વર્ટીગો – દુનિયા ગોળ છે :


ગુજરાત ગાર્ડીઅન પેપર > 30-06-2013 – ટેક ઈટ ઈઝી -45

http://gujaratguardian.in/E-Paper/06-30-2013Suppliment/index.html

વ…ર..ટી…ગ..ઓ..ઓ…!

ઓ..ઓ…ઓ..નીકળી જાય એવી આ બિમારીમાંથી હમણાં જ ઉભી થઈ. સુખ કે સબ સાથી દુ:ખ કે ન  કોઇ…દુ:ખમાં વર્ટીગોના ચક્કરોએ મારો બરાબર સાથ નિભાવ્યો. બહુ ગોઠી ગયું મારી સાથે તે અમુક માથે પડેલા – અણગમતા અતિથીઓની જેમ એ જવાનું નામ જ ના દે.રોજ સવારે ઉઠીને વિચારું કે આજે તો આ ચક્કરભમ જેવા ચક્કરને ધક્કા મારીને કાઢી જ મૂકીશ અને પછી કયારેય એને પાછો પ્રવેશ નહી કરવા દઉઁ. રોજ બાંયો ચડાવીને (સ્લીવલેસ ટોપ હોય તો એની કિનારીને પટ્ટીવાળી દો એટલે બાંયો ચડાવી જ કહેવાય ) ‘વર્ટીગો – મારું તન છોડો’ આંદોલન ચાલુ કરું અને બપોરના એક બે વાગતાં તો ‘નવે નેજાં પાણી આવી જાય’ અને હું થાકીને હાર માની લઉઁ.

કારણ ખ્યાલ ના આવતા ડોકટર મારી પર જાતજાતની દવાઓના ટેસ્ટ કરે જતાં હતાં.

‘લાગ્યું તો તીર નહીં તો તુક્કો’

તુક્કાથી ના ઠેકાણું પડયું તો એમણે એમની છટ્ઠી ડીગ્રી જેવા રિપોર્ટસ ઉપરે આંખો ઠારી.

‘એક કામ કરો ને, ફરીથી આવો ત્યારે સ્પાઈનલ કોડનો એક્સ-રે પડાવી લાવજો.’

‘સારું (મરતાં ક્યાં ના કરતાં !) ‘

રીપોર્ટમાં કંઈ જ ના આવ્યું. મણકાં બધા બરાબર હતા એ જાણીને દિલમાં એક દ્વિધા ઉતપન્ન થઈ !  આ સારું કહેવાય કે ખરાબ ? કરોડના મણકાં સાબૂત છે ની ખુશી રોગની  હજુ ચોકકસ દિશા નથી પકડાતી એ જાણીને થોડી ઝાંખી પડતી હતી. રીપોર્ટ લઈને ડોકટરને ત્યાં ગયાં. એકસરેવાળાએ તો ‘ઓલ ક્લીઅર’ નો સંકેત આપેલો પણ ડોકટર લીલી ઝંડી ના આપે ત્યાં સુધી એની કોઇ કિઁમત નહતી. રીપોર્ટ લઈને ડોકટરની ખોબા જેવડાં રુમમાઁ પ્રવેશ્યાઁ.  લંબચોરસ કમરાની દરેક દિવાલને અડીને બેંચીસ મૂકેલી જે રુમની લંબચોરસ દિવાલની આગળ બીજું લઁબચોરસ બનાવતું હતું. લગભગ દસ ફૂટની હાઈટના એ રુમમાં માથા ઉપર એક જૂનો પંખો ઘર..ઘર…ઘરના કર્કશ અવાજ સાથે ફરી રહેલો. લંબચોરસની એક ધરી પર બેસીને સામેની ધરીવાળાકાકાના પગ સાથે અથડાઇ જવાની ભીતિ લાગતાં પગ થોડાં અંદરની બાજુએ વાળી દીધાં અને ચૂપચાપ ત્યાં બેઠેલા દર્દીઓની સંખ્યા ગણી લીધી..આંકડો દસ પર પહોંચ્યો ને એક હાયકારો નીકળી ગયો. ત્યાં તો મનમાં વિજળી ચમકી અને ખ્યાલ આવ્યો કે આ બધા દર્દીઓ હોય એવું થોડું જરુરી છે? અડધા લોકો તો પેશંટની સાથે એમના સંબંધીઓ પણ હોઈ શકે ને? અને શ્વાસ હેઠો બેઠો.’સાંસ મે સાંસ આઈ’ એ આને જ કહેવાતું હશે ! મારું ભાવિ અત્યારે સામેના લાકડાના સ્ટુલ પર નોટબુક –પેન અને મોબાઈલ સાથે બેઠેલા પંદર સોળ વર્ષના છોકરાની ઉપર આધારીત હતું. એની નોટબુક સામે ત્રાટક કરીને જોઇ રહીને મેં વાંચેલી વશીકરણની બધી ય વિધ્યા અજમાવી જોઇ –રખેને એકાદ પ્રયોગ સફળ થઈ જાય ને મારો વારો વહેલો આવી જાય. ડોકટરના દવાખાનાની બહાર રાહ જોઇને બેસવાનું એ મારા માટે દુનિયાનું સૌથી પીડાદાયી કામ. ત્યાં તો ડોકટરની કેબિનમાંથી પેશંટ બહાર આવ્યો અને બહાર બેઠેલા દરેકના મોઢા પર ખુશીની લહેર ફરી વળી. મારી ગણત્રી પ્રમાણેઆ વ્યક્તિ પછી મારોવારો હતો. વગર માતા આવ્યે આગળ પાછ્ળ ડોલતાઁ માથાને સાચવીને મક્કમતાથી ખભા ઉપર સેટ કર્યુ અને પતિદેવનો હાથ પકડીને ઉભી થઈ ત્યાં તો પેલો છોકરડો નોટબુકમાં જોઇને બોલ્યો,

