેક દુ:ખદ સ્થિતી સહનેબલ છે એનો તુચ્છકાર ના કરો- દરેક સુખદ સ્થિતી પણ ક્ષણભંગુર છે એના પ્રેમમાં પડીને આળસુ ના બની જાઓ. બસ સમતાભાવથી એ ક્ષણો ને પસાર થઈ જવા દો. અમુક દુ:ખદ ઘટનાઓને પચાવવાના પરિણામરુપે એમાંથી આર્દ – કરુણરસવાળું હાસ્ય અને સુખદ ઘટનાઓનાપરિણામે વૈરાગ્યભાવવાળું હાસ્ય જન્મ લે છે.

સમાજની અમુક સ્થિતીઓ લેખકો – કવિઓના અતિસેન્સીટીવ સ્વભાવ માટે‘અનબેરેબલ’ થઈ જાય ત્યારે એમાંથી તીખું તમતમતું , આગઝરતું હાસ્ય પેદા થાય છે. કવિ – લેખકોની અકળામણ – વ્યથા – કશું જ ના કરી શકવાની અસમર્થતા, ચિત્કાર બધું એના હ્રદયમાં તેલની જેમ ઉકળે છે અને પછી એમાંથી નીકળતા ધુમાડામાંથી આ પ્રકારનું વ્યંગાત્મક હાસ્ય બહાર ધસી આવે છે.

હાસ્યના અનેકો બૌધ્ધિક પ્રકારો પણ છે. આ હાસ્યનો કલાપ  અંગ્રેજીસાહિત્યમાં મનમૂકીને ખીલેલો છે. ક્યારેક હાસ્ય ચાતુર્યભરી યુક્તિરુપે બહાર આવે છે તો ક્યારેક ષ્લેષરુપે તો કયારેક તીક્ષ્ણ લક્ષ્યવેધી પ્રત્યુત્તરરુપે, ક્યારેક કોઇ ઠાવકા સુવાક્યના વેશમાં છુપીરીતે પણ એટેક કરી જાય. આ ષ્લેષહાસ્યકાર તરીકે જ્યોર્જ બર્નાડ શો બહુ જાણીતા છે. એક વખતે કોઇ નાટ્યગૃહમાં એ સમય કરતાં થોડા મોડા પડ્યાં. અંગેજો સમયના પાક્કા, એમના દિલમાં ફિલોસોફી પ્રત્યે આપણા જેવો કોઇ આદરભાવ નહીં હોવાથી નાટ્યગૃહના દરવાજા બંધ થઈ ગયેલા. ત્યાંના ડોરકીપરે બર્નાડ શોને ઓળખી કાઢ્યાં અને એમને કહ્યું કે એક શ્લેષ (Pun)  કહો તો જ જવા દઉં અને શૉએ તુરત જ પ્રત્યુત્તર વાળ્યો, ‘O‘ !’Pun‘ અથવા’Open‘ અને દરવાજા ખૂલી ગયા. Wit એટલે કે ચાતુરી ભરેલા જવાબ માટે તો બહુ બધા ઉદાહરણો આપણે જોયા – સાંભળ્યા –વાંચ્યા જ હશે.અંગ્રેજીમાં ઓસ્કાર વાઈલ્ડને ‘એપીગ્રામ’સૂત્રાત્મક વાક્યોનો સ્વામી ગણાય છે, જે વાક્ય દેખીતીરુપે તો ચબરાકિયુંલાગે પણ એ કાયમ કોઇ વિસંગતિકે અવળચંડુ સત્ય કહી જાય છે જેમ કે,

‘જીવનમાં કાયમબે જ પ્રકારની મોટી કરુણતાઓ સંભવે છે : એક ઇચ્છિત ના મળે એ અને બીજું મળે એ !’ છેલ્લા શબ્દોમાં આપણી અપેક્ષાઓ કેવી ભોંય પર પટકાય છે નહી…પણ એ સત્ય કરુણતાથી છલોછલ નથી ?

નાની નાની ક્ષુલ્લક વાતોને પણ ગંભીરતાથી લેવા ટેવાઈ જનારા આપણે કહેવાતાઅ મોર્ડન લોકો ગંભીર વાતોમાંથી પણ હાસ્ય નીપજી શકે છે એની કલ્પના પણ નથી કરી શકતાં. આપણી આજુ બાજુ ચોતરફ વેરાયેલા હાસ્યના પુષ્પો મઘમઘી રહ્યાં હોય છે ને આપણે એ ખુશ્બોથી ગ્લોબલ વોર્મિંગને ગાળો દેતાં દરેક સીઝનમાં થતી શરદીને પંપાળતા બેઠા હોઇએ છીએ.બાકી હાસ્ય કોઇ પણ ઘટનાની સાડીબારી નથી રાખતું.

ફ્રાંસના રાજા ચાર્લ્સને ફાંસીની સજા થઈ હતી અને દિવસો ઉપર દિવસો વીતવા છતાં કોઇ ને કોઇ કારણોસર એ વિધી પૂર્ણ નહતી થઈ શકતી. લોકો અચરજના માર્યા એને જેલમાં જોવા આવતાં ત્યારે એમને ‘ સદગ્રુહસ્થો, માફ કરજો ! હું મરતાં બહુ વાર લગાડું છું નહી ?’

આ પ્રકારની હાસ્યવૃતિને આપણે કેટલી સલામ કરીશું?

-sneha patel.