
ગુજરાત ગાર્ડીઅન પેપર > ટેક ઈટ ઇઝી કોલમ > લેખ નંબર -46
http://gujaratguardian.in/E-Paper/07-07-2013Suppliment/index.html
‘હેલો, કોણ બોલો ?’
રાતના લગભગ સાડાબારના સમયે મારી ઉંઘથી ભરચક્ક આંખો બંધ થઈને નિંદ્રાદેવીના શરણે થઈ જવાની તૈયારી કરી રહી હતી ત્યાં મોબાઈલમાં રીંગ વાગી અને મેં કંટાળાના પ્રભાવ હેઠળ નંબર જોયા વગર જ ફોન ઉપાડયો, ત્યાં સામેથી ‘કોણ બોલો’ જેવો આજના મોબાઈલયુગમાં લગભગ મૂર્ખામીની હદ જેવો લાગે એવો પ્રષ્ન લમણે ઝીઁકાયો. આંખો અને મગજ બેયને પૂરેપૂરા જાગ્રૃત અવસ્થામાં લાવવામાં લગભગ અડધી મીનીટ જેવો સમય લઈને મેઁ મોબાઈલમાં નામ જોયું તો બધો ગુસ્સો હવા થઈ ગયો.આ તો મારી પ્રીય સખી ધૃતિનો ફોન હતો. પણ આટલા મોડા ફોન કરવા પાછળનું કારણ..? મનોમન ચાલતી બધી વિચાર પ્રક્રિયા બંધ કરીને મેં ફોનમાં જવાબ આપ્યો,
‘ઈડીઅટ, ફોન કરે છે તો ખ્યાલ નથી કે કોને નંબર લગાવ્યો? કે પછી તારા મોબાઈલમાં નંબર સાથે નામ ‘સેવ’ કરવાની સુવિધા નથી ?’
‘એવું નથી યાર, છેલ્લાં મહિનાથી લાંબી બિમારી ચાલે છે એટલે થોડી કંટાળી છું. અત્યારે ડિપ્રેશનના વાદળૉ માથા પર તોળાઈ રહેલા, નિરાશા લઈને ઝળુંબી રહેલા છે એટ્લે નાછુટકે તને ફોન કર્યો.. માઈન્ડ ડાયવર્ટ કરવા.’
એના વાક્યમાં રહેલી સાહિત્યની છાંટની મજા માણું કે એની લાંબી બિમારીનું દુ:ખ માણુંની દ્વિધાપૂર્ણ અવસ્થામાં બે પળ વિતાવી.થોડી વાતચીત પછી ખ્યાલ આવ્યો કે એ લગભગ મહિનાથી તાવ આવતો હતો અને રીપોર્ટ પર રીપોર્ટ કઢાવ્યા છતાં શેનો તાવ હતો એ પકડાતો નહતો. થોડીવાર વાત કર્યા એનો ઉભરો શમી ગયો અને નિંદ્રાદેવી પણ મારા ઉપર એનો પૂર્ણ પ્રભાવ પાથરવા લાગી હતી એટલે એને ‘કાલે તારા ઘરે આવું છું’ નો વાયદો કરીને સૂઈ ગઈ.
બીજા દિવસે સવારે પરવારીને રસ્તામાંથી થોડા ફ્રૂટ્સ લઈને ધૃતિના ઘરે પહોઁચી તો ત્યાં ઓલરેડી એની ખબર પૂછનારો ‘ખાસ પ્રકાર’ નો વર્ગ હાજરાહજૂર હતો. ફ્રૂટસ બાજુમાં મૂકીને એની પાસે બેસીને એનો હાથ હાથમાં લઈને મેં પૂછ્યું,
‘કેમ છે હવે ?’
‘કોણ બોલે છે ને કોને પૂછે છે’ ની સમજ વગર જ ધૃતિના સંબંધી કાકાએ વાતમાં ‘યા હોમ કરીને ઝુકાવી દીધું.