‘રુખીબેન “

અને એકાએક લંબચોરસ રુમની બહારથી રુખીબેન એમના દીકરા સાથે પ્રગટ થયાં.’

‘ઓત્તેરી,આ તો ક્યારના આવી ગયેલા પણ રુમની બહાર હતા એટલે મારી ગણત્રીમાંથી બાકાત રહ્યાં હતાં’ આવા સમયે ગુસ્સો નહી કામનો એવુ વિચારી મગજ પર કંટ્રોલ રાખીને ( જોકે ના રાખીએ તો ઉ કોઇને ક્યાં કશું ફર્ક પડવાનો હતો ) ચૂપચાપ મારી જગ્યાએ પાછી બેસી ગઈ અને રુખીબેન જલ્દીથી બહાર આવે એની રાહ જોવા લાગી. રુખીબેનની ડોકટરી વિઝિટ લાંબી ચાલી..લગભગ 15 મીનીટ..બહાર બેઠેલા બધા દયનીયતાથી એકબીજાનું મોઢું તાકી રહેલાં. રાહ જોવાનો બોજ હળ્વો કરવાના હેતુથી બાજુમાંબેઠેલા કાકીએ મારી સાથે વાત ચીત ચાલુ કરી.

‘તમને બહુ તકલીફ લાગે છે ને કંઈ. બહુ અસ્વસ્થ લાગોછો..શું થયું છે ?’

‘વર્ટીગો.’અને એકદમ જ વીજળીનો કરંટ લાગ્યો હોય એમ એ ચમક્યાજં ને બોલ્યાં,’

’બાપ..રે..મને પણ થયેલું. રીકવરી થતા લગભગ 4 મહિના થયેલા.કોઇ કારણ જ ના મળે અને રીપોર્ટ પર રીપોર્ટો કઢાવે રાખીએ

’હજુ એમના વાક્યોના આઘાતમાંથી બહાર આવું ત્યાં તો એમની બાજુમાં ગળામાં ગેરુ કલરનો બેલ્ટ બાંધીને બેઠેલા કાકા બોલ્યાં,

’અરેરે…આજકાલ આ ‘વર્ટીગો’બહુ સંભળાય છે..આજકાલના હવામાનનો પ્રતાપ બીજું શું..જુઓને મારા દીકરાના મિત્રને થયેલો તો એને પણ લગભગ દસ –પંદર દિવસ લાગલગાટ એ ખુરશીમાં સીધા એમનું માથું સાચવીને બેસી રહેલા. બેઠા બેઠા જ સૂઇ જાય. આંખનો ડોળો સહેજ પણ આમથી તેમ ફરે તો  મગજમાં એક સબાકો વાગે, પેટમાં  ફાળ પડે..’આટલું સાંભળતા જ વાતમાં તલ્લીન થઈને ઢીલી પડી ગયેલી ડોકને ટટ્ટાર કરવાનીવાત યાદ આવી ગઈ..ત્યાં તો પેલા મુરબ્બીએ વાત આગળ વધારી.

