કેલરી –હાય હાય !


 Gujarat Guardian paper > take it easy column.

ટેક ઈટ ઈઝી 

 

 

૧૦૦ ગ્રામ મગફળી – ૫૬૭ કેલેરી

૧૦૦ ગ્રામ ગોળ – ૩૮૩ કેલેરી

૧૦૦ ગ્રામ માવા સ્વીટ – ૪૨૦ કેલેરી

મકાઈની એક રોટલી – ૧૮૧ કેલેરી

દસ ગ્રામ દેશી ઘી – ૯૦ કેલેરી

દસ ગ્રામ માખણ – ૭૨ કેલેરી  ….વગેરે વગેરે.

 

આજે થોડી નવરાશ મળતાં જ બે મહિનાથી જેને મળી નહતી શકતી, એ મારી સખી અનુજાને મળવા ઉપડી ગઈ, સરસ મજાનું ગુલાબી ઝાંય સાથે  એવરેજથી થોડું વધારે ચમકીલું સૌષ્ઠ્વ ઐશ્વર્ય ધરાવતી અનુજાના રસોડામાં મેં ફ્રીજ ઉપર મીકી માઉસના લાલ –ભૂરા મેગ્નેટથી આવો કેલેરી-ચાર્ટ ચોંટાડેલો જોયો. નાનપણથી મેં એને હસતી રમતી અને આનંદી જોયેલી.  પહેલેથી જ એવરેજ કરતાં થોડું વધારે શરીર ધરાવતી હોવા છતાં એ બાબતે કાયમ દુર્લક્ષ સેવતી તે એના બે સંતાનો પછી વધતા ફુગાવાની જેમ નિરંકુશ વધારો થયા પછી પણ ક્યારેય સીરીઅસ થઈ નહતી. એના ઘરમાં અચાનક આવું વાતાવરણ જોઇને મને થોડી હેરાની થઈ ને કારણ પૂછતાં ઉપર દર્શાવેલા કેલેરીચાર્ટ સિવાય બીજા  ગોખેલા આંકડાની માહિતી મારી સામે પ્રસ્તુત કરીને મારા કેલેરીના સામાન્ય જ્ઞાનમાં ઉમેરણ કર્યું.

સામાન્ય રીતે પુરુષોને ૨૨૦૦ કેલેરી અને સ્ત્રીઓને ૧૮૦૦ કેલેરીની જરૂરિયાત હોય છે.  તમે એક મહિનામાં આઠ વખત વધારે ખાઓ દરેક અઠવાડિયે તમારા શરીરની અંદર ૫૦૦ કેલેરી વધારે જમા થાય છે જેના લીધે તમારું વજન દરેક મહિને અડધો પૌંડ વધી જાય છે.હવે હું રહી નાનપણથી જ સૂકલકડી. મારે આવા બધા આંકડા સાથે નાહવા નિચોવવાનો ય સંબંધ નહીં. એણે કહ્યું ને મેં ચૂપચાપ સાંભળ્યું.

ભરેલી શોપિંગબેગ જેવું થોડું ફૂલેલું શરીર અને ઉપર એક કિલોના સ્ટીલના ડબ્બાના ઢાંકણા જેવડું નાનકડું ગોળમટોળ મોઢું ધરાવતી અનુજાનો જઠરાગ્નિ પહેલેથી જ આશુતોષ ! થોડું ખાય અને તૃપ્તિના ઓડકાર આવી જાય. એથી ખાવાના કારણે એનું શરીર વધતું હોય એવું કમસેકમ મને તો ના જ લાગ્યું. કારણ ખાવાથી જ શરીર વધતું હોય તો એનાથી અડધી સાઈઝની હું ખટરસ ભોજન આરોગવા છતાં મારું શરીર જલકમલવત ખોરાકથી અલિપ્ત રહીને જરાય મેદ ધારણ નહતું કરતું.

‘ગહના કર્મણો ગતિ: ’

આસ્ચ્ર્યના વમળોમાં ગોતા લગાવીને જાત પર થોડો કાબૂ મેળવીને મેં અનુજાને એકાએક આ આવેલા બદલાવ પાછળનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે આજકાલ એના ‘યંગ’ થઈ રહેલા સંતાનોને એના અદોદળાપણાથી શરમ આવતી હતી અને એમના સ્કુલના કોઇ પણ પ્રોગ્રામોમાં એને સાથે લઈ જતા અચકાતા હતાં.’ જેને કોઇ ના પહોંચે એને પહોંચે પેટ’ એ કહેવત આવા જ સંજોગોમાં લખાઈ હશે. સંતાનો એને જીન્સ –કુર્તી – સ્કર્ટ જેવા ફેશનેબલ કપડાંમાં જ જોવા ઇચ્છતા હતાં. રોજ રોજ

‘ફ્લાણા મિત્રની મમ્મીએ ફકત ડાયેટીંગ કરી કરીને બે મહિનામાં પંદર કિલો વજન ઉતારી નાંખ્યું, ઢીંકણાની મમ્મીએ જીમ –યોગાથી એક મહિનામાં પાંચ કિલો વજન ઓછું કરી નાંખ્યું. મમ્મી તું પણ એવું કંઈક કર અને થોડું વજન ઉતાર’ કહી કહીને અનુજાનું માથુ ખાઈ જતા હતાં. છેલ્લાં ચાર મહિનાથી સ્ટ્રીક્ટલી બધા ડાયેટ અને કસરતના પ્રોગ્રામોમાં જીવતી અનુજા હજુ કિલો વજન પણ નહતી ઉતારી શકી. થોડી ડીપ્રેસ્ડ અનુજાને મેં સહાનુભૂતિથી સમજાવી.

’જો અનુજા, જન્મજાત જે બાંધો હોય એને ઉતારવું એ આંગળીમાંથી વીંટી ઉતારી કાઢવી કે દિવાલ પરથી પેઈંટીંગ ઉતારવા જેવી સામાન્ય વાત નથી. છોકરાઓ તો બચ્ચા છે હજુ, એ લોકો તને શું કહી રહ્યાં છે એનું ભાન નથી. પ્રભુ એમને માફ કરે એમને! જે વસ્તુ તેં ચઢાવી જ નથી એ તું ઉતારી કઈ રીતે શકવાની ? જન્મથી જ સૂકલકડી એવી મને તું  બે મહિનામાં પાંચ – સાત કિલો  વજન વધારવાનું કહે એટલી જ તકલીફવાળી આ વાત છે.

‘સ્નેહા,એ લોકો કહે છે કે મારે ભાજી, ટામેટા અને ગાજર જેવા સલાડ અને એ પણ એક જ વાર ખાવાના. રોટલી પણ ઘી વગરની એકાદ લેવાય. હવે તું જ કહે એક રોટલીના ઘીથી મારું વજન વધી જવાનું કે..?’

સામે રહેલ ભજિયા, ચકરી અને મારા અતિપ્રિય સમોસાવાળી ડિશમાંથી નાસ્તો લેતો મારો હાથ અટકી ગયો. મેં સમોસું નીચે મૂકીને ‘હમ્મ…’ કહીને ના કૌંસમાં ના કૌંસની બહારની જેમ મારો જવાબ વાળ્યો.

‘હાથ કો આયા મુંહકો ના લગા.’

લગભગ અડધો કલાકથી અવિરતપણે ચાલતા એના સતત કેલેરીના પ્રવાહમાં તણાતી મને હવે લાગ્યું કે એ કોઇ તેલવાળા ખાદ્યપદાર્થનું નામ બોલશે તો પણ એ કેલરિઝ એને ચડી જશે. એની હાલત જોઇને મને થયું કે તાવ આવતો હોય ને દવા લઈ લઈએ તો મટી જાય એમ આ ‘સ્થૂળતા’ના ઇંજેક્શનનો કોર્સ કરી લેવાથી એના ઉપર કાબૂ પામી શકાય તો કેવું સારું…! આજે અનુજા જેવી કેટલીય વ્યક્તિઓ આમ માનસિક તાણથી તો બચી જાત ને !

છાપા,નેટ,મેગેઝિન બધે આજકાલ કેલરી, ડાયેટ-કટ્રોલ જેવા લેખોની ભરમાર ભરી હોય છે ત્યાં કોઇ પણ  છગનિયો મગનિયો આજકાલ જાણે એ પ્રખર આહારશાસ્ત્રી હોય એમ લેકચરઆપતા થઈ જાય છે. અનુજા જેવી વ્યક્તિઓ જમવા બેસે તો ખાવાની વઅસ્તુઓના બદલે કેલરી જ ખાતી જ થઈ જાય છે. વગર વાંકગુનાએ એકાદ કેડબરીનો ટુકડો કે ડાયેટપ્લાનની બહાર ખવાઈ જાય તો વગર વાંકગુનાએ ‘ગિલ્ટી’ ફીલ કરીને માનસિક તાણ અનુભવતી થઈ જાય છે અને એના બદલારુપે હવે ક્યાં – શું ના ખાઈને આ ગુનાનું પ્રાયસ્ચિત કરવું એના વિચારે ચડી જાય છે.આ ટેંશનથી કદાચ શરીર ઘટે કે બગડે એમ ચોકકસ બની શકે બાકી શરીરને જરુર પૂરતો ખોરાક ના ખાઈને શરીરની આ વિસ્તારવાદી પ્રવ્રુતિ અટકે ને કાયમ જળવાઈ રહે એ તો બહુ ‘રેર’વાત છે. મારા અનુભવે તો સૂકલકડી માણસો નિરાંતથી, આસાયેશથી, નિર્ભયતાથી અને અતિશય તૃપ્તિથી ખાઈ શકે છે, જ્યારે સ્થૂળ મનુષ્યો બિચારા એક ચમચી ખાંડની ને ચમચી તેલની કેલરીઓ જ ગણતાં ફરે છે. નવાઈ તો એ કે આ કેલેરી ગણવાના અતિશ્રમ પૂર્ણ કાર્યથી પણ એમનું શરીર નથી ઉતરતું.

