fulchhab paper > navrash ni pal column > 3-07-0-2013
અડોઅડ ડાળનાં બે ફૂલ, સાજણ આપણે બન્ને,
આ મર્મર, મ્હેંક ને રંગોનું કારણ આપણે બન્ને.
-હર્ષદ ચંદારાણા.
અનુજાની નજર પોતાની ઓફિસને અડીને આવેલી બિલ્ડીંગમાં સાતમા માળે આવેલા ફ્લેટની ગેલેરીમાં પડી. સફેદ રંગંનો મોર પોતાની સઘળી ય આવડત – તાકાત સાથે પાંખો ફેલાવીને કળા કરી રહ્યો હતો, નાચી રહ્યો હતો, ઝૂમી રહ્યો હતો. ચોમાસાની ઋતુની ખુશનુમા સંજનું વાતાવરણ માદક હતું. અનુજા બે મીનીટ આકાશની ભીની ભીની લાલીમામાં ખોવાઈ ગઈ હતી. વરસાદે એના અંતરનો અવાજ સાંભળી લીધો હોય એમ વરસાદના છાંટા પડવા લાગ્યાં અને અનુજાનો મનમયુર નાચી ઉઠ્યો. ત્યાં જ એના મોબાઈલમાં રીંગ વાગી અને એનું આકાશદર્શનનું ધ્યાનભંગ થયું. જોયું તો પલ્લવનો ફોન હતો. પલ્લવ એનો પ્રીયતમ અને અનુજા એકલી એકલી હસી પડી ને ફોનનું સ્ક્રીનલોક ખોલ્યું.
‘હલો..’
‘અનુ,,આજે એક કોમ્પ્લીકેટેડ કેસ આવ્યો છે…ઘરે આવતા મોડું થશે તું અને સોનુ જમી લેજો. મારી રાહ ના જોતાં.’
‘ઓહ..આજે તો આપણે મૂવીનો પ્રોગ્રામ બનાવેલો પલ્લવ…છેલ્લાં છ મહિનાથી આપણે સાથે બહાર નથી જઈ શક્તાં. તું વઅને તારી આ ડોકટરી…હમ્મ…ડોકટરો એ તો પરણવું જ ના જોઇએ.’ અને અનુજાએ ગુસ્સામાં ફોન કટ કરી નાંખ્યો.
અનુજાએ ઘડિયાળમાં જોયું તો એ પોણા સાતનો સમય બતાવતી હતી. ઓફિસેથી નીકળવાનો સમય થઈ ગયો હતો. ફટાફટ ટેબલ સરખું કરીને અનુજાએ સોનુને રવજીપાર્ક પાસે આવેલ મકાઇ અને ચણાજોરગરમ વાળાની લારી પાસે બોલાવી લીધી.એ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં એની ટીનેજરી દીકરી સોનુ એક્ટીવા લઈને ત્યાં પહોંચી જ ગયેલી. અનુજાએ ગાડી પાર્ક કરીને બે બાફેલી મકાઈનો ઓર્ડર આપ્યો ત્યાં જ એના કાનમાં બાઈકની બ્રેકનો તીવ્ર ચરમરાહટ પડ્યો. અનુજા અને સોનુ બેય જણની નજર એક સાથે થોડેક જ દૂર પડતાં આઠ રસ્તા ઉપર પડી. એક બાઈકવાળો જુવાનિયો સાઈઠ વર્ષની ઉંમરના એક કાકાને ટકકર મારીને ભાગી ગયેલો. જમીનદોસ્ત કાકાના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને એમના ખમીસને પોતાના રાતારંગમાં ઘમરોળતું ચાલ્યું હતું, એમના હાથમાં રહેલા ચનાજોરગરમનું પડીકું રસ્તા પર વેરાઇ ગયેલું. અનુજાએ તરત જ બાજુમાં રહેલ ગોળાવાળાની લારી પરથી બરફ લઈને કાકાના કપાળે ઘસી કાઢ્યો. બે મીનીટમાં તો કાકાને ખાસી એવી રાહત થઈ ગઈ. કાકાએ ચણાજોરગરમના પડીકામાં બચેલા ચણા જોઇને એક દીર્ઘ નિશ્વાસ મૂક્યો અને એમની આંખમાં આંસુ તગતગી ઉઠ્યાં અને ધીમા અવાજે ગણગણ્યાં,
‘બચુની મા આજનો શનિવાર એમ જ ચલાવી લે હવે ચણા વગરનો જ. મારી પાસે બીજા પૈસા નથી હવે.’ અને ઉભા થઈને ડગમગાતા કદમે ચાલવા લાગ્યાં. અનુજાએ એમની આંખોની ઉદાસી વાંચી લીધી અને કાકાની નજીક જઈને બોલી,
‘કાકા, ચાલો હું તમને મારી ગાડીમાં જ્યાં જવું હોય ત્યાં મૂકી જઉઁ અને આ લો ચણાજોરગરમનું પડીકું.’અને કાકાની આંખો છ્લકાઈ ઉઠી.
