થોડાં નજીક થોડાં દૂર


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 10-07-2013 નો લેખ.

નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,

અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.

વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

– મુકુલ ચોકસી.

વેદ અને ઋચા. એકમેક માટે જ સર્જાયેલા જાણે સારસબેલડી. આજના જમાનાને શોભે એ પ્રમાણે જ એમણે પણ પ્રેમલગ્ન કરેલા અને એમના પરાણે સમજુ બનવા પડેલા પેરેન્ટ્સે એ સંબંધ પર સંમતિની મહોર મારીને લગ્ન કરાવી આપેલા. બહુ ચર્ચિત વાક્ય – ‘એ બે જણાં ખુશ છે ને તો બસ, આપણે હવે જેટલાં કાઢ્યા એટલા બીજા કયાં કાઢવા છે ? સુખી રહેવું હોય તો આ જુવાનિયાઓની વાતોમાં બહુ દખલઅંદાજી નહી કરવાની ‘ જેવા વાક્યો ઋચાના કાનમાં પડઘાતા. ઋચા એક ખાનદાની અને સંસ્કારી ઘરની છોકરી હતી. એ વેદના ઘરમાં સેટ થવા માટેપૂરતો પ્રયત્ન કરતી હતી . એણે પણ લગ્ન પહેલાં પોતાના ભાવિ ઘર – સાસરી માટે બહુ બધા સપના જોયેલા હતાં. એ સપના મહીંનો સુખી સંસાર રચવા માટે એ સદા ઓતપ્રોત રહેતી.

દિવસો પર દિવસો અને વર્ષો પર વર્ષો વીતતા ગયાં. સપનાઓ પાછળ મન મૂકીને દોટ મૂકી હતી પણ એ સપના સપના જ રહ્યાં હતાં..એની ખુશી કાયમ હાથવેંતના છેટે જ રહેતી. ઋચા પણ હવે થાકી હતી. કોમ્પ્રોમાઈઝનુ વલણ હવે ધીમુ પડતું જતું હતું ને એના સ્થાને ઉદભવતુ હતુ એક કડવાશભર્યું, તીખા તમતમતા વેણથી સભર નારાજીનુ વાતાવરણ. લગભગ ૧૫ વર્ષના ગાળા દરમ્યાન વેદ અને ઋચાને ભગવાને બે સુંદર બાળકોની ભેટ આપી હતી. એમની માસૂમ હરકતો જ આ ઘરને જીવંત અને ખુશહાલ રાખતુ હતું. સાસુ-સસરા – દમયંતીબેન – વિજયભાઈ અને દીકરા-વહુની વચ્ચેની એક નાજુક કડી !

 

માનવીનો ગુસ્સો લાંબો સમય સુધી દિલમાં છુપાઈ નથી શકતો.ધીરે ધીરે એ ક્યાંક ને ક્યાંક કોઇક ને કોઇક રીતે બહાર નીકળે જ છે. વિજયભાઈની ઉંમર સાઈઠની નજીક પહોંચતા એ એમની નોકરીમાંથી રીટાયર્ડ થયા અને આખો દિવસ ઘરમાં જ…આખી જીંદગી બહુ કામ કર્યું હવે આરામ જ આરામ ! દમયંતીબેનને હવે એમની લડાઈમાં વિજયભાઈનો સપોર્ટ મળવા લાગ્યો અને ઋચાના માથે બે – બે સાસુઓની ક્ચકચ. હવે એ પણ કંટાળી હતી. સામેવાળા પક્ષમાં સુધારાને કોઇ જ અવકાશ નથી એવું લાગતા હવે એના વર્તન પરથી લગામ પણ છૂટી ગઈ. ધીરે ધીરે આ બેલગામી વર્તન ઘરના સદસ્યો ઉપરાંત બહારના લોકોના ધ્યાનમાં પણ આવવા લાગ્યું  હતું.