અનેક પ્રયોગો અને નિરીક્ષણ પછી મને લાગ્યું કે મોટાભાગે વિજ્ઞાન આ સ્થૂળતાનું કોઇ લાગલું કારણ શોધવામાં નિષ્ફળ જ જાય છે.બાકી કોઇકના દેહમાં ખોરાક કયાં જાય છે તે જ સમજાતું નથી અને કોઇ બિચારો સર્પની જેમ પવન પી ને પણ ‘ન ચા દુર્બલાસ્તે’. માટે કાચું ખાઓ, બાફેલું ખાઓ,ખાંડ મીઠું બંધ, નાળિયેરના પાણી પર જીવો જેવી પરપીડક આજ્ઞાઓ માનવી નહીં. સ્થૂળતાને ખોરાક સાથે કોઇ ખાસ સંબંધ નથી અને હોય તો હજુ શોધાવાની બાકી છે એ જ પરમોસૂત્ર.

-સ્નેહા પટેલ.

નાભીનાળ


પ્રેમના વમળ
અપેક્ષાના વહેણથી
નાભીનાળના સંબંધે
જ કેમ જોડાયેલા રહે છે !

-સ્નેહા પટેલ.

સચ્ચાઈનો રણકો


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 24-07-2013

ઘટી ઘટનાનું તારણ કાઢશે ભેગા મળી સૌ લોક,
બીના પાછળનું એક કારણનું પણ હોવું જરૂરી છે.

-અશોક વાવડીયા

અંતરા અને ઇશાન આજે રવિવારની રજાના મૂડમાં હતાં. વર્કીંગ કપલને આજે બહુ વખત પછી એક સાથે રવિવારે ફુરસત મળી હતી એને દિલ ખોલીને માણી લેવાના ઉત્સાહમાં ગાડી લઈને રખડવા નીકળી ગયા.

કોલેજના સમયે જ્યાં હાથમાં હાથ પૂરોવીને પ્રેમીપંખીડાની જેમ ફરેલા એ રસ્તાઓ ઉપર ફરીથી એક લટાર મારીને એમનો સોનેરી ભૂતકાળ તાજો થઈ ગયો. બેય જણ ખૂબ ખુશખુશાલ હતાં. જોબના કારણે પોતાનાપિયરે પણ ના જઈ શકતી અંતરા આજે ઇશાનને લઈને ત્યાં પણ એક આંટો મારી આવી . દુનિયાભરની ખુશીઓથી પોતાની ઝોળી ભરીને હવે એ બેય જણ કોઇ સારી રેસ્ટોરન્ટમાં ડિનર લેવાનો વિચાર કરતાં હતાં. ઇશાન હોટલની જગ્યા નક્કી કરતો કરતો ડ્રાઈવ કરી રહેલો . અંતરા પણ મનોમન ઇટાલિયન, થાઈ, મેક્સીકન, ગુજરાતી..’આજે શું સ્પેશિયલ જમવું? ’  ના વિચારોમાં ખોવાઈ ગયેલી. ત્યાં જ શહેરના ટ્રાફિકથી ભરપૂર આઠ રસ્તાની મધ્યે ઇશાને ગાડીને જોરથી બ્રેક મારી. આઠ રસ્તાના ટ્રાફિકબૂથમાં કોઇ જ પોલીસ નહતો ઉભો અને સાંજનો સમય હતો એટલે લોકો મનફાવે એમ બેફામ ડ્રાઈવિંગ કરી રહેલાં હતાં. ગળામાં ગેરુ રંગનો પટ્ટો ભરાવીને એક 65 વર્ષની આસપાસની ઉઁમરના કાકા ખખડધજ સ્કુટર પર ઇશાનની ગાડીને ક્રોસ કરવા જતા હતાં. પહેલા એમણે સ્કુટર ધીમું પાડ્યું..પછી પાછું એક્સીલેટર આપીને ગીયર બદલ્યું. એમના નિર્ણય વગરના ડ્રાઇવિંગ અને બધી બાજુથી વાહનોનો બેકાબૂ  ટ્રાફિક, ઇશાન સાવધ ના હોત તો એની ગાડી કાકાના સ્કુટર સાથે અથડાઈ જ જાત.  ઇશાને એક રાહતનો શ્વાસ લીધો.

પણ ખરી વાત તો હવે જ ચાલુ થઈ.

ગળામાં બેલ્ટ હોવાથી આજુબાજુના લોકોના  જોખમે પોતે ડ્રાઈવ કરી રહેલા, અધકધરા નિર્ણય લેવાની ટેવવાળા કાકા સ્કુટરને સ્ટેંડ પર ચડાવીને ઇશાનની ગાડી આગળ આવીને એને ધમકાવવા લાગ્યાં.

‘જરા રસ્તા ઉપર જોઇને ડ્રાઈવ કરતો હોય તો…મા-બાપના પૈસે ગાડી આવી જાય એટલે બેફામ ચલાવવાની, તમારી જુવાનિયાઓની આ જ ટેવ હોય છે. હમણાં એક્સીડંટ થઈ જાત તો…!’

ઇશાન અને અંતરા બે પળ તો બાઘા બની ગયાં. ઇશાનનું જુવાન લોહી ઉકળી ઉઠ્યું પણ અંતરાએ એનો હાથ પકડીને આંખોના ઇશારાથી જ નાહકના બખેડા ના કરવા જણાવ્યુ. ઇશાન સમસમીને બેસી રહ્યો.

‘છોડોને કાકા, નાહકની વાત વધારો નહી‘

ત્યાં તો કાકાએ વાત આગળ ચલાવી અને એમની આજુબાજુ ધીમે ધીમે ભીડ ભેગી થવા લાગી. બધા કાકાની વાત સાચી માનીને ઇશાનને સલાહ આપવા ચાલુ કર્યું.  હવે ઇશાનનો પિત્તો ગયો. દરવાજો ખોલીને બહાર આવ્યો અને કાકાના સ્કુટર પાસે જઈને બોલ્યો,

‘કાકા, વાંક તમારો છે. તમે પ્રોપર ડ્રાઈવ નહતા કરતાં. મારી બાજુની લાઈન તો ચાલુ જ હતી તમે રોંગ સાઈડમાં હતાં.’

‘આ લો, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે..બાપના પૈસે લીલાલહેર કરતા જુવાનિયાઓ  વડીલની સામે જેમ તેમ બોલો છો….’ વગેરેવગેરે…

તમાશાને તેડું ના હોય…બધા ઇશાનને મન ફાવેએમ સંભળાવવા લાગ્યાં. ઇશાનને આજે લાગતું હતું કે આજે એની પાસે ગાડી છે ને પોતે જુવાન છે એટલે એણે મોટો ગુનો કરી નાંખ્યો છે. એની અકળામણ વધતી જતી હતી. એ વધારે કંઈ પણ બોલે એ પહેલાં અંતરા ગાડીમાંથી બહાર નીકળી અને કાકાની સામે જઈને બોલી,

‘કાકા,વડીલ છો તો વડીલની જેમ સમજદારીભર્યુ વર્તન કરો. તમારી આવી હાલતમાંતમે સ્કુટર લઈને શહેરના ગીચ ટ્રાફિકવાળા રસ્તા ઉપર 20ની સ્પીડે બેજવાબદારીભર્યુ ડ્રાઈવ કરો છો અને પાછા વાંક બીજાનો કાઢો છો. તમે વડીલ હતાં એટલે હું કશુ બોલતી નહતી કે મારા ઘરવાળાને બોલવા પણ નહતી દેતી. પણ તમે તો વડીલાઈનો ફાયદો ઉઠાવીને બીજાઓ ઉપર દોષારોપણ કરો છો. કાકા,આવી જ તબિયત રહેતી હોય તો ઘરે બેસીરહો કાં તો રિક્ષામાં ફરવાનું રાખો..ક્યાંક કોઇ બેકાબૂ ટ્રક કે બાઈક ફાઈકની અડફેટે ચડી જશો તો ..’

આગળનું વાક્ય અંતરાએ જાણીજોઇને અધૂરું રાખ્યું. વાત હવે વડીલમાંથી એક સ્ત્રીનીથઈ ગઈ. આખી ય ભીડ હવે શાંત થઈ ગઈ ને કાકાને સમજાવવા લાગી.

‘જુઓ કાકા, તમે વડીલપણાનો ફાયદો ઉઠાવીને અમને ધમકાવી શકો છો તો હું પણ એક સ્ત્રી છું. મારી વાત ભીડ તમારાથી પણ પહેલા સાંભળશે .પણ હું ક્યારેય સ્ત્રી હોવાના ફાયદા ઉઠાવવામાં નથી માનતી. કારણ ભીડને અક્ક્લ – સમજણ નથી હોતી. આપણું માન કેમ સાચવવું એ આપણા જ હાથમાં હોય છે, ભીડના સહારામાં નહીં. તો મહેરબાની કરીને હવે સ્કુટર ચાલુ કરો ને અમને આગળ વધવા દો.ચાલ ઇશાન ..’

અને અંતરાની વાતમાં સચ્ચાઈનો રણકો સાંભળીને ભીડ અને કાકા બે ય સ્તબ્ધ થઈ ગયા.

અનબીટેબલ : Wrong is always wrong even if everybody is doing it right. Right is always right even if only u r doing it. –msg.

-sneha patel

ડેથ સર્ટીફિકેટ


-p-hoolchhab paper > navrash ni pal column > 18-07 – 2013 article.

કુછ ભી કાયમ નહીં હૈ, કુછ ભી નહીઁ

ઔર જો કાયમ હૈ, એક બસ મૈઁ હું મૈઁ.

જો પલ પલ બદલતા રહતા હું.

-ગુલઝાર.

સુરેશભાઈ બહારથી આવીને બે હાથમાં માથુ પકડીને ડ્રોઈગરુમના સોફા ઉપર ધબ દેતાંકને ફસડાઈ પડ્યાં. રમાબેન એમના પત્ની બે ઘડી એમને જોઇને ચક્કર ખાઈ ગયા. હજુ બે કલાક પહેલાં જ તો સુરેશભાઈ ચા પીને ફ્રેશમૂડમાં બહાર ગયેલા અને એકાએક આમ માથું પકડીને બેસી ગયા એની પાછળ શું કારણ હશે ? ફ્રીજ ખોલીને કાચ જેવી લાગતી પ્લાસ્ટીકની સુદર બોટલમાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરીને સુરેશભાઈને આપ્યો. સુરેશભાઈએ ગ્લાસ લઈને એકીશ્વાસે એ ગટગટાવી દીધો અને ટ્રાઉઝરના પોકેટમાથી રુમાલ કાઢીને માથાનો પરસેવો લૂછ્યો. એમની હાલત જોઇને રમાબેનના હાથપગ ઢીલા પડવા લાગ્યાં હતાં પણ એ હજુ કશું બોલે એ પહેલાં તો સુરેશભાઈ જ બોલી ઉઠ્યાં.