‘ હેઁ બેન તમને કાનમાં દુ:ખે છે કે? આમાં તો ઘણીવાર કાન બંધ થઈ જાય- સંભળાય નહીં…’

હવે મારી તાકાત નહતી આમને સાંભળવાની એટલેમનોમન વિચારીને મેઁ મારા ચાલુ કાનની શ્રવણશક્તિ બંધ કરી દીધી

‘આદમી અગર કુછ કરને કી ઠાન લે તો ફેઐ ઉસે સારે જમાને કી કાયનાત ભી નહી રોક શકતી‘ એ પછી તો મારા પાડોશી દર્દીઓનું ‘વર્ટીગોપુરાણ’ ચાલુ જ રહ્યું જેમાથી  હું સાવ અલિપ્ત થઈને ડોકટરની એસીવાળી કેબિનનો કાચનો દરવાજો જ જોયા કરતી હતી. અને  ત્યાં મારું નામ બોલાયું,

‘સ્નેહાબેન’

ભર ઉકળાટ પછી વરસાદ પડી ગયો.

‘મંઝિલ કરતાં એના સુધી પહોંચવાનો રસ્તો વધારે આનંદદાયક હોય છે’  જેવા દોઢડાહ્યાં ફિલોસોફરો સાવ જ ખોટ્ટાડા !

ડોકટરે ટેબલ પર સુવાડીને હાથની કોણી, પગના ઢીંચણ, પગની પાની બધે હળ્વી હથોડી ઠપકારીને ચેક કર્યુંકે ‘વર્ટીગો’ નઆમનો કીડો અહીઁથી તો નથી પનપતો ને ? એ પછી બે પળના ગંભીર મનન પછી એ ઉવાચ :

‘રીપોર્ટસમાં તો કંઈ નથી..સારું દવા બદલીએ..જુઓ ફરક ના પડે તો પછી આવતા અઠવાડીએ…’

એ પછીના વાક્ય સાંભળવા પ્રત્યે મેં જાણી જોઇને દુર્લક્ષ જ સેવ્યું.

‘શાહમ્રુગ વૃતિ ઘણી વાર સારી થઈ પડે. દુનિયા કઈ રીતે ચાલે છે , કેમ ચાલે છે, એની દિશા કઈ છે એ બધું બહુ વિચારવાનું નહીં. કારણ…આપણા વિચારોથી દુનિયાને કોઇ ફર્ક પડવાનો નથી કે આપણે ધાડ મારીને એનું કે આપણું કોઇ ભલું કરી શકવાના નથી.’ બે કલાકનું તપ કરીને મેળવેલા ડોકટરના દર્શન કરીને બે મીનીટમાં તો અમે કેબિનની બહાર. બહાર નીકળીને દર્દીઓનામોઢા પર જોયું તો પાંચ મીનીટ પહેલા મારા મોઢા પર ‘આપણો વારો આવી ગયાનો’ આનંદ હતો એજ જોવામળ્યો. મે પણ એમની પ્રતીક્ષાનો સમય ફટાફટ કાપવામાં મદદરુપ થઈનો છુપો આનંદ અનુભવ્યો.

રોજ રોજના આ ઘર્ષણના પ્રતાપે દયા ખાઈને લગભગ એક મહિના પછી ‘વર્ટીગો’એ મને થોડી મચક આપી. એ બિમારી થવાના કારણો ‘સંભવિત’માંથી ‘ચોક્કસ’ દિશામાં ગતિમાન થયા અને મારા કુશળ ડોકટરની પકડમાં આવી ગયાં. મોટાભાગે કારણ જણાય પછી બિમારીનો ઇલાજ સરળ થઈ રહે છે. જોકે આ સરળ દેખાતો ઇલાજ હજુ તો ચાલુ છે. 80% મંઝિલ કપાઈ ગઈ છે. તો મિત્રો મારી બાકીની 20%ની મંઝિલ જલ્દીથી કપાઈ જાય એવી પ્રાર્થના કરજો.

દરેક માંદગી એના પોતાનામાં મહાન હોય છે એમ જ આ વર્ટીગો પણ બહુ ભયાનક રોગ છે..કોઇ દુશ્મનને પણ આ બિમારી ના થાય એવી પ્રાર્થના.

-સ્નેહા પટેલ