‘અરે,આ ધૃતિબેન તો બાપા બહુ પોચકા હોં કેં. 1 જેટલું ટેમ્પરેચર છે એને તાવ કહે છે. આ તે કંઈ તાવ કહેવાય ? આમાં ને આમાં તો મહિનાથી પથારીમાંથી ઉઠતા જ નથી. મને તો 98 – 98 તાવ રહેતો હતો તો પણ દુકાને જતો હતો બોલો…’
આમના અધકચરી સમજના ટેમ્પરેચર સમજવા માટે મારે મારું મગજ ખરાબ નહતું કરવું એટલે
‘માનવીના શરીરનું નોર્મલ ટેમ્પરેચર 98.6 સેલ્સિયસ હોય.’ નરો વા કુંજરો વા ની સ્ટાઈલમાં મારો વિરોધ નોંધાવ્યો. પણ પેલા પ્રૉઢ કાકા જે સગામાં ધ્રુતિના કાકાજી થતા હતા એમના ભેજામાં અક્ક્લના નામે પથરા તરતા હતાં. રામ – રામ.. કયો હનુમાન આ અદભુત કાર્ય કરી ગયો હશે ! મનમાં ને મઅનમાં વિચાર્યું આ શેરબજારમાં રમમાણ કાકા એમનું ‘ટેમ્પરેચર અપ’ જાય અને તાવ આવે તો કદાચ દવા કરાવવાને બદલે એનેય ઉંચા ભાવે વેચી આવે એવો જડ્સુ લાગે છે.
‘આ તમારી પેઢીનો આ જ પ્રોબ્લેમ બળ્યો, સહેજ કંઈ થયું નથી ને ડોકટરોના ચક્કરો ચાલું.પૈસા પાણીની જેમ વહાવશો. વ્હીલપાવર જેવો શબ્દ જ મરી પરવાર્યો લાગે છે આજના જમાનામાં..હ..મ્મ…! અમારા જમાનામાં તો હાડકાં તૂટે તો ય અમારા વડીલો આપણા શરીરમાં હજારો હાડકાંઓ છે એકાદ તૂટે એમાં શું નવાઈ કહીને ઘરે જ પાટાપીંડી કરી દેતાં’
‘હાડકાં’ શબ્દ સાંભળતા જ ધૃતિના વિરાટ આલ્સેશિયન કૂતરાના કાન ઉંચા થઈ ગયા, જીભ બહાર નીકળી ગઈને લબકારા લેવા લાગી.
ત્યાં તો કાકા સાથે આવેલા કાકીએ વાતનો દોર એમના હાથમાં લઈ લીધો.
‘અમારા એક સંબંધીને વિચિત્ર પ્રકારનો રોગ હતો. એ પલંગ પર સૂઈ જાય તો એને લાગે કે નીચે કોઇ છુપાઈ ગયુંછે અને નીચે સૂઈ જાય તો લાગે કે ઉપર છુપાઈ ગયું છે. આમ ને આમ એઆખી રાત પથારી અને પલંગ જ ફંફોસ્યા કરતો.’
મેં આવો વિચિત્ર કેસ કદી જોયો નહતો એટલે રસ પડ્યો અને સામે પૂછાઈ ગયું,
’પછી શું થયું…એમને કોઇ સારા સાઇકીઆટ્રીટને બતાવ્યું કે ?’
‘અરે બેન, એમાં ડોકટરની શું જરુર…આ તમારા કાકા સાચું જ બોલ્યાં કે તમને જુવાનિયાઓને ડોકટરોને મળ્યા કરવાની, એનું મોઢું જોયા કરવાની એક વિચિત્ર આદ્ત પડી ગઈ છે. એ પલંગના પાયા જ કપાવી નાંખ્યા એટલે એ પ્રોબ્લેમ સોલ્વ. એમાં શું વળી આટલું વિચારવાનું. કહું છું ચાલો આપણા મનિયાને ઓફિસેથી આવવાનો સમય થઈ ગયો. આપણે હવે વિદાય લઈએ.’
અને અદભુત કપલે ત્યાંથી વિદાય લીધી. મનોમન એમના મનિયાનો આભાર માનીને અમે બે જણે હાશકારાનો શ્વાસ ભર્યોં. હવે મેં નજર ભરીને ધ્રુતિ સામે જોયું. સુંદર ,ગુલાબી, હંમેશા ખુશખુશાલ ધૃતિ અત્યારે સાવ જ નંખાઈ ગયેલી હાલતમાં હતી. એના ફીક્કા વદન પર ચિઁતાના વાદળૉ સ્પષ્ટ દેખાતા હતાં. પેલાં સંબંધી ગયા ને તરત જ એ રડી પડી.