‘રમા, ઠાકોરને એટેક આવ્યો.’

‘હેં…ક્યારે..કેવી રીતે..?’ રમાબેને  articleલારા ચાવવા લાગ્યાં.

‘અડધો કલાક પહેલાં જ. એનો દીકરો અને વહુ એને લઈને હોસ્પિટલ લઈ જતા હતા ને મેં એમને જોયા એટલે હું પણ એમની સાથે જ ગાડીમાં બેસી ગયો. મારાથી ઠાકોરની હાલત જોવાતી નહતી. બહુ તડ્પતો હતો એ.’ અને સુરેશભાઈની આંખના ખૂણા ભીના થઈ ગયાં. ઠાકોરભાઈ એમના ખાસ લંગોટીયા મિત્ર હતાં.  સુરેશભાઈ રમાબેન આગળ કોઇ વાત છુપાવી દે પણ ઠાકોરભાઈ સાથે એમનો શ્વાસ અને ધડકનનો સંબંધ. એટલે રમાબેન એમની હાલત સમજી શક્તાં હતાં. એમની પાસે બેસીને એમને શાબ્દિક સાંત્વના આપવા લાગ્યા.

ઠાકોરભાઈ ઉપર એન્જીઓગ્રાફી કરીને  એન્જીઓપ્લાસ્ટી કરાઈ અને એમ છતાં હાલતમાં જોઇએ એવો સુધારો ના થતા મહિના પછી એમની ઓપન હાર્ટ સર્જરી કરવાનુ ડોકટરોએ વિચારેલું. ભવિષ્યની ઓપન હાર્ટ સર્જરીના માનસિક ભયના ઓથાર હેઠળ જીવતાં ઠાકોરભાઈ એન્જીઓપ્લાસ્ટના ઓપરેશન પછી પથારીમાં ઉભા જ ના થઈ શક્યાં. દિવસે દિવસે એમની તબિયત વધુ ને વધુ બગડતી ચાલી.ડોકટરો દવા બદલી બદલીને -રિપોર્ટ કઢાવી કઢાવીને અને ઘરના સેવા કરી કરીને થાક્યાં હતાં. વળી આજની મોંઘવારીમાં માંડ બે ટંકના રોટલા નસીબ થતા કુટુંબની બચતના પૈસાનું પાણી થતું જતું હતું એ નફામાં. માનસિક, શારિરીક અને આર્થિક તકલીફોએ ઠાકુરભાઈની બોલતી સાવ બંધ કરી દીધી હતી. આખો દિવસ પથારીમાં પડ્યા પડ્યા ઉપરની છતને તાક્યાં કરતાં. ખાવાપીવા-જીવવાનો મોહ લગભગ છોડી દીધેલો.કાયમ જીવંત રહેતાં ઠાકોરભાઈના કટકે કટકે થતા મોતના સુરેશભાઈ સાક્ષી હતાં. એમની હાલત જોઇને એમને એમના ભાવિના કડવા વિચારો આવી જતાં.

એક રાત્રે ઠાકોરભાઈની તબિયત વધારે બગડી અને તરત જ એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયાં. ડોકટરોએ એમને વેન્ટીલેટર પર લઈ લીધાં અને ટ્રીટ્મેન્ટ ચાલુ કરી. એક ..બે…ત્રણ દિવસ અને ધીમે ધીમે દિવસો મહિનામાં ફેરવાઈ ગયાં. ઠાકોરભાઈની તબિયત નહતી વધારે બગડતી કે નહતી સુધરવાનું નામ લેતી. એમનો દીકરો, વહુ અને દોહિત્ર હવે એમની સેવા કરી કરીને થાક્યાં હતાં. એક દિવસ એમના પુત્ર રવિ એ સુરેશભાઈ સાથે બેસીને થોડી વાત કરવાની , માર્ગદર્શન લેવાની ઇચ્છા જતાવી .

‘કાકા, પપ્પાની તબિયત સુધરે એવા કોઇ જ અવકાશ નથી. મારા સગાંઓ અને મિત્રો હવે મને વેન્ટીલેટર કાઢીને એમને ઘરે લઈ જવાની સલાહો આપે છે. પણ ડોકટરો ચોખ્ખું કહે છે કે એક બાજુ વેન્ટીલેટર હટાવ્યું ને બીજી બાજુ એમની જીવનદોરી ખતમ..આમ હું જીવતા જાગતા માનવીને કેમનો…’ આગળનું વાક્ય રવિના ગળામાંથી નીકળ્યું જ નહીં અને ડૂસકાંમાં ફેરવાઈ ગયું.

બે પળ તો સુરેશભાઈનું દિલ ધક્ક રહી ગયું. ઠાકોરભાઈના સારા થવા વિશે તો જોકે એમણે પણ આશા છોડી દીધેલી હતી પણ આમ વેન્ટીલેટર કાઢી નાંખવાની વાત તો એમની કલ્પના બહાર હતી. રવિનો વાંક પણ નહતો એ બિચારો એનાથી પૂરતા પ્રયત્નો કરતો હતો. સુરેશભાઈને રવિની જગ્યાએ એમનો પુત્ર અવિ અને પુત્ર્ર અમીના ચહેરા દેખાયા અને શરીરમાંથી એક ઠંડુ લખલખું પસાર થઈ ગયું. થોડીવારના આઘાતમાંથી બહાર આવીને થોડા પ્રેકટીકલ બનીને વિચારતા સુરેશભાઈને રવિની વાત ખોટી ના લાગી. એમણે રવિના ખભે હાથ મૂકીને માથું હલાવીને મૂક સંમતિ આપી અને એ સંમતિનો ભાર ના ઝીરવી શકતા હોય એમ આંખમાં ધસી આવેલ આસુઓને ખાળતા ત્યાંથી બહાર નીકળી ગયાં.

ઘરે જઈને તરત જ એ એક કાગળ અને પેન લઈને કંઈક લખવા લાગ્યાં. લગભગ અડધો કલાક રહીને એમની કલમ અટકી તો સામે બેઠેલા રમાબેન પર એમની નજર પડી.

‘ઓહ, તું અહી…ક્યારની બેઠી છે ?’

 

‘લગભગ વીસ મીનીટથી. શું લખો છો આટલું તલ્લ્લીનતાથી ?’

સુરેશભાઈએ ઠાકોરભાઈ અને રવિની બધી વાત કહીને રમાબેનને કહ્યું,

‘ના જાણ્યું જાનકીનાથે અને ભવિષ્યમાં આપણી સાથે શું હાલત આવીને ઉભા રહે એની કોઇ ખબર નથી એટલે આજે બેસીને મેં મારું વિલ લખી કાઢ્યું. એમાં સૌથી પહેલાં તો મેં ઠાકોરભાઈ જેવી હાલત હોય તો એક દિવસનો પણ વિલંબ કર્યા વગર મારું વેન્ટીલેટર કાઢી નાંખવાની વિનંતી કરી છે. મારા સંતાનોને મારા જીવન – મૃત્યુ વિશે કપરા નિરણ્યો લેવાની ભયંકર વેદનામાં મારે નથી મૂકવા. તું પણ મારી જે હાલત હોય હિંમત હાર્યા વગર તટસ્થતાથી નિર્ણય લેજે ખાસ કહું છું. જેટલું પણ જીવીએ સુખેથી જીવીશું આપણા નજીકનાઓ ના જીવન પર આપણા જીવનનો ભાર નાંખીને નહીં.હું મારા ડેથ સર્ટીફિકેટ પર જાતે જ સહી કરી રહ્યો છું આને ધ્યાનથી સાચવજે અને સમય આવ્યે ખચકાયા વિના આનો અમલ કરજે પ્લીઝ.’

રમાબેન આંખમાં આંસુ સાથે સુરેશભાઈનો હાથ પંપાળતા એમના નિર્ણય પર ગર્વ અનુભવીને પોતાની મૂક સંમતિ પૂરાવી રહ્યાં હતાં.

અનબીટેબલ: ઘણીવખત માનવીને મોત નહીઁ પણ જીવન ચૂપ કરી જાય છે.

-સ્નેહા પટેલ.

હાસ્ય તારા રુપ છે હજાર !


 

gujarat guardian paper > take it easy column > article no -47

ટોમ એન્ડ જેરી…આ નામથી તો ભાગ્યે જ કોઇ માનવી અજાણ્યો હશે. ક્યારેય અળગા ના રહી શકે એવા જીગરજાન દુશ્મનો ! જીગરજાન દોસ્તી તો આપણે જોઇ હોય-જાણી હોય, પણ આ જીગરજાન દુશ્મનીના વિષય સાથે આટ્લા વિશાળપાયે લોકપ્રિયતા હાસલ કરનારું આ કાર્ટુન ફક્ત અને એક જ એક સિધ્ધાંત પર નિર્માયેલું છે – હાસ્ય !

હાસ્ય ભલભલા દુશ્મનોને પણ દોસ્ત બનાવી શકે છે.એની તાકાત અદ્ભુત છે.

આપણે બાળકોની રસ – રુચિ પ્રમાણે નાનપણથી જ એને વધારે ઓપ આપવાના ઇરાદાથી જે –તે વિષયના ક્લાસીસ કરાવીએ છીએ, નિયમિત તાલીમ આપીએ છીએ. પણ કયાંય હાસ્ય શીખવવાના ક્લાસીસ ચાલતાહોય , શિખવાડાતું હોય એવું ધ્યાનમાં નથી. આ જ કારણથી હાસ્યને એ ઇશ્વરદત્ત વરદાન ગણી શકાય. જો કે આ વાત વિનોવૃતિ –હાસ્યને  માણનારાઓને પણ એટલાં જ અંશે લાગુ પડતી હોય છે. આખી દુનિયાના હાસ્યલેખકોની કૃતિઓનું દ્રાવણ બનાવીને અમુકના ભેજાં એમાં બે દિવસ સતત ડૂબાડી રાખો તો પણ અમુક લોકોના મુખારવિંદ પર હાસ્યનીએક રેખાપણ ના જોવા મળે. થાકીને એનું કોંન્સંટ્રેટ  પ્રવાહી સીધું એમના ભેજામાં ઇંકજેટ કરાય તો પણ આખરે હાર જ માનવી પડે. હાસ્ય નિપજાવવું અને પચાવવું એ ‘જેવા તેવા’ નું કામ તો નહી ને નહીઁ જ ! ખબર નહીઁ મા શારદાની વીણાના કયા તાર ઝંકૃત થતાં હશે અને ક્યા સૂર નીકળતા હશે ત્યારે આ હાસ્યની બક્ષિસ આપણા ખોળામાં આવીને પડે છે.