‘બેટા, તારો આભાર કઈ રીતે માનું ? આજે તું ના હોત તો મારી સોનલને ચણા વગર જ ચા પીવડાવવી પડત.’અને આ બાબતે મૌન રાખવાથી જ કાકાની ગરિમા સાચવી શકાશે માનીને અનુજાએ એમને એકપણ સવાલ પૂછ્યા વગર એમને ગાડીમાં બેસાડીને સ્થળનું નામ પૂછ્યું.
‘આ રોડની છેવાડે આવેલ કેસર હોસ્પિટલમાં લઈ લો ને.’
‘કેસર હોસ્પિટલ તો…’ અને આગળના શબ્દો અનુજા ગળી ગઈ. સોનુને જલ્દી પાછા આવવાનું કહીને એ કાકાને લઈને કેસર હોસ્પિટલ પહોંચી. ત્યાં જઈને કુતુહલ વશમાં ના રહેતાં એ કાકાની સાથે હોસ્પિટલમાં ગઈ અને એનો ડર સાચો પડ્યો. કાકાની સોનલ એક પ0 એક વર્ષની ઉંમરની પાગલ સ્ત્રી હતી. કાકાએ સોનલની પાસે જઈને એના હાથમાં ચનાજોરગરમનું પેકેટ પકડાવ્યું. વેરવિખેર વાળ – લઘર વઘર પહેરવેશમાં સજ્જ્ સોનલે કાકાના હાથમાંથી પડીકું લઈને ફેંકી દીધું. આ જોઇને અનુજા સ્તબ્ધ થઈ ગઈ.એની આંખના સવાલો પારખીને કાકાએ પોતાની ભીની આંખ લૂછતા જવાબ વાળ્યો,
‘સોનલને ચનાજોરગરમ બહુ ભાવે. દર શનિવારે અમે બે હુતો હુતી ગાર્ડનની બહાર જઈએ ત્યારે અચૂક સોનલ આ ખાય જ. ભગવાન અમ ગરીબોની કસોટી લેવા ધારતો હશે તો મારી સોનલને પાગલપણના એટેક આવવા માંડ્યાઅને એનું પાગલપણ સંભાળી ના શકાય એટલી હદે આવી પહોંચતા મારે નાછૂટકે એને પાગલની આ હોસ્પિટલમાં દાખલ કરવી પડી. એ ગાંડીઘેલીને આ વાતનું બહુ લાગી આવ્યું છે. જ્યારે સામાન્ય હાલતમાં હોય ત્યારે મારી સાથે આ વાતને લઈને ગુસ્સે જ થયા કરે છે. હોસ્પિટલના લોકો જે પણ ખાવાનું આપે એ ચૂપચાપ ખાઈ લે છે પણ મારા ઉપર ગુસ્સે હોવાથી મારા હાથનું કશું જ એ સ્વીકારતી નથી.’
‘તો પછી કાકા તમે….’ અને આગળના શબ્દો અનુજા ગળી ગઈ. કાકાના ગરીબડા મુખ પર એક સંતોષનો આનંદ ફેલાઈ ગયો અને બોલ્યાં,
‘બેટા, એ એની જગ્યાએ સાચી જ છે ને..વળી એ ગુસ્સે છે તો હું એને મનાવું છું. મરીશ ત્યાં સુધી આ પ્રયત્નો નહી છોડું. મને વિશ્વાસ છે કે એક દિવસ તો મારી સોનલ મને માફ કરશે જ. આખરે પ્રેમ, છે ત્યાં વિશ્વાસ છે, ધીરજ છે’
અને અનુજાને આજે નાનીશી વાતમાં પોતે પલ્લવ પર કેવી છેડાઈ ગયેલી એ વાત યાદ આવી ગઈ. મનોમન એનાથી કાકાની વાતના પડઘા પડી ગયા,
‘ હા કાકા, સાચું કહ્યું. આખરે પ્રેમ છે ત્યાં વિશ્વાસ છે, ધીરજ છે.’
અનબીટેબલ : પ્રેમ એટલે આપણે જેને ચાહતા હોઇએ એની ખુશી.
-સ્નેહા પટેલ