ઋચા-વેદના સગા વ્હાલા ઘરે આવતાં દમયઁતીબેન અને વિજયભાઈ ધરાર ઉઠીને એમના બેડરુમમાં જતા રહેતા અને દમયંતીબેન –વિજયભાઈના મિત્રો આવે ત્યારે ઋચા એના બેડરુમમાં જતી રહેતી. પણ બન્ને જણની હાજરી જરુરી હોય એવા સગા આવે ત્યારે વાતાવરણ ગરમાગરમ થઈ જતુઁ. બે ય પક્ષ સામેવાળાને નીચા બતાવવાની એક પણ તક છોડતાં નહીં. ધીરે ધીરે સૂડી વચ્ચે સોપારી જેવી આ હાલતથી બચવા માટે એમના સગાવ્હાલાંઓએ હવે એમના ઘરે આવવાનું ઓછું..અને પછી તો સઅદંતર બંધ જ કરી દીધું. બે વાસણો તો બધાના ઘરમાં ખખડતાં હોય છે પણ એને આમ ઘરના ડ્રોઈંગરુમમાં મહેમાનોની સમક્ષ લાવીને ખખડાવાનો શું મતલબ…આ કકળાટથી બચવા લોકો એ બેયને એકસાથે કોઇપ્રસઁગોએ બોલાવતા પણ ખચકાવા લાગ્યાં.

એક દિવસ વેદે થોડી હિઁમત કરીને વિજયભાઈ સાથે એમના રુમમાં કંઈક વાત કરી અને એ પછી અંતિમ નિર્ણયરુપે એણે ઘરની નજીક એક બીજું ઘર લઈ લીધું. એ પોતાના બેય સંતાનો સાથે ત્યાં સેટ થઈ ગયો.

દમયંતીબેન અને ઋચા હવે શાંતિથી જીવવા લાગ્યાં. એ બેયના કજીયા ઓછા થતાં ઘરના દરેકસદસ્યોના બ્લ્ડપ્રેશર નોરમલ થવા લાગ્યાં. શાંતિની સ્થિતીમાં દરેકને પોતાના વર્તન,ભૂલો પર પસ્તાવો પણ થયો અને ધીરે ધીરે બેય ઘરના સદસ્યો એકબીજાને મળવા એકબીજાના ઘરે આવતા જતા થયાં. એક બીજા સાથે સુખેથી સમય પસાર કરવા લાગ્યાં.

વેદ વિચારતો હતો કે બે ય પક્ષ વચ્ચે મનમેળ કરાવવામાં એ આખો નીચોવાઈ ગયેલો. મનમેળ શક્ય જ નહતો એવી સ્થિતીમાં નાહક્નો જ પોતે સાથે રહેવાની જીદ લઈને બેઠેલો. વાત તો મા બાપનો સહારો બનવાની જ હતી ને..તો એ તો એ થોડા દૂર રહીને પણ કરી જ શકે છે ને.એ ઉપરાંત ગૂંચવાઈ ગયેલી સ્થિતીમાં અકળાઈ ગયેલી ઋચાને પણ એ ભરપેટ ખુશ રાખી શકે છે. વળી આ બધાના પ્રતાપે એમના સંતાનોને પણ સારા વર્તન દ્વારા સારા સંસ્કાર સીંચી શકે છે. વિજયભાઈ વિચારતા હતાં કે થોડાં દૂર જવાથી વધારે નજીક અવાય છે એ  વાતનો ખ્યાલ એમના જેવા અનુભવીને પહેલા કેમ ના આવ્યો..?

અનબીટેબલ: It is not enough to win a war, it is more important to organize the peace !-msg.

-સ્નેહા પટેલ

unbetable 39


લગ્નપ્રસંગ પાછળ થતી ધામધૂમ એ લગ્નજીવન સફળ જવાના પરસન્ટેજ વધારવામાં કોઇ ભાગ નથી ભજવતા.

-સ્નેહા પટેલ