અમુક લોકો માને છે કે દરેક હાસ્ય એ નરી ઠઠ્ઠા – મશ્કરી અને ટીકાથી ભરપૂર જ હોય પણ હકીકતે દરેક હાસ્ય એવું નથી હોતું. ઘણી વખત બોલ્યાં વગર જ હાસ્ય કરી શકાય છે. જેમ કે કોઇ પણ મિત્રની સામે એક દિવસ પૂરતું કોઇ જ કારણ વગર થોડા થોડા સમયના અંતરાલે તાકી રહેવાનું અને પછી મોનાલિસાની જેમ હોઠનો એક ખૂણો દબાવીને એક રહસ્યમય સ્મિત રેલાતું મૂકવાનું ( પુરુષોએ મૂછમાં હાસ્ય રમતું મૂકવું ). છે ને એકદમ અફલાતૂન અને નિર્દોષ હાસ્ય ! જોકે મિત્રની અસ્વસ્થતા રૌદ્રસ્વરુપ પકડી લે તો એ હાસ્ય ગુજરાતી સાહિત્યના અખા જેવું ધારદાર વ્યંગાત્મ્ક બનીને શારડી પેઠે વહેરી શકે.

અમુક હાસ્યલેખકો દરેક વાત – ઘટના ને ‘ટેક ઈટ ઇઝી’ લેતાં હોય છે. આ જે પરિસ્થિતી છે એ કાયમી નથી એમ વિચારીને સાપેક્ષતાપૂર્ણ  સ્થિતીમાં રહેવાનું પસંદ કરે છે. જીવનની દરેક દુ:ખદ સ્થિતી સહનેબલ છે એનો તુચ્છકાર ના કરો- દરેક સુખદ સ્થિતી પણ ક્ષણભંગુર છે એના પ્રેમમાં પડીને આળસુ ના બની જાઓ. બસ સમતાભાવથી એ ક્ષણો ને પસાર થઈ જવા દો. અમુક દુ:ખદ ઘટનાઓને પચાવવાના પરિણામરુપે એમાંથી આર્દ – કરુણરસવાળું હાસ્ય અને સુખદ ઘટનાઓનાપરિણામે વૈરાગ્યભાવવાળું હાસ્ય જન્મ લે છે.

સમાજની અમુક સ્થિતીઓ લેખકો – કવિઓના અતિસેન્સીટીવ સ્વભાવ માટે‘અનબેરેબલ’ થઈ જાય ત્યારે એમાંથી તીખું તમતમતું , આગઝરતું હાસ્ય પેદા થાય છે. કવિ – લેખકોની અકળામણ – વ્યથા – કશું જ ના કરી શકવાની અસમર્થતા, ચિત્કાર બધું એના હ્રદયમાં તેલની જેમ ઉકળે છે અને પછી એમાંથી નીકળતા ધુમાડામાંથી આ પ્રકારનું વ્યંગાત્મક હાસ્ય બહાર ધસી આવે છે.

હાસ્યના અનેકો બૌધ્ધિક પ્રકારો પણ છે. આ હાસ્યનો કલાપ  અંગ્રેજીસાહિત્યમાં મનમૂકીને ખીલેલો છે. ક્યારેક હાસ્ય ચાતુર્યભરી યુક્તિરુપે બહાર આવે છે તો ક્યારેક ષ્લેષરુપે તો કયારેક તીક્ષ્ણ લક્ષ્યવેધી પ્રત્યુત્તરરુપે, ક્યારેક કોઇ ઠાવકા સુવાક્યના વેશમાં છુપીરીતે પણ એટેક કરી જાય. આ ષ્લેષહાસ્યકાર તરીકે જ્યોર્જ બર્નાડ શો બહુ જાણીતા છે. એક વખતે કોઇ નાટ્યગૃહમાં એ સમય કરતાં થોડા મોડા પડ્યાં. અંગેજો સમયના પાક્કા, એમના દિલમાં ફિલોસોફી પ્રત્યે આપણા જેવો કોઇ આદરભાવ નહીં હોવાથી નાટ્યગૃહના દરવાજા બંધ થઈ ગયેલા. ત્યાંના ડોરકીપરે બર્નાડ શોને ઓળખી કાઢ્યાં અને એમને કહ્યું કે એક શ્લેષ (Pun)  કહો તો જ જવા દઉં અને શૉએ તુરત જ પ્રત્યુત્તર વાળ્યો, ‘O‘ !’Pun‘ અથવા’Open‘ અને દરવાજા ખૂલી ગયા. Wit એટલે કે ચાતુરી ભરેલા જવાબ માટે તો બહુ બધા ઉદાહરણો આપણે જોયા – સાંભળ્યા –વાંચ્યા જ હશે.અંગ્રેજીમાં ઓસ્કાર વાઈલ્ડને ‘એપીગ્રામ’સૂત્રાત્મક વાક્યોનો સ્વામી ગણાય છે, જે વાક્ય દેખીતીરુપે તો ચબરાકિયુંલાગે પણ એ કાયમ કોઇ વિસંગતિકે અવળચંડુ સત્ય કહી જાય છે જેમ કે,

‘જીવનમાં કાયમબે જ પ્રકારની મોટી કરુણતાઓ સંભવે છે : એક ઇચ્છિત ના મળે એ અને બીજું મળે એ !’ છેલ્લા શબ્દોમાં આપણી અપેક્ષાઓ કેવી ભોંય પર પટકાય છે નહી…પણ એ સત્ય કરુણતાથી છલોછલ નથી ?

નાની નાની ક્ષુલ્લક વાતોને પણ ગંભીરતાથી લેવા ટેવાઈ જનારા આપણે કહેવાતાઅ મોર્ડન લોકો ગંભીર વાતોમાંથી પણ હાસ્ય નીપજી શકે છે એની કલ્પના પણ નથી કરી શકતાં. આપણી આજુ બાજુ ચોતરફ વેરાયેલા હાસ્યના પુષ્પો મઘમઘી રહ્યાં હોય છે ને આપણે એ ખુશ્બોથી ગ્લોબલ વોર્મિંગને ગાળો દેતાં દરેક સીઝનમાં થતી શરદીને પંપાળતા બેઠા હોઇએ છીએ.બાકી હાસ્ય કોઇ પણ ઘટનાની સાડીબારી નથી રાખતું.

ફ્રાંસના રાજા ચાર્લ્સને ફાંસીની સજા થઈ હતી અને દિવસો ઉપર દિવસો વીતવા છતાં કોઇ ને કોઇ કારણોસર એ વિધી પૂર્ણ નહતી થઈ શકતી. લોકો અચરજના માર્યા એને જેલમાં જોવા આવતાં ત્યારે એમને ‘ સદગ્રુહસ્થો, માફ કરજો ! હું મરતાં બહુ વાર લગાડું છું નહી ?’

આ પ્રકારની હાસ્યવૃતિને આપણે કેટલી સલામ કરીશું?

-sneha patel.

થોડાં નજીક થોડાં દૂર


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 10-07-2013 નો લેખ.

નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,

અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.

વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

– મુકુલ ચોકસી.

વેદ અને ઋચા. એકમેક માટે જ સર્જાયેલા જાણે સારસબેલડી. આજના જમાનાને શોભે એ પ્રમાણે જ એમણે પણ પ્રેમલગ્ન કરેલા અને એમના પરાણે સમજુ બનવા પડેલા પેરેન્ટ્સે એ સંબંધ પર સંમતિની મહોર મારીને લગ્ન કરાવી આપેલા. બહુ ચર્ચિત વાક્ય – ‘એ બે જણાં ખુશ છે ને તો બસ, આપણે હવે જેટલાં કાઢ્યા એટલા બીજા કયાં કાઢવા છે ? સુખી રહેવું હોય તો આ જુવાનિયાઓની વાતોમાં બહુ દખલઅંદાજી નહી કરવાની ‘ જેવા વાક્યો ઋચાના કાનમાં પડઘાતા. ઋચા એક ખાનદાની અને સંસ્કારી ઘરની છોકરી હતી. એ વેદના ઘરમાં સેટ થવા માટેપૂરતો પ્રયત્ન કરતી હતી . એણે પણ લગ્ન પહેલાં પોતાના ભાવિ ઘર – સાસરી માટે બહુ બધા સપના જોયેલા હતાં. એ સપના મહીંનો સુખી સંસાર રચવા માટે એ સદા ઓતપ્રોત રહેતી.

દિવસો પર દિવસો અને વર્ષો પર વર્ષો વીતતા ગયાં. સપનાઓ પાછળ મન મૂકીને દોટ મૂકી હતી પણ એ સપના સપના જ રહ્યાં હતાં..એની ખુશી કાયમ હાથવેંતના છેટે જ રહેતી. ઋચા પણ હવે થાકી હતી. કોમ્પ્રોમાઈઝનુ વલણ હવે ધીમુ પડતું જતું હતું ને એના સ્થાને ઉદભવતુ હતુ એક કડવાશભર્યું, તીખા તમતમતા વેણથી સભર નારાજીનુ વાતાવરણ. લગભગ ૧૫ વર્ષના ગાળા દરમ્યાન વેદ અને ઋચાને ભગવાને બે સુંદર બાળકોની ભેટ આપી હતી. એમની માસૂમ હરકતો જ આ ઘરને જીવંત અને ખુશહાલ રાખતુ હતું. સાસુ-સસરા – દમયંતીબેન – વિજયભાઈ અને દીકરા-વહુની વચ્ચેની એક નાજુક કડી !