‘સ્નેહા,આ લોકો ખબર જોવા આવે છે કે મને મારી નાંખવા એ જ નથી સમજાતું.જે આવે એ મારા વ્હીલપાવરની વાતો કરે રાખે છે તો અમુક જાતજાતની બિમારીઓ અને એની આડાઅસરોની વાતો કરીને મારા મગજમાં શંકા – ડરના બીજ વાવ્યે રાખે છે, જાણે મારું મગજ કચરાપેટી ના હોય..! આમ થાય છે ને તો આ રોગ હોઇ શકે..અમારા એક સંબંધીને અસ્સલ આવું જ થયેલું અને એમણે સાચવ્યું નહીં ને તો છ મહિના હેરાન થઈનેમરી ગયાં. આજકાલ જાતજાતના રોગો નીકળ્યા છે. તમે આનો રીપોર્ટ કઢાવો ને તેનો રીપોર્ટ કઢાવો. સાચું કહું તો આ લોકો આવી આવીને મને રાહત આપવાના બદલે ટેંશનોનો ટોકરો પધરાવીનેજ જાય છે. મારી શારિરીક હાલત કરતાં માનસિક હાલત ખરાબ કરી નાંખી છે..શું કરું ?’
‘જો ધૃતિ, દુનિયા છે તો એ તો બોલવાની. તું ચિંતા ના કર. આજકાલ રોગો વધ્યા છે તો મેડીકલ સાયંસ પણ એનાથી બે ઘણું આગળ વધ્યું છે. તું મેન્ટલી ના તૂટી જા બસ.ધીરજ રાખીને સારા ડોકટરની ટ્રીટમેંટ કરાવ, ના હોય તો મારા ફેમિલી ડોકટર પાસે લઈ જાઉઁ ચાલ..’
‘ના..ના..સ્નેહા. સાવ એવું નથી. પહેલાં લગભગ 2-3 જેટલો તાવ રહેતો હતો જે હવે ઓછું થઈ ગયો છે વળી એ પણ બે ત્રણ દિવસે એકાદવાર જ આવી જાય છે ..ડોકટર કહે છે કે એકાદ અઠવાડીઆમાં સાવ સાજા નરવા થઈ જશો. એકાદ બે રીપોર્ટ હજુ કઢાવવાના છે. પણ વીકનેસ બહુ આવી ગઈ છે, ચાલતા તો ક્યારના શીખેલા હોઇએ આપણે પણ પોતાના પગ પર ઉભા રહેવું એટલે શું એની સમજ આજે પડે છે. રોજ બારીમાંથી સેંકડો લોકોને બહાર હરતા ફરતા જોઇને મનમાં થાય છે કે હું ક્યારે આમ હરી ફરી શકીશ..? આ દવાઓ મારો પીછો કયારે છોડશે..મારા અધૂરા કામો ધાર્યા સમયમાં ક્યારે પૂરા કરી શકીશ..? વન ટાઈપ ઓફ ડીપ્રેશન આવી જાય છે…પણ તારા જેવા સમજુ વ્યક્તિ સાથે વાત કરીએ એટલે બધું મટી જાય છે…ઉભરો નીકળી જાય..’ અને તરત એના મોઢા પરના આંસુ લૂછીને સ્માઈલ લાવીને બોલી
‘ચાલ તારી માટે ચા બનાવી દઊં.’ દસ મીનીટના મારી સાથેના વાર્તાલાપે એનો મૂડ એકદમ સુધારી દીધેલો. સ્પષ્ટપણે એના માનસિક બદલાવની અસર એના શારિરીક વર્તાવ પર દેખાઈ આવતી હતી. માનવીને શારિરીક બિમારીમાં દવાઓ અને ડોકટરોની સાથે સાથે તંદુરસ્ત માનસિક ટેકાની પણ જરુર હોય છે એ લોકો કેમ ભૂલી જાય છે મને એ વાત જ નથી સમજાતી. વળી લાંબી બિમારીના પરિણામ સ્વરુપ દર્દી માનસિક રીતે તૂટી ગયો હોય તો એને વેવલો કે માયકાંગલો કહીને ઉતારી શું કામ પાડવાનો..? શારિરીકની જેમ માનસિક રોગોના ઉપચારની પણ સમયસર જરુરીઆત હોય છે. દરેક માનવીના મનોબળ ક્યારેય સરખાં તો ના જ હોય ને ?
આ બધું વિચારતા વિચારતા મેઁ ચા અને ખાખરાનો નાસ્તો પૂરો કર્યો અને ધૃતિને સમય મળે એમ એમ ચોકકસ મળવા આવતી રહીશ અને વચ્ચે વચ્ચે ફોન કરતી રહીશ નું વચન આપીને ત્યાંથી વિદાય લીધી.
-સ્નેહા પટેલ.
Like this:
Like Loading...