 

માનવીનો ગુસ્સો લાંબો સમય સુધી દિલમાં છુપાઈ નથી શકતો.ધીરે ધીરે એ ક્યાંક ને ક્યાંક કોઇક ને કોઇક રીતે બહાર નીકળે જ છે. વિજયભાઈની ઉંમર સાઈઠની નજીક પહોંચતા એ એમની નોકરીમાંથી રીટાયર્ડ થયા અને આખો દિવસ ઘરમાં જ…આખી જીંદગી બહુ કામ કર્યું હવે આરામ જ આરામ ! દમયંતીબેનને હવે એમની લડાઈમાં વિજયભાઈનો સપોર્ટ મળવા લાગ્યો અને ઋચાના માથે બે – બે સાસુઓની ક્ચકચ. હવે એ પણ કંટાળી હતી. સામેવાળા પક્ષમાં સુધારાને કોઇ જ અવકાશ નથી એવું લાગતા હવે એના વર્તન પરથી લગામ પણ છૂટી ગઈ. ધીરે ધીરે આ બેલગામી વર્તન ઘરના સદસ્યો ઉપરાંત બહારના લોકોના ધ્યાનમાં પણ આવવા લાગ્યું  હતું.

ઋચા-વેદના સગા વ્હાલા ઘરે આવતાં દમયઁતીબેન અને વિજયભાઈ ધરાર ઉઠીને એમના બેડરુમમાં જતા રહેતા અને દમયંતીબેન –વિજયભાઈના મિત્રો આવે ત્યારે ઋચા એના બેડરુમમાં જતી રહેતી. પણ બન્ને જણની હાજરી જરુરી હોય એવા સગા આવે ત્યારે વાતાવરણ ગરમાગરમ થઈ જતુઁ. બે ય પક્ષ સામેવાળાને નીચા બતાવવાની એક પણ તક છોડતાં નહીં. ધીરે ધીરે સૂડી વચ્ચે સોપારી જેવી આ હાલતથી બચવા માટે એમના સગાવ્હાલાંઓએ હવે એમના ઘરે આવવાનું ઓછું..અને પછી તો સઅદંતર બંધ જ કરી દીધું. બે વાસણો તો બધાના ઘરમાં ખખડતાં હોય છે પણ એને આમ ઘરના ડ્રોઈંગરુમમાં મહેમાનોની સમક્ષ લાવીને ખખડાવાનો શું મતલબ…આ કકળાટથી બચવા લોકો એ બેયને એકસાથે કોઇપ્રસઁગોએ બોલાવતા પણ ખચકાવા લાગ્યાં.

એક દિવસ વેદે થોડી હિઁમત કરીને વિજયભાઈ સાથે એમના રુમમાં કંઈક વાત કરી અને એ પછી અંતિમ નિર્ણયરુપે એણે ઘરની નજીક એક બીજું ઘર લઈ લીધું. એ પોતાના બેય સંતાનો સાથે ત્યાં સેટ થઈ ગયો.

દમયંતીબેન અને ઋચા હવે શાંતિથી જીવવા લાગ્યાં. એ બેયના કજીયા ઓછા થતાં ઘરના દરેકસદસ્યોના બ્લ્ડપ્રેશર નોરમલ થવા લાગ્યાં. શાંતિની સ્થિતીમાં દરેકને પોતાના વર્તન,ભૂલો પર પસ્તાવો પણ થયો અને ધીરે ધીરે બેય ઘરના સદસ્યો એકબીજાને મળવા એકબીજાના ઘરે આવતા જતા થયાં. એક બીજા સાથે સુખેથી સમય પસાર કરવા લાગ્યાં.

વેદ વિચારતો હતો કે બે ય પક્ષ વચ્ચે મનમેળ કરાવવામાં એ આખો નીચોવાઈ ગયેલો. મનમેળ શક્ય જ નહતો એવી સ્થિતીમાં નાહક્નો જ પોતે સાથે રહેવાની જીદ લઈને બેઠેલો. વાત તો મા બાપનો સહારો બનવાની જ હતી ને..તો એ તો એ થોડા દૂર રહીને પણ કરી જ શકે છે ને.એ ઉપરાંત ગૂંચવાઈ ગયેલી સ્થિતીમાં અકળાઈ ગયેલી ઋચાને પણ એ ભરપેટ ખુશ રાખી શકે છે. વળી આ બધાના પ્રતાપે એમના સંતાનોને પણ સારા વર્તન દ્વારા સારા સંસ્કાર સીંચી શકે છે. વિજયભાઈ વિચારતા હતાં કે થોડાં દૂર જવાથી વધારે નજીક અવાય છે એ  વાતનો ખ્યાલ એમના જેવા અનુભવીને પહેલા કેમ ના આવ્યો..?

અનબીટેબલ: It is not enough to win a war, it is more important to organize the peace !-msg.

-સ્નેહા પટેલ

unbetable 39


લગ્નપ્રસંગ પાછળ થતી ધામધૂમ એ લગ્નજીવન સફળ જવાના પરસન્ટેજ વધારવામાં કોઇ ભાગ નથી ભજવતા.

-સ્નેહા પટેલ

લાંબી મઝલ


લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે,
મંઝિલ હો હાથવેંત ને થાકી જવાય છે.

સદીઓનો થાક જાત ઉપર વીંટળાય છે,
આભૂષણો પીડાના ત્વચા ઉપર જડાય છે.

કાઢીને જાત બહાર ચરણમાં ધરી દઈ,
એમ જ હંમેશ પ્રેમની પૂજા કરાય છે.

આંસુનો સ્વાદ પણ કદી મીઠો જ હોય છે,
ખુશીઓમાં કોઇ વાર રડી પણ પડાય છે.

ચૂપચાપ રોજ ચાલ્યાં  કરું એ દિશા તરફ,
કોને ખબર કે કેટલો રસ્તો કપાય છે ?

-સ્નેહા પટેલ

પોચકા ધૃતિબેન


Snap1

ગુજરાત ગાર્ડીઅન પેપર > ટેક ઈટ ઇઝી કોલમ > લેખ નંબર -46

http://gujaratguardian.in/E-Paper/07-07-2013Suppliment/index.html

‘હેલો, કોણ બોલો ?’

રાતના લગભગ સાડાબારના સમયે મારી ઉંઘથી ભરચક્ક આંખો બંધ થઈને નિંદ્રાદેવીના શરણે થઈ જવાની તૈયારી કરી રહી હતી ત્યાં મોબાઈલમાં રીંગ વાગી અને મેં કંટાળાના પ્રભાવ હેઠળ નંબર જોયા વગર જ ફોન ઉપાડયો, ત્યાં સામેથી ‘કોણ બોલો’ જેવો આજના મોબાઈલયુગમાં લગભગ મૂર્ખામીની હદ જેવો લાગે એવો પ્રષ્ન લમણે ઝીઁકાયો. આંખો અને મગજ બેયને પૂરેપૂરા જાગ્રૃત અવસ્થામાં લાવવામાં લગભગ અડધી મીનીટ જેવો સમય લઈને મેઁ મોબાઈલમાં નામ જોયું તો બધો ગુસ્સો હવા થઈ ગયો.આ તો મારી પ્રીય સખી ધૃતિનો ફોન હતો. પણ આટલા મોડા ફોન કરવા પાછળનું કારણ..? મનોમન ચાલતી બધી વિચાર પ્રક્રિયા બંધ કરીને મેં ફોનમાં જવાબ આપ્યો,

‘ઈડીઅટ, ફોન કરે છે તો ખ્યાલ નથી કે કોને નંબર લગાવ્યો? કે પછી તારા મોબાઈલમાં નંબર સાથે નામ ‘સેવ’ કરવાની સુવિધા નથી ?’

‘એવું નથી યાર, છેલ્લાં મહિનાથી લાંબી બિમારી ચાલે છે એટલે થોડી કંટાળી છું. અત્યારે ડિપ્રેશનના વાદળૉ માથા પર તોળાઈ રહેલા, નિરાશા લઈને ઝળુંબી રહેલા છે એટ્લે નાછુટકે તને ફોન કર્યો.. માઈન્ડ ડાયવર્ટ કરવા.’

એના વાક્યમાં રહેલી સાહિત્યની છાંટની મજા માણું કે એની લાંબી બિમારીનું દુ:ખ માણુંની દ્વિધાપૂર્ણ અવસ્થામાં બે પળ વિતાવી.થોડી વાતચીત પછી ખ્યાલ આવ્યો કે એ લગભગ મહિનાથી તાવ આવતો હતો અને રીપોર્ટ પર રીપોર્ટ કઢાવ્યા છતાં શેનો તાવ હતો એ પકડાતો નહતો. થોડીવાર વાત કર્યા એનો ઉભરો શમી ગયો અને નિંદ્રાદેવી પણ મારા  ઉપર એનો પૂર્ણ પ્રભાવ પાથરવા લાગી હતી એટલે એને ‘કાલે તારા ઘરે આવું છું’ નો વાયદો કરીને સૂઈ ગઈ.

બીજા દિવસે સવારે પરવારીને રસ્તામાંથી થોડા ફ્રૂટ્સ લઈને ધૃતિના ઘરે પહોઁચી તો ત્યાં ઓલરેડી એની ખબર પૂછનારો ‘ખાસ પ્રકાર’ નો વર્ગ હાજરાહજૂર હતો. ફ્રૂટસ બાજુમાં મૂકીને એની પાસે બેસીને એનો હાથ હાથમાં લઈને મેં પૂછ્યું,

‘કેમ છે હવે ?’

‘કોણ બોલે છે ને કોને પૂછે છે’ ની સમજ વગર જ ધૃતિના સંબંધી કાકાએ વાતમાં ‘યા હોમ કરીને ઝુકાવી દીધું.

‘અરે,આ ધૃતિબેન તો બાપા બહુ પોચકા હોં કેં. 1 જેટલું ટેમ્પરેચર છે એને તાવ કહે છે. આ તે કંઈ તાવ કહેવાય ? આમાં ને આમાં તો મહિનાથી પથારીમાંથી ઉઠતા જ નથી. મને તો 98 – 98 તાવ રહેતો હતો તો પણ દુકાને જતો હતો બોલો…’

આમના અધકચરી સમજના ટેમ્પરેચર સમજવા માટે મારે મારું મગજ ખરાબ નહતું કરવું એટલે

‘માનવીના શરીરનું નોર્મલ ટેમ્પરેચર 98.6 સેલ્સિયસ હોય.’ નરો વા કુંજરો વા ની સ્ટાઈલમાં મારો વિરોધ નોંધાવ્યો. પણ પેલા પ્રૉઢ કાકા જે સગામાં ધ્રુતિના કાકાજી થતા હતા એમના ભેજામાં અક્ક્લના નામે પથરા તરતા હતાં. રામ – રામ.. કયો હનુમાન આ અદભુત કાર્ય કરી ગયો હશે ! મનમાં ને મઅનમાં વિચાર્યું આ શેરબજારમાં રમમાણ કાકા એમનું ‘ટેમ્પરેચર અપ’ જાય અને તાવ આવે તો કદાચ દવા કરાવવાને બદલે એનેય ઉંચા ભાવે વેચી આવે એવો જડ્સુ લાગે છે.

‘આ તમારી પેઢીનો આ જ પ્રોબ્લેમ બળ્યો, સહેજ કંઈ થયું નથી ને ડોકટરોના ચક્કરો ચાલું.પૈસા પાણીની જેમ વહાવશો. વ્હીલપાવર જેવો શબ્દ જ મરી પરવાર્યો લાગે છે આજના જમાનામાં..હ..મ્મ…! અમારા જમાનામાં તો હાડકાં તૂટે તો ય અમારા વડીલો આપણા શરીરમાં હજારો હાડકાંઓ છે એકાદ તૂટે એમાં શું નવાઈ કહીને ઘરે જ પાટાપીંડી કરી દેતાં’

‘હાડકાં’ શબ્દ સાંભળતા જ ધૃતિના વિરાટ આલ્સેશિયન કૂતરાના કાન ઉંચા થઈ ગયા, જીભ બહાર નીકળી ગઈને લબકારા લેવા લાગી.

ત્યાં તો કાકા સાથે આવેલા કાકીએ વાતનો દોર એમના હાથમાં લઈ લીધો.

‘અમારા એક સંબંધીને વિચિત્ર પ્રકારનો રોગ હતો. એ પલંગ પર સૂઈ જાય તો એને લાગે કે નીચે કોઇ છુપાઈ ગયુંછે અને નીચે સૂઈ જાય તો લાગે કે ઉપર છુપાઈ ગયું છે. આમ ને આમ એઆખી રાત પથારી અને પલંગ જ ફંફોસ્યા કરતો.’

મેં આવો વિચિત્ર કેસ કદી જોયો નહતો એટલે રસ પડ્યો અને સામે પૂછાઈ ગયું,

’પછી શું થયું…એમને કોઇ સારા સાઇકીઆટ્રીટને બતાવ્યું કે ?’

‘અરે બેન, એમાં ડોકટરની શું જરુર…આ તમારા કાકા સાચું જ બોલ્યાં કે તમને જુવાનિયાઓને ડોકટરોને મળ્યા કરવાની, એનું મોઢું જોયા કરવાની એક વિચિત્ર આદ્ત પડી ગઈ છે. એ પલંગના પાયા જ કપાવી નાંખ્યા એટલે એ પ્રોબ્લેમ સોલ્વ. એમાં શું વળી આટલું વિચારવાનું. કહું છું ચાલો આપણા મનિયાને ઓફિસેથી આવવાનો સમય થઈ ગયો. આપણે હવે વિદાય લઈએ.’

અને અદભુત કપલે ત્યાંથી વિદાય લીધી. મનોમન એમના મનિયાનો આભાર માનીને અમે બે જણે હાશકારાનો શ્વાસ ભર્યોં. હવે મેં નજર ભરીને ધ્રુતિ સામે જોયું. સુંદર ,ગુલાબી, હંમેશા ખુશખુશાલ ધૃતિ અત્યારે સાવ જ નંખાઈ ગયેલી હાલતમાં હતી. એના ફીક્કા વદન પર ચિઁતાના વાદળૉ સ્પષ્ટ દેખાતા હતાં. પેલાં સંબંધી ગયા ને તરત જ એ રડી પડી.

‘સ્નેહા,આ લોકો ખબર જોવા આવે છે કે મને મારી નાંખવા એ જ નથી સમજાતું.જે આવે એ મારા વ્હીલપાવરની વાતો કરે રાખે છે તો અમુક જાતજાતની બિમારીઓ અને એની આડાઅસરોની વાતો કરીને મારા મગજમાં શંકા – ડરના બીજ વાવ્યે રાખે છે, જાણે મારું મગજ કચરાપેટી ના હોય..! આમ થાય છે ને તો આ રોગ હોઇ શકે..અમારા એક સંબંધીને અસ્સલ આવું જ થયેલું અને એમણે સાચવ્યું નહીં ને તો છ મહિના હેરાન થઈનેમરી ગયાં. આજકાલ જાતજાતના રોગો નીકળ્યા છે. તમે આનો રીપોર્ટ કઢાવો ને તેનો રીપોર્ટ કઢાવો. સાચું કહું તો આ લોકો આવી આવીને મને રાહત આપવાના બદલે ટેંશનોનો ટોકરો પધરાવીનેજ જાય છે. મારી શારિરીક હાલત કરતાં માનસિક હાલત ખરાબ કરી નાંખી છે..શું કરું ?’

‘જો ધૃતિ, દુનિયા છે તો એ તો બોલવાની. તું ચિંતા ના કર. આજકાલ રોગો વધ્યા છે તો મેડીકલ સાયંસ પણ એનાથી બે ઘણું આગળ વધ્યું છે. તું મેન્ટલી ના તૂટી જા બસ.ધીરજ રાખીને સારા ડોકટરની ટ્રીટમેંટ કરાવ, ના હોય તો મારા ફેમિલી ડોકટર પાસે લઈ જાઉઁ ચાલ..’

‘ના..ના..સ્નેહા. સાવ એવું નથી. પહેલાં લગભગ 2-3 જેટલો તાવ રહેતો હતો જે હવે ઓછું થઈ ગયો છે વળી એ પણ બે ત્રણ દિવસે એકાદવાર જ આવી જાય છે ..ડોકટર કહે છે કે એકાદ અઠવાડીઆમાં સાવ સાજા નરવા થઈ જશો. એકાદ બે રીપોર્ટ હજુ કઢાવવાના છે. પણ વીકનેસ બહુ આવી  ગઈ છે, ચાલતા તો ક્યારના શીખેલા હોઇએ આપણે પણ પોતાના પગ પર ઉભા રહેવું એટલે શું એની સમજ આજે પડે છે. રોજ બારીમાંથી સેંકડો લોકોને બહાર હરતા ફરતા જોઇને મનમાં થાય છે કે હું ક્યારે આમ હરી ફરી શકીશ..? આ દવાઓ મારો પીછો કયારે છોડશે..મારા અધૂરા કામો ધાર્યા સમયમાં ક્યારે પૂરા કરી શકીશ..? વન ટાઈપ ઓફ ડીપ્રેશન આવી જાય છે…પણ તારા જેવા સમજુ વ્યક્તિ સાથે વાત કરીએ એટલે બધું મટી જાય છે…ઉભરો નીકળી જાય..’ અને તરત એના મોઢા પરના આંસુ લૂછીને સ્માઈલ લાવીને બોલી

‘ચાલ તારી માટે ચા બનાવી દઊં.’ દસ મીનીટના મારી સાથેના વાર્તાલાપે એનો મૂડ એકદમ સુધારી દીધેલો. સ્પષ્ટપણે એના માનસિક બદલાવની અસર એના શારિરીક વર્તાવ પર દેખાઈ આવતી હતી. માનવીને શારિરીક બિમારીમાં દવાઓ અને ડોકટરોની સાથે સાથે તંદુરસ્ત માનસિક ટેકાની પણ જરુર હોય છે એ લોકો કેમ ભૂલી જાય છે મને એ વાત જ નથી સમજાતી. વળી લાંબી બિમારીના પરિણામ સ્વરુપ દર્દી માનસિક રીતે તૂટી ગયો હોય તો એને વેવલો કે માયકાંગલો કહીને ઉતારી શું કામ પાડવાનો..? શારિરીકની જેમ માનસિક રોગોના ઉપચારની પણ સમયસર જરુરીઆત હોય છે. દરેક માનવીના મનોબળ ક્યારેય સરખાં તો ના જ હોય ને ?

આ બધું વિચારતા વિચારતા મેઁ ચા અને ખાખરાનો નાસ્તો પૂરો કર્યો અને ધૃતિને સમય મળે એમ એમ ચોકકસ મળવા આવતી રહીશ અને વચ્ચે વચ્ચે ફોન કરતી રહીશ નું વચન આપીને ત્યાંથી વિદાય લીધી.

-સ્નેહા પટેલ.

વાત પ્રેમની


fulchhab paper > navrash ni pal column > 3-07-0-2013

અડોઅડ ડાળનાં બે ફૂલ, સાજણ આપણે બન્ને,

આ મર્મર, મ્હેંક ને રંગોનું કારણ આપણે બન્ને.

-હર્ષદ ચંદારાણા.

અનુજાની નજર પોતાની ઓફિસને અડીને આવેલી બિલ્ડીંગમાં સાતમા માળે આવેલા ફ્લેટની ગેલેરીમાં પડી. સફેદ રંગંનો મોર પોતાની સઘળી ય આવડત – તાકાત સાથે પાંખો ફેલાવીને કળા કરી રહ્યો હતો, નાચી રહ્યો હતો, ઝૂમી રહ્યો હતો. ચોમાસાની ઋતુની ખુશનુમા સંજનું વાતાવરણ માદક હતું. અનુજા બે મીનીટ આકાશની ભીની ભીની લાલીમામાં ખોવાઈ ગઈ હતી. વરસાદે એના અંતરનો અવાજ સાંભળી લીધો હોય એમ વરસાદના છાંટા પડવા લાગ્યાં અને અનુજાનો મનમયુર નાચી ઉઠ્યો. ત્યાં જ એના મોબાઈલમાં રીંગ વાગી અને એનું આકાશદર્શનનું ધ્યાનભંગ થયું.  જોયું તો પલ્લવનો ફોન હતો. પલ્લવ એનો પ્રીયતમ અને અનુજા એકલી એકલી હસી પડી ને ફોનનું સ્ક્રીનલોક ખોલ્યું.

‘હલો..’

‘અનુ,,આજે એક કોમ્પ્લીકેટેડ કેસ આવ્યો છે…ઘરે આવતા મોડું થશે તું અને સોનુ જમી લેજો. મારી રાહ ના જોતાં.’

‘ઓહ..આજે તો આપણે મૂવીનો પ્રોગ્રામ બનાવેલો પલ્લવ…છેલ્લાં છ મહિનાથી આપણે સાથે બહાર નથી જઈ શક્તાં. તું વઅને તારી આ ડોકટરી…હમ્મ…ડોકટરો એ તો પરણવું જ ના જોઇએ.’ અને અનુજાએ ગુસ્સામાં ફોન કટ કરી નાંખ્યો.

અનુજાએ ઘડિયાળમાં જોયું તો એ પોણા સાતનો સમય બતાવતી હતી. ઓફિસેથી નીકળવાનો સમય થઈ ગયો હતો.  ફટાફટ ટેબલ સરખું કરીને અનુજાએ સોનુને રવજીપાર્ક પાસે આવેલ મકાઇ અને ચણાજોરગરમ વાળાની લારી પાસે બોલાવી લીધી.એ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં એની ટીનેજરી દીકરી સોનુ  એક્ટીવા લઈને ત્યાં પહોંચી જ ગયેલી. અનુજાએ ગાડી પાર્ક કરીને બે બાફેલી મકાઈનો ઓર્ડર આપ્યો ત્યાં જ એના કાનમાં બાઈકની બ્રેકનો તીવ્ર ચરમરાહટ પડ્યો. અનુજા અને સોનુ બેય જણની નજર એક સાથે  થોડેક જ દૂર  પડતાં આઠ રસ્તા ઉપર પડી. એક બાઈકવાળો જુવાનિયો સાઈઠ વર્ષની ઉંમરના એક કાકાને ટકકર મારીને ભાગી ગયેલો. જમીનદોસ્ત કાકાના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને એમના ખમીસને પોતાના રાતારંગમાં ઘમરોળતું ચાલ્યું હતું, એમના હાથમાં રહેલા ચનાજોરગરમનું પડીકું રસ્તા પર વેરાઇ ગયેલું. અનુજાએ તરત જ બાજુમાં રહેલ ગોળાવાળાની લારી પરથી બરફ લઈને કાકાના કપાળે ઘસી કાઢ્યો. બે મીનીટમાં તો કાકાને ખાસી એવી રાહત થઈ ગઈ. કાકાએ  ચણાજોરગરમના પડીકામાં બચેલા ચણા જોઇને એક દીર્ઘ નિશ્વાસ મૂક્યો અને એમની આંખમાં આંસુ તગતગી ઉઠ્યાં અને ધીમા અવાજે ગણગણ્યાં,

‘બચુની મા આજનો શનિવાર એમ જ ચલાવી લે હવે ચણા વગરનો જ. મારી પાસે બીજા પૈસા નથી હવે.’ અને ઉભા થઈને ડગમગાતા કદમે ચાલવા લાગ્યાં. અનુજાએ એમની આંખોની ઉદાસી વાંચી લીધી અને કાકાની નજીક જઈને બોલી,

‘કાકા, ચાલો હું તમને મારી ગાડીમાં જ્યાં જવું હોય ત્યાં મૂકી જઉઁ અને આ લો ચણાજોરગરમનું પડીકું.’અને કાકાની આંખો છ્લકાઈ ઉઠી.

‘બેટા, તારો આભાર કઈ રીતે માનું ? આજે તું ના હોત તો મારી સોનલને ચણા વગર જ ચા પીવડાવવી પડત.’અને આ બાબતે મૌન રાખવાથી જ કાકાની ગરિમા સાચવી શકાશે માનીને અનુજાએ એમને એકપણ સવાલ પૂછ્યા વગર એમને ગાડીમાં બેસાડીને સ્થળનું નામ પૂછ્યું.

‘આ રોડની છેવાડે આવેલ કેસર હોસ્પિટલમાં લઈ લો ને.’

‘કેસર હોસ્પિટલ તો…’ અને આગળના શબ્દો અનુજા ગળી ગઈ. સોનુને જલ્દી પાછા આવવાનું કહીને એ કાકાને લઈને કેસર હોસ્પિટલ પહોંચી. ત્યાં જઈને કુતુહલ વશમાં ના રહેતાં એ કાકાની સાથે હોસ્પિટલમાં ગઈ અને એનો ડર સાચો પડ્યો. કાકાની સોનલ એક પ0 એક વર્ષની ઉંમરની પાગલ સ્ત્રી હતી. કાકાએ સોનલની પાસે જઈને એના હાથમાં ચનાજોરગરમનું પેકેટ પકડાવ્યું. વેરવિખેર વાળ – લઘર વઘર પહેરવેશમાં સજ્જ્ સોનલે કાકાના હાથમાંથી પડીકું લઈને ફેંકી દીધું. આ જોઇને અનુજા સ્તબ્ધ થઈ ગઈ.એની આંખના સવાલો પારખીને કાકાએ પોતાની ભીની આંખ લૂછતા જવાબ વાળ્યો,

‘સોનલને ચનાજોરગરમ બહુ ભાવે. દર શનિવારે અમે બે હુતો હુતી ગાર્ડનની બહાર જઈએ ત્યારે અચૂક સોનલ આ ખાય જ. ભગવાન અમ ગરીબોની કસોટી લેવા ધારતો હશે તો મારી સોનલને પાગલપણના એટેક આવવા માંડ્યાઅને એનું પાગલપણ સંભાળી ના શકાય એટલી હદે આવી પહોંચતા મારે નાછૂટકે એને પાગલની આ હોસ્પિટલમાં દાખલ કરવી પડી. એ ગાંડીઘેલીને આ વાતનું બહુ લાગી આવ્યું છે. જ્યારે સામાન્ય હાલતમાં હોય ત્યારે મારી સાથે આ વાતને લઈને ગુસ્સે જ થયા કરે છે. હોસ્પિટલના લોકો જે પણ ખાવાનું આપે એ ચૂપચાપ ખાઈ લે છે પણ મારા ઉપર ગુસ્સે હોવાથી મારા હાથનું કશું જ એ સ્વીકારતી નથી.’

‘તો પછી કાકા તમે….’ અને આગળના શબ્દો અનુજા ગળી ગઈ. કાકાના ગરીબડા મુખ પર એક સંતોષનો આનંદ ફેલાઈ ગયો અને  બોલ્યાં,

‘બેટા, એ એની જગ્યાએ સાચી જ છે ને..વળી એ ગુસ્સે છે તો હું એને મનાવું છું. મરીશ ત્યાં સુધી આ પ્રયત્નો નહી છોડું. મને વિશ્વાસ છે કે એક દિવસ તો મારી સોનલ મને માફ કરશે જ. આખરે પ્રેમ, છે ત્યાં વિશ્વાસ છે, ધીરજ છે’

અને અનુજાને આજે નાનીશી વાતમાં પોતે પલ્લવ પર કેવી છેડાઈ ગયેલી એ વાત યાદ આવી ગઈ. મનોમન એનાથી કાકાની વાતના પડઘા પડી ગયા,

‘ હા કાકા, સાચું કહ્યું. આખરે પ્રેમ છે ત્યાં વિશ્વાસ છે, ધીરજ છે.’

અનબીટેબલ : પ્રેમ એટલે આપણે જેને ચાહતા હોઇએ એની ખુશી.

-સ્નેહા પટેલ

વર્ટીગો – દુનિયા ગોળ છે :


ગુજરાત ગાર્ડીઅન પેપર > 30-06-2013 – ટેક ઈટ ઈઝી -45

http://gujaratguardian.in/E-Paper/06-30-2013Suppliment/index.html

વ…ર..ટી…ગ..ઓ..ઓ…!

ઓ..ઓ…ઓ..નીકળી જાય એવી આ બિમારીમાંથી હમણાં જ ઉભી થઈ. સુખ કે સબ સાથી દુ:ખ કે ન  કોઇ…દુ:ખમાં વર્ટીગોના ચક્કરોએ મારો બરાબર સાથ નિભાવ્યો. બહુ ગોઠી ગયું મારી સાથે તે અમુક માથે પડેલા – અણગમતા અતિથીઓની જેમ એ જવાનું નામ જ ના દે.રોજ સવારે ઉઠીને વિચારું કે આજે તો આ ચક્કરભમ જેવા ચક્કરને ધક્કા મારીને કાઢી જ મૂકીશ અને પછી કયારેય એને પાછો પ્રવેશ નહી કરવા દઉઁ. રોજ બાંયો ચડાવીને (સ્લીવલેસ ટોપ હોય તો એની કિનારીને પટ્ટીવાળી દો એટલે બાંયો ચડાવી જ કહેવાય ) ‘વર્ટીગો – મારું તન છોડો’ આંદોલન ચાલુ કરું અને બપોરના એક બે વાગતાં તો ‘નવે નેજાં પાણી આવી જાય’ અને હું થાકીને હાર માની લઉઁ.

કારણ ખ્યાલ ના આવતા ડોકટર મારી પર જાતજાતની દવાઓના ટેસ્ટ કરે જતાં હતાં.

‘લાગ્યું તો તીર નહીં તો તુક્કો’

તુક્કાથી ના ઠેકાણું પડયું તો એમણે એમની છટ્ઠી ડીગ્રી જેવા રિપોર્ટસ ઉપરે આંખો ઠારી.

‘એક કામ કરો ને, ફરીથી આવો ત્યારે સ્પાઈનલ કોડનો એક્સ-રે પડાવી લાવજો.’

‘સારું (મરતાં ક્યાં ના કરતાં !) ‘

રીપોર્ટમાં કંઈ જ ના આવ્યું. મણકાં બધા બરાબર હતા એ જાણીને દિલમાં એક દ્વિધા ઉતપન્ન થઈ !  આ સારું કહેવાય કે ખરાબ ? કરોડના મણકાં સાબૂત છે ની ખુશી રોગની  હજુ ચોકકસ દિશા નથી પકડાતી એ જાણીને થોડી ઝાંખી પડતી હતી. રીપોર્ટ લઈને ડોકટરને ત્યાં ગયાં. એકસરેવાળાએ તો ‘ઓલ ક્લીઅર’ નો સંકેત આપેલો પણ ડોકટર લીલી ઝંડી ના આપે ત્યાં સુધી એની કોઇ કિઁમત નહતી. રીપોર્ટ લઈને ડોકટરની ખોબા જેવડાં રુમમાઁ પ્રવેશ્યાઁ.  લંબચોરસ કમરાની દરેક દિવાલને અડીને બેંચીસ મૂકેલી જે રુમની લંબચોરસ દિવાલની આગળ બીજું લઁબચોરસ બનાવતું હતું. લગભગ દસ ફૂટની હાઈટના એ રુમમાં માથા ઉપર એક જૂનો પંખો ઘર..ઘર…ઘરના કર્કશ અવાજ સાથે ફરી રહેલો. લંબચોરસની એક ધરી પર બેસીને સામેની ધરીવાળાકાકાના પગ સાથે અથડાઇ જવાની ભીતિ લાગતાં પગ થોડાં અંદરની બાજુએ વાળી દીધાં અને ચૂપચાપ ત્યાં બેઠેલા દર્દીઓની સંખ્યા ગણી લીધી..આંકડો દસ પર પહોંચ્યો ને એક હાયકારો નીકળી ગયો. ત્યાં તો મનમાં વિજળી ચમકી અને ખ્યાલ આવ્યો કે આ બધા દર્દીઓ હોય એવું થોડું જરુરી છે? અડધા લોકો તો પેશંટની સાથે એમના સંબંધીઓ પણ હોઈ શકે ને? અને શ્વાસ હેઠો બેઠો.’સાંસ મે સાંસ આઈ’ એ આને જ કહેવાતું હશે ! મારું ભાવિ અત્યારે સામેના લાકડાના સ્ટુલ પર નોટબુક –પેન અને મોબાઈલ સાથે બેઠેલા પંદર સોળ વર્ષના છોકરાની ઉપર આધારીત હતું. એની નોટબુક સામે ત્રાટક કરીને જોઇ રહીને મેં વાંચેલી વશીકરણની બધી ય વિધ્યા અજમાવી જોઇ –રખેને એકાદ પ્રયોગ સફળ થઈ જાય ને મારો વારો વહેલો આવી જાય. ડોકટરના દવાખાનાની બહાર રાહ જોઇને બેસવાનું એ મારા માટે દુનિયાનું સૌથી પીડાદાયી કામ. ત્યાં તો ડોકટરની કેબિનમાંથી પેશંટ બહાર આવ્યો અને બહાર બેઠેલા દરેકના મોઢા પર ખુશીની લહેર ફરી વળી. મારી ગણત્રી પ્રમાણેઆ વ્યક્તિ પછી મારોવારો હતો. વગર માતા આવ્યે આગળ પાછ્ળ ડોલતાઁ માથાને સાચવીને મક્કમતાથી ખભા ઉપર સેટ કર્યુ અને પતિદેવનો હાથ પકડીને ઉભી થઈ ત્યાં તો પેલો છોકરડો નોટબુકમાં જોઇને બોલ્યો,

‘રુખીબેન “

અને એકાએક લંબચોરસ રુમની બહારથી રુખીબેન એમના દીકરા સાથે પ્રગટ થયાં.’

‘ઓત્તેરી,આ તો ક્યારના આવી ગયેલા પણ રુમની બહાર હતા એટલે મારી ગણત્રીમાંથી બાકાત રહ્યાં હતાં’ આવા સમયે ગુસ્સો નહી કામનો એવુ વિચારી મગજ પર કંટ્રોલ રાખીને ( જોકે ના રાખીએ તો ઉ કોઇને ક્યાં કશું ફર્ક પડવાનો હતો ) ચૂપચાપ મારી જગ્યાએ પાછી બેસી ગઈ અને રુખીબેન જલ્દીથી બહાર આવે એની રાહ જોવા લાગી. રુખીબેનની ડોકટરી વિઝિટ લાંબી ચાલી..લગભગ 15 મીનીટ..બહાર બેઠેલા બધા દયનીયતાથી એકબીજાનું મોઢું તાકી રહેલાં. રાહ જોવાનો બોજ હળ્વો કરવાના હેતુથી બાજુમાંબેઠેલા કાકીએ મારી સાથે વાત ચીત ચાલુ કરી.

‘તમને બહુ તકલીફ લાગે છે ને કંઈ. બહુ અસ્વસ્થ લાગોછો..શું થયું છે ?’

‘વર્ટીગો.’અને એકદમ જ વીજળીનો કરંટ લાગ્યો હોય એમ એ ચમક્યાજં ને બોલ્યાં,’

’બાપ..રે..મને પણ થયેલું. રીકવરી થતા લગભગ 4 મહિના થયેલા.કોઇ કારણ જ ના મળે અને રીપોર્ટ પર રીપોર્ટો કઢાવે રાખીએ

’હજુ એમના વાક્યોના આઘાતમાંથી બહાર આવું ત્યાં તો એમની બાજુમાં ગળામાં ગેરુ કલરનો બેલ્ટ બાંધીને બેઠેલા કાકા બોલ્યાં,

’અરેરે…આજકાલ આ ‘વર્ટીગો’બહુ સંભળાય છે..આજકાલના હવામાનનો પ્રતાપ બીજું શું..જુઓને મારા દીકરાના મિત્રને થયેલો તો એને પણ લગભગ દસ –પંદર દિવસ લાગલગાટ એ ખુરશીમાં સીધા એમનું માથું સાચવીને બેસી રહેલા. બેઠા બેઠા જ સૂઇ જાય. આંખનો ડોળો સહેજ પણ આમથી તેમ ફરે તો  મગજમાં એક સબાકો વાગે, પેટમાં  ફાળ પડે..’આટલું સાંભળતા જ વાતમાં તલ્લીન થઈને ઢીલી પડી ગયેલી ડોકને ટટ્ટાર કરવાનીવાત યાદ આવી ગઈ..ત્યાં તો પેલા મુરબ્બીએ વાત આગળ વધારી.

‘ હેઁ બેન તમને કાનમાં દુ:ખે છે કે? આમાં તો ઘણીવાર કાન બંધ થઈ જાય- સંભળાય નહીં…’

હવે મારી તાકાત નહતી આમને સાંભળવાની એટલેમનોમન વિચારીને મેઁ મારા ચાલુ કાનની શ્રવણશક્તિ બંધ કરી દીધી

‘આદમી અગર કુછ કરને કી ઠાન લે તો ફેઐ ઉસે સારે જમાને કી કાયનાત ભી નહી રોક શકતી‘ એ પછી તો મારા પાડોશી દર્દીઓનું ‘વર્ટીગોપુરાણ’ ચાલુ જ રહ્યું જેમાથી  હું સાવ અલિપ્ત થઈને ડોકટરની એસીવાળી કેબિનનો કાચનો દરવાજો જ જોયા કરતી હતી. અને  ત્યાં મારું નામ બોલાયું,

‘સ્નેહાબેન’

ભર ઉકળાટ પછી વરસાદ પડી ગયો.

‘મંઝિલ કરતાં એના સુધી પહોંચવાનો રસ્તો વધારે આનંદદાયક હોય છે’  જેવા દોઢડાહ્યાં ફિલોસોફરો સાવ જ ખોટ્ટાડા !

ડોકટરે ટેબલ પર સુવાડીને હાથની કોણી, પગના ઢીંચણ, પગની પાની બધે હળ્વી હથોડી ઠપકારીને ચેક કર્યુંકે ‘વર્ટીગો’ નઆમનો કીડો અહીઁથી તો નથી પનપતો ને ? એ પછી બે પળના ગંભીર મનન પછી એ ઉવાચ :

‘રીપોર્ટસમાં તો કંઈ નથી..સારું દવા બદલીએ..જુઓ ફરક ના પડે તો પછી આવતા અઠવાડીએ…’

એ પછીના વાક્ય સાંભળવા પ્રત્યે મેં જાણી જોઇને દુર્લક્ષ જ સેવ્યું.

‘શાહમ્રુગ વૃતિ ઘણી વાર સારી થઈ પડે. દુનિયા કઈ રીતે ચાલે છે , કેમ ચાલે છે, એની દિશા કઈ છે એ બધું બહુ વિચારવાનું નહીં. કારણ…આપણા વિચારોથી દુનિયાને કોઇ ફર્ક પડવાનો નથી કે આપણે ધાડ મારીને એનું કે આપણું કોઇ ભલું કરી શકવાના નથી.’ બે કલાકનું તપ કરીને મેળવેલા ડોકટરના દર્શન કરીને બે મીનીટમાં તો અમે કેબિનની બહાર. બહાર નીકળીને દર્દીઓનામોઢા પર જોયું તો પાંચ મીનીટ પહેલા મારા મોઢા પર ‘આપણો વારો આવી ગયાનો’ આનંદ હતો એજ જોવામળ્યો. મે પણ એમની પ્રતીક્ષાનો સમય ફટાફટ કાપવામાં મદદરુપ થઈનો છુપો આનંદ અનુભવ્યો.

રોજ રોજના આ ઘર્ષણના પ્રતાપે દયા ખાઈને લગભગ એક મહિના પછી ‘વર્ટીગો’એ મને થોડી મચક આપી. એ બિમારી થવાના કારણો ‘સંભવિત’માંથી ‘ચોક્કસ’ દિશામાં ગતિમાન થયા અને મારા કુશળ ડોકટરની પકડમાં આવી ગયાં. મોટાભાગે કારણ જણાય પછી બિમારીનો ઇલાજ સરળ થઈ રહે છે. જોકે આ સરળ દેખાતો ઇલાજ હજુ તો ચાલુ છે. 80% મંઝિલ કપાઈ ગઈ છે. તો મિત્રો મારી બાકીની 20%ની મંઝિલ જલ્દીથી કપાઈ જાય એવી પ્રાર્થના કરજો.

દરેક માંદગી એના પોતાનામાં મહાન હોય છે એમ જ આ વર્ટીગો પણ બહુ ભયાનક રોગ છે..કોઇ દુશ્મનને પણ આ બિમારી ના થાય એવી પ્રાર્થના.

-સ્નેહા પટેલ